Archive for March, 2023
છિન્ન- પ્રકરણ ૪ (ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ) લઘુ નવલકથા/ પ્રકરણ ૪
સિનસિનાટીની ખુલ્લી હવામાં શ્વાસ લેતાની સાથે સંદિપ શ્રેયાની સાથે થયેલી વાતોને મનથી દૂર હડસેલી કામે લાગ્યો. એને આ દિવસોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો હતો. એ જે જાણવા, જે શીખવા આવ્યો હતો, જે અનુભવ લેવા આવ્યો હતો એમાં જાતને સંપૂર્ણ ડૂબાડી દેવી હતી. બીજા કોઈ વિચારો મન પર કબજો જમાવે નહીં એટલી હદે એને વ્યસ્ત રહેવુ હતુ. આમ પણ હવે શ્રેયાનો નિર્ણય જ આખરી રહેવાનો હતો. એને જે કહેવુ હતુ એ બધું જ એણે કહી ચૂક્યો હતો અને બાકી હતું એ છેલ્લે શ્રેયાથી છુટા પડતી વખતે કહીને આવ્યો હતો.
“શ્રેયા, આજથી માંડીને ૬ મહિના સુધીમાં તું જ્યારે જે નિર્ણય લઈશ એ મારો પણ નિર્ણય હશે. તારું મન જો ક્યારેય મારી તરફ ઢળે તો પણ મને જણાવવાની ઉતાવળ કરીશ નહીં. રખેને એ નિર્ણય કોઈ દબાવ કે લાગણીવશ થઈને લેવાયો હોય તો મને જણાવીશ નહીં ત્યાં સુધી એની પર ફરી વિચારવાનો તને અવકાશ રહેશે. આ અંગે હવે આપણે આ સ્ટડી ટૂર પતે નહીં ત્યાં સુધી કોઈ વાત કે ચર્ચા નહીં કરીએ. પણ હા ! જો તારો પોઝિટિવ અપ્રોચ હોય તો હું પાછો આવુ ત્યારે એરપોર્ટ પર લેવા તો આવીશને?”
શ્રેયાએ એને મૂક સંમતિ આપી હતી.
બેંગ્લોર પહોંચ્યાં પછી શ્રેયાએ પણ સમગ્ર ધ્યાન એ પ્રોજેક્ટ પર કેન્દ્રિત કર્યું, પણ કોણ જાણે કેમ હવે એ પોતાની જાતને સંદિપથી અલગ પાડી શકતી જ નહોતી. સેપ્ટના એ દિવસો, રાતોની રાતો જાગીને કરેલા પ્રોજેક્ટ સબમિશન માટેના ઉધામાના વિચાર આવતા.
“સ્ટોપ ઇટ એન્ડ લેટ્સ હેવ અ કૉફી બ્રેક.” અઢળક કામ વચ્ચે સંદિપનો મૂડ એકદમ બદલાઈ જતો અને બધું જ પડતું મુકીને બધાને કેન્ટીનમાં ઘસડી જતો. સંદિપનું બધું જ કામ મૂડ પર અવલંબિત હતુ. ક્યારેક મૂડ ન હોય તો સમયની ગમે તેટલી મારામારી હોય છતાં એ કામે વળગતો જ નહી અને કામ કરતાં કરતાં જો મૂડ બદલાઈ જાય તો બધા કામ લટકતા મુકીને ઉભો થઈ જતો. આ વાતની શ્રેયાને સખત ચિઢ રહેતી.
“કામ એટલે કામ વળી ,એમાં મૂડ કેવો? જે કામ કરવાનુ જ છે એ જેટલું બને એટલું વહેલું પતી જાય તો પછી તારે જેટલો લેવો હોય એટલો બ્રેક લેને તને કોણ રોકે છે? કામ સમયસર કે એનાથી પહેલાં પતે અને એમાં કોઈ જરૂરી કરેક્શન હોય તો એનાં માટે સમય હાથ પર તો રહેને?”
સંદિપનું કામ છેલ્લી ઘડી સુધી રહેતું. શ્રેયાનું કામ વ્યવસ્થિત પ્લાનિંગવાળું હતું.
“જો પૂરતો સમય હોય તો પાછળ ઘઈ કેમ ઊભી રાખવી?”
“ભઈ, તારા કામનાં ડેડિકેશન માટે તને સો સો સલામ પણ અત્યારે તો હવે કૉફી બ્રેક લે. યુ રિયલી નીડ અ ગુડ કૉફી, આખી રાત કામ ખેંચવુ છે ને?” શ્રેયાને છેવટે કૉફી બ્રેક માટે સંદિપની પાછળ ખેંચાવુ જ પડતું.
અત્યારે સંદિપ સાથે નહોતો એટલે શ્રેયા પોતાની રીતે વ્યવસ્થિત કામે લાગી શકતી. આ છ મહિના દરમ્યાન સખત કામ રહેવાનું હતું એટલે સમયની પાબંદ શ્રેયાએ સમય કરતાં કામ વહેલું પતે તેવી તકેદારી પહેલેથી રાખી હતી. સંદિપ સાથે હતો ત્યારે એ બધા શિડ્યુલ વેરવિખેર કરી નાખતો. અત્યારે જ્યારે સંદિપ નથી ત્યારે એની યાદ ચિત્તને વેરવિખેર કરી રહી હતી. શ્રેયા ઇચ્છતી નહોતી તેમ છતાં મન વારેવારે સંદિપને યાદ કરી લેતું હતું. આમ કેમ થતું હશે? સંદિપ હાજર હતો ત્યારે શ્રેયાને ક્યારેક એની હાજરી અકળાવનારી લાગતી અને અત્યારે જ્યારે એ હાજર નથી ત્યારે એની ગેરહાજરી વધુ સાલતી હતી.
શ્રેયાને રહી રહીને લાગતું હતું કે જાણે સંદિપ હવે એનાં જીવનનો એક ન અવગણી શકાય એવો હિસ્સો બની રહ્યો હતો.. જેટલી વધુ ને વધુ શ્રેયા પોતાની જાતને કામમાં રોકી રાખવા મથતી એટલી વધુ તિવ્રતાથી સંદિપ જાણે એનું મન રોકી રાખતો હતો. આ પ્રેમ હશે? પણ હ્રદયના ખૂણે ભિનાશ કેમ નથી અનુભવાતી? ચિત્તમાં જ્યારે સંદિપ જેટલો પડઘાય છે ત્યારે હૃદય કેમ એટલું એના નામથી થડકાર નથી અનુભવતું? હજુ એના વગર એક ક્ષણ પણ રહી નહી શકાય એવી તાલાવેલી કેમ નથી થતી છતાંય એ ક્ષણવાર પણ મનથી દૂર ખસતો નથી. ઓ ! ભગવાન આ તે કેવી અવઢવ !
અંતે શ્રેયાએ અમદાવાદ પહોંચીને નક્કી કરી લીધું કે, જ્યારે સંદિપ આવશે ત્યારે એ એને લેવા એરપોર્ટ જશે જ. મનની એક ડામાડોળ પરિસ્થિતિમાંથી એ બહાર આવી ગઈ હતી. એક વાત પપ્પા અને સંદિપની સાચી લાગતી હતી, પ્રેમ કરીને જ પરણાય? આપસી સમજ હોય તો દુનિયામાં પરણીને પણ પ્રેમ કરી સુખી થનારાં એની સાવ આસપાસ જ હતાં. વળી સંદિપથી વધીને બીજું કોણ એને સમજવાનું હતું? સંદિપનો નિર્ણય આજે એને સાચો લાગતો હતો. હવે બાકીની વાત બંને પરિવાર જાણે, પણ શ્રેયાએ એનો નિર્ણય પપ્પાને જણાવી દીધો.
Recent Comments