Archive for February 24, 2023
‘મારો ચીનીભાઈ’- ગરવી ગુજરાત ( લંડન)માં પ્રસિદ્ધ મહાદેવી વર્મા લિખિત વાર્તા ‘ वह चीनी भाई/ चीनी फेरी वाला’પર આધારિત ભાવાનુવાદ
ચીનાઓની મને કોઈ વાત આમ તો યાદ રાખવા જેવી લાગી જ નથી. એક સરખું માપ લઈને તૈયાર કરેલા બીબાંઢાળ ચહેરા,ચુંચી આંખો, બુચાં નાક, એમના આકાર, પ્રકાર, વેશભૂષાના લીધે યંત્રવત ચાલતા પૂતળા જેવા જ લાગે. પણ આજે યાદ આવે છે એક આદ્ર આંખોવાળો ચીની ફેરિયાવાળો. જે બોલ્યા વગર કહી ગયો કે, અમે સૌ કાર્બન કૉપી નથી. અમારી અલગ કથા હોય છે.
કેટલાક વર્ષો પહેલાંની વાત છે. પીઠ પર કપડાંનું પોટલું લઈએ આવેલો એ ચીની ફેરિયો કંઈક વેચવા માંગતો હતો.
“મેમસા’બ કંઈક લેશો?”
મા, બહેન, દીદી, બેટી જેવાં સંબોધનથી ટેવાયેલાં મનને મેમસા’બ શબ્દ કઠ્યો. વિદેશી માલ હું નથી લેતી કહીને એની અવજ્ઞા કરી.
“અરે! અમે ક્યાં વિદેશી છીએ. અમે તો ચીનથી આવીએ છીએ.” એની આંખોમાં વિસ્મય હતું અને અવજ્ઞાના લીધે આઘાત પણ.
ધૂળથી મેલાં જોડા અને એવાં જ મેલાં કપડાંમા દૂબળો પાતળો એ ચીની કંઈક જુદો તો લાગ્યો જ.
“સાચે જ મને કંઈ નથી જોઈતું ભાઈ.” અવજ્ઞાથી દુઃખી જોઈને હું થોડી કોમળ બની.
“ભાઈ કીધું તો જરૂર લેશો ને?”
આ તો ધરમ કરતાં ધાડ પડી.
એણે તો પોટલું ઉતારીને ચાયના સિલ્ક, ચાયના ક્રેપનાં કપડાં બતાવવા માંડ્યા. એનાં ભારે આગ્રહ પછી માંડ બે ટેબલક્લોથ લીધાં અને માની લીધું કે હવે આટલી ઓછી આવક પછી ફરી એ અહીં આવવાની ભૂલ નહીં કરે.
પંદર દિવસ પસાર થયા અને વરંડામાં પોટલું ખોલીને એને કંઈક ગણગણતો બેઠેલો જોયો.
“હવે તો હું કશું જ નથી લેવાની.” એને બોલવાનો મોકો આપ્યા વગર જ કહી દીધું.
ચીનીએ ભારે પ્રસન્ન ભાવથી ખીસ્સામાંથી એક રૂમાલ કાઢીને બોલ્યો, “ સિસ્તર, બહુ બેસ્ત સેલ થયું હતું એટલે તમારી વાસ્તે સંતાડીને લાવ્યો છું.” એ ‘ટ’ બોલવાના બદલે ‘ત’ બોલતો. બોલતો ત્યારે સતત હકલાતો.
જાંબુડી રંગનાં નાજુક ફૂલોથી સજાવેલા સરસ મઝાના રૂમાલ હતા જેમાં ચીની નારીની નાજુક આંગળીઓની કલાત્મકતા જ નહીં જાણે જીવનના અભાવની કરૂણ કથા આલેખાયેલી હતી. મારાં મ્હોં પરના નકારાત્મક ભાવની પરવા કર્યા વગર એની ઝીણી આંખો પટપટાવતા એણે હકલાતા સ્વરે બોલવા માંડ્યું. “ સિસ્તર કે વાસ્તે લાયા હૈ. સિસ્તર કે વાસ્તે લાયા હૈ.”
આ તે કેવો યોગાનુયોગ! નાની હતી ત્યારે સૌ મને ચીની કહીને ચીઢવતા. હવે રહી રહીને આખા અલ્હાબાદમાં સૌને છોડીને બહેનનો સંબંધ જોડતો આ ભાઈ મળી આવ્યો! એ દિવસથી મારા ઘેર આવવાનો જાણે એને વિશેષાધિકાર મળી ગયો.
ચીનની સામાન્ય વ્યક્તિ પણ કલા સંબંધી અભિરૂચી ધરાવે છે એ એની પાસેથી જાણ્યું. આસમાની રંગની દીવાલો પર કેવું ચિત્ર શોભે, લીલા કુશન પર કેવા પક્ષી સુંદર દેખાય, સફેદ પરદા પર કેવા ફૂલોનું ભરત શોભશે જેવી જાણકારી એની પાસેથી મળી. રંગ અંગેની એની જાણકારીથી તો એવું લાગ્યું કે, એની આંખો પર પટ્ટી બાંધી હોય તો સ્પર્શ માત્રથી પણ એ કયો રંગ છે એ કહી દેશે.
ચીની વસ્ત્ર કે ચીની ચિત્રોનાં રંગો જોઈને થતું કે, ચીનની માટીનો કણ કણ પણ આવા રંગોથી રંગાયેલી હશે. મારે ચીન જોવું છે જાણીને એ અતિ પ્રસન્ન થઈ ગયો. પોતાની કથા સંભળાવવા એ અતિ ઉત્સુક રહેતો પણ કહેવા, સાંભળવા વચ્ચે ચીની અને બર્મીઝ ભાષાની ખાઈ હતી. એની ભાંગીતૂટી વાતોથી પૂરો સંદર્ભ સમજવો મુશ્કેલ હતો પણ, ભાવને ભાષા કે શબ્દોની સીમાઓ ક્યાં નડે? જે સમજાયું એ સાચે કરૂણ કથા જેવું હતું.
એના માતા-પિતાએ બર્મા આવીને ચાની ટપરી ખોલી ત્યારે એનો જન્મ નહોતો થયો. એના જન્મ પછી તરત જ સાત વર્ષની બહેન પાસે છોડીને એની મા પરલોક પહોંચી. જે માને જોઈ પણ નહોતી એ મા પ્રત્યેની એની શ્રદ્ધા અજબ અને અતૂટ હતી. પિતાએ બીજી બર્મીઝ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને મા વગરનાં એ બાળકોનાં દુર્ભાગ્યની શરૂઆત થઈ. પાંચ વર્ષનો થયો ત્યાં પિતા એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. અબોધ બાળકોએ સંજોગ સાથે પનારો સ્વીકારી લીધો. અપરમાનો ત્રાસ વધતો જતો હતો. ક્યારેક બહેન અને મા વચ્ચેનાં વૈમનસ્યને લઈને અબોધ બાળકને વધુ સજા મળતી. કેટલીય વાર ઘરનાં બંધ બારણાની બહાર આખી રાત ઠંડીમાં ઠરતી એની આંગળીઓ બહેનની હથેળીમાં ઉષ્મા શોધતી. બહેનનાં મલિન વસ્ત્રોમાં એના આંસુ ઝીલાતા. બહેનનાં નાનાકડા ખોળામાં ભરાઈને પિતા પાસે જવાની જીદ કરતો ત્યારે એના ફિક્કા ગાલ થપથપાવીને બહેન શાંત પાડતી. પડોશીઓના ઘેર કામ કરીને બહેન એના માટે ભાત માંગી લાવતી.
બહેનની વ્યથાનો અંતિમ પડાવ હવે શરૂ થતો હતો. એક રાત્રે એણે જોયું તો મા બહેનને ખૂબ અલગ રીતે સજાવીને ક્યાંક લઈ ગઈ. એ જોઈને એ ખૂભ ભય પામી, રડી રડીને ઊંઘી ગયો. જ્યારે જાગ્યો ત્યારે એની પાસે પોટલાની જેમ પડી બહેન રડતી હતી. એ દિવસથી ભાઈને રોજે સારુ ભોજન, કપડાં, રમકડાં મળવા લાગ્યા. હવે ઉત્તરોઉત્તર બહેનની ક્ષીણ થતી કાયાને વધુ રંગરોગાન કરવામાં આવતા.
રોજ એ વિચારતો કે કોઈક રીતે એના પિતાની ભાળ મળી જાય તો એમને ઘેર લઈ આવીને બહેનને ખુશ કરી દે પણ, એ ખોજ શરૂ ન થઈ શકી.
હવે તો સાંજ પડે બહેનની કાયાપલટ, અડધી રાતે થાકીને આવતી બહેનના હાથમાંથી જંગલી બિલાડીની જેમ તરાપ મારીને પૈસાની પોટલી છીનવી લેતી મા, ભાઈના માથા પાસે ઢગલો થઈ જતી બહેન રોજનો ક્રમ થઈ ગયો હતો.
એક દિવસ બહેન પાછી આવી જ નહીં. પિતાને શોધવા માંગતો બાળક હવે ગલી ગલી ફરીને બહેનને શોધવા માંડ્યો. રાત્રે જે રૂપમાં જોતો એ બહેનને દિવસના અજવાળે શોધવી કપરી હતી. આમતેમ ભટકતા બાળકને સૌ પાગલ માનવા માંડ્યા. આમ ભટકતો એ કોઈ બર્મી,ચીની, સ્યામી ખીસાકાતરુ લોકોની ટોળીના હાથે જઈ ચઢ્યો. અતિશય ગંદી જગ્યમાં રહેતી આ ટોળકીએ એનું અલગ ઘડતર કરવા માંડ્યું. શીખતા જો ભૂલ થાય તો ઢોરમાર, ક્યારેક ઠીક ઠીક અભિનય કરે તો લાતથી પુરસ્કાર. ગંદા ગોબરા વાસણમાં મ્હોંમા ન જાય એવા ખાવામાંય એક બિલાડી જોડે ભાગ કરવો પડતો. આજે એ યાદ કરતા એની આંખોમાં અપમાનની જ્વાળા ભભૂકી ઉઠતી.
મોડી રાતે પાછા આવતા સાથીઓના પગરવ પરથી અંધારામાંય એમની કમાણીનો કે કોઈની સાથે લડીને આવ્યાનો અંદાજ એ કાઢી શકતો.
સંજોગોથી ત્રસ્ત એ બાળકનું જો કે નસીબ ઉજળું નીકળ્યું. ચોરીચપાટીની આ દિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે કામે લાગ્યો ત્યારે અનાયાસે પિતાના ઓળખીતા વેપારી સાથે મેળાપ થયો અને એની જીવનદિશા બદલાઈ.
પ્રસંશાની પુલ બાંધતાં કેવી રીતે જૂનો માલ પકડાવી દેવાનો, ગજથી કપડું માપે ત્યારે ઓછું મપાય પણ વેઢા જેટલું વધુ ન મપાય, પાઈ પાઈના હિસાબની સામે પૈસા પાછા વાળવામાં ખોટા સિક્કા સરકાવી દેવાના એ કપડાંની દુકાનના વેપારી પાસે શીખવા માંડ્યો. માલિક સાથે ખાવાનું અને દુકાનમાં સુવાની વ્યવસ્થાથી એવું લાગ્યું કે જાણે એની પ્રતિષ્ઠા વધી.
નાની ઉંમરથી ધન કેવી રીતે વાપરવું એ સંબંધી મૂલ્ય સમજી ગયો. હજુ એની બહેનને શોધવાનો પ્રયાસ છોડ્યો નહોતો. એને ક્યાં ખબર હતી કે આવી બાલિકઓનું જીવન ખતરાથી ખાલી નથી હોતું. ક્યારેક મૂલ્ય આપીને ખરીદી લેવાય કે ક્યારેક વિના મૂલ્યે એને ગાયબ કરી દેવાય. ક્યારેક કોઈ શરાબી નશાની હાલતમાં એનાં જીવનનો અંત આણે તો ક્યારેક હતાશામાં એ પોતે આત્મહત્યા કરી લે, કંઈ કહેવાય નહીં. અપરમા કોઈ બીજા જોડે પરણીને ચાલી ગઈ હતી એટલે એ રસ્તો પણ બંધ થઈ ગયો.
દરમ્યાન કામ માટે એ રંગૂન આવ્યો. બે વર્ષ કલકત્તા રહ્યો. સવારથી સાંજ કપડા વેચવાની ફેરી કરતો રહ્યો. હજુ એનામાં ઈમાનદાર બનવાની અને બહેનને શોધવાની ઇચ્છા જીવિત હતી. એ ઇચ્છાપૂર્તિ માટે ભગવાન બુદ્ધને પ્રાર્થના કરતો.
ક્યારેક થોડો સમય એ દેખાતો નહીં પણ જ્યારે આવે ત્યારે “સિસ્તર કે વાસ્તે યે લાયા હૈ” કહીને ઊભો રહી જતો. એક દિવસ ખબર પડી કે હવે લડવા માટે એ ચીન જવાનો છે. એ ઇચ્છતો હતો કે હું બધાં કપડાં લઈ લઉં તો એ એના માલિકનો હિસાબ ચૂકતે કરીને ચીન પાછો જઈ શકે.
પહેલી વાર આવ્યો ત્યારે પણ હકલાતો હતો, પાછો જઈ રહ્યો છે ત્યારે પણ હકલાતો હતો. પણ જ્યારે મેં પુછ્યું કે, ત્યાં તું એકલો જઈને શું કરીશ ત્યારે પહેલી વાર પૂર્ણ વિશ્વાસ સાથે બોલ્યો કે, “આટલા મોટા ચીનમાં એ ક્યાં એકલો છે?”
મારી પાસે હતા એટલા અને બીજા પાસેથી ઉધાર લઈને પૈસાનો બંદોબસ્ત કર્યો ત્યારે એ અતિ પ્રસન્ન હતો.
જતાં જતાં એનો કપડાં માપવાનો ગજ આપતો ગયો ત્યારે એના “સિસ્તર કે વાસ્તે” સિવાયના અન્ય શબ્દો હકલાવામાં સમજાયા નહીં.
Recent Comments