Archive for February 19, 2023
‘અહો આશ્ચર્યમ’-રાષ્ટ્રદર્પણ (ઍટલાન્ટા-અમેરિકા)માં પ્રસિદ્ધ વાર્તા.
સરળ અને ગામઠી જેવી વ્યક્તિમાં એકદમ ૧૮૦ ડીગ્રીનો ફરક અનુભવીએ તો સાવ સ્વાભાવિક રીતે મનમાં ‘મીરાં બન ગઈ મેરી’ જેવો વિચાર અવશ્ય આવે.
વાતની શરૂઆત છે જાન્યુઆરી ૨૦૦૬ની અને વાતની પૂર્ણાહુતિ કહીએ તો એ થઈ જાન્યુઆરી ૨૦૨૩માં.
મધુબહેન એમનું નામ. પોતાની ઓળખ આપે ત્યારે ‘હું જાતે પોતે’ એમનું તખલ્લુસ હોય કે ટ્રેડમાર્ક હોય એમ કહેતા કે, ‘હું જાતે પોતે મધુબે’ન પટેલ’.
૨૦૦૬માં મુંબઈથી ઍટલાન્ટા વાયા પેરિસ જતા ડેલ્ટાનાં એ વિમાનમાં બૉર્ડિંગ સમય પહેલાં ગેટ પાસેની લાઉન્જમાં પ્રવાસીઓ એકઠા થવા માંડ્યા હતા. ઉડતી નજરે જોયું તો પહેલી વાર સફર કરનારના ચહેરા પર અધીરાઈનાં ભાવ દેખાયા તો કેટલાક સાવ નિરાંતે બેઠાં હતાં જેમને જોઈને જ ખબર પડે કે એ સૌ કાયમી પ્રવાસી હશે.
પાંચેક મિનિટ થઈ ત્યાં એક ત્રીસેક વર્ષની યુવતી એનાં સાઠેક વર્ષનાં મમ્મી સાથે આવીને બાજુમાં ગોઠવાઈ. એ સમયે પહેરતાં હશે એવો નાયલોનનો સાદો ગુજરાતી ઢબે પહેરેલો સાડલો. ગળામાં તુલસીની કંઠી. હાથમાં બે બે સોનાની બંગડી અને વાળમાં
સફેદીની પતાકા. એ બહેનને જોઈને લાગ્યું જ કે એ પહેલી વાર પરદેશની મુસાફરીએ નીકળ્યાં હશે. ચહેરા પર નરી નિર્દોષતા, પરદેશની પ્રથમ મુસાફરીની ઉત્તેજના છલકાતી હતી. થોડાં સહેમી ગયેલાં એ બહેનના સવાલોમાં નાનાં બાળક જેવું કુતૂહલ હતું.
“આ આમ કેમ, પેલું તેમ કેમ, બહાર બલૂન આઈને ઊભું છે તો આપણને અહીં કેમ બેહાડી રાખ્યાં છે?” વગેરે વગેરે સતત સવાલોનાં જવાબ એમની દીકરી નિરાંતે આપતી હતી.
જરા વારે એમના સવાલોને સમયની ખીંટી પર લટકાવીને એમણે આજુબાજુ બેઠેલા પ્રવાસીઓ પર નજરનું નિશાન ફેરવ્યું. સવાલો પૂછવા માટે કોઈ એક નવી વ્યક્તિ મળી હોય અને નવા જવાબો મળવાના હોય એવી અપેક્ષાએ મારી સામે જોયું.
“તે તમે હૌ પે’લી વાર જાવ છોથી માંડીને ક્યાં જવું, ક્યાં રહેવું” જેવા સવાલોની ઝડી શરૂ થઈ.
વાતવાતમાં એટલી ખબર પડી કે એમની બંને દીકરીઓ અમેરિકા રહેતી હતી. પિતાજીનું અવસાન થતાં સગાંવહાલાંઓનાં આધારે મમ્મીને રહેવું ના પડે એટલે હંમેશ માટે એમને અમેરિકા લઈ આવવાં નાની દીકરી જીજ્ઞા ભારત આવી હતી. મધુબે’નનાં સતત સવાલો વચ્ચે સ્થિરતાથી જવાબ આપતી હતી એ પરથી એટલું તો પરખાયું કે એને મમ્મીની પૂરેપૂરી દરકાર હશે જ.
વાતોનાં વડાંની સાથે સાથે મધુબે’ને એમનાં મોટાં બટવા જેવી પર્સમાંથી પૂરી, વડાં કાઢ્યાં.
“લો બે’ન, ભૂખ તો તમનેય લાગી જ હશેને” કહીને પ્રેમથી પૂરી-વડાંનો ડબ્બો ધર્યો.
આપણાં ગુજરાતીઓની આ ખાસિયત. પરદેશ જતાં પાસપોર્ટની જેમ પૂરી, વડાં, થેપલાં, ઢેબરાં વગર ઘરમાંથી ન નીકળીએ.
બૉર્ડિગ શરૂ થવાની તૈયારી હતી એટલે ગેટ પર આવવા માંડેલા એરહૉસ્ટેસ, પાઇલટને જોઈને વળી મધુબે’નનું ધ્યાન પૂરી, વડાંમાથી ખસીને એમની તરફ ગયું.
“આ કોણ, પેલા કોણ.” જેવા સવાલો શરૂ.
“તે હેં જીગા, આ લોકો કેમ આવડી નાની પેટીમાં સામાન લઈને આયા છે. આપણે તો મોટી મોટી ચાર પેટી ભરી છે.” મધુબહેનને કદાચ જીજ્ઞા બોલતાં ફાવતું નહોતું કે લાડથી જીગા કહેતા હતાં એ ન સમજાયું પણ, એ લહેકો સાંભળવો ગમ્યો.
“બા, એ ચાર પેટીમાંથી એકે પેટી તારી પાસે છે?”
“ના, એવડી મોટી પેટી આપણી પાહે ના રખાય એમ કહીને ક્યારની તેં આવતાની હારે ન્યાં કણે પેલી સરકતી ગરગડી પર આપી તો દીધી.” મધુબે’ન સ્ટ્રૉલર તરફ આંગળી કરીને બોલ્યાં.
“હા તો બસ. એમની પાસે હશે તો એ મોટી પેટી એમણેય ત્યાં આપી હશે.” જીજ્ઞામાં ખરેખર ખૂબ ધીરજ હતી.
બૉર્ડિંગ શરૂ થયું. વિમાનમાં અમારી સીટો એક જ હરોળમાં હતી. બારી પાસે બેઠેલાં મધુબે’નની આંખોમાં નવું વિશ્વ જોયાનું વિસ્મય છલકાયું. રન-વે પર પાછું સરકતું વિમાન, આછી ઘરરાટી સાથે ટેક ઑફ કરતું વિમાન એમનાં માટે અજાયબી હતી.
દીકરીઓને ભણાવી, પરણાવીને પરદેશ મોકલી પણ મધુબહેન મહેસાણાની બહાર ભાગ્યેજ નીકળ્યાં હશે એવું લાગ્યું. દીકરીઓની વાતો સાંભળીને એમણે ખોબલામાં સમાય એવાં વિશ્વની કલ્પના કરી હશે પણ એમણે જોયેલાં મહેસાણાથીય મોટું એરપોર્ટ જોઈને એ અચબિંત હતાં.
એ પછી આકાશમાં સ્થિર ગતિએ ઉડતાં વિમાનની બારી બહાર દેખાતી દુનિયા પર સવાલોની સાથે રનિંગ કૉમેન્ટ્રી પણ ચાલુ હતી.
“આ તો જો જીગા, બલૂનની હારે વાદળોય દોટ મૂકે છે. હાય, હાય, જો તો ખરી, આઘે પેલું બલૂન દેખાય છે તે આઈને આપણી હારે અથડાશે તો નહીં ને? તે હેં જીગા, આ બલૂન ઉડાડે છે એમને રસ્તાની બરાબર ખબર તો હશે ને?”
‘‘તેં હેં જીગા’થી એમના પ્રશ્નો શરૂ થતા હતા.
મધુબહેન સાથે મુંબઈથી પેરિસની સફર મઝાની રહી. ધીમે ધીમે મધુબહેન ખુલતાં હતાં. એમની વાતોમાં નિર્દોષતાની સાથે થોડી રમૂજની છાંટ પણ ભળવા માંડી હતી. સાવ સરળ લાગતી વ્યક્તિની વાતો સાંભળવાની મઝા આવતી હતી.
પેરિસ પહોંચ્યાં ત્યારે મધુબહેનને તો એમ જ હતું કે, એ ઍટલાન્ટા પહોંચી ગયાં છે. પેરિસનાં ચાલ્સ ડી ગોલ એરપોર્ટ પર વિમાન બદલવાનું હતું. ગેટ બદલીને ઍટલાન્ટા જતા પ્લેનના ગેટ પર સૌ પહોંચ્યાં.
“હાય, હાય, પાછું આ શું?”
“બા, હવે પેરિસથી બીજા વિમાનમાં ઍટલાન્ટા જઈશું.”
“હજી કેટલે આઘું છે તારું આટ્લાન્ટુ? ઠેઠ કાલનાં નીકળ્યાં છીએ. ભઈસા’બ બેઠે બેઠે તો હવે ટાંટિયાં ભરાઈ ગયા છે.”
“બા, બસ હવે અહીંથી સીધાં ઍટલાન્ટા.”
“હા તો ઠીક.” કહીને લાઉન્જની ખુરશીમાં નિરાંતે બેઠાં. બૉર્ડિંગ શરૂ થાય ત્યાં સુધી નિરીક્ષણ ચાલું રહ્યું. એર હૉસ્ટેસ, પાઇલટ્સ આવવાં માંડ્યાં.
હવે મધુબહેનને એ લોકો કોણ છે એની જાણ હતી. મુંબઈ વિમાનના પાઇલટ્સ ટૉલ, ફેર અને હેન્ડસમ હતા. એમને જોઈને માજીને વિશ્વાસ બેઠો હશે કે, એ લોકો આવડું મોટું બલૂન ઉડાડી શકશે પણ અહીં સાવ નાનકડી યુવતી જેવી પાઇલટને જોઈને તો એમની આંખોમાં વિસ્મય અંજાયું.
“તે હેં જીગા, આ હાવ ટબુકડી જેવી છોડી શી રીતે બલૂન ઉડાડશે? આપણી પાહે ધક્કા તો નહીં મરાવે’ને?”
માંડ હસવું ખાળીને જીજ્ઞા બોલી, “બા, તું ચિંતા ના કર, તને સહીસલામત લઈ જશે અને ધક્કા મારવા તારે તો જરાય નીચે નહીં ઉતરવું પડે.”
“હા, તો ઠીક.”
પેરિસથી ઍટ્લાન્ટા સુધીની સફર સુધીમાં થાકી ગયેલાં મધુબહેન અલપઝલ જાગતાં-ઊંઘતાં રહ્યાં. ઍટલાન્ટા પહોંચી જય સ્વામિનારાયણ કહીને અમે છુટાં પડ્યાં. એ વાત પછી ૧૭ વર્ષનાં વહાણાં વહી ગયાં. વચ્ચે વચ્ચે અલપઝલપ મધુબહેન યાદ આવી જતાં.
એ દિવસે ઍટ્લાન્ટાનાં એરપોર્ટ પર બૉસ્ટન જતાં વિમાનમાં બૉર્ડિંગની રાહ જોતાં બેઠાં હતાં. અચાનક પીઠ પાછળની હરોળમાંથી અવાજ સંભળાયો.
“તેં હેં જીગા….” એ જ અવાજ, એ જ લહેકો અને પાછળ ફરીને જોયું તો એ જ જીજ્ઞા, એ જ મધુબહેન પટેલ જાતે પોતે. પહેલી વાર જોયેલાં સાદા સરળ મધુબહેને આજે શાલમાંથી સીવડાવેલું પંજાબી પહેર્યું હતું. વાળમાં કરેલી ડાઈથી સફેદીનો ચમકાર ઢંકાઈ ગયો હતો. વાતોમાં મહેસાણી ગુજરાતીની છાંટ તો હતી પણ, વાણી, વાતો, વિષયમાં થોડો ફરક વર્તાયો.
અમેરિકન સિટિઝન બની ગયેલાં મધુબહેન માટે હવે એરપોર્ટ વિશાળ નગરી નહોતી રહી. ચેક ઇન લગેજથી માંડીને કેબિન લગેજની વાત નવી નહોતી રહી. એરહૉસ્ટેસ કે પાઇલટ્સ વિશે કુતૂહલ નહોતું.
જરાય અંગ્રેજી નહોતું આવડતું એ મધુબહેને સિટિઝનનો ઇન્ટર્વ્યૂ કેવી રીતે પાર પાડ્યો હશે એ કુતૂહલનો એટલો તો સહજ જવાબ આપ્યો કે એ મધુબહેન ક્યારેય નહીં વિસરાય.
“લે એમાં તો શું કરવાનું, જીગાએ થોડી સમજણ પાડી હતી. ઓલ્યો, સાહેબ પૂછે એ પહેલાં જ કહી દીધું કે, “માય નેમ મધુબે’ન પટેલ જાતે, પોતે. નો ઇંગ્લિશ. એક છોડીને મારી હારે અંદર આવવા દીધી હતી. ધોળિયો પૂછે એનું ગુજરાતી એ કરી દેતી ત્યારે આંખો બંધ કરી મનમાં પ્રમુખ સ્વામીબાપાનું રટણ કરતી, જવાબેય બાપા સૂઝાડતા એમ દેતી ગઈ.”
આશ્ચર્યથી જીજ્ઞા સામે જોયું. સંમતિસૂચક ડોકું હલાવીને બોલી,” મનેય નવાઈ તો લાગી હતી પણ, બા કહે છે તો એમ બન્યું હશે. અમારા માટે તો એને સિટિઝનશિપ મળી એથી વિશેષ કશું જ નથી?”
મધુબહેન જ્યારે યાદ આવે છે ત્યારે થાય છે કે, શ્રદ્ધા હોય તો શામળિયો આજેય હૂંડી સ્વીકારે છે ખરો.
રાજુલ કૌશિક
Recent Comments