Archive for February 18, 2023
મહાદાન- ગરવી ગુજરાત(લંડન)માં પ્રસિદ્ધ વાર્તા -भिखारिन-ને આધારિત ભાવાનુવાદ
“બાબુજી, કોઈ તો આ અંધ પર દયા કરો.”
મંદિરની બહાર એક અંધ ભિખારણ રોજ આવીને બેસતી. કેટલાક દયાળુ એને પાઈપૈસો આપતા તો કોઈ સ્ત્રી થોડું અનાજ ઠાલવતી. આખો દિવસ એ આમ બેસતી. સાંજ પડે જે કંઈ મળ્યું એ પાલવમાં સમેટીને લાકડીના સહારે ગામથી થોડે દૂર એનાં ઘર ભેગી થતી. ઘર તો કેમ કહેવાય એ ઝૂંપડી હતી. રસ્તામાં પણ જે કંઈ બેચાર પૈસા વધુ મળે એની યાચના કરતી રહેતી.
આમ એ અંધ ભિખારણનો જીવનનિર્વાહ ચાલતો. એક સાંજે સૌએ જોયું તો એ સ્ત્રીના ખોળામાં એક છોકરો સતત રડતો હતો અને એ સ્ત્રી એને શાંત રાખવા મથતી હતી. છોકરો કોણ છે, ક્યાંથી આવ્યો છે એની આસપાસના કોઈને ખબર નહોતી.. બસ, એ દિવસથી આ છોકરો એની પાસે હતો અને ખુશ હતો એટલું સૌ જોતા અને જાણતાં. સાંજ પડે જેવી એ એની ઝૂંપડી પર પહોંચે કે એ દસ વર્ષનો છોકરો દોડતો આવીને એને વળગી પડતો. અંધ સ્ત્રી હેતથી એનું માથું ચૂમી લેતી.
એ અંધ સ્ત્રીએ ઝૂંપડીની જમીનમાં એક હાંડી મૂકી રાખી હતી. દિવસ દરમ્યાન જે કંઈ પૈસા મળે એ એમાં એકઠા કરતી. કોઈની નજર ન પડે એમ એની પર કશું ઢાંકી રાખતી. દિવસ દરમ્યાન એને ખાવાનું પૂરતું મળી રહેતું, એમાંથી પહેલાં એ છોકરાને ખવડાવતી અને બાકીનું પોતે ખાઈ લેતી. રાત્રે એને પોતાની સાથે સૂવડાવતી. સવાર પડતાં એને ખવડાવીને ફરી મંદિરે જઈને ઊભી રહેતી. બસ, આ હતી એની દિનચર્યા.
*****
કાશીમાં શેઠ બનારસીદાસની ધર્માત્મા અને દેશભક્ત તરીકે ખૂબ ખ્યાતિ હતી. શેઠની કોઠી પર કરજ માટે નાણાં લેવાથી માંડીને પોતાની બચત થાપણ તરીકે મૂકવા આવનારની હંમેશાં ભીડ રહેતી. સેંકડો ભિખારીઓ પણ પોતાની બચત શેઠ પાસે જમા કરાવતા. અંધ સ્ત્રીને એની જાણ હતી છતાં, કોણ જાણે એની ભેગી થેયેલી મૂડી મૂકવા એનું મન માનતું નહોતું. અંતે હાંડી છલોછલ ભરાઈ જતાં અને કોઈ ચોરી ન લે એ ડરથી શેઠ પાસે થાપણ મૂકવાની હિંમત કરીને એ નીકળી.
શેઠજીએ એનું નામ-ઠામ લખીને પૈસા મુનિમ પાસે જમા લઈ લીધા.
*****
બીજાં બે વર્ષ ખૂબ સરસ રીતે પસાર થયાં. એક દિવસ પેલો છોકરો મોટી બીમારીમાં સપડાયો. ઘરગથ્થુ દવાદારુ, મંત્રતંત્ર, ઝાડફૂંક, બધું જ કર્યું પણ વ્યર્થ. કોઈ ઉપચાર કામે ન લાગતાં અંતે ડૉક્ટરના શરણે જવા વિચારીને પોતાની જમા પૂંજીના પૈસા શેઠ પાસે લેવા નીકળી.
ધાર્મિક અને દાનવીર એવા શેઠે તો વળી કોણ તું અને કેવા તારાં પૈસા કહીને એને જરાય ધરણું ન ધર્યું.
પોતાના પૈસા નહીં સહી, ધર્મ અને દાનનાં નામે શેઠ પાસેથી થોડા રૂપિયા મળી જાય એવી આશાથી એ કેટલુંય કરગરી. શેઠ સાવ નામક્કર રહ્યાં.
“ભલે, ભગવાન તમને ઘણું દે” કહીને સ્ત્રી પોતાની લાકડીના ટેકે પાછી ચાલી નીકળી. દુઆ માટે બોલાયેલા શબ્દોમાં દુઃખ હતું.
દિવસ પસાર થતા પણ કોઈ રીતે છોકરાને ઠીક નહોતું થતું. તાવથી એ ધખી રહ્યો હતો. હારી થાકીને એ સ્ત્રી છોકરાને ઊઠાવીને ફરી શેઠ પાસે દયાયાચના માટે નીકળી.
પહેલાં તો એને બહારથી જ ભગાડી દેવા શેઠે નોકરને મોકલ્યો. સ્ત્રી ટસની મસ ન થઈ છેવટે શેઠ બહાર આવ્યા. છોકરાને જોઈને શેઠ ચમક્યા. છોકરાનો ચહેરો અદ્દલ એમના ખોવાયેલા દીકરા મોહનને મળતો આવતો હતો. કેટલુંય શોધ્યા પછી એ મળ્યો નહોતો જે આજે નજર સામે હતો. છોકરાના સાથળ પર મોહનને હતું એવું લાલ રંગનું નિશાન હતું જે એની ઉંમર વધવાની સાથે થોડું મોટું અને સ્પષ્ટ થયું હતું.
શેઠે ત્વરાથી એને સ્ત્રી પાસેથી ખેંચીને છાતી સરસો ચાંપી દીધો. તાવથી ધખતા દીકરા માટે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરી.
મૂડી તો ગઈ સાથે છોકરો પણ હાથમાંથી જતો રહ્યાની હાય સાથે રોતી કકળતી એ અંધ સ્ત્રીને ત્યાંથી ચાલ્યા જવા સિવાય કોઈ આરો નહોતો.
ઈશ્વરકૃપા અને ડૉક્ટરની દવાથી છોકરાનો તાવ ઉતર્યો. આંખ ખોલતાની સાથે આજુબાજુ અપરિચિત ચહેરા જોઈને ફરી આંખ બંધ કરી દીધી. બંધ આંખે મા-માનું રટણ શરૂ થઈ ગયું. ફરી તાવનું જોર વધવા માંડ્યું. ડૉક્ટરોને જવાબ દઈ દીધો.
માંડ મળેલો દીકરો ફરી ગુમાવી બેસવાના ભયે શેઠે એ ભિખારણની તપાસ કરાવી. શેઠ પહોંચ્યા ત્યારે ઝૂંપડીમાં પડેલી એ સ્ત્રીનું શરીર પણ તાવથી ધખતું હતું.
“માજી, તારો દીકરો મરવા પડ્યો છે. માત્ર તારું જ રટણ કરે છે. તું જ એને બચાવી શકે એમ છે, બચાવી લે તારા દીકરાને.”
“મરતો હોય તો છો મરે. હું પણ મરી રહી છું. મરીને બંને મા-દીકરાની જેમ શાંતિથી સ્વર્ગલોકમાં રહીશું. આ લોકમાં તો સુખ ન મળ્યું, ત્યાં સુખીથી સાથે રહીશું. જાવ અહીંથી.”
આજ સુધી કોઈનીય સામે ન નમેલા શેઠ એ સ્ત્રીનાં પગે પડી ગયા. મમતા અને માતૃત્વની દુહાઈ આપી ત્યારે માંડ એ સ્ત્રી જવા તૈયાર થઈ. સ્ત્રીને લઈને ઘોડાગાડી કોઠી પર પહોંચી. શેઠ અને ભિખારણ, બંને પોતાના દીકરાને જોવા ઉતાવળા હતાં. જેવો એ સ્ત્રીએ મોહનના માથે હાથ ફેરવ્યો કે મોહન બોલ્યો, “મા તું આવી ગઈ?”
“હા દીકરા, તને છોડીને ક્યાં જવાની હતી?” મોહન અપાર શાંતિથી એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો.
એનો તાવ ઉતરવા માંડ્યો. જે કામ દવાદારુ, ડૉક્ટર કે હકીમ ન કરી શકયા એ માની મમતાએ કર્યું. મોહન સાજો થતાં શેઠના અતિ આગ્રહ છતાં એ સ્ત્રીએ પાછાં જવા રજા માંગી. એ જતી હતી ત્યારે શેઠે એના હાથમાં રૂપિયાની થેલી મૂકી.
“માજી, આમાં તમારી અમાનત, તમારી મૂડી અને મારો અપરાધ છે.”
એમની વાત કાપતાં સ્ત્રી બોલી, “એ પૈસા તો તમારા મોહન માટે ભેગા કર્યા હતા, એને જ આપી દેજો. સ્ત્રી થેલી ત્યાં જ મૂકીને લાકડીના ટેકે બહાર નીકળી ગઈ. એની આંખોમાં આંસુની ધાર ચાલી જતી હતી.
અત્યારે ભિખારણ હોવા છતાં એ શેઠ કરતાં મહાન હતી. શેઠ યાચક હતા અને એ દાતા.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Recent Comments