Archive for February 10, 2023
અનોખું બંધન/ ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ માલતી જોશી લિખિત વાર્તા- ‘નયે બંધ’ પર આધારિત ભાવાનુવાદ
“હોસ્પિટલમાં છું, ચિંતાનું કોઈ કારણ નથી પણ, પત્રને તાર સમજીને તરત આવી જાવ. રમા.”
રમા ક્યાં હશે, અરે જીવિત હશે કે કેમ એ શંકાકુશંકામાં આખો એક મહિનો પસાર થવા આવ્યો હતો. આજે ઓચિંતા રમાનો પત્ર મળતાં અચંબાથી સંતોષ પત્ર સામે તાકી રહ્યો અને પછી તો લગભગ પચ્ચીસ વાર એ પત્ર વાંચી ગયો. એને વિશ્વાસ નહોતો આવતો કે રમા જીવે છે અને એ હવે એની રમાને મળશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રમા રક્ષાબંધન કરવા એના ભાઈના ઘરે જવા નીકળી હતી. એના બે દિવસ પછી રેડિયો અને અખબારમાં પ્રસરિત થતા સમાચાર પરથી એને જાણ થઈ કે કુંવારી નદીમાં ભીષણ પૂર આવવાથી જાનમાલને ખૂબ નુકશાન પહોંચ્યું છે જેનો સત્તાવાર આંકડો આપવો મુશ્કેલ છે.
રમાના સમાચાર જાણવા સંતોષે કેટલાય તાર કર્યા પણ રમાના ભાઈ તરફથી કેટલાય દિવસ સુધી એનો કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નહીં..
અંતે એક દિવસ ભાઈનો પત્ર આવ્યો. એના પરથી એટલું સમજાયું કે જ્યારે પૂર આવ્યું એ દિવસે રમા એની કોઈ સહેલીને મળવા ગઈ હતી. રાતના સમયે પૂરનાં પાણી ચારેકોર તારાજી સર્જી રહ્યાં હતાં. સૌ કોઈ એ સમયે માલસામાનની ચિંતા કર્યા વગર જીવ બચાવાવાની મથામણમાં પડ્યાં હતાં. બે દિવસ પછી પૂર ઓસરતાં રમાના ભાઈએ રમાની તપાસ આદરી હતી. કોઈ ભાળ મળી નહીં એટલે રમા પાછી ઘેર પહોંચી ગઈ હશે એમ માની લીધું હતું.
હવે સંતોષે પણ પોતાની રીતે રમાની તપાસ આદરી. કુંવારી નદીના પટ સુધી એ જઈ આવ્યો. ત્યાં તૂટેલો પુલ અને બચેલા અવશેષ જોઈને તો એ મનથી સાવ તૂટી ગયો. સરકારી કચેરીમાંથી પણ કોઈ જાણકારી ન મળતાં રમાની હયાતી વિશે મન આશંકાથી ઘેરાઈ ગયું હતું તેમ છતાં એણે આશા છોડી નહોતી.
આજે રમાનો પત્ર મળતાં એની આશા ફળીભૂત થઈ. હવે એક ક્ષણ પણ એ રાહ જોવા તૈયાર નહોતો. રમાને જોવા એનું મન એટલું તો અધીર થઈ ગયું કે દક્ષિણ એક્સપ્રેસ જેવી ફાસ્ટ ટ્રેનની ગતિ પણ એને લોકલ ટ્રેન જેવી ધીમી લાગી.
ગ્વાલિયા પહોંચતા સુધીમાં રાત પડી ગઈ હતી. હોસ્પિટલમાં રાત્રે અગિયાર વાગ્યે પ્રવેશ મળવો મુશ્કેલ હતો એટલે રમાને મળવા સવાર સુધી રાહ જોયા વગર કોઈ છૂટકો નહોતો. સામેના એક મુસાફરખાનાની બેંચ પર એણે લંબાવ્યું. કેટલાય સમયથી એની આંખ અને ઊંઘની દોસ્તી તો છૂટી ગઈ હતી. આજ સુધી ઊંઘ ન આવવાનું કારણ રમા હતી અને આજે પણ રમા જ હતી. પણ બંને સ્થિતિમાં આભ-જમીનનું અંતર હતું.
સવાર પડતાં હોસ્પિટલમાં રમાને જોવા જતા એનું હૃદય તેજ ગતિથી ધબકતુ હતુ. ઇન્ક્વારી કાઉન્ટર પર કેટલાય સવાલોના જવાબો આપ્યા પછી એને રમાને મળવાની માંડ અનુમતિ મળી. કાઉન્ટરથી રમા સુધી પહોંચવાનો કૉરિડૉર વટાવતા એના મનમાં એક અજબ કલ્પના ફરી સળવળી. લગ્નના થોડા સમયથી માંડીને લાંબા સમય સુધી એણે કેટલીય વાર એવી કલ્પના કરી હતી કે હોસ્પિટલના કૉરિડૉરમાં એ બેચેનીથી આંટા મારી રહ્યો છે. અંદર રમા અત્યંત વેદનાથી પીડાઈ રહી છે. અને થોડી વારમાં અંદરથી નર્સ આવીને કહે છે કે, “મિસ્ટર સંતોષ મુબારક હો…” વર્ષોના વર્ષો આ સાંભળવા એના કાન તલપાપડ થતાં રહ્યા. ધીમે ધીમે એ આશા ઉત્કંઠામાં અને પછી નિરાશામાં પલટાઈ હતી.
અંતે સંતોષે તો નિયતીનો આદેશ માનીને હકિકતનો સ્વીકાર કરી લીધો પણ રમા સ્વીકારી નહોતી શકી. આસપાસના પડોશીઓથી માંડીને સંબંધીના વણપૂ્છાયેલા સવાલોનો એ સામનો કરી શકતી નહોતી. હારીને રમાએ કોઈ બાળક દત્તક લેવા સુધીની તૈયારી દર્શાવી હતી. સંતોષ એના માટે જરાય તૈયાર નહોતો. કોણ જાણે કોનું બાળક, કેવું બાળક, ના એ તો શક્ય જ નથી રમા. કહી દીધું હતું એણે.
કૉરિડૉર વટાવીને એ રમાના વૉર્ડ સુધી પહોંચ્યો. સાવ નિસ્તેજ ચહેરે રમા ઊંઘતી હતી. સંતોષને એની પર વહાલ ઊભરાઈ આવ્યું. એને ઊંઘતી જ જોયા કરી. ધીમેથી ત્યાં મૂકેલું નાનક્ડું સ્ટૂલ ખેંચીને બેસવા ગયો અને રમાની ઊંઘ તૂટી.
આંખ મળતાં અગણિત શબ્દહીન સવાલોની સાથે કંઈ કેટલીય લાગણીઓની ઝડી વરસી. ત્યાં ખભા સુધી ચાદર ખેંચીને સૂતેલી રમાની બાજુમાં જાણે વાળના ગુચ્છા જેવું કંઈક હલતું સંતોષને દેખાયું. સંતોષને થયું કે આ માત્ર એનો ભ્રમ હોઈ શકે. કેટલાય વર્ષો સુધી કરેલી કલ્પના સાકાર થયાનો ભાસ હોઈ શકે. પણ ના એ કોઈ કલ્પના તો નહોતી જ.
એ ગુચ્છાદાર વાળવાળી એક છોકરીએ ચાદરમાંથી બેઠા થઈને રમાને કાલી ભાષામાં કંઈક કહ્યું. રમાએ ઊઠીને એ બાલિકાને પાણી આપ્યું.
“કોણ છે આ?” સંતોષથી પૂછાઈ ગયું.
“કોને ખબર, પણ પૂરથી બચવાની ભાગાદોડમાં મારી સાથે એક દંપતિ અને એમની આ બાળકી હતાં. દંપતિએ તો પૂરમાં જળ સમાધિ લઈ લીધી અને બચી આ બાળકી. એ દિવસથી મારી પાસે છે. સોનુ, હવે તો આ બાળકી માટે તમે મને ના નહીં પાડો ને? ઈશ્વરે જ એને મારી ગોદમાં મૂકી છે. એ વાતનો અનાદર નહીં કરો ને?”
“હું ડૉક્ટરને મળીને ક્યારે રજા આપશે એ પણ જાણીને આવું છું.”
બીજું કશું જ બોલ્યા વગર સંતોષ બહાર આવ્યો. રમાના સવાલથી પંખાની હવા વચ્ચે પણ એને જાણે અકળામણ થતી હોય એમ પરસેવે નાહી રહ્યો હતો.
રમાના ડિસ્ચાર્જ સાથે પેલી બાળકી માટે શું નિર્ણય કર્યો એવા ડૉક્ટરના સવાલથી સંતોષ વધુ અકળાઈ ઊઠ્યો.
“You can’t force me Doctor.”
“Of course not. પણ તમારી પત્નીના સ્વાસ્થય માટે થઈને મારી સલાહ છે કે એ અંગે મના ના કરતા. કદાચ તમારી મનાના ડરથી જ તમારી પત્નીએ તમને જાણ કરી નહોતી.” ડૉક્ટરે શાંતિથી કહ્યું.
સંતોષે કોઈ જવાબ ના આપ્યો. એને એવું લાગી રહ્યું હતું કે જાણે એને કોઈ મોટા ષડયંત્રનો હાથો બનાવવામાં આવી રહ્યો છે.
ત્રીજા દિવસે જ્યારે સંતોષ રમાને લઈને નીકળ્યો ત્યારે એ બાળકી સાથે જ હતી. નર્સે એના વાળ સરસ રીતે કાપી આપ્યા હતા. ડૉક્ટરે આપેલું ફ્રોક, હોસ્પિટલના સ્ટાફે આપેલી કેટલીય ભેટ એ બાળકી પ્રત્યે એમનો પ્રેમ દર્શાવતી હતી. સંતોષ સાવ તટસ્થતાથી આ બધું જોઈ રહ્યો હતો પણ રમા ખૂબ ખુશ હતી. એ તો હર્ષોલ્લાસથી એની બીમારી સુદ્ધાં ભૂલી ગઈ હતી.
આખા રસ્તે એ બાળકીને રમાડવામાં વ્યસ્ત રહી. બાળકીએ પાપા કહીને સંતોષને બોલાવવા પ્રયત્ન કર્યો પણ સંતોષ મ્હોં ચઢાવીને ટ્રેનની બારીની બહાર જોતો રહ્યો.
ઘર સુધી પહોંચતામાં રાત પડી ગઈ હતી. આસપાસના પડોશીઓના સવાલોના જવાબ નહીં આપવા પડે એ વિચારે એક રીતે સંતોષને શાંતિ થઈ.
રમાએ એની અને સંતોષની વચ્ચેની જગ્યાએ બાળકીને સૂવડાવી. આ આખી પ્રક્રિયા સંતોષે સાવ અલિપ્ત રહીને જોયા કરી. સંતોષના આવા વર્તનથી દુભાયેલી, બીમારીની અસરના લીધે કમજોર થયેલી અને થાકેલી રમા પલંગના બીજા છેડા પર જઈને સૂઈ ગઈ.
સોનેરી વાળ, કુમળી પાંદડી જેવા હોઠ પર ફેલાયેલું સ્મિત અને ચહેરા પરની નિર્દોષતા સામે અપલક જોઈ રહેલા સંતોષે ખસી ગયેલી ચાદર હળવેથી ખેંચીને બાળકીના નાના હાથ અને પગ પર ઓઢાડી દીધી. ઊંઘમાં જ સળવળતી બાળકીને ધીમે ધીમે થપથપાવવા માંડી. એ બાળકીના રેશમી સ્પર્શથી સંતોષના મન-હૃદયે અજબ સ્પંદનનો અનુભવ કર્યો.
સવાર પડતાં રમાની આંખ ખૂલી. સંતોષના પડખામાં એ બાળકીને સૂતેલી જોઈને સાવ અકલ્પનીય દૃશ્યથી એ રોમંચિત થઈ ઊઠી. બાળકીના નાના હાથ સંતોષના ગળે વીંટળાયેલા હતા અને સંતોષના મજબૂત હાથ બાળકીની પીઠ પર મમતાથી લપેટાયેલા હતા.
રમા આ અતિ વહાલું લાગતું દૃશ્ય જોઈને સંતોષપૂર્વક જરા પણ અવાજ ન થાય એમ બહાર નીકળી ગઈ.
Recent Comments