Archive for February 3, 2023
ઈન્સાફ- ગરવી ગુજરાત ( લંડન)માં પ્રસિદ્ધ કરતારસિંહ દુગ્ગલ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવા
કરતારસિંહ દુગ્ગલ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
કરતારસિંહ દુગ્ગલ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ “ઈન્સાફ”
અમૃતસરથી પાકિસ્તાન તરફ જતી મિલિટરી ટ્રકમાં મરઘાં-બતકાંની જેમ બલૂચિ સિપાહીઓને ખડકવામાં આવ્યા હતા. એમની પાસે પોતાની બંદૂક સિવાય બીજું કશું જ નહોતું.
બલૂચિ સિપાહીઓની આ ટુકડીમાં એક રમજાનખાન નામના જમાદાર હતા જેમને સૌ મૌલવીજીના નામે ઓળખતા. ટંટા-ફસાદમાં લાશોના ખડકલાં વચ્ચે પણ એમની બંને બાજુએ ભરેલી બંદૂક સાથે ઊભેલા સિપાહીઓની વચ્ચે રમજાનખાનને નમાજ પઢતા સૌએ જોયા હતા. આ સમય હતો, હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા સમયનો. અમૃતસરના મુસ્લિમોને પાકિસ્તાન ભણી રવાના કરવાની જવાબદારી જાણે એમની હોય એમ અનેક મુસ્લિમોને પાકિસ્તાન જવા એ સમજાવી લેતા. કોઈ પોતાનાં ઘરબાર છોડવા તૈયાર ન હોય એમની સામે ઇસ્લામી રાજ્યનું અદ્ભુત ચિત્ર રજૂ કરતા. ભાગ્યેજ કોઈ એવું હતું જે એમની વાત ટાળી શકતું.
આજે જ્યારે ટ્રક ઉપડી ત્યારે અચાનક એમને વિચાર આવ્યો કે, ભગવાન તો સૌના એક જ છે. ક્યારેક સાંભળેલી વાત યાદ આવી કે, અમૃતસરના હરિમંદિરનો પાયો તો એક મુસલમાન ફકિરે મૂક્યો હતો. અહલે-સુન્નતમાં માનવાવાળા ગુરૂ નાનકને પીર માનતા અને આ યાદ આવતા મૌલવીજીએ ગુરુદ્વારા પર ચમકતા સોનેરી કળશ સામે જોઈને પોતાનું મસ્તક નમાવ્યું.
ટ્રક આગળ ચાલી. ઠંડી હવાની લહેરખીના સ્પર્શ સાથે મૌલવીની આંખો મિંચાઈ. બંધ આંખની પાછળ ટંટાના ભયાનક દૃશ્યની ઝલક દેખાવા માંડી. ખુન્નસે ભરાયેલા હિંદુ,મુસ્લિમ, શીખ થકી થયેલી કત્લેઆમના બિહામણાં દૃશ્યની ઝલકથી બંધ આંખે પણ એ કાંપી ઊઠ્યા.
એટલામાં બંધ આંખોના બિહામણાં દૃશ્યને વિખેરી નાખતી એક હૃદયદ્રાવક ચીસ અને સિપાહીઓના અટ્ટહાસ્યથી એ ચમક્યા. સફાળા જાગીને જોયું તો એક સિપાહીએ પોતાની સંગીનથી ત્યાં રસ્તા પરથી પસાર થતા શીખ યુવકનું ગળું વીંધી નાખ્યું હતું. એક કારમી ચીસ અને એ યુવક સાયકલ પરથી ઉછળીને પાસેનાં નાળામાં જઈ પડ્યો. યુવકને મારવાની તરકીબ પર “ચાલો, એક શીખ ઓછો થયો” કહીને સિપાહીઓ હસી રહ્યા હતા.
ટ્રકમાંના સુપાહીઓનું હાસ્ય હજુ તો શમ્યું નહોતું ને ફરી એક કારમી ચીસ સંભળાઈ. આ વખતે દૂધ વેચવા જતી ગોવાળણ એમની સંગીનનું નિશાન બની હતી. “ચાલો કાફિરોનાં જમાતમાંથી ઓછી થયેલી વ્યક્તિની નિશાનીમાં આ એક ઉમેરો” કહીને સંગીન સાથે ચોંટી આવેલી એ ગોવાળણના વાળની લટને જમાદારે પોતાની પાસે સાચવીને મૂકી દીધી.
અમૃતસર શહેરની આ વહેલી સવારની ઠંડી હવામાં માંડ કોઈ એકલદોકલ નજરે આવતું હતું. બલૂચિ સિપાહીઓ પાકિસ્તાનની શાન પર ગીત લલકારી રહ્યા હતા.
“પાકિસ્તાન આસમાનનો ચમકતો તારો હશે, પાકિસ્તાન દુનિયાભરમાં ઈન્સાફનું ઉદાહરણ બનશે. ગરીબો અને અનાથોનો સહારો પાકિસ્તાન બનશે. ત્યાં નહીં કોઈ જાલિમ હશે કે નહીં કોઈ પીડિત.”
ઠંડી હવામાં એમનાં અવાજની બુલંદી દૂર સુધી પહોંચતી હતી.
હવે તો એક પણ નિશાન ન ચૂકાય એમ સંગીન તૈયાર રાખીને એક એક સિપાહી ડ્રાઇવરની ડાબી-જમણી બાજુ આવીને ગોઠવાઈ ગયા. સડક પર એક ઔરત નજરે આવી. ગળામાં કિરપાણ હતી. નક્કી કોઈ શીખ જ હતી. ટ્રક ડ્રાઈવરે એની સાવ નજીક ટ્રક લીધી. બીજી જ ક્ષણ, એક કારમી ચીસ અને ફરી એક અટ્ટહાસ્ય. ટ્રક તેજીથી આગળ વધી ગઈ.
ટ્રક આગળ વધતી રહી. પાછળ સંગીનથી વિંધાયેલા એક પછી એક નિશાનની ચીસો અને અટ્ટહાસ્ય મૂકતી ગઈ. જમાદારને સમજાતું નહોતું કે એ પોતાની ડાયરીમાં જાની નુકશાનના હિસાબમાં કોને કોને ઉમેરે? પણ હા, જમાદાર રમજાનને એવો વિચાર તો આવ્યો જ કે, જતા જતા સારા શિકાર હાથ લાગ્યા. થોડી થોડી વારે ડાયરી ખોલીને એને હિસાબમાં ઉમેરો કરવાનું ગમ્યું
જેમ શહેર દૂર થતું ગયું એમ જોખમ ઘટતું ગયું અને હવે બલૂચિ સિપાહીઓની હિંમત તો વધી જ સાથે એમાં ઉમેરાયો નવા ખેલનો આનંદ.
હવાની ગતિએ આગળ વધી રહેલી ટ્રકથી હવે થોડો દૂર આશરે ત્રણ માઇલના અંતરે પાકિસ્તાની ઝંડો નજરે પડતો હતો. “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા સાથે હવે ટ્રકમાંથી કોઈ ગીતના સૂર સંભળાવા માંડ્યાં.
જરા આગળ જતા આશરે પચાસ કદમની દૂરી પર ડાબી-જમણી બાજુએ ચાલ્યા જતા ત્રણ શીખ પર બલૂચિ સિપાહીઓની નજર પડી. ડ્રાઇવરની આજુબાજુમાં બેઠેલા સિપાહીઓએ આંખનાં ઈશારે જ સમજૂતી કરી લીધી. અને ક્ષણભરમાં ડાબી બાજુએ ચાલી રહેલો યુવાન, સ્ત્રી વિંધાઈ ગયાં. જમણી બાજુ પસાર થતા એ કૃશકાય બુઢ્ઢા આદમીને સંગીનની ધાર અડતાંની સાથે એ ગભરાઈને ઉછળ્યો અને ટ્રકના આગળના પૈડાં પાસે આવીને પડ્યો. એની ખોપરીને ટ્રકના વજનદાર પૈડાંથી કચરીને ટ્રક ડ્રાઇવર ઝડપથી આગળ વધી ગયો.
હવે સાવ સામે ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો દેખાતો હતો. પોતાના દેશની હવા પ્રેમથી સ્વાગત કરતી હોય એવું આ સિપાહીઓએ અનુભવ્યું. એક અજબ નશામાં આવેલા આ સિપાહીઓએ “ અલ્લાહો અકબર”. “પાકિસ્તાન જિંદાબાદ”નો નારો લગાવ્યો. સિપાહીઓ નારો લગાવતા હતા જ ને તેજ રફ્તારે જતી ટ્રકના ડ્રાઇવરને એક જંગલી બિલાડી કૂદીને વચ્ચે આવતી દેખાઈ. ન્યાયના પ્રતીક સમા ઝંડા પર નજર જતાં ડ્રાઇવરે માનવતાની દૃષ્ટિએ બિલાડીને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. બિલાડી તો બચી ગઈ પણ તેજ રફ્તારે જતી ટ્રકનું બેલેન્સ ડ્રાઇવર જાળવી ન શક્યો. ટ્રક કાચા રસ્તા પર ઉતરીને જોરદાર ધક્કાથી એક મોટા ઝાડ સાથે અથડાઈને ઉથલી પડી.
પચીસ એક સામટી ચીસો અને પછી કોઈએ ગળું દબાવી દીધું હોય એવો સન્નાટો છવાઈ ગયો. ઊંધી પડેલી ટ્રકનાં એન્જિનમાંથી રેલાયેલાં પેટ્રોલથી ધડાકાભેર આગ લાગી. સડક પર કોઈ હતું નહીં જે આ બલૂચિ સિપાહીઓની મદદ કરે. દૂર પાકિસ્તાનનો ઝંડો એવી જ રીતે જ લહેરાતો હતો અને ડરીને એ ઝાડ પર ચઢી ગયેલી બિલાડી આંખો ફાડીને સળગતી ટ્રકને જોઈને હેરાન થઈ રહી હતી.
થોડે દૂર ધર્મ, સચ અને ન્યાયના પ્રતીક સમા ચાંદ-તારાવાળો પાકિસ્તાની ઝંડો લહેરાઈ રહ્યો હતો.
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Recent Comments