‘કફન’ ગરવી ગુજરાત( લંડન)માં પ્રસિદ્ધ પ્રેમચંદ મુનશી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
કાતિલ ઠંડીની રાતના ઘેરા અંધકારમાં તૂટેલી ફૂટેલી ઝૂંપડીની બહાર એ બાપ અને દીકરો ઠંડા પડેલાં માંડ હાથ શેકાય એવાં તાપણાં પાસે બેઠા હતા. અંદરથી માધવની પત્નીની પ્રસવપીડાની ચીસો બહાર સુધી સંભળાતી હતી.
“લાગે છે કે આજે તો આખો દિવસ આમ જ જશે. તું જરા અંદર જઈને એની હાલત જોઈ તો આવ.” ઘીસૂ એટલે કે બાપે બેટાને કહ્યું.“અરે, મરવાની હોય તો હાલ જ ના મરે ! હું છૂટું.” માધવે અકળાઈને જવાબ આપ્યો.
“આખી જિંદગી એની સાથે સુખ-ચેનથી રહ્યો અને હવે એની સામે જરા જેટલી પણ હમદર્દી નહી. આવો કઠોર ક્યાંથી બન્યો?”
“અંદર જઈને શું કરું? મારાથી એની પીડા નથી જોવાતી.” લાચાર માધવે જવાબ આપ્યો.
ચમાર કુટુંબના ઘીસૂ અને માધવ કામ બાબતે બદનામ હતા. ઘીસૂ એક દિવસ કામ કરતો તો ત્રણ દિવસ આરામ કરતો અને માધવ તો વળી અડધો કલાક કામ કરતો અને કલાક સુધી ચલમ ફૂંક્યા કરતો. ઘરમાં મુઠ્ઠીભર હોય ત્યાં સુધી બંને બેસી રહેતા. અનાજ સાવ તળિયે પહોંચે ત્યારે ઘીસૂ લાકડાં કાપતો અને માધવ બજારમાં જઈને વેચતો. સાધુમાં હોય એવા સંયમ, સંતોષ અને ધીરજના ગુણ બંનેમાં હતા, પણ કમનસીબે એ સંસારી હતા. સંસાર ચલાવવાનો હતો. ઘરમાં માટીનાં બેચાર વાસણ સિવાય બીજી કોઈ સંપત્તિ નહોતી. માથે ચૂકવી ન શકાય એવા દેવા અને સઘળી ચિંતાઓની વચ્ચે પણ એમની પ્રકૃતિમાં કોઈ ફરક નહોતો પડતો.કોઈ કામ ન મળે તો ખેતરોમાં જઈને શાક તોડી લાવતા અને શેકી ખાતા. ક્યાંતો શેરડીના સાંઠા ચૂસીને દહાડો પૂરો કરતા. અત્યારે પણ એ આગમાં બટાકા શેકતા બેઠા હતા.
ઘીસૂની પત્નીને મરે તો વર્ષો થયા હતા. માધવના લગ્ન ગયા વર્ષે થયા ત્યારથી ઘરમાં માધવની પત્ની ઘર સંભાળવા મથતી. એ સ્ત્રી જ અત્યારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને બંને જણ એ ક્યારે મરે તો શાંતિથી ઊંઘી શકાય એની રાહ જોતા હતા.માધવને હવે એક બીજી ચિંતા થવા માંડી. જો બાળક થશે તો ઘરમાં ઘી, ગોળ, સૂંઠ કે તેલ તો છે નહીં લાવીશું ક્યાંથી?
“થઈ પડશે, આજે જે લોકો એક રૂપિયો નથી આપતા એ બધા કાલે આપી જશે. ઘરમાં કશું નહોતું પણ મારે નવ નવ છોકરાં થયા અને ભગવાને કોઈને કોઈ રીતે એમને પાર પાડ્યા.”
ઘીસૂએ આશ્વાસન આપ્યું. કામચોરોની મંડળીના મુખી જેવા આ બંને અત્યારે શેકાયેલા બટાકા ખાવાની ઉતાવળમાં હતા. શેકેલા બટાકા છોલવામાં હાથ અને ઉતાવળે ખાવામાં જીભ અને તાળવું બંને દાઝતા હતા. આંખમાંથી પાણી વહેતું હતું પણ કાલ કશું પેટમાં ગયું નહોતું એટલે બટાકા ઠંડા થાય એટલીય રાહ એમનાથી જોઈ શકાય એમ નહોતી.
ઘીસૂને અત્યારે વીસ વર્ષ પહેલાં જોયેલી ગામના ઠાકોરની બારાત યાદ આવતી હતી. એનાં આખા જીવન દરમ્યાનમાં ત્યારે એ દાવતમાં જે ખાધું હતુ એ આ ક્ષણે પણ યાદ હતું. અસલી ઘીમાં બનેલી પૂરી, ત્રણ જાતના કોરા શાક, એક રસાવાળું શાક, કચોરી, દહીં, ચટણી, મિઠાઈ..માંગો એટલી વાર પીરસાતાં એ ભોજનને યાદ કરીને આજેય મોંમા પાણી આવ્યું. એ પછી ક્યારેય એણે ભરપેટ ખાધું નહોતું. માધવે પણ એ વ્યંજનની મનોમન મઝા માણી અને નિસાસો નાખ્યો. “હવે આવું ભોજન તો કોઈ નથી ખવડાવતું.
“ગયો એ જમાનો તો. હવે તો લગન, મરણ કે ક્રિયા-કરમમાં ખર્ચા ઓછા કરવાનો વાયરો વાયો છે. કોઈ આપણું તો વિચારતું જ નથી.” ઘીસૂએ પણ નિસાસો મૂક્યો અને શેકેલા બટાકા ખાઈને પાણી પી, ઠરી ગયેલાં તાપણાં પાસે લંબાવ્યું.
અંદર માધવની પત્ની બુધિયા હજુ પીડાથી અમળાતી હતી. સવારે ઊઠીને માધવ અંદર ગયો અને જોયું તો બુધિયાનું શરીર ઠંડુ પડી ગયું હતું. મોં પર માખીએ બણબણતી હતી અને બચ્ચું પેટમાં જ મરી ગયું હતું. માધવ અને ઘીસૂની રોકકળ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. બેઉ અભાગીઓને આશ્વાસન આપવા મથ્યા. બુધિયા મરી ગઈ એ કરતાં બંનેને વધુ ચિંતા કફન ક્યાંથી લાવવું એની હતી.
રોતા રોતા જમીનદાર પાસે ગયા. ચોરી કરતા, કામ પર ન આવતા બાપ-બેટા પ્રત્યે જમીનદારને સખત નફરત હતી. અત્યારે બંનેને રડતા જોઈને વધુ અકળાયા.
“બહુ આપદામાં છીએ સરકાર. માધવની ઘરવાળી રાતે તડપી તડપીને મરી. આખી રાત અમે એની પાસે બેસી રહ્યા. શક્ય હતા એટલા દવા-દારૂ કર્યા પણ કંઈ કામ ના લાગ્યું. ઘર ઉજડી ગયું. કોઈ રોટી બનાવવાવાળું ના રહ્યું. અમે તો તબાહ થઈ ગયા. ઘરમાં જેટલું હતું એ બધું એના દવા-દારૂમાં ખલાસ થઈ ગયું. હવે તો સરકાર બીજે ક્યાં જઈએ, તમારી દયાથી એનાં ક્રિયાકરમ થશે.”
ઘીસૂએ શક્ય હોય એટલી નરમાશથી કહ્યું.કામ પર બોલાવે તો ક્યારેય ન આવતા ઘીસૂને અત્યારે ખુશામત કરતા જોઈને એની પર એવી તો દાઝ ચઢતી હતી કે એકાદ વાર તો જમીનદારને થયું કે એ ઘીસૂને અહીંથી જવાનું કહી દે.. એની પર દયા કરવી એ પૈસા પાણીમાં નાખવા જેવી વાત હતી. પણ, આ સમય એની પર ક્રોધ કરવાનો નહોતો વળી જમીનદાર દયાળુ હતા. બે રૂપિયા આપીને એને વિદાય કર્યો.
જમીનદારે બે રૂપિયા આપ્યા જાણીને ગામના લોકો કે મહાજનનોય એને રૂપિયા આપ્યા વગર છૂટકો નહોતો. કોઈની પાસેથી બે આના તો કોઈ પાસેથી ચાર આના મેળવીને પાંચ રૂપિયા ભેગા કર્યા. ક્યાંકથી અનાજ તો ક્યાંક લાકડીઓ મળી. હવે ઘીસૂ અને માધવ બજારમાંથી કફન લેવા ઉપડ્યા.
આ બધુ કરવામાં રાત પડી જવાની હતી એટલે સસ્તું કફન મળે એની પેરવીમાં પડ્યા.“કેવો રિવાજ નહીં, જીવી ત્યાં સુધી તન ઢાંકવા ચીંથરુંય નસીબ નહોતું અને હવે મર્યા પછી નવું કફન?” માધવને ચીઢ ચઢતી હતી.
“અને વળી કફન તો લાશ સાથે બળી જવાનું. આ પાંચ રૂપિયા પહેલાં મળ્યાં હોત તો કંઈક દવા-દારૂ તો કરત.”
ઘીસૂએ એની હૈયાવરાળ ઠાલવી. સસ્તું કફન શોધવાના લોભમાં સાંજ સુધી બજારમાં આમથી તેમ રખડ્યા. કંઈ ઠેકાણું ના પડ્યું તે ના જ પડ્યું પણ બંને નસીબના બળિયા તો એવા કે થાકીને જ્યાં ઊભા રહ્યા ત્યાં સામે જ મધુશાલા દેખાઈ અને એમના પગ સીધા જ મધુશાલા તરફ વળ્યાં.હવે બાકી શું રહે? પછી તો એક બોટલ, થોડો નાસ્તો લઈને બંનેએ આરામથી બેઠક જમાવી. થોડી વારમાં તો બંનેના દિમાગ પર નશો છવાવા માંડ્યો.
“કફન લઈને શું કરીશું, વહુની સાથે તો નહીં જાય ને અંતે તો એ બળી જ જશે.” ઘીસૂ બોલ્યો.”
“વાત તો સાચી છે, દુનિયાનો રિવાજ છે. લોકોના મર્યા પછી બ્રાહ્મણોને હજારો રૂપિયા દઈ દે છે. કોણ જોવા ગયું છે કે પરલોકમાં એમને એ પૈસા મળેય છે કે નહીં? ઠીક છે મોટા લોકોની મોટી વાતો. આપણી પાસે છે શું કે ફૂંકી મારીએ?”
માધવે પણ બાપની વાતમાં મત્તુ માર્યું. “પણ લોકો પૂછશે કે કફન ક્યાં તો કહીશું શું?”
“કહી દેવાનું કે રૂપિયા ગજવામાંથી પડી ગયા. બહુ ખોળ્યા પણ ના મળ્યા. લોકોને વિશ્વાસ તો નહીં આવે પણ ફરી એ લોકો જ રૂપિયા આપશે.” ઘીસૂ હસ્યો.
હવે તો માધવનેય આ વાતમાં મઝા પડી.” સારી હતી બુધિયા બીચારી. મરી તોય આપણને સરસ રીતે ખવડાવતી પીવડાવતી ગઈ. બોટલમાંથી અડધાથી વધુ દારૂ પી ગયા પછી ઘીસૂએ બીજી પૂરીઓ મંગાવી. સાથે ચટની, આચાર પણ ખરાં. આમાં પૂરા દોઢ રૂપિયા ખર્ચાઈ ગયા.
હવે માંડ થોડા પૈસા બચ્યા. પણ સાવ નિરાંતે જંગલના રાજા પોતાના શિકારની મઝા લઈ રહ્યો હોય એવી શાનથી બંને ખાવાની મોજ માણતા રહ્યા.
“આપણો આત્મા તૃપ્ત થયો એનું પુણ્ય એને જ મળશે જ ને?” એક દાર્શનિકની જેમ ઘીસૂ બોલ્યો.મળશે, જરૂર મળશે. ભગવાન તો અંતર્યામી છે. આપણાય એને આશીર્વાદ છે. ભગવાન એને જરૂર વૈકુંઠ લઈ જશે. મને તો આજે જે ભોજન મળ્યું એ પહેલાં ક્યારેય મળ્યું નથી.” માધવે પૂરી શ્રદ્ધાથી જવાબ આપ્યો. વળી પાછી મનમાં શંકા જાગી, “ક્યારેક તો આપણેય જવું પડશે ને? ત્યાં આપણને પૂછશે કે તમે મને કફન કેમ ના ઓઢાડ્યું તો શું જવાબ આપીશું?”
આ ક્ષણે ઘીસૂ પરલોકની વાત વિચારીને આ લોકના આનંદમાં વિઘ્ન ઊભું કરવા નહોતો માંગતો. એણે કોઈ જવાબ આપવાનું ટાળ્યું. જેમ જેમ અંધારુ વધવા માંડ્યું મધુશાલાની રોનક પણ વધવા માંડી. ભરપેટ ખાઈને વધેલી પૂરીઓ ભિખારીને આપી દીધી અને જીવનમાં ક્યારેય ન વિચારેલું કાર્ય કર્યાનો પ્રચંડ આનંદ અને ગૌરવ બંનેએ અનુભવ્યો.
“લે તું પણ ખા અને ખુશ થા. આ જેની કમાઈ છે એ તો મરી ગઈ પણ તારા આશીર્વાદ એને મળશે તો સીધી એ વૈકુંઠ જશે. ભલી હતી બીચારી. કોઈને હેરાન નથી કર્યા. મરીનેય અમારી સૌથી મોટી લાલસા પૂરી કરતી ગઈ અને એ વૈકુંઠમાં નહી જાય તો કોણ જશે? આ બે હાથે ગરીબોને લૂંટીને ગંગાસ્નાન કરીને મંદિર જાય છે એ આ મોટા લોકો જશે?” ઘીસૂ આનંદમાં આવીને ભિખારી સામે જોઈને બોલ્યો.
થોડી વારમાં નશાના લીધે ચઢેલો માધવના આનંદનો ઊભરો દુઃખમાં પલટાઈ ગયો. “દાદા, બીચારીએ જીવનભર દુઃખ જ વેઠ્યું અને મરી ત્યારેય કેટલી દુઃખી થઈને ગઈ“ માધવ પોક મૂકીને રડવા માંડ્યો.
“અરે બેટા, ખુશ થા કે કેટલી ભાગ્યવાન હતી કે આ બધી માયાજાળમાંથી મુક્ત થઈ ગઈ.” ઘીસૂએ આશ્વાસન આપવા માંડ્યું.વળી પાછી વ્યથાના વમળમાંથી બહાર આવી, બંને ઊભા થઈને પોતાની મસ્તીમાં આવી ગાવા, નાચવા, કૂદવા માંડ્યા. અંતે નશામાં ચકચૂર થઈને ત્યાં જ ઢળી પડ્યા..
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments