આન્યા મૃણાલ-પ્રકરણ ૨૪/ રાજુલ કૌશિક
મૃણાલની દીકરીમાં નખશિખ માની પ્રકૃતિ ઊતરી હતી. એને આ બિઝનેસની વાતો માફક આવતી જ નહોતી.
“દાદાજી , તમને લાગે છે કે પપ્પા કહે છે એમ હું એમનો બિઝનેસ સંભાળી શકીશ? મને તો સાચુ કહું ને દાદાજી તો આ સ્ટેટેસ્ટિક્સ, આટલું ટર્ન ઓવર, પ્રોડક્શન, સેલ વળતર-નફાની વાતો જ બોરિંગ લાગે છે. હ! મને રસ છે પ્રોડક્શનમાં પણ આ ટેક્સટાઇલ, આ ઇન્ડસ્ટ્રિઝનાં નહીં, મને મારી પોતાની કલ્પના સાકાર કરે એવા પ્રોડક્શનમાં રસ છે.”
“એટલે?”
“એટલે એમ…… કરીને, આન્યા લંબાણથી પોતાના મનની વાત કરતી અને અજયભાઈ સાંભળતા. એની વાત પૂરી સાંભળ્યા પછી જરૂર લાગે તો એને સાચી સમજ પણ આપતા. પપ્પાને એકાઉન્ટમાં મદદ કરવા કરતાં તેનું મન આંકડાઓ કરતા રેખાઓમાં વણાંકો અને રંગોમા વધુ પ્રસન્નતા અનુભવતું.
આન્યાને હંમેશા એના પપ્પા સાથે વાતો કરવા કરતાં દાદાજી સાથે વાતો કરવાનું વધારે ફાવતું. એ એના દાદાજી સાથે વધુ ખુલીને વાતો કરી શકતી. પપ્પા સાથે વાત કરવામાં તો એને હંમેશા ડર રહેતો કે, કોઈ પણ વાત કે ચર્ચાનો અંત અંતે તો એની મમ્મી માટેની વિશેષ ટીપ્પણી સાથે જ આવશે અથવા તો પપ્પા ઉશ્કેરાઈને ઊભા જ થઈ જશે. એને પોતાની વાત કરવાનો પૂરતો અવકાશ કે મોકળાશ તો રહેતી જ નહીં, જ્યારે દાદાજી એની સાથે શાંતિથી વાત કરતા, એની વાતો શાંતિથી સાંભળતા.
આન્યા હંમેશા વિચારતી. બધા કહે છે કે સોળ વર્ષે સંતાન સાથે મિત્ર જેવો સંબંધ કેળવવો જોઈએ. પણ અહીં મમ્મી તો છે જ નહીં અને પપ્પા? એ પણ જાણે ન હોવા બરાબર. ક્યારેય આન્યાને કૈરવ માટે અંતરથી ઉષ્મા અનુભવાઈ જ નહીં. જે કોઈ લાડપ્યાર મળ્યા એ દાદાજી પાસેથી. એની જીદ સામે પણ દાદાજી કેવું નમતું જોખી દેતા? દાદાજી પર તો ગુસ્સો પણ કરી શકાતો અને મનની વાત ન પૂરી થાય તો પગ પછાડીને રોફ પણ કરી શકાતો.
એ દિવસે તો જાણે ઑફિસ જવાની વાત પર પડદો જ પડી ગયો પરંતુ અજયભાઈએ ધીરે ધીરે કળથી કામ લેવા માંડ્યુ અને આન્યાને એમની રીતે પલોટવા માંડી.
“એક વાત કહું આન્યા?”
“હા બોલોને.”
“તને ખબર છે આ આપણો “જસ્ટ ફોર યુ” સ્ટુડિયો ક્યારથી છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો?”
આન્યા ઉત્સુકતાથી દાદાજી સામે જોઈ રહી.
એ દિવસે દાદાજીએ આન્યાને લંબાણથી “જસ્ટ ફોર યુ” કેવી રીતે શરૂ થયો એની વાત કરી. આજ સુધી ઘરમાં મૃણાલ અને મૃણાલની સાથે સંકળાયેલી કોઈ પણ વાત કરવા પર જાણે પાબંદી હોય એવું વાતાવરણ હતું. કૈરવ કે માધવીબેન તો મૃણાલને લગતી કોઈ સારી વાત વિચારી કે કરી શકતા જ નહીં અજયભાઈ જાણીને આન્યા સાથે એને લગતી તમામ વાતો કરવાનું ટાળતા. અરે હજુ સુધી તો એમણે આન્યાને એ પણ જણાવા દીધું નહોતું કે એ, શ્રીકાંતભાઈ અને ગાયત્રીબેન મૃણાલ સાથે સંપર્કમાં છે. મૃણાલના ચૌદ વરસના વનવાસ જેવા પરદેશવાસ દરમ્યાન એ ત્રણે જણા સતત એની સાથે જોડાયેલાં હતાં ત્યારથી માંડીને મૃણાલે પાછાં આવીને મુંબઈમાં પોતાની આગવી દુનિયા ઊભી કરી એનાં પણ એ લોકો સાક્ષી છે.
આન્યાને તો દાદાજીએ એ પણ ક્યાં જણાવ્યું હતું કે, આન્યા નાની હતી ત્યારથી એ ઊંઘી ગઈ હોય ત્યારે રોજે રોજ મૃણાલ એને જોતી આવી છે. આન્યાની પ્રગતિની વાતો દાદાજી મૃણાલ સાથે કરતા અને મૃણાલ એ વાતોના વિટામીન પર તો ટકી હતી.
આન્યાને તો એની પણ ક્યાં ખબર હતી કે મમ્મી પાસેથી દાદાજીએ લીધેલી એની તમામ તસ્વીરો બીજી કોઈ પણ પૂંજી કરતા પણ વધારે જતનથી જળવાઈ રહી છે.
આન્યા અવાચક બનીને દાદાજીની વાતો સાંભળતી રહી.
“દાદાજી મને લઈ જાવ.”
“ક્યાં?”
“મમ્મીએ સર્જેલા એના સપનાના મહેલમાં.”
“અત્યારે?”
“અત્યારે એટલે અત્યારે. જસ્ટ નાઉ…”
હાથ પકડીને આન્યાએ દાદાજીને ઊભા કર્યા અને રીતસર ખેંચીને લઈ જતી હોય એમ દોરવા માંડી. અજયભાઈને પણ થયું કે જો એ હવે ઊભા નહીં થાય તો એ અહીં અને એમનો હાથ આન્યાના હાથમાં રહી જશે.
સાંજે કૈરવને ખબર પડી કે આન્યાને લઈને અજયભાઈ સ્ટુડિયો પર ગયા હતા એટલે એ પાછો ચરૂની માફક ઉકળવા માંડ્યો.
“પપ્પા…”
“શાંતિ રાખ મને ખબર છે તારે મને શું પૂછવું છે અને શું કહેવું છે. આપણે પહેલાં વાત થઈ ગઈ છે કે, મારી અને આન્યા બાબતમાં તારે કોઈ માથું મારવું નહીં. આન્યા બાબતમાં હું જે કંઈ કરતો હોઉ એમાં તારે કોઈ સવાલ કરવા નહીં અને તેમ છતાં કરીશ તો પણ હું તને જવાબ આપવા બંધાયેલો નથી એટલુ સમજી લેજે.”
“તમારી અને આન્યાની વાત હોત તો હું કઈ બોલ્યો ન હોત પણ આ તો તમે એને સ્ટુડિયો પર લઈ ગયા એટલે મારે પૂછવું પડ્યું. તમને ખબર છે કે હું નથી ઇચ્છતો કે આન્યા એની મમ્મી કે એની મમ્મી સાથે સંકળાયેલ કોઈ ભૂતકાળમાં રસ લે.”
“તો પછી તારે એ સ્ટુડિયો પણ બંધ જ કરી દેવો તો ને?”
“એ મારો પ્રોફિટેબલ બિઝનેસ છે એટલે એ ચાલુ રાખવામાં મને રસ છે નહીં કે એ મૃણાલ માટે ચાલુ કર્યો હતો એટલે.”
“પણ આન્યા તારા બિઝનેસમાં રસ લે એમાં તો તને રસ છે ને?”
“ક્યાં સાંભળે છે એ મારું તો કેટલી વાર કહ્યુ પણ આંખ આડા કાન જ કરે છે ને ક્યાં તો ઊભી થઈને ચાલવા માંડે છે.”
“એમ તો એ તારીય દીકરી તો છે જ ને? તું પણ ક્યાં કોઈનું સાંભળે છે?”
“પપ્પા કઈ વાત તમારી મેં ના સાંભળી? બિઝનેસ તમે મને સોંપી દીધો છે તેમ છતાં તમને પુછ્યા વગર કે તમારી સલાહ લીધા વગર કયું પગલું મે લીધુ છે?”
“ભાઈ, એ તો મારી સલાહ તને પ્રોફિટેબલ લાગતી હશે ને એટલે…..”કહીને અજયભાઈએ બાકીની વાત અધ્યાહાર છોડી દીધી.
અને સાચે જ એ દિવસ આવી ગયો અને કૈરવ માંગતો હતો એ વરદાન જાણે એને મળી ગયું.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments