આન્યા મૃણાલ-પ્રકરણ ૨૩/
મૃણાલનો વિકાસ સમયની પાંખે વિસ્તરતો હતો. મોટી થતી જતી આન્યા ગૂગલ ઉપર મમ્મીનો વિકાસ જોતી અને પપ્પા સાથે સરખામણી કરતી તો તેને મમ્મી ઘણી આગળ દેખાતી હતી. ઘરમાં કદી મૃણાલની ચર્ચા થતી નહીં પણ, જ્યારે થાય ત્યારે બે ભાગલા તરત જ પડી જાય એક બાજુ દાદા અને આન્યા અને બીજી બાજુ માધવીબહેન અને પપ્પા.
આન્યાનું બાળપણ અત્યંત અસલામત, અવઢવભર્યુ અને અણસમજમાં જ વીત્યું. દાદાજીનાં અથાક સમજાવવા છતાંય એનું બાળમાનસ એ સ્વીકારવા તૈયાર થતું જ નહોતુ કે જે મમ્મી એને પળવાર પણ એકલી છોડતી નહોતી એ એને આમ કહ્યા વગર જતી રહે? પપ્પા અને દાદી તો હંમેશા એમ જ કહેતાં કે, મમ્મીને દીકરી કરતાં પોતાનામાં જ વધારે રસ હતો. કેવા કેવા શબ્દો વાપરતાં?
“મમ્મીને નામ કમાવવું હતું, છાપાઓમાં ફોટા આવે એવું બધુ ગમતું હતું એટલે એને અહીં રહેવું નહોતું”. સમજણ નહોતી પડતી કે કોની વાત સાચી માને? પણ એક હકિકતનો તો સ્વીકાર કર્યે જ છૂટકો હતો કે, સાચે જ એની મમ્મા એને મૂકીને જતી તો રહી છે જ અને એ પણ ક્યાંય દૂર. ખબર નહીં ક્યારે પાછી આવશે? અરે પાછી આવશે કે કેમ એનીય ક્યાં ખબર છે છતાં, ય મમ્મી માટે કશું ખોટું સાંભળી પણ શકતી નહીં.
ક્યારેક કૈરવ આન્યાને ચીઢવતો અને કહેતો પણ ખરો “તું તો મમ્મીની છોકરી જ નથી.. તને તારી મમ્મા કોઈ જ વર્ષગાંઠ ઉપર યાદ નથી કરતી અને તું જ આખો દિવસ તારી માને યાદ કર્યા કરે છે.”
આન્યા થોડીક ઝંખવાઈને કહેતી પણ ખરી.. “હું જ્યારે સૂઈ જાઉ છું ને ત્યારે મારી મોમ પરી બનીને મારે માથે હાથ ફેરવી જાય છે. એ મને આકાશમાંથી જુએ છે.”
“પરી? માય પુઅર ચાઇલ્ડ, આ પરીકથાઓ કહી કહીને જ તારી મમ્મીએ તને ધોળા દિવસે તારા દેખાડ્યા છે. કોઈ પરી-બરી હોતી નથી નહીંતર આવીને તને સાથે લઈ ના જાત?”
કૈરવને સમજણ પડતી નહોતી કે આન્યાના મન પરથી મૃણાલનું ભૂત કેવી ઉતારવું. એને એટલી પણ ખબર પડતી નહોતી કે નાનકડી આન્યા સાથે દલીલો કરીને એની મમ્મી માટે કંઈ પણ સાચી ખોટી વાતો ઉપજાવવાના બદલે એની સાથે પ્રેમથી, હેતથી કે વિશ્વાસમાં લઈને એને પોતાની કરી શકાય પણ, એ તો કૈરવના સ્વભાવમાં જ નહોતુ ને? કોઈને પ્રેમથી પોતાના કરી શકાતા હોત તો મૃણાલને પણ ગુમાવાના દિવસો ના આવ્યા હોત ને?
સ્કૂલના કેટલાય દિવસો એવા હતા કે પેરન્ટ્સ મીટિંગ પણ અજયભાઈએ જ એટેન્ડ કરી હોય. સમય જતા આન્યાએ પણ પોતાની ખુદની દુનિયા વસાવી લીધી હતી જેમાં એ, એના દાદાજી અને મમ્માની અઢળક વાતો હોય. આન્યાને હંમેશા મમ્માની વાતો સાંભળવી ગમતી. ક્યારેક દાદાજી તો ક્યારેક રામજીકાકાને એ સવાલો કર્યા કરતી એટલેથી એને સંતોષ ન થાય તો ક્યારેક નાની-નાનાને ફોન કરીને પૂછતી પણ, ત્યારે કૈરવ ખૂબ જ ખીજાતો. કહેતો કે, તારી માને તું એકલી છોકરી ઓછી છે? તેની બીજી બે છોકરીઓ છે. એક પીંછી અને બીજી કલમ. તું એની પ્રાયોરિટી ક્યારેય હતી જ નહી”
માધવીબહેન પણ પલિતો ચાંપતાં બોલતાં “ સાચી વાત છે તારા પપ્પાની. તારા માટે એણે ક્યારેય કશું લખ્યું છે? કશું ચિતર્યુ છે?”
ધુંધવાયેલી, છંછેડાયેલી આન્યા એક ધારદાર નજરે એ દાદી સામે જોઈને પપ્પા સામે અકળાઈને બોલી ઉઠતી.
“સ્ટોપ ઇટ, પાપા” અને પછી તો આન્યાને ક્યારેય પપ્પા કે દાદી સાથે વાત કરવાની ઇચ્છા થતી જ નહીં..
બાળપણની સરહદો વળોટીને ટીન એજમાં પ્રવેશી ચૂકેલી આન્યાની દુનિયામાં એના પપ્પા કે દાદીનું કોઈ સ્થાન હતું જ નહીં. આમ પણ નાનપણથી એના મનોજગતમાં આપોઆપ એની મમ્મા જેવા બનવાના સપનાઓ આકાર લેવા માંડ્યા હતાં એ હવે કોઈ ચોક્કસ આકાર ધારણ કરી રહ્યાં હતાં. આન્યાની આંગળીઓ પેપર પર જે સિફતથી લસરકા લેવા માંડતી એ જોઈને અજયભાઈનાં મનમાં ફડક ઊભી થતી અને કૈરવના મનમાં લાવા….
ક્યારેક કૈરવ હળવેથી કહેતો “હવે તું મારી સાથે ઑફીસે આવ. એટલો તો તું મને ટેકો કર.. આ બધો ધંધો તમારે જ સંભાળવાનો છે ને મીસ આન્યા શેઠ?”
આલેખનઃ વિજય શાહ
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments