‘પડછાયાના માણસ’ પ્રસ્તાવના
શ્રીમતી જયશ્રી મરચંટને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા શ્રી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.
‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ જયશ્રીબહેનને આ ગૌરવદિને અઢળક અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જયશ્રીબહેનની અનેક ગદ્ય તેમજ પદ્ય રચનાઓ વાચકોએ માણી છે. જયશ્રીબહેનની એક વધુ સિદ્ધિ સમાન એમણે લખેલી પ્રસિદ્ધ નવલકથા ‘ પડછાયાના માણસ’ના પ્રકાશન માટે જયશ્રીબહેનને અભિનંદન પાઠવતા આનંદ અનુભવું છું.
પ્રકાશિત નવલકથાની પ્રસ્તાવના વર્ષાબહેન અડાલજાએ તો લખી જ છે સાથે મને એની પ્રસ્તાવના લખવાની તક મળી એનો આનંદ છે, એ આપની સાથે વહેંચવો ગમશે.
જયશ્રીબહેનની નવલકથા’ પડછાયાના માણસ’ માટે વર્ષાબહેને લખ્યું છે કે,
‘જુદા જુદા સ્થળ અને સમયમાંથી પસાર થતી સુલુ અને દિલીપની જીવનસફર નદીના બે કિનારાની જેમ સદાય સમાંતરે છતાં અલગ રહેવાની કથા છે. નિયતી આખરે તેમને મેળવે છે. આનંદમાં સમય વીતે છે, પણ થોડી પળ અને દિલીપ વિદાય લે છે.
‘પડછાયાના માણસ’ પ્રેમની એક કરુણમંગલ કથા છે. પ્રેમનાં કેટલાંક વિવિધ રૂપ લેખિકાએ ઉજાગર કર્યા છે! દિલીપ અને સુલુનો શૈશવકાળથી સ્થિર જ્યોતે પ્રકાશતા દીપ જેવો પ્રેમ…. તો સેમ પ્રત્યે થોડા સમયનું ઝંઝાવાતી શારીરિક આકર્ષણ, ઋચા અને સુલુનો નિઃસ્વાર્થ દોસ્તીનો પ્રેમ….
એ પ્રેમ અને દોસ્તીની આસપાસ જ હોય એવા વાસ્તવિક લાગે છે. જેમ ગોફ ગૂંથાતો જાય એમ પાત્રોના જીવનના ચડાવઉતાર, મનોમંથન અને વહેણ-વણાંક એટલાં સુંદર રીતે લેખિકાએ ગૂંથ્યા છે કે કથા સાદ્યંત રસભર બની જાય છે.
વર્ષા અડાલજા
‘પડછાયાના માણસ’
સુ.શ્રી. જયશ્રીબહેન મરચન્ટ લિખિત નવલકથા ‘પડછાયાના માણસ’ એક નહીં અનેક વ્યક્તિઓ, અનેક પાત્રોના ભાવવિશ્વને જોડતું સુંદર કૉલાજ બનીને વાચક સમક્ષ પ્રસ્તુત થઈ છે.
આ નવલકથા એકથી વધુ વાર વાંચી છે. નવલકથા એના આરંભથી માંડીને અંત સુધીના દરેક પ્રકરણે કોઈ અણધાર્યા વળાંકે જઈને ઊભી રહી છે. આ અણધાર્યા વળાંક હોવા છતાં વાર્તાનો પ્રવાહ અસ્ખલિત રીતે વહેતો રહ્યો છે. નવલકથા વાંચતા વિચાર આવે કે આ પ્રકરણ સમાપ્ત થાય તો બીજું પ્રકરણ આવતી કાલે વાંચીશ, પણ એમ ન થયું. પ્રકરણના અંતે એવી અસર ઊભી થાય કે આવતી કાલ તો શું એક ક્ષણની પણ ક્યાં રાહ જોવાય એમ હતી?
નવલકથા એવા સંધિકાળથી શરૂ થાય છે જ્યાં એક જીવન આથમી રહ્યું છે. એક વ્યક્તિની વિદાયના ઘેરા શોકની લાગણીથી બેફામ સાહેબ કહે છે એમ “એક રાજા હતો અને એક રાણી હતી, એ તો તારી અને મારી કહાણી હતી” ની હવા બંધાય છે. તો પછી આગળ શું એવી લાગણીથી વાચક સતત પ્રવાહમાં ખેંચાયે રાખે છે.
શક્ય છે ‘પડછાયાના માણસ’ના પાત્રો ક્યાંક આપણી આસપાસ, આપણી લગોલગ મળી આવે અથવા એ પાત્રોમાં ક્યાંક આપણી જાત પણ જડી આવે.
વ્યક્તિ એક હોવા છતાં ઊગતા સૂર્યના પ્રકાશમાં અને આથમતા સૂર્યના અજવાસમાં એની છાયાના સ્વરૂપ બદલાતા રહે એમ આ નવલકથાના પાત્રોના મનોભાવ અને મિજાજ બદલાતા મેં જોયા, અનુભવ્યા છે. કેલીડોસ્કોપ ફેરવતા સુંદર રંગીન, અવનવી આકૃતિઓ સર્જાય એવું પણ આ નવલકથામાં અનુભવ્યું છે.
‘પડછાયાના માણસ’નું મુખ્ય પાત્ર સુલુ નામની એક વ્યક્તિમાં અનેક વ્યક્તિ, અનેક વ્યક્તિત્વ નિખર્યા છે. દરેક ઘટના સમયે એ અલગ સુલુ બનીને ઉભરી આવી છે. એ વિચારો અને નિર્ણયોમાં એકદમ સ્પષ્ટ છે. એની સામે ઈંદિરા એક એવા ભાવવિશ્વમાં અટવાતું પાત્ર છે જ્યાં એની મૂંઝવણનો કોઈ માર્ગ કે ઉકેલ જ નથી. માનસિક બીમારીને લીધે ઈંદિરાએ વિભિન્ન અજાણ્યા ભય અને મનોવ્યાપાર વચ્ચે જકડાઈને તરફડતી રહે છે. નવલકથાનો ત્રીજો ખૂણો, સુલુની મમ્મી રેણુ. એકલતાની પીડા જ જાણે એના નસીબમાં લખાઈ છે. છતાં આટલી સ્થિરતા, આટલી મક્કમતા ક્યાંથી કોઈ સ્ત્રીમાં આવે?
આ ત્રણે પાત્રોને લેખિકા જયશ્રીબહેને અત્યંત ખૂબીથી કંડાર્યા છે અને એમની આસપાસ અન્ય પાત્રોને જિગ્સૉ પઝલની જેમ કોઈ સાંધો કે રેણ ન દેખાય એવી રીતે ગોઠવ્યાં છે કે એક આખું સુરેખ કેનવાસચિત્ર વાચક સમક્ષ પ્રસ્તુત થાય છે.
આ નવલકથાની કથા કે એના પાત્રો વિશે ઘણું કહેવું છે. પણ જો મનમાં છે એ લખવા જ માંડું તો શક્ય છે કે પાના ભરાય એટલે વધુ કહેવા કરતાં અધ્યાહાર રાખું એ જ યોગ્ય છે. વાચક વાંચતો જશે એમ એ નવલકથા અને એના પાત્રોની સાથે આપોઆપ સંકળાતો જશે, એનો મને પાકો વિશ્વાસ છે. પણ હા, એટલું કહેવાની ઇચ્છા રોકી શકતી નથી કે છેલ્લા એક વર્ષથી વધુ હું પણ આ કથા, કથાના તમામ પાત્રોની સાથે સતત સંકળાયેલી રહી છું. ‘પડછાયાના માણસો’ને જાણવાની, સમજવાનીની આ તક મળી એનું મને ગૌરવ છે.
સાવ નોખી, અનોખી નવલકથાના આલેખન માટે જયશ્રીબહેનને અઢળક અભિનંદન અને ભવિષ્યમાં આવા રસપ્રદ સર્જન કરતાં રહે એવી શુભેચ્છા.
રાજુલ કૌશિક
Recent Comments