Archive for January, 2023
આન્યા મૃણાલ પ્રકરણ / ૨૭
મૃણાલે આટલાં વર્ષ તો પસાર કરી દીધાં પણ, હવે જ્યારે આન્યાની એકવીસમી વર્ષગાંઠને આડે બસ એકવીસ દિવસ બાકી હતા ત્યારે એક એક દિવસ પાસર કરવો આટલો કઠીન હશે એની તો કલ્પના મૃણાલે ક્યારેય કરી નહોતી.
આન્યાએ પણ હવે કાઠું કાઢ્યું હતું. લગભગ ચહેરેમોહરે મૃણાલ જેવી લાગતી આન્યા પાસે ઘરમાં તો મમ્મીની એવી કોઈ યાદ કે સંભારણું નહોતું કે જેને જોઈને મમ્મી માટેની કોઈ કલ્પના કરી શકે. હા! ક્યારેક દાદી કે પપ્પાની ટીકા સંભળાતી, “મા જેવી દેખાય છે એટલું બસ નહોતું કે જીદ પણ મા જેવી લઈને આવી છે?”
આન્યા માટે પણ આ એકવીસ દિવસ કાઢવા અઘરા હતા. જે દિવસે પપ્પાએ શેરો તેના નામે કર્યા ત્યારે પપ્પાના ડ્રોઅરમાંથી મળેલી ફાઇલમાં વાંચેલી વાતથી તેને આશા હતી કે એના જન્મદિવસે એની મમ્મીનો ફોન આવશે જ.
એક સવાલ જે આટલા વર્ષોથી મનમાં ઘૂમરાતો હતો એ સવાલનો જવાબ તો પોતાને મળવો જ જોઈએ એવી એક જીદ આન્યાના મનમાં ઊગી હતી. દાદાજી તો હંમેશા આન્યાને એની મમ્માના એના તરફના પ્રેમ માટે કહેતા જ આવ્યા હતા તો પછી સાચે જ જો એને દીકરી માટે આટલો પ્રેમ હતો તો શા માટે એને છોડીને ગઈ એ તો જાણવું જ પડશે. ખરેખર પપ્પા અને દાદી કહેતા હતા એમ મમ્માને એની કેરિયર વધુ વહાલી હતી એટલે મમ્મા ઘર છોડીને જતી રહી? એને એકવાર પણ આન્યા માટે પાછા વળવાનું મન ન થયું? આટલા સમયમાં એને ક્યારેય આન્યાની યાદ સુદ્ધાં ન આવી?
આન્યાને આશા હતી એમ એ દિવસે ફોન આવ્યો. આન્યાના દુઃખતા મન પર ચંદનનો શીતળ લેપ છવાતો હોય એવો મૃણાલનો વાત્સલ્ય ભર્યો અવાજ ફોનમાં રણક્યો. મૃણાલ તેને તેના જન્મદિવસની વધાઈ આપતી હતી.
“હેપ્પી બર્થ ડે બેટા….મમ્મા બોલું છું. ’’ગળામાં અટવાઈ ગયેલા ડૂમાના લીધે મૃણાલ વધુ કંઈ ન બોલી શકી. આન્યાના કાનમાં રેડાયેલા એ પાંચ શબ્દોએ એની પંચેન્દ્રિયના તારને ઝણઝણાવી મૂક્યા.
થોડીક પળો એમ જ પસાર થઇ ગઈ. આન્યાની સ્તબ્ધતા પારખી ગયેલા કૈરવના મનમાં ખતરાની ઘંટી વાગી. એ ચીલઝડપે ઊભો થયો અને “થેંક્યુ મમ્મા” કહે એટલામાં તો આન્યાના હાથમાંથી ફોન ઝુંટવાઈ ગયો, કપાઈ ગયો અને ફોનનું રિસીવર દૂર ફેંકાઈ ગયુ. આન્યા સ્તબ્ધ બનીને પપ્પાનો દુર્વાસા અવતાર જોઈ રહી. એક શબ્દ બોલ્યા વગર પણ પપ્પાના ચહેરા ઉપર જે ગુસ્સો છવાયેલો હતો એ જોઈને અન્યા એક પળ તો ઠરી ગઈ. એક પળ ફક્ત. વળતી પળે આન્યાને થયું કે જો એ આજે નહીં બોલે તો એ પછી ક્યારેય નહીં બોલી શકે. આજે એના ચહેરા પર પપ્પા માટે ક્રોધ અને દયા બંને હતા.
“પપ્પા! મારી મોમનો ફોન હતો પૂરા સત્તર વર્ષ પછી.”
“એ ઠગારી અને જુઠ્ઠી છે.” ઝેરી નાગ ફુંફાડો મારતો હોય તેવી રીતે કૈરવ બોલ્યો.
“પપ્પા મને ખબર છે કોણ કેવું છે.’ મૃણાલ જેવો જ અવાજ અને તેવું જ ખુદ્દારપણું સાંભળીને કૈરવ અંદરથી હચમચી ગયો. અને તરત જ બોલ્યો…’એટલે હું ખોટો છુ?”
અંદરથી અશાંત પણ શક્ય તેટલી શાંતિથી તે બોલી..” પપ્પા ! માણસ જેવું હોય તેવું જ બીજાને પણ જોતો હોય છે. આજ સુધી તમે મને મારી મમ્માથી દૂર રાખી પણ, હવે એકવાર તો હું એને મળીશ જ. પપ્પા, મમ્મીને મળતા તમે હવે મને નહીં રોકી શકો.” થોડીક બેચેની ભરી પળો વીતી ગઈ અને આન્યા ડાઇનિંગ રૂમમાંથી ઉભી થઈ ગઈ. કૈરવ ગુસ્સામાં તમતમી ગયો.
“આન્યા…….”
આન્યા હવે કોઈનું સાંભળવા તૈયાર નહોતી.
મમ્મીને ખોળવી ક્યાં? દાદાજી મમ્મા માટે અઢળક વાતો કરતા પરંતુ જેવું આન્યા મમ્મા ક્યાં છે એમ પૂછે તો જીભ પર મૌનનું તાળુ લાગી જતું. આન્યાને ક્યારેય દાદાજીને આ વાત સમજાઈ નહોતી. દાદાજીની નિષ્પક્ષતા પર, તટસ્થતા માટે એને માન હતું. દાદાજીએ હંમેશા મમ્મા માટે સાચી વાત હતી એ કહી હતી તો ક્યારેક પપ્પા તરફની પોતાની અવહેલના માટે ટોકી પણ હતી.
હવે? હવે હારી થાકીને બેસી રહે તો આન્યા શેની?
એણે કોમ્પ્યુટર પર ગૂગલ ઉપર મૃણાલ શેઠ નામે શોધખોળ શરુ કરી. જ્યારે મૃણાલ ખાલી “મૃણાલ” તરીકે પ્રસિદ્ધ હતી. કેટલીય યુ ટ્યુબો ઉપર વાતો હતી અને ઘણી બધી વાતોમાં આન્યાને “અન્નુ” કહી સંબોધેલા ચિત્રો હતાં, કાવ્યો હતાં અને પુસ્તકો પણ હતાં. એ બધામાંથી એક જ સૂર નીકળતો હતો, દીકરીને મળવાની વ્યાકુળતા અને અધીરાઈ.
“અન્નુ કાવ્ય” નામના ચિત્રે તો તેને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી હતી પણ, ક્યાંય તેનું સરનામુ હતું નહીં તેથી ફોન ડિરેક્ટરીમાં તેને શોધવા માંડી. જાહેર છે કે ફોન લિસ્ટેડ નહોતો.
હવે એક જ જગ્યા બાકી હતી અને તે નાનાજી અને નાનીનું ઘર. ત્યાંથી જ કોઈક માહિતી મળશે તે આશામાં તે ગાડી લઈને નીકળતી હતી ત્યાં સેલફોન ફરી રણક્યો.
પ્રભુ આશર ફોન પર હતા “ આન્યા! વર્ષગાંઠની ઘણી વધાઈ.”
“અંકલ! સવારે મમ્મીનો ફોન આવ્યો પણ પપ્પાએ કાપી નાખ્યો. મને મોમને મળવું છે મને તે ફોન નંબર પર નો રીપ્લાય આવ્યા કરે છે.”
“જો બેટા તારા દાદાજી જેમ જાણે છે તેમ તું પણ જાણી લે કે તું અને તારી યાદોનાં સહારે તારી મોમ સર્જન ક્ષેત્રે શ્રેષ્ઠ બની છે છતાં હજીય કહું કે તે સંપૂર્ણ હજી બની નથી. તું દાદા સાથે મારી ઑફીસે સાંજે આવ.”
“ભલે અંકલ હું આવીશ પણ મને મોમનો નંબર આપશો?”
“હા ચોક્કસ આપીશ પણ સાંજે. મને તારા પપ્પા અને તારી મમ્મીનાં કલહની વચ્ચે આવવું નથી તેથી હમણાં ક્ષમા.”
બરાબર ૪.૦૦ વાગે પ્રભુ આશરની ઑફીસે દાદા અને પૌત્રી પહોંચ્યા ત્યારે પ્રભુ આશર મૃણાલનાં બધાં પુસ્તકોનો સેટ લઈને બેઠા હતા.
બંનેને આવકારતા પ્રભુ આશરે પત્રોનો એક ઢગલો પહેલાં આપ્યો સાથે સાથે પુસ્તકોનો સેટ આપ્યો. આન્યા બધુ ખોલીને જુએ તે પહેલા દાદા બોલ્યા, “આન્યા,તું પાંચ વર્ષની હતી ત્યારથી દરેક વર્ષગાંઠે મૃણાલ તને પત્ર લખતી હતી. તને એ બધા પત્રો આજે જ આપવાના હતા તેથી પ્રભુદાદા તેને જાળવતા હતા. માનો દીકરી તરફ સ્નેહ હોવો તે કુદરતી ઘટના છે પણ, આવું બંધન કે દીકરીને મળી ન શકાય તે તો કેટલો મોટો શ્રાપ છે તે તને પત્રો વાંચીશ એટલે સમજાશે.”
“તારા દાદા પણ કેટલા ગ્રેટ છે તે તો આ પુસ્તકો જોઈશ એટલે તને સમજાશે.” પ્રભુ આશર બોલ્યા.
પહેલું પુસ્તક હાથમાં લેતા જ ટાઇટલ ઉપર નાની આન્યાનું સ્કેચ દોરતું ચિત્ર હતુ. પછીનાં પુસ્તકો ઉપર આન્યાનાં દાદાજીના રૂમમાં દોરેલા સ્કેચ અને તેની સાથે સરસ ભાવવિભોર કવિતા અને આન્યાને ઉદ્દેશીને મૃણાલે લખેલાં વહાલસભર વાક્યો હતાં.
તે ભાવવિભોર થતી ગઈ દાદાજી કેટલા સારા છે. તેમણે કદી કાયદો તોડ્યો નહીં અને મમ્મીને પણ તૂટવા ના દીધી. મનમાં થયું કે દાદાજીએ મમ્મીની કાળજી લીધી અને મને પણ કરમાવા ના દીધી.. મમ્મીના જે શોખ હતા તે મારામાં વિકસાવવા દીધા.
“દાદાજી! તમે કેટલા સારા છો કહેતા તેની આંખો ભરાઈ ગઈ.
પ્રભુ આશરે વિડીઓ કોન્ફરન્સ ફોન ઉપર મૃણાલને ફોન લગાડ્યો. સ્ક્રિન ઉપર મૃણાલ અત્યંત વહાલથી આન્યાને જોતી રહી.
આન્યા એકદમ સ્તબ્ધ થઈને જોઈ રહી..એ તો જાણે મૃણાલની જ છાયા! હા, મૃણાલનાં વાળમાં ક્યાંક રૂપેરી છાયા દેખાતી હતી, પણ એ જ પ્રેમભરેલું અને જાજરમાન મુખાર્વિંદ. મીઠા અવાજે બધાને વંદન કરતા બોલી, “બેઉ દાદાજી અને મારી વહાલી આન્યા…”
“મમ્મી મમ્મી.. તું ક્યાં છે?”
મૃણાલની પણ આંખો ભરાયેલી હતી હાસ્ય સાથે આનંદ છલકાતો હતો.. “ બેટા તારા દાદાને લીધે તને તો હું જોતી હતી પણ હૃદયને ખૂણે વેદના જ રહેતી હતી કે, તું મને ક્યારે જોઈશ?
“મમ્મી તું ગૂગલ પર ફોટા છે તેના કરતાં તો સાવ જ જુદી છે.. બિલકુલ મારા જેવી જ છે”
હસી પડી મૃણાલ ..એકદમ વહાલસોયું અને આનંદથી ભરપૂર.
સાથે હસી પડ્યા અજયભાઈ “ બેટા તારી મમ્મા તારા જેવી લાગે છે કે તું તારી મમ્મા જેવી? તારા જેવો ઊંધો કાયદો તો દુનિયામાં શોધ્યો ય નહી મળે.”
“ઓહ ! સોરી સોરી…..મમ્મા. દાદાજી ઇઝ રાઇટ.”
“દાદાજી ઇઝ ઑલવેઝ રાઇટ બેટા એન્ડ ગ્રેટ ટુ..”
“મમ્મા બસ હવે મારે તને મળવું છે.”
“સાંભળ બેટા, કાયદાની રુએ હવે તને અધિકાર પણ છે. તું મારી પાસે આવીને રહી શકે છે તે જ રીતે દાદાજી સાથે અને પપ્પાની સાથે પણ રહી શકે છે. તને આજે જે કંઈ ભેટરૂપે મારા પત્રો અને પુસ્તકો આપ્યા છે તેમાં એક પરબીડિયામાં મુંબઈની ટિકિટ પણ છે. દાદાજીની સંમતિ તો હશે જ પણ ધ્યાન રહે પપ્પા અને દાદીમાની અવજ્ઞા ના કરીશ.”
“મમ્મી મારે તો હમણાં જ આવવુ છે.”
“આવ બેટા હું પણ ચાતકની જેમ તરસું છું પણ છાનું હવે કશું જ નહીં.”
આલેખનઃ વિજય શાહ
Recent Comments