‘ઈડરિયો ગઢ જીત્યા રે… સલિલકુમાર” રાષ્ટ્રદર્પણ (ઍટલાન્ટા-અમેરિકા)માં પ્રસિદ્ધ વાર્તા.
ગુજરાત વિદ્યાપીઠનાં માંડ ચોથા ભાગની કહી શકાય એવી, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના પ્રાઇમ લોકેશન પર સ્થિત, આ ‘જ્ઞાનગંગોત્રી’ લાયબ્રેરી વાચકો માટે બે કારણોથી આશીર્વાદ સમાન હતી. એક તો વાર્ષિક મેમ્બરશિપ ઝાઝી નહોતી અને જો મનગમતું પુસ્તક અહીં ઉપલબ્ધ ન હોય તો આ લાયબ્રેરીના માલિક ભાનુશંકર પંડ્યા વધુમાં વધુ ચાર દિવસમાં મંગાવી આપવાની ખાતરી આપતા અને મંગાવી પણ આપતા.
સવારે દસ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ ‘જ્ઞાનગંગોત્રી’માં પંચાવન વર્ષીય ભાનુશંકર સૌને સ્નેહથી આવકારતા. ખૂબ મોજથી ગુજરાત વિદ્યાપીઠની સામે પોતાની લાયબ્રેરીની ઓળખ આપતા એ સૌને કહેતા, “ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? પણ હા, આ ગાંગો તેલી તમને ખાલી હાથે પાછા નહીં મોકલે હોં.”
કહીને ફક..ક દેતા હસી પડતા ભાનુભાઈ થોડા સમયમાં વાચકનો રસ કે ઝોક કઈ દિશામાં કે કયા લેખક તરફ છે એ સમજી જતા અને સામેથી એનું મનગમતું પુસ્તક શોધી રાખતા કે મંગાવી રાખતા.
એ કોઈ ભાષા વિશારદ કે ભાષા શાસ્ત્રી તો નહોતા પણ, આટલા વર્ષોથી સતત પુસ્તકો વચ્ચે રહીને જાણે આ ‘જ્ઞાનગંગોત્રી’ની પુણ્યસલિલામાંથી આચમની ભરતા ભરતા સારા વાચક અને ભાવક બની ગયા હતા.
સવારે આવીને ધૂપ, દીવો અને સરસ્વતી વંદના કરવાનો નિયમ. એ વિધિ પૂરી થાય એટલે કાચનાં બારણાની બહારની બારસાખ પર એક વિન્ડચાઇમ લટકાવી દેતા. કારણ શું કે, સવારથી આવેલા ભાનુભાઈની આંખ જરા વાર માટે બપોરે મીંચાઈ હોય અને કોઈ મેમ્બર આવીને બારણું ખોલે કે તરત એ વિન્ડચાઇમના અવાજથી એ સતર્ક બની શકે.
ભાનુશંકર પંડ્યામાંથી એ ક્યારે ભાનુભાઈ, ભાનુકાકા કે ભાનુદાદા બની ગયા એ તો એમને યાદ નથી પણ એક વાર આવેલી વ્યક્તિનો ચહેરો, નામ અને એની પસંદ હંમેશ માટે યાદ રહી જતા.
હવે તો સમયની સાથે ભાનુશંકર પંડ્યાની ઉંમર વધતી ચાલી. ૧૯૭૦થી શરૂ કરેલી આ ‘જ્ઞાનગંગોત્રી’ને આ દશેરાએ ૨૫ વર્ષ પૂરાં થવાનાં હતાં.
આ થઈ ભાનુશંકર પંડ્યાની ‘જ્ઞાનગંગોત્રી’ની વાત. હવે જરા ડોકિયું કરીએ એમની ગૃહસ્થી તરફ. પત્નીનું નામ શારદા અને એટલે જ સરસ્વતી વંદના કરતા સમયે એ ભૂલથી પણ ‘હે મા શારદા’ બોલાઈ ન જવાય એનું ખાસ ધ્યાન રાખતા.
વારસમાં એક પુત્ર. નામ સલિલ.
સલિલની કૉલેજનું અંતિમ વર્ષ પૂરું થવાને એક મહિનો બાકી હતો. સલિલ સાહેબે ભણવામાં એવી કોઈ મોટી તોપ ફોડી નહોતી એટલે માસ્ટર્સ ડીગ્રી લેવામાં કેટલી વીસે સો થશે એની તો એમને અને મમ્મી-પપ્પા બંનેને ખબર હતી. ભાનુભાઈ ઇચ્છતા કે કૉલેજનું વર્ષ પૂરું થાય અને સલિલ એમની આ ‘જ્ઞાનગંગોત્રી’ સંભાળી લે એટલે ગંગા નાહ્યા.
હવે મૂળ વાંધો હતો સલિલભાઈમાં અને સલિલભાઈને. એમને આ પુસ્તકનાં થોથાંમાં જરા ઓછો જ રસ પડતો. હા, જો પપ્પા એને પુસ્તકોની સાથે વિડીયો લાયબ્રેરી શરૂ કરવા દે તો એ સંભાળવા તૈયાર હતા.
માંડ તૈયાર થતા સલિલનો મૂડ અને બદલાતી રૂખ પારખીને ભાનુભાઈએ એ નિર્ણય અમલમાં મૂકવાની તૈયારી કરવા માંડી. ‘જ્ઞાનગંગોત્રી’માં આવતા મેમ્બરોને એની જાણ પણ કરવા માંડી. પણ આ બધુ કરવાની સાથે સલિલભાઈને પણ ટ્રેઇન કરવાના હતા ને?
ખાટલે ત્યાં જ તો મોટી ખોડ હતી. રાજા દશરથની જેમ શ્રી રામને રાજગાદી તો સોંપે પણ એના માટે સામે શ્રી રામ જેવી લાયકાત પણ જોઈએ કે નહીં, હેં? સલિલભાઈમાં એની જરા ઊણપ હતી. પણ સમય જતા બધું થાળે પડશે એવી આશા રાખીને વેકેશન શરૂ થતા ભાનુભાઈએ સલિલને લાયબ્રેરી પર આવવાનું કહી દીધું.
સલિલ પાસે જ બોલીવુડ, હોલીવુડની ફિલ્મોનું લિસ્ટ બનાવડાવીને વિડીયો કસેટ્સ ઑર્ડર કરી દીધી.
બેચાર દિવસથી તો સલિલકુમારે મન વગર માળવે જવાનું શરૂ કર્યું. પણ આજે અચાનક સૂક્કા ભઠ્ઠ માળવે બેઠેલું એમનું મન મોર બનીને થનગાટ કરે એવું બન્યું.
પીઠ ફેરવીને વિડીયો કસેટ્સ ગોઠવતા સલિલના કાને વિન્ડચાઇમનો રણકાર સંભળાયો અને એની સાથે જ ‘કેમ છો ભાનુકાકા’નો રણકો સંભળાયો. વિન્ડચાઇમ કરતાંય આ રણકો એમને વધુ ગમ્યો.
પાછળ ફરીને જોતાંની સાથે જ હાથમાં પકડેલી ‘સાગર’ ફિલ્મની વિડીયો કસેટમાંથી બહાર આવીને સામે ડિમ્પલ ઊભી હોય એમ એ ઠરી ગયા. અને કાનમાં “સાગર કિનારે, દિલ યે પુકારે. તુ જો નહીં તો મેરા કોઈ નહીં” ની તરજ ગુંજવા માંડી.
ના, એ ડિમ્પલ નહોતી પણ ખુલ્લા રેશમી વાળ, આછી કથ્થઈ આંખો અને ચિબૂક પરનો ખાડો જોઈને સલિલભાઈને એ છોકરીમાં ડિમ્પલ જ દેખાઈ.
“આવ આવ અનુશ્રી” ભાનુભાઈએ એને સ્નેહથી આવકારી.
પપ્પાનો અવાજ સાંભળીને એમનો સુખદ કલ્પના વિહાર અટક્યો.
ભાનુભાઈ પાસેથી વિડીયો લાયબ્રેરી શરૂ કર્યાની વાત જાણીને એ છોકરી ખુશ થઈ ગઈ.
“ભાનુકાકા, આ તો મઝાની વાત થઈ. હવે તો મમ્મી માટે બુક અને મારા માટે વિડીયો પણ અહીંથી જ, વાહ!”
“કેમ છે પપ્પા? આજે ખાલી મમ્મી માટે જ બુક જોઈએ છે કે પપ્પાએ પણ કોઈ રેફરન્સ બુક માંગાવી છે?”
અનુશ્રીના પપ્પા- દિનકર વ્યાસ સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક હતા સાથે કાવ્યો લખવાના શોખીન પણ ખરા. છેલ્લા કેટલાક સમયથી લખેલાં કાવ્યોનો એક સંગ્રહ બહાર પાડવો છે એવી એમની પરમ ઇચ્છા હતી. આજ સુધી કરેલા પ્રયાસો સફળ નહોતા થયા અને છતાં પ્રયાસ કરવાનું એમણે છોડ્યું પણ નહોતું. ભાનુભાઈ વિદ્યાર્થીઓને ભણાવવા જરૂરી એવી રેફરન્સ બુક એમના માટે મંગાવી આપતા.
હવે આ બધી વાતોમાં કંઈ સલિલને રસ નહોતો પણ અનુશ્રી વિડીયો કસેટ લેવા આવશે એ એના રસની વાત હતી…
“હાંશ! ચા…લો… આ વિડીયો લાયબ્રેરી કરવાનો વિચાર સાર્થક થયો ખરો.”
અને પછી તો અઠવાડિયામાં બેચાર વાર વિડીયો કસેટ લેવા આવતી અનુશ્રીમાંથી સલિલ માટે એ ક્યારે અનુ બની અને ક્યારથી લાયબ્રેરી સિવાય બહાર પાર્કમાં બંને મળવા માંડ્યાં એની ભાનુભાઈને ખબર સુદ્ધાં ના પડી. ખબર પડી તો માત્ર એટલી કે, માંડ માંડ ‘જ્ઞાનગંગોત્રી’ આવતો સલિલ હવે ભારે ઉત્સાહથી આવતો થઈ ગયો હતો.
*****
પ્રેમ તો થતા થઈ ગયો પણ અનુને હવે થોડી ચિંતા થવા માંડી. ગુજરાતી ભાષાના શિક્ષક એવા દિનકર વ્યાસ સલિલને પસંદ કરશે ખરા કારણ કે, ખાટલે બીજી ખોડ એ હતી કે સલિલભાઈ ‘ળ’ ની જગ્યાએ ‘ર’ બોલતા. એ એમનું અજ્ઞાન નહીં, જન્મજાત સમસ્યા હતી.
જ્યાં સુધી શબ્દમાં ‘ળ’ નો ઉપયોગ કરવાની જરૂર નહોતી પડી ત્યાં સુધી તો વાંધો નહોતો આવ્યો. એક દિવસ મમ્મી માટે ‘મળેલા જીવ’ લઈ ગયેલી અનુ એ નવલકથા પરત કરવા આવી ત્યારે બોલતા બોલતા રજીસ્ટરમાં નોંધ કરવાની ટેવવાળા સલિલના મોઢેથી મળેલાનાં બદલે ‘મરેલા જીવ’ સાંભળીને તો એ ભડકી જ ગઈ.
આજ સુધી ઝડપથી બોલવાની ટેવવાળા સલિલની દિલથી થતી પ્રેમપ્રચુર વાતોમાં તરબોળ અનુના દિમાગે આ ખામીની નોંધ લીધી જ નહોતી. પણ પછી તો આગર, પાછર, કાગર, વાદર, કમર જેવા ઉચ્ચારો સાંભળીને અનુને ચક્કર જ આવવા માંડ્યા. ભાષા શુદ્ધિના આગ્રહી પપ્પા સલિલને બોલતો સાંભળીને અનુ સાથેના સંબંધની ફાઇનલ એક્ઝામમાં ફેઇલ જ કરી દેશે એવી ખાતરી થવા માંડી.
પપ્પાને મળવા લઈ કેવી રીતે જવો? એ વિચારે જ એના મનમાં ખરભરાટ..થવા માંડ્યો. પોતે પણ ક્યારે ખળભળાટના બદલે ખરભરાટ બોલવા માંડી એનો અનુને અણસાર ન રહ્યો.
*****
અનુશ્રીની ક્યારે કૉલેજ પૂરી થાય અને એને સાસરે વળાવી દઈએ એ વિચારે મમ્મી પપ્પાએ મૂરતિયા જોવા માંડ્યા. ખાતાપીતા, ખાનદાન ઘરનો સંસ્કારી મુરતિયો હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય તો સારી નોકરી કરતો હોય અથવા ઘરનો ધંધો સંભાળે એટલો સક્ષમ હોય એટલે ભયોભયો.
આ ભયોભયોની વાતથી તો વળી અનુશ્રી વધુ ભયભીત થવા માંડી.
“સલિલ, ઘરમાં છોકરાઓના ફોટા, જન્માક્ષર અને બાયોડેટા એકઠા થવા માંડ્યા છે. તારા વિશે વાત કરવી હોય તો કેવી રીતે કરવી એની મૂંઝવણમાં રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.”
“તું તારે નિરાંતે નિંદર ખેંચ બેબી…બાકીનું મારી પર છોડી દે.” લાપરવાહીથી સીટી વગાડતા સલિલ બોલ્યો. એ ખુશ હોય ત્યારે અનુને બેબી કહેતો.
“અને આ બેબી કોઈની બહુરાની બનીને વિદાય લે ત્યારે હાથ ઘસતો બેસી રહેજે.” બેબી પગ પછાડતી ચાલવા માંડી.
પણ એમ કંઈ આ રોમિયો હાથ ઘસતો બેસી રહે એમાંનો ક્યાં હતો? એણે અનુ સાથે વાતો વાતોમાં દિનકર વ્યાસ વિશે ઘણું જાણી લીધું હતું.
*******
એક દિવસ કૉલેજથી અનુબેબી ઘરે પહોંચી અને બારણાં વચ્ચે જ ખોડાઈને ઊભી રહી ગઈ.
ડ્રોઇંગરૂમમાં દિનકર વ્યાસ એક યુવાન સાથે ગપ્પાગોષ્ઠી માંડીને બેઠા હતા.
“આવ, આવ.. અનુ, જો આમને મળ. સલિલ…સલિલ..કેવા?” અટકીને માથું ખંજવાળવા માંડ્યા. એમની એ આદત હતી. બોલતા બોલતા કશું ભૂલી જાય તો અટકીને માથુ ખંજવાળતા.
“સલિલ ભાનુશંકર પંડ્યા” પેલા યુવકે પોતાની ઓળખ આપીને સ્મિત ફરકાવ્યું.
“હા તો અનુ, આ સલિલભાઈ તો ભારે હોંશીલા અને કામના ખંતીલા. યાદ છે ને છેલ્લા કેટલાક સમયથી તારી પાસે રેફરન્સ બુક મંગાવતો હતો તે? આમ તો ભાનુભાઈ પાસે ન હોય તો બેચાર દિવસેય મંગાવી આપે છે, પણ આ વખતે તો કંઈ પત્તો પડતો નહોતો તે એમના દીકરા આ સલિલભાઈ ઠેઠ ભાવનગર લોકમિલાપમાં જઈને લઈ આવ્યા. તારી એક્ઝામ ચાલતી હતી એટલે તું પણ લેવા જઈ શકતી નહોતી તો આજે આપવા આવ્યા.”
“હેં..?” આખેઆખું રસગુલ્લું ઘૂસી જાય એટલાં આશ્ચર્યથી અનુબેબીનું મ્હોં પહોળું રહી ગયું.
“હેં નહીં હા… અને આટલેથી એ અટક્યા નથી હોં. એમને એકાદ બે પબ્લિશર સાથે ઓળખ છે તો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવા માટે પણ એ વાત કરશે. જો કે પબ્લિશર નવાસવા છે. ગુર્જર જેવા કે બહુ જાણીતા નથી પણ તો શું થયું હેં…એક વાર કાવ્યસંગ્રહ બહાર પડશે પછી તો અન્ય કાવ્યસંગ્રહ માટે બધા સામેથી તૈયારી બતાવશે. શું કહો છો….?
‘સલિલ.’ દિનકરભાઈનો હાથ માથું ખંજવાળવા સુધી પહોંચે એ પહેલાં જ સલિલે વાક્યપૂર્તિ કરી.
‘સલિલભાઈ..”
“અરે મુરબ્બી, માત્ર સલિલ જ કહો. અને આપ જેવા માટે કશું પણ કરી શકું તો એ મારું સદ્ભાગ્ય કહેવાય અને આપનો કાવ્યસંગ્રહ આજકાલના યુવાનો વાંચશે તો કાવ્યો શું કહેવાય એ સમજશે. એક વાર એ સમજશે એટલે આપોઆપ એમની પ્રીતિ ગુજરાતી કાવ્યો તરફ વળશે.”
“જોયું, હું નહોતો કહેતો કે, આ નવી પેઢી ગુજરાતી ભાષા પ્રત્યે રસ ધરાવતી થશે તો જરૂર ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે.”
હવે આ સાંભળ્યા પછી રગગુલ્લાંથી વધીને બીજું કશું અનુશ્રીનાં મોઢામાં જાય એવી શક્યતા નહોતી. એને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો કે, અત્યારે એ જે સાંભળી રહી છે એ સત્ય છે કે ગઈ કાલ સુધી પપ્પા જે માનતા હતા એ સત્ય હતું?
‘આજની પેઢી આપણી ભાષા, સંસ્કૃતિ ભૂલીને ક્યાં જઈ પહોંચી છે. શું થશે આપણી ગુજરાતી ભાષાનું, ગુજરાતની સંસ્કૃતિનું…” વગેરે.. વગેરે.. વગેરે. હજુ બે દિવસ પહેલાં જ પપ્પા નવી પેઢી તરફ પોતાનો બળાપો ઠાલવતા હતા
આજે એમની વિચારધારા પશ્ચિમથી પૂર્વ તરફ વહેવા માંડી! વાહ રે સલિલ , તુને તો કર દિયા કમાલ. અને મ્હોંમાં અટવાયેલાં રસગુલ્લાંની મીઠાશ એના સ્મિત પર પ્રસરી ગઈ. ચાલો, સલિલનો ઈડરિયો ગઢ જીતવાનો પ્રથમ પ્રયાસ તો સફળ થયો.
સલિલ આજની રોકેટ ગતિએ દોડનાર પેઢીનો હતો. એ દિવસ પછી એણે દિનકર વ્યાસના કાવ્યસંગ્રહ માટે પૂરા મનથી અને ખાનગીમાં થોડા ધનથી પ્રયાસ આદર્યા.
‘When there’s is will, there’s a way. અનુગૌરી. દેખિયે આગે આગે હોતા હૈ ક્યા?” સલિલ હવે ફુલ ફોર્મમાં હતો.
દિનકર વ્યાસના જન્મદિને, એમની જ કૉલેજનાં ઑડિટોરિયમમાં, યુનિવર્સિટીના કુલપતિના હસ્તે કાવ્યસંગ્રહનું વિમોચન ગોઠવાયું. એકાદ બે નામી કવિઓ પાસે પ્રસ્તાવના લખાવવાનું પણ સલિલ ચૂક્યો નહોતો. દિનકર પંડ્યા માટે જીવનની આ સૌથી ધન્ય ક્ષણ હતી.
******
‘શ્રીમતી, કહું છું સાંભળો છો? આપણે અનેરી માટે મુરતિયા શોધીએ છીએ તો આ આંખ સામે જ રતન જેવો સલિલ કેમ ન દેખાયો?’ એ રાત્રે દિનકર વ્યાસ પોતાના પત્નીને કહેતા હતા. આમ તો શ્રીમતી એમનાં પત્નીનું નામ પણ, કોઈ અજાણી વ્યક્તિ સાંભળે તો એમ સમજતી કે પોતાની પત્નીને સન્માન આપવાની આ એમની રીત છે.
‘હેં?’
‘હા, આ જમાનામા આવો નિષ્ઠાવાન છોકરો જોયો કોઈ? અનેરી માટે એકદમ યોગ્ય. શું કહે છે અનેરી?”
“શું પપ્પા, તમે એને બોલતા સાંભળ્યો છે? ળ તો બોલતા આવડતું જ નથી. જ્યારે હોય ત્યારે આગર, પાછર, કાગર, વાદર, કમર.. અને તમે એને યોગ્ય કહો છો? ‘ મનમાં ફૂટતાં લાડુનું ગળપણ જીભે ન આવી જાય એની સતર્કતાથી અનુએ પપ્પા સામે દલિલ કરી. એને ખબર હતી કે પપ્પાએ જે નિર્ણય કર્યો છે એને વધુ દૃઢ બનાવવા માટે થોડી આનાકાની જરૂરી હતી.
“જો બેટા, એમાં એનો કોઈ દોષ નથી. એ એની જન્મજાત ખામી છે. હવે જે એનો દોષ જ નથી એ વાતને લઈને બાકીના ગુણને અવગણી ન શકાય ને? તું રાજી થા તો કાલે જ ભાનુભાઈને કાને વાત નાખું. શું કહો છો, શ્રીમતી?”
કમુરતાં બેસે એ પહેલાં સારો દિવસ અને સારા ચોઘડિયામાં દિનકરરાય અને શ્રીમતીએ અનેરીને ‘કુર્યાત સદા મંગલમ’ના આશીર્વાદ સાથે પરણાવીને સલિલગૃહે વિદાય આપી.
‘જ્ઞાનગંગોત્રી’ હવે સલિલ અને અનેરી સંભાળી રહ્યાં છે. ભાનુશંકર અને શારદાબહેન, દિનકર વ્યાસ અને શ્રીમતીબહેને ગંગા નહાવા ગંગોત્રી, જન્મોત્રીની ટુરમાં નામ નોંધાવી દીધાં છે.
સલિલે ક્યાં, ક્યારે અને કેવી રીતે આ ઈડરિયો ગઢ જીત્યો એની માત્ર અનેરીને જાણ છે. બાકી સતત ‘જ્ઞાનગંગોત્રી’માં હાજર રહેવા છતાં ભાનુશંકર પંડ્યાનેય એની જાણ નથી. એમને તો અનેરી જેવી પુત્રવધૂ અને દિનકર પંડ્યા જેવા વેવાઈ મળ્યાં એનો આનંદ છે અને હા, આ સંબંધનો યશ પોતાની જાતને આપ્યા વગર ક્યાં એ રહેવાના હતા? એમને તો એમ જ છે કે આટલા વર્ષો સુધી કર્મની આશા રાખ્યા વગર એમણે જે નિષ્ઠાપૂર્વક દિનકર પંડ્યાની જરૂરિયાત પર ધ્યાન આપ્યું એનું આ ફળ છે.
હોય, ઘણાંને દરેક વાતમાં જશની ટોપી પોતના માથે પહેરવાની આદત હોય છે. ભાનુશંકર પણ એમાના જ એક…..
Recent Comments