રાગમુક્તિ- નમસ્કાર ગુજરાત (કેનેડા) તથા નમસ્કાર ગુજરાત (ઓસ્ટ્રેલિયા)માં પ્રસિદ્ધ વાર્તા

December 27, 2022 at 3:40 pm

“સ્નેહા, માએ તને ન્યુયોર્ક બોલાવી છે.”  

“કેમ? તબિયત તો ઠીક છે ને?” 

હા અને ના.” 

કંઈક સમજાય એવું કહેશો મને કોઈ?”  

“મમ્મીને ગઈકાલે હોસ્પિટલથી ઘેર લાવ્યા પછી માની ઈચ્છા છે તું આવે. માએ મીતુને પણ મળવા બોલાવી લીધી છે.”  

અક્ષરા આસ્તે રહીને સ્નેહાને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કરી રહી હતી. આમ જોવા જાવ તો સ્નેહા પણ ક્યાં આનાથી અજાણ હતી? મમ્મીને આ ત્રીજી વારનો કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો અને ઉંમર અને શારીરિક પરિસ્થિતિ જોતાં હવે એ કેટલું ખમી ખાશે એ સૌથી મોટો સવાલ હતો. પરંતુ માએ એટલે કે ઈંદુમાએ જ જાતે આ સ્થિતિનો ઉકેલ લાવવાનો નિર્ણય લઈ લીધો હતો.  સ્નેહા અને મીતુને બોલાવી લીધાં હતાં. સ્નેહા એટલે અમદાવાદ રહેતી સૌથી નાની દીકરી અને મીતુ એટલે અક્ષરાની દીકરી. સૌથી મોટી અક્ષરા, અતસિ, તેજસ, પુત્રવધૂ બીના અને તેમની બે પૌત્રીઓ તો સાથે જ હતા. 

બાકી રહ્યા અક્ષરા અને અતસિનો પરિવાર પણ માને મળવા આવી ગયો હતો.  

મા અને દાદાજી સાથે સૌને અજબ સ્નેહનો નાતો હતો. દાદાજીના છેલ્લા દિવસોમાં સૌનાથી પહોંચી શકાયું નહોતું પણ, 

માને મળવાની, મા સાથે રહેવાની તક ગુમાવવી નહોતી. 

માને અઠવાડિયા પહેલાં ત્રીજી વાર કાર્ડિયાયાક પ્રોબ્લેમ થવાના લીધે હોસ્પિટલાઇઝ કર્યાં. સ્વસ્થ થતાં ઘેર પાછાં લાવ્યાં ત્યારે એમણે જાતે નિર્ણય લઈ લીધો અને સૌને જણાવી દીધો હતો. આજથી તમામ દવાઓ, ટ્રીટમેન્ટ બંધ. ગમે તેવી ઈમર્જન્સી આવે હવે હોસ્પિટલાઇઝ કરવાની પણ વાત નહીં.

આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દીવાલ પાછળથી સૌના મનમાં એક જ સવાલ ઊભો થતો હતો અનેએ સૌની આંખમાં ડોકાતો પણ હતો.

“મા તમને તો ખબર છે ને કે દવા બંધ કરશો તો શું પરિણામ આવશે?” અતસિ ડૉક્ટર હતી એટલે ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિથી વધુ જ્ઞાત હતી.

“ડૉક્ટર છો એટલે એટલું તો સમજો છો ને કે, પેશન્ટને શક્ય હોય એટલી સારવાર આપવી પડે.  આમ અધવચ્ચેથી  તેમની મરજી અને ભગવાન ભરોસે ના છોડી દેવા? બીજું બધુ તો ઠીક લૅસિક્સ બંધ કરશો એટલે વોટર રિટેન્શ થશે.શરીરમાં  ધીમે ધીમે પાણી ભરાશે. લંગ્સમાં પાણી ભરાશે એટલે ખબર છે ને શું થશે?”

અતસિની સામે મમતાળુ નજરે જોઈને મા એ જવાબ આપ્યો, “ડૉક્ટર છું માટે બધું જાણું છું, સમજુ છું અને એટલે જ એના માટે તૈયાર પણ છું. મને મારા પોતાની શારીરિક સ્થિતિ અને તકલીફોનો પૂરેપૂરો ખ્યાલ છે. રહી દવાઓની વાત તો એ મારી માટે વિષ્ય સર્કલ જેવી છે. તમે એક દવા આપશો એની આડ અસર માટે બીજી દવા આપશો. એના લીધે મારા શરીરમાં થતાં ડિસ્ટર્સબન્સથી તમે અજાણ છો. હવે દવાઓનાં લીધે મારેવધારાની અગવડ ભોગવીને મારી આયુષ્ય દોરી લંબાવવી નથી.”

“આ મીઠું ખાવાની વાત? હમણાંથી તમને મીઠું બંધ કરાવ્યું હતું અને હવે તમે તો તમારે જે ખાવુ છે એમાં મીઠું લેવાની વાત કરો છો.  તમને લાગે છે કે તમારી આ વાત પણ બરાબર છે અને અમારે માની લેવાની છે?”

અતસિની અકળામણ વધતી જતી હતી. એનું તબીબી માનસ અને એથિક્સ માના નિર્ણય સાથે સંમત થતા નહોતા.

“જો બેટા નિર્માણ તો નિશ્ચિત જ છે. જે આવ્યું છે એને જવાનું છે એ વાત સાથે તો તું સંમત છે ને?અહીં તમે દર્દીને તકલીફ કે પીડા ભોગવવી ના પડે એના માટે ઓક્સિજન કે મોર્ફિનઆપો છો ને? મને જરૂર લાગશે અને પીડા

સહન ન કરી શકું ત્યારે એ પણ તું કરજે પણ, અત્યારે તો હું જ્યાં સુધી શારીરિક કે માનસિક રીતે જેમ છું એ બરાબર છું. તમારી ઇચ્છાને માનીને ખાતાં પીતાં જો મારે વિદાય લેવાની હોય તો મારી પાસે જેટલા દિવસછે એટલા દિવસ મને મારી રીતે જીવી લેવા દો. ખાવાનો મને ક્યારેય મોહ તો હતો જ નહીં એ તો તને ય ખબર છે. પણ મારામાં તાકાત ટકી રહે એટલું જરૂરિયાત પૂરતો ખોરાક  લઈને કુદરતી રીતે ટકી રહું તો તને વાંધો છે?” અત્યંત સ્નેહાળ સ્મિત આપતા મા બોલ્યાં.

માની વાત સાચી હતી. સૌએ એમને સમજાવ્યાં હતાં કે, 

“મા જાવ છો, જવાના જ છો. પણ આમ સંથારો ના લેશો , જે કંઈ થોડું ઘણું ખવાય એટલું ખાતાં રહો. 

અમે દવા લેવા માટે કોઈ આગ્રહ નહી રાખીએ પણ આટલી અમારી વાત માનો તો સારું.” 

મા એમની વાત મંજૂર રાખી હતી. અક્ષરા, સ્નેહા કે મીતુ અવાક બનીને સાંભળતા હતાં. જો કે માની વાત અને મરજી સાથે સૌ સંમત હતા. આજ સુધી મા જે રીતે ક્યારેય કોઈની પર શારીરિક, માનસિક કે આર્થિક રીતે નિર્ભર ન હોય એવું  પ્રતિભાશાળી જીવન જીવ્યાં હતાં, એ જોતાં માત્ર પથારીમાં એમનાં દિવસો વીતે એ તો કોઈનેય મંજૂર નહોતું.  માની જે અક્કડ ચાલ  જોઈ હતી એ મા આજે કોઈના ટેકે ચાલે એય કોઈનાથી જીરવવાનું નહોતું. વગર બોલે સૌની મૌન સંમતિથી માને એટલું આશ્વાસન મળ્યું કે એમની ઇચ્છાને સૌ માન આપે છે.

આટલી વાત કરતા એમને થાક લાગ્યો હતો અને ઘરમાં હૉસ્પિસની વ્યવસ્થા થઈ હતી એટલે માને જોવા ટ્રેઇન્ડ નર્સ આવી, એટલે ત્યાં જ વાત પર પરદો પડી ગયો.

નર્સનાં ગયાં પછી નક્કી થયું હતું એમ મા માટે એમને ભાવતો સૂપ અને ઢોકળાં બીનાએ તૈયાર કર્યા. વાતાવરણ હજુ ય ગંભીર હતું. ભવિષ્યના ભણકારા જાણે કાનમાં સંભળાતા હતા પણ, મા સ્વસ્થ હતા. એકદમ સ્વસ્થ અને હળવાફૂલ. જાણે કંઈ બન્યું નથી અને કંઈ બનવાનું નથી. એમને આટલાં નિશ્ચિંત જોઈને ધીમે ધીમે ચિંતાના ઘેરા વાદળો પણ વિખેરાતાં જતાં હતાં.

સૌથી પહેલા સ્વસ્થ થયો તેજસ. આમ પણ વાતાવરણને હળવું બનાવતા તો એને પળની ય વાર નહોતી લાગતી.

“ઓકે, મમ્મી, હવે તું કહીશ એમ જ થશે. આમ પણ પપ્પાને છેલ્લી પળોમાં તારી સૌથી વધુ ચિંતા હતી અને મેં એમને વચન આપ્યું હતું કે, તારી ચિંતા કરવાની જરાય જરૂર નહીં પડે. તારો બોલ સર આંખો પર. કહ્યું હતું કે નહીં? તો પછી જ્યારે પપ્પાને મળે ત્યારે  એમને પણ ખાતરી થવી જોઈએ કે, અમે તને બરાબર સાચવી હતી. થવી જોઇએ કે નહીં?”

માએ આંખના પલકારાથી સંમતિ આપી. વાત પણ સાચી જ હતી ને? માને દવાઓના લીધે ખાવાની રૂચી રહી નહોતી ત્યારે બીના દર બે કલાકે કંઈક બનાવીને માને કંઈક ખવડાવવા મથતી.. માનો સમય કેમ કરીને સરસ રીતે પસાર થાય તેના માટે જાણે એ સૌને યજ્ઞ હાથ ધર્યો હતો.

મા સામે જોઈને તેજસે કહ્યું “ ચાલો તો પછી પારણા કરો…”

બીના સૂપ અને ઢોકળાં લઈ આવી.

વાતાવરણને વધુ હળવું બનાવતા મીતુ બોલી “ મા , જો જો હોં પાછું વધારે ખાતા…આપણે તો ફિગર મેઇન્ટેઇન રાખવાનું છે.”

હવે સૌના મન પરથી અને મ્હોં પરથી ચિતાના વાદળ વિખેરાવા માંડ્યાં. ઢોકળાંના બે પીસ ખાઇને માએ બાકીના મીતુને પાછા આપ્યા.

“મીતુ આ બાકીના તું પૂરાં કર, હું ખાઉ કે તું એક જ છે ને , બધાને કહી દે કે મેં ખાધા છે.”

બીજા દિવસે મીતુને પાછા જવાનું હતું . વળી પાછું મન ભારે થઈ આવ્યું. મા એ કહ્યું હતું કે સવારે ગમે એટલાં વહેલાં નીકળવાનું હોય પણ મને ઊઠાડ્યાં વગર કે,મને મળ્યાં વગર જતી નહીં. તેજસના અમેરિકા સેટલા થયા પછી આ મીતુ જ તો હતી જે મા- દાદાજીને એકલવાયું ના લાગે તેના માટે તેમની જોડે રહી હતી.

મા-દાદાજી અને મીતુનું મઝાનું બંધન  હતું.  મીતુ તો મા-દાદાજી જોડે ખીલી ઊઠતી. ત્રણે એકબીજાનું આવલંબન હતા. 

મીતુ માટે તો મા-દાદાજી વડીલ કરતા મિત્ર વધુ હતા. એ એના મનની વાત મા-દાદાજી જોડે જેટલી સરળતાથી કરી શકતી એટલી કદાચ એની મમ્મી અક્ષરા સાથે પણ નહોતી કરતી.. મીતુ સવારે માને મળીને નીકળી. નીકળતી વખતે મીતુએ માનો હાથ હાથમાં લીધો. એક પણ અક્ષર બોલ્યા વગર એની આંખો ઘણું કહી જતી હતી. કશું જ બોલ્યા વગર,પાછું વળીને જોયા વગર એ નીકળી ગઈ. એને ખબર હતી કે, એ પાછું વાળીને જોશે તો એ મા પાસેથી જઈ નહીં શકે. માએ સૌ પાસેથી પ્રોમિસ લીધું હતું કે હવેથી કોઈ પોતાનો જીવ નહીં કોચવે. માને રાજીખુશીથી વિદાય લેવા દેશે.

આગલા દિવસે જરા સ્વસ્થ થતાની સાથે મા એ ફરી સૌને બેસાડીને કહ્યું,

“મારા સંથારાને તમે લોકો સમજ્યા હોય તેવું લાગતું નથી અને એટલે જ સૌ કામ છોડીને આમ મારી આસપાસ બેસી રહો છો. મને પણ ગમે કે સૌ મારી પાસે હોય પણ એનો અર્થ એવો નહીં કે,  કામકાજ છોડીને આવી રીતે માતૃઋણ અદા કરો. કર્મને તો મેં પણ હંમેશા મારો ધર્મ માન્યો છે . તમારા પપ્પા પણ કાયમ કહેતા કે શૉ મસ્ટ ગો ઓન. 

આમ તમારા રાગના રેશમી તાંતણે મને બાંધી ના રાખશો. મેં મારું જીવન ભરપૂર જીવી લીધું છે. હવે કોઈ એષણા બાકી રહી નથી. તમે પણ સૌ તમારા કામે લાગો અને સ્નેહા તું આવી જ છું તો થોડું વધારેજ રોકાઈને જા પાછળથી તને કોઈ વસવસો ન રહે”

મમ્મીને આટલી સ્વસ્થતાથી વાત કરતી જોઈને અક્ષરાથી પૂછ્યા વગર ન રહેવાયું, “મમ્મી, એવું બને કે ઘણાંને તો ખબર પડે તે પહેલા જ ખોળિયું છોડીને જીવ નીકળી જાય. ઘણાંના દિવસો અભાન અવસ્થામાં પૂરાં થાય અને દેહ છૂટે  પણ, આમ આટલી સજાગતા અને જાગૃકતા સાથે તું જે તૈયારી કરી રહી છું, તને ક્યાંય કોઈના માટે જરા સરખો વિચાર નથી આવતો?”

“ના મારા દીકરા ના, મેં મારું આખું જીવન મારા પ્રોફેશનને જ ધર્મ માન્યો અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ત્યારથી જીવન શું છે, એ સમજવા મથતી રહી. કર્મવાદના રહસ્ય સમજતાં મને એક વાતની તો સમજણ પડી ગઈ કે, જે જીવ આવ્યો છે તે શીવને પામે તે પહેલાં તેણે તેનાં કર્મનાં બંધન ખપાવવા જ રહ્યા. દેહમાં જીવ છે ત્યાં સુધી જ આ રાગ, મોહ-માયા છે. જે ક્ષણે આ દેહ નહીં હોય ત્યારે આમાંનું કશું જ સાથે નહી આવે. આ આત્મા તો કોઈ બીજે જન્મ લઈ ચૂક્યો હશે. આજે આ તમારી મા કાલે  જગતના ક્યાંક બીજે કોઈના ગર્ભમાં ઊંધે માથે લટકતી હશે. અથવા વનસ્પતિ જગતમાં ક્યાંક બીજ બનીશ કે ક્યાંક કોઈ પંખીના માળામાં ટહુકતી હશે. જે બનીશ તેની મને આજે જાણ નથી પણ, અત્યારે જે છું તેનો મને આનંદ છે. મારી મા તો હું સાવ જ નાનકડી અગિયાર વર્ષની હતી અને અમને મૂકીને ચાલી ગઈ હતી. તે વખતે એ અમારું વિચારવા રહી શકી? હું અગિયાર વર્ષની, મારાથી નાની બેન સાત વર્ષ અને એનાથી નાની પાંચ વર્ષની. તમે એટલાં નાનાં તો નથી ને કે મારે તમારી ચિંતા કરવી પડે? આધ્યાત્મનાં વાંચન અને જૈન ધર્મની ફિલોસોફીએ મને  એટલું તો સજાવ્યું છે કે, મન કરતાં આત્માને સાંભળતા શીખવું જોઈએ. આત્માનો અવાજ હૃદયમાંથી ઊઠતો હોય છે. અને મારો આત્મા મને અહીંથી બધી માયા સંકેલી લેવાનું કહે છે. મારી કોઈ ઇચ્છા એવી નથી કે પરિપૂર્ણ ન થઈ હોય તો પછી શેના માટે જીવને બાંધી રાખવાનો? મારી આ અંતિમ સમયની આરાધનામાં બસ તમારો રાજીખુશીથી સાથ હોય એટલે બસ. તમારાથી છૂટા પડવું એ કુદરતનો નિયમ છે. એ નિયમ જેટલો સહજતાથી સમજી સ્વીકારી લઈએ એટલો આત્મા સરળતાથી પ્રયાણ કરે. આત્મા કર્મોને આધિન રહીને દેહથી છૂટો થાય એ મારા માટે ઉદાસીની નહીં પણ, ઉજવણીની ઘડી છે.”

ઓછું બોલવાની ટેવવાળાં મા આજે પહેલી અને છેલ્લી વાર આટલું બોલ્યાં. માની આટલી સ્વસ્થતા જોઈને હવે તો કોઈએ કશું જ બોલવાનુ રહ્યું નહીં. 

અક્ષરાના મનમાંથી એક પડઘો ઉઠ્યો……

“પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે,

 બહુએ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરુ માંગે.

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,

અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગી,

બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પિંજરુ માંગે.”

બીજા દિવસની સવારે માએ બીના અને અક્ષરા પાસે એમના અંતિમ સમયે પહેરવાના કપડાં તૈયાર કરાવ્યાં. એવાં સાવ સાદા કપડાં જોઈને તો અક્ષરા આઘાતમાં આવી ગઈ. આજ સુધી માની પર્સનાલિટી કેવી હતી? માને કપડાનો શોખ કેવો હતો? અત્યંત સુરુચીપૂર્ણ અને વ્યવસ્થિત. ઘરમાં પણ ક્યારેય મા ને કડક આર-ઇસ્ત્રીવાળાં કપડા સિવાય જોયા નહોતાં. મનમાં હતું કે આજ સુધી મા જેવી રીતે  જીવ્યાં છે એવા જ ઠાઠમાં મા રહે પણ, આજે સાચા અર્થમાં માએ સિદ્ધ કરી દીધું કે એમનાં પ્રાણે એમની પ્રકૃતિને પણ વિસારે પાડીને સાચા અર્થમાં ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધું છે. અંતિમ સમયે બઘવાઈને કંઈ ભૂલી જવાય એનાં કરતાં પહેલેથી જ ઘીનો દીવો, કંકુ ચંદન અને વાસ્ક્ષેપ પણ કઢાવી લીધા. શરીરનો નાશ થાય ત્યારે શરીરમાં અશુદ્ધિ ઊભી થતી હોય એટલે છેલ્લે મોંમા તુલસીનાં પાન મૂકવાના એ પણ સમજાવી દીધું.

મા ક્યારેક ઝબક દીવો બનીને ટમટમતી. ક્યારેક સંપૂર્ણ શુદ્ધિમાં રહીને વાત કરતી. ક્યારેક મન કોઈ એક જગ્યાએ અટવાઈને ઊભું રહી જાય છે. તો ક્યારેક મન ચંચળ બનીને ભૂતકાળમાં ભ્રમણ કરી આવે છે. હવે કોઈ ક્ષણ નિશ્ચિત રહી નથી. મન શરીરની વ્યાધિઓથી મુકત થઈ રહ્યું છે.

માંડ સમજાવીને થોડું ખાતા કર્યા હતા એનાથી જેટલી ઊર્જા એકઠી થઈ હતી, તે હવે ધીમે ધીમે ખર્ચાતી જતી હતી. કારણકે હવે ફરી એકવાર શરીર વધારાનું કશું જ સ્વીકારતું નહોતું. ચેતના ઓછીથતી જતી હતી. 

ડૉક્ટરે મોર્ફિન આપવાની ભલામણ પણ કરી દીધી હતી. જેનાથી રહી સહી વેદનામાંથી મુક્તિ મળી જાય. મા હવે તો આંખ પણ ઊંચી કરીને નજર માંડી શકાતી નથી. ક્યારેક સહેજ ચેતનાનો અણસાર આવે છે…આંખ ખોલે છે. એક નજર જેમની પર અતૂટ વિશ્વાસ છે એવા જગતજનની અંબાજીના ફોટા તરફ મંડાતી તો એક પલકારો છ દાયકા સુધી હર કદમ પર સાથ આપનાર સાથીની તસ્વીર સામે મંડાતો. જાણે ક્યાં સુધી આ વિયોગનો યોગ લખાયો છે એ જાણવા ન મળવાનું હોય! 

દિવસોમાંથી કલાકો અને કલાકોમાંથી ક્ષણોની ગણતરી શરૂ થઈ રહી હતી. સૌએ સ્વીકારી લીધી હતી, છતાં ય ટાળવાની મથામણ થતી રહેતી એ ક્ષણ આવી.

મા શાંતિપૂર્વક ચાલી નીકળી.

Entry filed under: નવલિકા, વાર્તા, Rajul.

આન્યા મૃણાલ/ પ્રકરણ ૨૨ ‘ઈડરિયો ગઢ જીત્યા રે… સલિલકુમાર” રાષ્ટ્રદર્પણ (ઍટલાન્ટા-અમેરિકા)માં પ્રસિદ્ધ વાર્તા.


Blog Stats

  • 145,299 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 127 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2022
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: