આન્યા મૃણાલ/ પ્રકરણ ૨૨
મૃણાલ આમ લપડાક મારીને નીકળી જશે એ કૈરવની ધારણાં બહારની વાત હતી.
ક્યાંય કોઈ ખુલાસો નહીં અને પંદર જ દિવસમાં અમેરિકાની સફરે મૃણાલ નીકળી ગઈ તેવા સમાચારોએ માધવીબેન અને કૈરવને હચમચાવી નાખ્યા. તેના મનમાં તો એવું હતું કે આ સામાન્ય ઘરની છોકરી કંઈ કેટલાય પૈસા પડાવશે અને ઉધામા કરશે. પણ ના, તે શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફની દીકરી હતી. પીડા વેઠવાની સાથે કલા જન્માવાની કળા જાણે વારસામાં લઈને ના આવી હોય!
જે દિવસે ટીવીમાં મૃણાલનાં વિદેશગમનનાં સમાચાર આન્યાએ જોયા ત્યારે મમ્મા મમ્મા કરીને તે બહુ રડી. તે દિવસથી કૈરવ અને માધવીબહેનને આન્યાને મમ્મી વિરુદ્ધ કાન ભરવાનું સરસ બહાનું મળી ગયું. આટલી નાની છોકરીને મુકીને કારકિર્દી બનાવવા ચાલી ગઈ.. આને તો કંઈ મા કહેવાય?
આન્યાને છાની રાખતા જાય અને કુમળા મનને માની વિરુદ્ધ ભરતાં જાય.
આમ પણ મૃણાલ ગઈ એ દિવસથી આન્યાનાં બાળમાનસ પર એક ના સમજાય એવી અવઢવ છવાયેલી રહેતી. એનું નાનકડું મન એ સ્વીકારી જ શકતું નહોતું કે, એની મમ્મા એને મૂકીને આમ જતી રહે. દાદાજી કંઈક જુદું કહેતા હતા તો દાદી અને પપ્પા કંઈક જુદુ જ. પણ એને દાદાજીની જ વાત માનવાનું મન થતું હતું.
એક તબક્કે તેણે દાદી અને પપ્પાને મોં ઉપર કહી દીધું “ મને ખબર છે તમે જ મમ્માને હેરાન કરતા હતા. તમે બંને ગંદા છો.” ચોરી પકડાઈ ગઈ હોય એમ વધુને વધુ ગુસ્સે ભરાયેલો કૈરવ નાની આન્યાને જાણે મૃણાલને મારતો હોય તેમ મારી બેઠો.
“દાદાજી..”કહીને મોટો ભેંકડો તાણ્યો ત્યારે અજયભાઈએ કૈરવને કડક અવાજે કહી દીધુ..” આ નાનું બચ્ચું છે…એને સમજાવવાની હોય,મારવાની ના હોય.”
કૈરવ પણ ગુસ્સામાંને ગુસ્સામાં બોલ્યો “ નાની છે પણ તમને ખબર છે મને અને મમ્મીને કહી દીધું કે તમે ગંદા છો.”
“તે તમે શું કરતાં હતાં? તમે પણ એનાં કુમળાં મગજમાં ગંદકી ભરવાની કોઈ કસર છોડી નથી. મૃણાલને ઘરમાંથી જવું પડ્યું એટલું તમને ઓછું પડ્યું કે હવે એના મનમાંથી પણ એની મમ્મીને હાંકી કાઢવા યુદ્ધે ચઢ્યા છો? ઇનફ ઇઝ ઇનફ.”
“યસ પપ્પા ઇનફ ઇઝ ઇનફ હવે તો એના મનમાંથી પણ મૃણાલે નીકળે જ છુટકો. આમ પણ આન્યા એકવીસ વર્ષની થાય ત્યાં સુધી એને ન મળવાની શરત પણ મૃણાલે મંજૂર રાખીને? એકવાર પણ આન્યાની કસ્ટડી માટે આજીજી કરી? જો દીકરીનું આટલું દાઝતું હોત તો ડિવોર્સ પેપર પર કેમ સાઇન કરી?”
“બસ! આ જ તને નડયું ને? આજીજી કેમ ના કરી? જાણે એણે આજીજી કરી હોત તો તેં એને આન્યાની સોંપણી કરી હોત? કૈરવ સાચા મનથી વિચારીને જવાબ આપજે કે તને શેનો અફસોસ છે? મૃણાલ ગઈ એનો કે એણે તારી સામે નમતું ન જોખ્યું એનો? અને હવે તો તમને ભાવતું મળ્યુને ? આન્યા આખી હવે તમારી થઈને રહેશેને?”
“રામજી! આન્યાને મારા રૂમમાં લઈ જાઓ તો.” એમણે રામજીને બૂમ મારી.
એ સમજતા હતા કે આ બધી વાતો આન્યાની હાજરીમાં તો ન જ થવી જોઇએ પણ જે રીતે કૈરવે આન્યા પર હાથ ઉપાડ્યો ત્યારે તમામ સારાંનરસાંનો ભેદ ભૂલીને અજયભાઈએ બહુ જ ગુસ્સામાં ઘાંટો પાડીને રામજીને બોલાવ્યો. એ ભાગ્યેજ આટલા ગુસ્સે થતા પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે એમને જીરવવા કપરા હતા. તેથી આન્યા તો લગભગ ડરી ગઈ પણ તે એટલું તો સમજી શકતી હતી કે, દાદાજી મમ્મીનો પક્ષ લઈને પપ્પાને લઢતા હતા તેથી તે તેને ગમ્યું…
રામજી આન્યાનો હાથ પકડી અજયભાઈનાં રૂમમાં લઈ જતો હતો ત્યારે અજયભાઈ દાદીને ખખડાવતા હતા…” હવે તો જરા ઝંપો..તમને તેનું બધું સોંપીને ગઈ છે છતાં એનો તંત નથી મૂકતાં?”
દાદી કશી દલીલ કરતા હતા પણ આન્યાને તે ના સમજાયું. રૂમમાં જઈને તે મમ્મીને યાદ કરીને ખૂબ રડી. આખરે મૃણાલનું જ તે લોહી હતું ને.. સંવેદનશીલ..લાગણીઓથી ભરેલું. રામજીકાકા તેને છાની રાખતા હતા અને થાબડતા જતા હતા. હીબકે ચઢેલી આન્યા જ્યારે સૂઈ ગઈ હતી ત્યારે તે તંદ્રામાં જોતી હતી. તેની મમ્મી તેને થાબડતી હતી..નીચે હજી અવાજો આવતા હતા…દાદા ક્યારે આવ્યા તેને ખબર નહોંતી..પણ દાદાએ દીકરીનાં ગાલે થીજી ગયેલું આશ્રુબિંદુ જોઈને અરેરાટી નાખી. બે આખલા લઢે અને કુમળાં છોડનો ખુડદો નીકળે છે..
તેમને કૈરવ ઉપર ગુસ્સો આવતો હતો. ત્રીસ વરસનો થયો છતાં, મા અને પત્ની વચ્ચે સંતુલન કરતા ના આવડ્યું. સાંભળવાના બંનેને હોય પણ નિર્ણય તો જાતે જ લેવાના હોયને?
અજયભાઈનાં લેપટોપ ઉપરની સ્ક્રિનમાં મૃણાલનો મેસેજ ઝબકતો હતો_”થેંકસ પપ્પા!..હું બૉસ્ટન પહોંચી ગઈ છું. આન્યાને મિસ કરું છું અને મોટા આંસુ પાડતું એક ઇમોજી ઝબકતું હતું.
અજયભાઈએ આન્યા પણ તને યાદ કરે છે કહીને, જય શ્રી કૃષ્ણ લખી કોમ્પ્યુટર બંધ કર્યુ.
નાનકડી આન્યાને મૃણાલ જેવો ચહેરો હોવાની આજે કૈરવે સજા કરી હતી તે વાતે તે હતપ્રભ થઈ ગયા હતા.માધવી કૈરવનું મન ફેરવવા શું ચાલો ચાલે છે તે સમજતા એમને એક મિનિટ પણ ના લાગી.
તેમણે ફરી નીચે જઈને માધવીને કહ્યું.. “કૈરવનાં છૂટાછેડા પછી હવે તેને પરણાવવાનો ફરી વિચાર કરતા હો તો મારી એક વાત સાંભળી લેજો કે જે દિવસે કૈરવનાં લગ્ન થશે તે દિવસે તમે મારાથી છૂટા થશો સમજ્યા?”
માધવી તો હેબતાઈ જ ગઈ.
“પણ કેમ?”
“એક છોકરીની જિંદગી તો બગાડી.. બીજી કૈરવની જિંદગીમાં કયો ચાંદ લાવવાની છે?”
“એ તો કૈરવની જીદ હતી, મેં તો ના જ પાડી હતીને?”
“બસ હવે મારી જીદ છે અને મેં ના પાડી છે. સમજ્યા?”
“પણ જરા સમજો જુવાનજોધ છોકરો..પહાડ જેવી જિંદગી કેમ કાઢશે?”
“એ ચિંતા છોકરાને ડિવોર્સ લેવડાવતાં પહેલાં વિચારવાનું હતું. હવે નહીં.” એમના અવાજની કડકાઈ માધવીબહેનને અંદરથી કંપાવી ગઈ.
“બિચારી આન્યા! “ કહીને તેમણે ફડફડતો નિઃસાસો નાખ્યો ત્યારે અજયભાઈ બોલ્યા, “મને ખબર જ હતી કે તમારો પ્લાન શું છે પણ ઝેરનાં પારખા ના હોય. હવે કૈરવે તેના ગુનાની સજા ભોગવવાની છે તેને ભોગવવા દો.”
“કૈરવનો ગુનો?”
“હા માધવી, તમારા જેવો સંકુચિત મનનો હતો. મૃણાલની સફળતા તે ક્યારેય સ્વીકારી શક્યો જ નહોતો. અરે એણે એકવાર પણ એવું વિચાર્યુ કે મૃણાલની સાથે એનું નામ જોડાયેલું છે અને મૃણાલની સાથે એની વાહ વાહ થઈ રહી છે પણ ના, એ મૃણાલને ધાક ધમકીથી કાબુમાં લેવા ગયો હતો તો એમાં મૃણાલ તો હાથમાંથી ગઈ પણ હવે આ દીકરીને તો તમારી કરી જાણો. આન્યા માટે તો કૈરવનો મૃણાલ સાથે ઝગડો હતો ને કે એને કોના જેવી બનાવવી તો અત્યારે એ તમારી પાસે છે, એના ઉછેરની જવાબદારી અત્યારે તો તમારી છે ને ? તો એને પ્રેમથી કેળવી જુઓ અને કૈરવ જેવી બનાવાનો એકડો તો ઘૂંટી જુઓ. કૈરવે જે જીદ લઈને આન્યાને એની મમ્મીથી દૂર કરી છે તો હવે જ ખરો મોકો છે ને એની પાસે મા વગરની છોકરીને કેળવવાનો? અત્યારે આન્યાનાં મનમાં એની મમ્મી માટે ઝેર ભરવાના બદલે તમારા માટે કે કૈરવ માટે કૂણી લાગણી ઊભી કરવાનો, પ્રેમનું ખાતર સિંચીને એ કુમળા છોડને વાળવાનો યોગ્ય સમય છે એવો વિચાર આવે છે તમારા મનમાં? મૃણાલ આન્યાથી કેવી રીતે દૂર જઈ શકી છે એ તો એનું મન જ જાણતું હશે.”
“મને પૂછોને મને ખબર છે કેવી રીતે અહીંથી દૂર જઈને બેઠી છે.”
“એમ??? તમને તેનું કારણ ખબર છે?”
“હા, અહીં આપણે આન્યાને ઉછેરીએ છીએ માટે.”
“તો શું એની પર તમે ઉપકાર કરો છો? એ ધારે તો આન્યાની કસ્ટડી માંગી શકી હોત. એણે ધાર્યુંં હોત તો એ ઘણું બધું કરી શકી હોત.”
“જવા દો વાત. એ મૂંજી શું કરી લેવાની છે?’
“કૈરવ પાસેથી અડધો અડધ પૈસા માંગી શકે છે.”
“મને ખાલી ખાલી ડરાવો છોને?”
ડિવોર્સનાં કાગળો પહેલા વાંચો અને પછી આ બધી માથાકૂટો કરજો.”
માધવીબહેને બબડતા કહ્યું.. “એ મૃણાલે શું ભૂરકી નાખી છે કે તમે કૈરવનું જોતા જ નથી.”
“કૈરવનું જ જોઈને તો આ બધુ કહું છું. ઉપકાર માનો એ સંસ્કારી મા-બાપની સંસ્કારી દીકરીનો કે, તમારી તિજોરી સામે નજર સુદ્ધાં નાખી નથી. એની જગ્યાએ આ તમારી શ્રેયા કે સપના હોત તો તમને ધોળા દિવસે તારા દેખાડી દેત પણ, એક રીતે જોઈએ તો તમારા અને તમારા દીકરા માટે તો એવી કન્યાઓ જ કામની. જેવા દેવ એવી પૂજા કરનારી.” એટલું કહીને વાત સમેટતા અજયભાઈ ઊભા થઈ ગયા.
ડોઝ બરોબર અપાયો છે તે વિચારીને અજયભાઈ તેમના રૂમમાં આવ્યા ત્યારે આન્યા ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. તેમણે લેપટોપ ચાલુ કર્યુ ત્યારે મૃણાલ ચેટ ઉપર હતી. ઊંઘતી આન્યાને ફોકસ કરી કેમેરા ઉપર તેમણે આન્યાને બતાવી. ત્યારે સામા છેડા ઉપર પ્રસન્ન મા હસતી હતી.
આલેખનઃ વિજય શાહ
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments