‘ઘરવાપસી’-ન્યુ જર્સીના પ્રસિદ્ધ અખબાર ગુજરાત દર્પણમાં પ્રકાશિત વાર્તા –
આજે સવારથી અનુ જાણે એકદમ વ્યસ્ત રહેવાની મથામણમાં લાગી. પોતાનાં મનની ડામાડોળ પરિસ્થિતિનો ઢાંક પીછોડો કરવા માંગતી હોય એમ કંઈક વધારે અને અર્થહીન પ્રવૃત્તિ એણે આદરી હતી. હું અનુની આ ગડમથલ સમજી શકતો હતો.
બાસઠ વર્ષે પણ આજે અનુ એટલી જ સ્ફૂર્તિવાન હતી. કામનો જરાય કંટાળો એને નહોતો. મને મૂડ હોય તો જ અને ત્યારે જ કામ કરવું ગમતું અને અનુ કાયમ કહેતી કે એને કામ હોય તો આપોઆપ મૂડ આવી જાય. છેલ્લી મિનિટે કોઈ કામ બાકી રહે એ અનુને જરાય નહોતું ગમતું એટલે હંમેશા દરેક બાબતે એ પૂર્વતૈયારી સાથે સમય પહેલાં કામ આટોપી લેતી.
એ પ્રમાણે એણે ગઈ કાલથી જ અમારો સામાન અને દવાઓ સુદ્ધાં પેક કરી દીધાં હતાં. આ ક્ષણે જ નીકળવાનું હોય તો ફક્ત બારણું બંધ કરીને નીકળી શકાય એવી રીતે ઘરનાં ફર્નિચર પર પણ જાડા પ્લાસ્ટિકના કવરો ચઢાવી દીધાં હતાં. ફ્રીજ પણ લગભગ ખાલી કરી દીધું હતું તેમ છતાં અનુ કંઈક આઘુંપાછું કર્યા કરતી હતી.
આ અનુની પ્રકૃતિ હતી. મનમાં ચાલતી અકળામણ વહી જવાનો આ જાણે ઉપાય હોય એમ એ વધુ ને વધુ વ્યસ્ત રહેવા મથતી. આ ઘરમાં કદાચ અમારો છેલ્લો દિવસ હતો અને એ જ વાત એને વ્યથિત કરતી હશે એ હું સમજી શકતો હતો.
રાતનાં ગુજરાત મેઇલમાં અમારે નીકળવાનું હતું. નીકળતાં પહેલાં સાંધ્ય પૂજાનું સમાપન કરતાં અનુ ભાવથી પોતાનું મસ્તક નમાવીને કંઈક ગણગણી. એના સ્વભાવ પ્રમાણે એણે ચોક્કસ કહ્યું હશે, “મા,સૌ સારા વાના કરજો અને આ ઘરનાં રખોપા કરજો.”
પાંત્રીસ વર્ષની આ ઘર માટેની માયા સમેટીને અમારે એકના એક દીકરા નિરવ અને પુત્રવધૂ માહી સાથે એમનાં ઘેર રહેવાં જવાનું હતું. નિરવ અને માહીએ કાંદિવલીમાં નવું એપાર્ટમેન્ટ લઈ લીધું હતું. છેલ્લા છ મહિનાથી નિરવ અને માહી અમને આ ઘર વેચીને કાયમ માટે મુંબઈ એમની સાથે રહેવા બોલાવતાં હતાં જેનો નિર્ણય લેવાનું અમારા માટે એટલું સહજ નહોતું. આજ સુધી તહેવારોમાં કે પ્રસંગોપાત નિરવ અને માહી જ અમદાવાદ આવી જતાં પણ હવે ચાર વર્ષની તાન્યાની સ્કૂલનાં લીધે એ ઝાઝું રોકાઈ શકતાં નહોતાં. અંતે અમારાં મનમાં ઘણી અવઢવ હોવાં છતાં એમના અતિ આગ્રહને લીધે અમારો અસબાબ સમેટીને હાલ પૂરતું અમદાવાદનું ઘર બંધ કરીને એમનાં ઘેર પહોંચ્યાં.
અમે સ્ટેશનથી ઘેર પહોંચ્યાં ત્યાં સુધીમાં તાન્યા સ્કૂલે જવા નીકળી ગઈ હતી. માહી રસોડામાં ચા-નાસ્તાની તૈયારી કરતી હતી. નિરવ ઉત્સાહથી અનુને ઘર બતાવતો હતો. એક નાનકડા સ્ટડીરૂમ જેવડા અને બે સામાન્ય સાઈઝના બેડરૂમમાં અમારે પાંચ જણને સમાવેશ કરવાનો હતો.
નિરવ-માહી અને તાન્યાનાં રૂમની બાલ્કની જોઈને અનુ ખુશ થઈ ગઈ. એ પછી સ્ટડીરૂમ જેવો નાનો રૂમ જોઈને એની ખુશી જરા ઓસરી ગઈ હશે એવું મને લાગ્યું. આ રૂમમાં બાલ્કની તો ઠીક બારી પણ નહોતી અને એટેચ્ડ બાથરૂમ પણ નહોતું. અનુને મોકળાશ ગમતી. બારી અને બાલ્કનીમાંથી દેખાતો આકાશનો ટુકડો, નજર કરે ત્યાં દૂર ઊડતાં પંખીઓ જોવાં ગમતાં. બાલ્કનીમાંથી રસ્તા પર દેખાતી અવરજવર જોવી ગમતી. પહેલા વરસાદમાં ટપકતાં પાણીની બુંદો હથેળીમાં ઝીલવી ગમતી. બાલ્કનીમાં મૂકેલાં નાનાં નાનાં કૂંડાઓમાં ખીલેલા ફૂલોનો સ્પર્શ ગમતો.
નિરવ-માહીનાં રૂમ સિવાયના બીજા રૂમમાં અમારો સામાન મૂકતા નિરવે કહ્યું હતું કે એ હવે અમારો રૂમ છે.
“અને તાન્યા?” ચારેબાજુ તાન્યાનાં રમકડાં, પુસ્તકો જોઈને અનુએ પૂછ્યું.
“અરે મમ્મી, આ તો કહેવા પૂરતો એનો રૂમ બાકી એના ધામા તો અમારા રૂમમાં જ હોય છે. હમણાં એનું આ કબાડીખાનું અમારા રૂમમાં ટ્રાન્સફર કરી દઈશ.”
અનુ કંઈક બોલવા જાય એ પહેલાં કિચનમાંથી માહીનો અવાજ સંભળાયો.
“મમ્મીજી, પાપાજી ચા તૈયાર છે.” માહીનો ઉત્સાહી રણકો સાંભળીને અમે કિચનમાં જ ગોઠવાયેલાં ચાર જણનાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં. ચા અને ઉપમા સાચે જ સરસ બન્યાં હતાં.
થોડી વાર વાતો થતી રહી. નિરવે આજે ફર્સ્ટ હાફની રજા મૂકી હતી એટલે એ નિરાંતે બેઠો હતો પણ વાતો કરતાં કરતાં માહીએ લંચની તૈયારી કરવા માંડી. અનુ મદદ કરવા ઊભી થઈ પણ માહીએ પ્રેમથી એને પાછી બેસાડી દીધી.
“આજનો દિવસ તો તમે આરામ કરી જ લો મમ્મી. સામાન પેક કરવામાં અને ઘર બંધ કરવામાં કેટલા દિવસનો હડદોલો પહોંચ્યો હશે, થાક્યાં હશો.”
નિરવે પણ અનુને હાથ પકડીને બેસાડી જ દીધી.
સાડા બાર વાગતામાં સ્કૂલેથી તાન્યા આવી ગઈ.
“દાદુ-દાદી” કહીને તાન્યા અમને વળગી પડી. બેગો ખોલીને અનુ તાન્યા માટે લાવેલાં ડ્રેસીસ અને ગેમ્સ, માહી માટે કસબમાંથી આણેલી પૈઠણી સાડી, નિરવ માટે ખત્રીમાંથી લીધેલા ઝભ્ભો અને ચૂડીદાર લઈ આવી. તાન્યા કપડાં ત્યાં જ પડતાં મૂકીને ગેમ્સ લઈને એના રૂમ તરફ દોડી પણ એનાં રૂમમાં અમારો સામાન જોઈને અચકાઈને ઊભી રહી ગઈ.
“તાની બેટા, એ બધું અત્યારે મમ્મા-પાપાના રૂમમાં મૂકી દે. પાપા ઑફિસે જાય પછી પેલાં રૂમમાં તારો સામાન ટ્રાન્સફર કરી દઈશું.” માહીએ નાના રૂમ તરફ આંગળી કરતાં તાન્યાને પોતાની પાસે બોલાવી.
“No, I will stay in my room only.” તાન્યાએ જીદ પકડી.
“તાની…”નિરવનો અવાજ સહેજ ઊંચો થયો પણ માહીએ તરત જ એને વાર્યો.
“હું સમજાવી લઈશ એને નિરવ. તારે ઑફિસે જવાનું મોડું થશે. તું નીકળ. મમ્મી,તમે આવો એ પહેલાં જ અમારે બંને રૂમ તૈયાર કરી લેવા હતાં પણ વરસાદ ક્યાં અટકવાનું નામ લે છે?” તાન્યાને પોતાના રૂમમાં લઈ જતી માહીના અવાજમાં એ કામ ન આટોપી શકવાનો અફસોસ હતો.
ભોંઠા પડેલાં હું અને અનુ એક બીજાની સામે જોઈ રહ્યાં. એક નિસાસો નાખીને અનુ ઊભી થઈને રૂમમાં ચાલી ગઈ.
સવારથી ઘરમાં રેલાયેલાં ઉત્સાહનાં વાતાવરણમાં જાણે નાનીશી તિરાડ પડી.
રાત્રે ટ્રેનમાં સરખી ઊંઘ થઈ નહોતી એટલે મારી તો આંખો ઘેરાવા માંડી પણ બાજુના બેડમાં પાસા બદલતી અનુની બેચેની મારાથી છાની નહોતી રહી.
માહીએ મનાવેલી તાન્યા સાંજ સુધીમાં બધું ભૂલીને અમારી સાથે રમવા માંડી હતી.
સાડા પાંચે નિરવનો ફોન આવ્યો.
“રાત્રે ડિનર બહાર કરીશું. સાત વાગ્યે તૈયાર રહેજો.”
સાંભળીને તાન્યા ખુશ ખુશ.
“મમ્મા તો તો મારાં માટે ચિકન નગેટ્સ ઓર્ડર કરીશ ને?”
તાન્યાની ફરમાઈશ સાંભળીને અનુના ચહેરાનો રંગ બદલાઈ ગયો. શુદ્ધ શાકાહારી અનુએ આ શબ્દ પહેલી વાર સાંભળ્યો. માહી કદાચ અનુનો અણગમો પારખી ગઈ હતી. ફોન પર વાત કરતાં કરતાં એના બેડરૂમમાં ચાલી ગઈ.
“તમે બંને તાન્યાને લઈને જઈ આવજો, માહી. આમ પણ અમે થોડાં થાકેલાં છીએ એટલે ઘેર જ ઠીક છીએ.” માહી ફોન પર વાત કરીને બહાર આવી ત્યારે અનુએ એને કહ્યું.
અનુનાં કહ્યાં પછી પણ સાંજનો બહાર ડિનર કરવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. નિરવ ડિનર પેક કરાવીને ઘરે આવ્યો. તાન્યાએ ડિનરમાં એની ફરમાઈશની આઇટમ ન જોઈને ભેંકડો તાણ્યો. માહીએ માંડ એને સમજાવી પણ એક જ દિવસમાં અજાણતાં જ તાન્યાને બીજી વાર નાખુશ કરવાનો બોજ જાણે અમારા પર મન પર લદાઈ ગયો. એ રાત અનુએ પાસાં બદલીને જ પૂરી કરી.
“તાન્યાને એના રૂમમાં જ રહેવા દે નિરવ. અમે એ રૂમમાં સામાન ખસેડી દઈશું.”
બીજા દિવસની સવારે નિરવ તાન્યાનો સામાન પેલા નાનકડા રૂમમાં શિફ્ટ કરવા જતો હતો એને અટકાવીને અનુએ તાન્યાના રૂમમાંથી પોતાનો સામાન સંકેલવા માંડ્યો.
“પણ મમ્મી, એ રૂમમાં તને નહીં ફાવે. વળી ત્યાં એટેચ્ડ બાથરૂમ પણ નથી.” નિરવ સંકોચ સાથે બોલ્યો.
“કશો વાંધો નહીં. અમે તાન્યાનો બાથરૂમ વાપરીશું પણ, એનું કશું જ ડિસ્ટર્બ ના કરીશ.” અનુનો અવાજ થોડો મક્કમ હતો.
વાત ત્યાં જ અટકી ગઈ. અનુને એ બારી વગરનો બેંકના લૉકરરૂમ જેવો રૂમ નહીં ફાવે એવી નિરવને જાણ હતી.
એકાદ-બે દિવસમાં તાન્યાને સમજાવીને એને ગમતું ફરનિચર આ રૂમ માટે લઈ આવીશું, એમ કહીને રાત્રે એ બંધિયાર જેવા રૂમમાં બે પથારી નાખીને કામચલાઉ ગોઠવણ નિરવે કરી આપી. નિરવ અને માહી જે ઉત્સાહથી અમને આવકાર્યાં હતાં એનાથી વધુ ભોંઠપ અનુભવીને અમને સાચવવા મથી રહ્યાં હતાં એ જોઈને તો વળી અમારા મન પર બોજનો ખડકલો વધતો ચાલ્યો.
“ચાલશે, ફાવશે અને ભાવશે. તમે જ કહેતા હતા ને? વળી દીકરાનાં ઘેર આવ્યાં છીએ. મન એટલું તો મોટું રાખવું જ જોઈશે.” રાત્રે હળવેથી મારાં માથે હાથ પસવારતાં અનુ બોલી. ધીમેથી હા બોલીને હું પડખું ફરી ગયો. અનુનો હાથ મારી પીઠ પર ફરતો રહ્યો.
ખરેખર તો આ ચાલશે, ફાવશે અને ભાવશેવાળી વાતનો સ્વીકાર અમારા પક્ષે હોવો જોઈએ પણ અમે જોતાં હતાં કે નિરવ કે માહી દરેક વખતે તાન્યાને સમજાવવા મથતાં.
પરાણે બંધ કરેલી મારી આંખ સામે તાન્યાનો રડતો ચહેરો દેખાયો. અમારી સગવડ સાચવવા માટે નાનકડી દીકરીએ કશું પણ જતું કરવું પડે એ વાત મને અને અનુને કઠતી. તાન્યા અમદાવાદ આવે ત્યારે એને હથેળીનાં છાંયે રાખતાં, માંગે તે હાજર કરી દેતાં દાદા-દાદીની જે છબી એનાં મનમાં અંકાઈ હશે એ એનાં ઊનાં ઊનાં આંસુના ઉઝરડાથી ખરડાતી દેખાઈ.
એની સામે અમદાવાદનું ઘર દેખાયું. ઘરનો ઝાંપો ખોલીને અંદર જતાં કંપાઉન્ડમાં બંને બાજુ રોપેલાં ફૂલોના ક્યારા પરથી ફૂલો તોડતી, પતંગિયા પાછળ આમથી તેમ દોડતી, ઘરનું બારણું ખોલીને અંદર જતાં જ જાણે બારણું ખુલવાની રાહ જોઈને ઊભી હોય એમ અમારી પાછળ દોડી આવતી તાન્યાનો ખુશહાલ ચહેરો બંધ આંખે દેખાયો. રાત પડતાં બેડરૂમની બારીઓની જાળીમાંથી ચળાઈને આવતી ચાંદનીનું ચાંદરણું હથેળીમાં ઝીલતી તાન્યા, બારીમાંથી ધસી આવતી હવાની લહેરખીને પોતાના શ્વાસમાં સમાવવા મથતી તાન્યા યાદ આવી એની સાથે જ હવાની ઠંડી લહેરખીનો અનુભવ થયો. જરા સારું લાગ્યું.
પણ ના, એ બારીમાંથી વહી આવતી હવાની લહેર નહોતી. એ.સી.માંથી રેલાતી ટાઢકનો શેરડો હતો.
માહી અને નિરવ સાચે જ ઇચ્છતાં હતાં કે અમે એમની સાથે હંમેશ માટે રહેવા આવી જઈએ. ઘરમાં ધીમે ધીમે અમે ગોઠવાતાં હતાં.
મારા દાદા કહેતાં, “ઘર નાનું હોય તો ચાલશે, મન મોટાં જોઈએ,”
માહી અને નિરવનાં માત્ર મન મોટાં જ નહીં, ભાવ પણ સાચા હતા એ અમે જોઈ અનુભવી શકતાં હતાં. બહારથી કરિયાણું લાવવાની જવાબદારી મેં સામેથી માંગી લીધી.
“પપ્પા તમે જશો?” નિરવને નવાઈ લાગી.
“હાસ્તો, કરિયાણાંની દુકાન ક્યાં દૂર છે અને એ બહાને મારો પગ છૂટો થશે.”
“પાપા, થોડા દિવસ જવા દો પછી વાત.” કહીને માહીએ વાતનો બંધ વાળ્યો.
અનુ માહીને કિચનમાં મદદ કરવા જતી તો માહી એને પાછી ડાઇનિંગ ચેર પર બેસાડી દેતી.
“મમ્મી, તમે આજ સુધી બહુ કર્યું છે. દાદા-દાદીને સાચવ્યાં. દાદા ગયા પછી નિરવ આવ્યો અને ત્યારે જ દાદીની લાંબી માંદગી શરૂ થઈ. મને નિરવે બધી વાત કરી છે હોં. અને હું ક્યાં તમને સાવ બેસી રહેવા દઉં એમાની છું, જરૂર પડશે ત્યારે તમને ચોક્ક્સ કહીશ. અને હા, હજુ તો નિરવને ભાવતી બધી વાનગીઓ તમારે એને બનાવીને ખવડાવવાની છે. યાદ છે, દિવાળીમાં આવ્યાં ત્યારે તાનીને તમે બનાવેલા સક્કરપારા અને ઘૂઘરા બહુ ભાવ્યા હતા? એ પણ તમારી પાસે જ બનાવડાવીશ, કહી રાખું છું હોં. અત્યારે તો તમે અહીં બેસીને મને એ બધી વાતો કરો તો મને ગમશે.”
પંદરેક દિવસ આમ તો દેખીતી સરળતાથી પસાર થઈ ગયા. માહી અતિ પ્રેમથી અમારી સગવડ સાચવવા મથતી. નિરવે એ નાનકડા રૂમને તાન્યાનો રૂમ બનાવવા એને ગમે એવા પ્રલોભનો આપ્યા ત્યારે તાન્યા માંડ તૈયાર થઈ. આમ અમારા લીધે તાન્યાને બાંધછોડ કરવી પડે એ વાત અમને નહોતી ગમતી.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયાં. અમારી ના હોવાં છતાં રવિવારે નિરવ અમને ગમે એવા પ્રોગ્રામ ગોઠવતો. સહજ રીતે તાન્યાને બધી જગ્યાએ જવાની મઝા નહોતી આવતી. ક્યારેક એને સમજાવીને સાથે લેતાં તો ક્યારેક માહી એને લઈને ઘેર રહેતી. બસ, એ રાત્રે મેં અને અનુએ એક નિર્ણય લઈ લીધો.
“Nirav, don’t get me wrong but I would like to talk to you and Mahi.”
સોમવારે તાન્યા સ્કૂલે જવા નીકળી, અમે ચારે ચા-નાસ્તો કરવાં બેઠાં ત્યારે મેં વાતની શરૂઆત કરી.
મારા ભારેખમ નિર્ણયાત્મક અવાજથી નિરવ અને માહી ચોંક્યાં.
“કેમ પપ્પા, એવી તે શી વાત છે કે તમે આમ ભારેખમ બનીને બોલો છો?”
“બેટા, હું અને મમ્મી અમદાવાદ પાછાં જઈએ એવો વિચાર છે. જો જે પાછો તારી પ્રકૃતિ પ્રમાણે કંઈ આડુંઅવળું વિચારવાનું શરૂ ના કરી દેતો. અહીં તું અને માહી અમને ખૂબ સરસ રીતે સાચવો છો, પણ અમને એવું લાગે છે કે જ્યાં સુધી અમારાં હાથ-પગ અને મન સાબૂત છે ત્યાં સુધી અમે અમારી રીતે રહીએ અને તમે તમારી રીતે. તાન્યા હજુ ઘણી નાની છે, થોડી નાસમજ છે, અમારાં કરતાં એની તરફ વધુ ધ્યાન આપો એ વધુ જરૂરી છે. ચાર ચાર વર્ષ સુધી એ જે રીતે ઉછેરી છે એમાં આમ અચાનક બદલાવ આવતા એનું મન દુભાશે. અમારાં માટે થઈને દરેક વખતે એને સમજાવવી પડે એ એક પણ પક્ષે યોગ્ય ન કહેવાય ને? એનાં મન પર અમારાં માટે અજાણતાં જ અભાવ ઊભો થાય એવું તો આપણે ન જ ઇચ્છીએ ને?“
“મમ્મી, પપ્પાને સમજાવોને.” માહીના અવાજમાં આદ્રતા ભળી.
“માહી દીકરા, પપ્પાએ જે કહ્યું એ વ્યાજબી જ છે. અમે મનમાં કોઈ દુઃખ લઈને નથી જતાં એટલો વિશ્વાસ રાખજે. તું કહેતી હતી એમ નિરવની અને તારી પણ ભાવતી આઇટમો ખવડાવીને, તાન્યા માટે સક્કરપારા અને ઘૂઘરા બનાવીને જઈશું હોં. મનમાં ઓછું ના આણતી અને દિવાળી ક્યાં દૂર છે? આ અમે ગયાં અને તમે આવ્યાં.” અનુએ ડાઇનિંગ રૂમની ભારે હવાને હળવી ફૂંક મારી.
માહી ઊભી થઈને અનુને વળગી પડી.
“સોરી મમ્મી..”
“અરે ભાઈ, આમાં કોઈનાય માટે જો સોરી ફીલ કરવા જેવું હોય તો એ તાન્યા માટે છે. તાન્યાની ખુશીથી વધીને તમારા કે અમારા માટે બીજું કશું જ નથી. ચાલ ભાઈ નિરવ, હવે જરા હસતા મોઢે અમારી ઘરવાપસીનો બંદોબસ્ત કર.”
આ વખતની દિવાળી નિરાળી હતી. અનુ અને માહીએ મળીને રંગોળી અને દીવાઓથી ઘર સજાવ્યું હતું. મેં અને નિરવે આજ સુધી ન ફૂટ્યાં હોય એટલા ફટાકડા ફોડીને તાન્યાને રાજી રાજી કરી દીધી હતી. ફૂલઝડીના રંગો જેવી ચમક તાન્યાના ચહેરા પર હતી. એની ખુશીનો રંગ નિરવ અને માહીના ચહેરા પર છલકતો જોઈને હું અને અનુ મલકતાં હતાં.
Recent Comments