‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત -પ્રતિભા પરિચય- પ્રીતિબહેન સેનગુપ્તા-
કેટલાંક નામ, કેટલીક વ્યક્તિ કે વ્યક્તિત્વ એટલી ઊંચાઈને આંબ્યાં હોય કે એમના વિશે વિચારવાની આપણીય ક્ષમતા હોવી જોઈએ. એવી વ્યક્તિઓને મળવું હોય કે એમનાં વિશે કંઈ જાણવું હોય તો એક હદ સુધી વિસ્તરેલી આપણી સીમાઓની પેલે પાર જઈને મળવું પડે. એમનાં વિશે જેમ જેમ જાણતાં જઈએ એમ લાગે કે એ સ્વયંશક્તિ છે. સ્વબળે સફળતાનાં એક પછી એક સોપાનો સર કરીને સિદ્ધિઓના ઉચ્ચ શિખર પર જેમનું નામ અંકિત થયું હોય એમના વિશે આપણા મનમાં અહોભાવ હોય એ સ્વાભાવિક છે.
આવી કોઈ વ્યક્તિને મળતાં પહેલાં મનમાં કેટલાંય વિચારો આવે કે, કેવી રીતે એમની સાથે સંવાદ કરી શકાશે પરંતુ જ્યારે વાત થાય ત્યારે એમની સહજ, સરળ, સ્નેહાળ પ્રકૃતિ અને સંવાદિતા આપણને સ્પર્શી જાય.
સ્વ વિશે એ વાત કરે ત્યારે જાણે એમાં સમષ્ટિનો સમાવેશ હોય એવો રણકો અનુભવાય. આવું એક નામ, એક વ્યક્તિ એટલે પ્રવાસ જેમનો પ્રાણવાયુ છે એ વિશ્વ પ્રવાસિની અને સાહિત્યકાર પ્રીતિબહેન શાહ- સેનગુપ્તા.
‘મનમાં નિર્ભયતા અને મુક્તિ હોય એ જરૂરી છે.’ આ છે, પ્રીતિબહેનનું પ્રેરણાદાયી અવતરણ. થોડું વિશેષ કહેવું હોય તો એમનાં જ શબ્દોમાં કહી શકાય કે,
‘કોઈનું મન હોઈ શકે છે પંખીની જાત. ગાતું રહે છે એ દિવસ ને રાત,
આકાશ પ્રત્યે છે એને પક્ષપાત અને ફેલાતી પાંખો છે મોટી સોગાત,
એકલાં ઊડતાં રહેવામાં એને નથી હોતો ડર કે નથી એને લાગતો કશોયે અચકાટ’
પંખીની જેમ સતત પાંખો પસારીને ઊડતાં રહેવાની સોગાત જેમને મળી છે, આખું વિશ્વ જેમનું ઘર છે અથવા આખા વિશ્વને જેમણે દિલમાં સમાવી લીધું છે, એ પ્રીતિબહેને વિશ્વના ૧૧૨ જેટલા દેશોનો પ્રવાસ ખેડ્યો છે. કેવા અને કેટલા અદ્ભુત અનુભવોથી એ સમૃદ્ધ હશે છતાં, એ પોતાના સાહસ વિશે કહે ત્યારે એ સાવ સહજ રીતે વાત કરે છે.
પ્રીતિબહેનની વિશ્વસફર અને સાહિત્યસફર બંને અત્યંત રસપ્રદ છે. સાહિત્ય, સફર અને સાહસના ત્રિવેણી સંગમને જો કોઈ નામ આપવું હોય તો પણ પ્રીતિ શાહ-સેનગુપ્તા જ નામ યાદ આવે.
પ્રીતિબહેને સ્કૂલમાં હતાં ત્યારે જ આખું ભારત જોઈ લીધું હતું. ૧૯૬૫માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય લઈને બી.એ કર્યું. ૧૯૬૭માં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી થોડો સમય અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું ત્યારબાદ પ્રીતિબહેન અમેરિકા ભણવાં આવ્યાં. થોડા સમયમાં સ્થાયી થયાં પણ, એમની પ્રકૃતિને એક જ જગ્યાએ સ્થાયી થઈને રહેવાનું ક્યાં અનુકૂળ આવે એમ હતું? પ્રીતિબહેનની પ્રવાસપ્રેમી પ્રકૃતિએ એમને અમેરિકાની ધરતી ખેડવાં પ્રેર્યાં. પોતાનો અસબાબ બે સુટકેસમાં ભરીને ક્યાંક મૂકી દીધો અને સાવ થોડા અમસ્તા જરૂરી સામાન સાથે એટલાંટિક મહાસાગર એટલે કે અમેરિકાના પૂર્વ છેડાથી શરૂ કરીને સતત ૭૨ કલાકની બસની સફર ખેડીને પેસિફિક મહાસાગર અર્થાત અમેરિકાના પશ્ચિમ છેડા સુધી પહોંચ્યાં. આ ત્રણ દિવસમાં એમણે અમેરિકાની કુદરત પામી લીધી અને અમેરિકોની મૌલિકતા માપી લીધી.
પ્રવાસની શરૂઆતમાં જ ગ્રાન્ડ કેનિયન અને લાસ વેગાસ એમ બે અલગ અનુભૂતિ કરવતા સ્થળો જોયાં. કૉલોરાડો નદીએ પહાડો કોરીને બનાવેલી ખીણો જોઈ. જાણે કુદરતની કલાત્મકતાનો અદ્ભુત સાક્ષાત્કાર. એની સામે લાસ વેગાસમાં માનવસર્જિત કલાત્મક કેસિનો જોયાં. અમેરિકાની અદ્ભુત કુદરત અને માનવીય સર્જનની મૌલિકતા જોયાં પછી તો પ્રીતિબહેનમાં વધુ જોવા, જાણવાની ઉત્કંઠા જાગી અને શરૂ થઈ અવિરત સફર. વિશ્વના સાતે ખંડના ૧૧૨ જેટલાં દેશોની મુલાકાતથી પ્રીતિબહેન ભારતનાં સૌ પ્રથમ મહિલા વિશ્વપ્રવાસિની કહેવાયાં.
પ્રીતિબહેનની જ એક કવિતા છે,
‘કોઈ મારગ વગર દૂર પહોંચ્યું પણ હોય અને થાકે નહીં.’
એમ પ્રીતિબહેને દૂર દૂર, સાવ અજાણ્યાં દેશોમાં થાક્યાં વગર પ્રવાસ ખેડ્યાં છે.
આજના આ આધુનિક યુગમાં જ્યાં હાથવગી સુવિધા હોય ત્યારે ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ વાળી વાત સાવ સહજ બની જાય. ત્રીસ વર્ષ પહેલાંનો સમય હતો જ્યારે આવી કોઈ આધુનિક સુવિધા ઉપલબ્ધ નહોતી ત્યારે પ્રીતિબહેને ક્રિસ્ટોફર કોલંબસની સિદ્ધિને અનોખી રીતે ઉજવી હતી. ૧૪૯૨ની ૯ ઓક્ટોબરે કોલંબસે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. આ નવા વિશ્વની શોધને ૫૦૦ વર્ષ પૂરાં થતાં હતાં ત્યારે કોઈ પણ સંગાથ વગર ઉત્તર ધ્રુવ પર પગ મુકવાનું સન્માન અમેરિકા સ્થિત ભારતીય સન્નારી પ્રીતિબહેનને પ્રાપ્ત થયું હતું. આ વાત માત્ર લખવાથીય અજબ જેવો રોમાંચ અનુભવાય છે તો પ્રીતિબહેનના રોમાંચની તો કલ્પના જ કરવી રહી.
આવા રોમાંચની સાથે ક્યારેક જોખમોનોય એમને સામનો કરવો પડ્યો છે. ઝાઝા કોઈ અદ્યતન સાધનોની સુવિધા વગર એન્ટાર્ટિકાના પ્રવાસે જવું એ કોઈ સામાન્ય ઘટના ન કહેવાય. આજના વાચકને કદાચ ૧૯૧૨માં હિમશિલા સાથે અથડાઈને ડૂબેલી ટાઇટેનિક વિશે જાણકારી તો હશે જ, લગભગ આવો જ અનુભવ પ્રીતિબહેનને ૧૯૮૯માં એન્ટાર્ટિકાના પ્રવાસ દરમ્યાન થયો હતો. હિમશિલા સાથે અથડાઈને એમનું જહાજ ડૂબવા માંડ્યું ત્યારે એમનાં પ્રાણ, પ્રવાસપોથી અને મનમાં આ પ્રવાસની દિલધડક, ઉત્તેજનાભરી યાદો સિવાય કશું જ બચ્યું નહોતું.
પ્રીતિબહેનની પ્રકૃતિ સાવ બે છેડા વચ્ચે વધુ ખીલી છે. સાહિત્ય એટલે મનનાં વિચારો, હૃદયની ઊર્મિઓની અભિવ્યક્તિ. જ્યારે સાહસ એટલે મનની તાકાત. સતત સાહસિક સફરને સમાંતર એમનું સાહિત્ય વહ્યું છે. એમને મન પ્રવાસ એટલે ‘જાતને પોતાનામાંથી બહાર લઈ જવાની તક.’ જરા જુદી રીતે કહું તો ‘જાત અને જગત વચ્ચે ઝૂલવાની તક’.
પ્રીતિબહેને નાનપણથી જ કવિતા લખવાનું શરૂ કર્યું અને પછી પ્રવાસવર્ણનો લખ્યાં. આ પ્રવાસવર્ણનોમાં જે તે દેશની ભૌગોલિક કે ઐતિહાસિક વિગતથી પણ વિશેષ જે વાત છે એ છે એમની સ્વાનુભૂતિની. દિલને સ્પર્શી ગયેલી બોરા બોરા ટાપુની સુંદરતા પર કાવ્ય લખવા એ પ્રેરાયા હોય તો જાપાનની મુલાકાતે હિરોશીમા પર માનવે વરસાવેલા કેરથી સર્જાયેલી તારાજી પર કાવ્ય લખવા માટે એમની કલમ સજ્જ બની હોય. ઍન્ટાર્કટિકા પર પહોંચ્યાની લાગણીને એ ચરણસ્પર્શ કે હૃદયસ્પર્શ જેવા શબ્દોથી વ્યક્ત કરતાં હોય ત્યારે એમનાં પ્રવાસવર્ણનોમાં કવિ હૃદયની સંવેદનાઓનોની અનુભૂતિ છલકાતી અનુભવાય છે. એ ઍન્ટાર્કટિકાથી માંડીને કોઈ પણ પ્રદેશ માટે અતિ સુંદર વર્ણનાત્મક નિબંધ લખી શકે તો સતત ઉજાસમય ઍન્ટાર્કટિકા માટે એક શબ્દ ‘સૂર્યલોક’ પ્રયોજીને વાચકને ઍન્ટાર્કટિકાની અલૌકિકતાનો પરિચય પણ કરાવી શકે ત્યારે એમની લેખિની માટે સલામ જ હોય.
પ્રવાસશોખને સમાંતર પ્રીતિબહેનમાં ફોટોગ્રાફીનો શોખ વિકસ્યો જેને લઈને પ્રીતિબહેને ભારતનાં ફોટોગ્રાફ્સ પર એક પુસ્તક તૈયાર કર્યુ. સંગીત પ્રત્યે પણ એમને અનેરી પ્રીતિ. ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ જાઝ સંગીત પણ સાંભળવું ગમે સાથે ઉર્દૂ ગઝલ અને રવીન્દ્ર સંગીત શીખ્યાં. રવીન્દ્ર સંગીત, બંગાળી નવલકથાઓના અનુવાદ વાંચતાં વાંચતાં બંગાળી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની જેમ બંગાળી લોકો પ્રત્યે આકર્ષણ જાગ્યું.
પ્રીતિબહેનનાં પતિ પ્રોફેસર ચંદન સેનગુપ્તા બંગાળી છે. પ્રીતિબહેને પોતાના શોખનું શ્રેય અને પ્રથમ પુસ્તક પતિ ચંદન સેનગુપ્તાને અર્પણ કર્યું છે. દરેક વ્યક્તિમાં કોઈ એક લગન કે શોખ હોવાં જોઈએ જેનાથી એનું જીવન સાધારણથી કંઈક વિશિષ્ટ બને. પ્રીતિબહેનનાં વાંચન, લેખન અને પ્રવાસ પ્રત્યેના ઊંડા અને શાશ્વત રસનો ચંદન સેનગુપ્તાને આનંદ છે.
કર્મે લેખક અને ધર્મે મુસાફર એવાં પ્રીતિબહેન સ્વ ઓળખ કંઈક આવી રીતે આપે છે. “મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન. આ વૃક્ષ પર ફૂલ ખીલે તેનાં રંગ સમય અને સ્થળ પ્રમાણે. વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વ્યહવાર વિશ્વ સાથે. આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તન વટેમાર્ગુ જેવું.”
આ વટેમાર્ગુની સફર હંમેશાં રોમાંચક જ રહી છે. કોઈ પણ અજાણ્યા દેશોના ઇતિહાસ, ભૂગોળ, રહેણીકરણી કે સંસ્કૃતિનું અથથીઈતિ જાણવાં એ એકદમ સ્થાનિક રહેવાસીની જેમ ફર્યાં અને રહ્યાં છે. પ્રીતિબહેનને જ્યાં જાય એ સ્થળ, એ શહેર, ત્યાંના સ્થાનિક લોકોય પોતાનાં જ લાગે. એ સ્થળ, સમાજ, એ સંસ્કારમાં ભળી જવું હોય એવા સ્વીકારભાવ સાથે ત્યાંના લોકજીવન સાથેના સંબંધને પ્રીતિબહેને એટલી હદે જાણ્યા અને માણ્યા છે કે અહીં આ ભાવને એ ‘પર-માયા-પ્રવેશ’ કહે છે.
દરેક પ્રવાસમાં એ દેશનું સત્ય પામીને હૃદય,મન, વિચારોથી સમૃદ્ધ થયેલાં પ્રીતિબહેન કહે છે કે, જેરુસલેમમાં ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી જેવા વિશ્વના ત્રણ મોટા ધર્મોના સ્થાનક લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા જોઈને એમના મનોભાવ દરેક ધર્મ પ્રત્યે ઉદાર થઈ ગયા છે. હવે આથી વધુ મનની મોકળાશ બીજી શું હોઈ શકે? જાપાન એમનો સૌથી પ્રિય દેશ છે.
પ્રીતિબહેને ઘરથી ઘણે દૂર વિશ્વની વિશાળતા જોઈ, જાણી છે જે એમનાં સાતે ખંડ પરનાં કાવ્યો અને નિબંધોમાં વર્ણવી છે. એ ઉપરાંત વાર્તાઓ, નવલકથાઓ અને પ્રવાસવર્ણનો પણ લખ્યાં છે. એમનાં પ્રવાસવર્ણન થકી વાચક જે તે દેશનાં ઇતિહાસ, ભૂગોળની સાથે એની સંસ્કૃતિનો, એનાં સૌંદર્યનો પરિચય પામે છે.
પ્રીતિબહેન વિશે વિચારીએ તો આપણા વિચારોનું ફલક નાનું પડે એટલી વિશ્વવ્યાપી એમની ઉડાન છે. પોતાનાં એક કાવ્યમાં લખે છે એમ,
‘રસ્તામાં ખાબોચિયાંમાં છબછબિયાં કરવાનું મન નથી થતું હવે,
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે.’
ત્યારે પ્રીતિબહેનને કહેવાનું મન થાય કે, તમે સાત સાગર, વિશ્વનાં લગભગ બધા દેશની ભૂમિ ખેડી છે. નોર્થ-પોલ પહોંચીને જ્યાં ભૌતિકતાની પેલે પાર આધ્યાત્મિકતાનો અનુભવ કર્યો હશે ત્યારે જ આ બધી નામની પરવાથી પર થઈ ગયાં હશો ને? પ્રીતિબહેનને નોર્થ-પોલ પર પહોંચીને ત્યાં દૈવી, સ્વર્ગીય અને જાદુઈ જેવો અનુભવ થયો હોય, જાણે ઈશ્વરના આશીર્વાદ સમી અનુભૂતિ થઈ હોય ત્યાં એમને આવી માનવીય માયાની શી તમા?
પ્રીતિબહેન સેનગુપ્તાનાં પ્રવાસવર્ણનોનાં પુસ્તકોને ‘વિશ્વગુર્જરી’ ઍવોર્ડ, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચાર પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે.
જેમની પર વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરવાનું ગૌરવ અનુભવે છે એવાં પ્રીતિબહેનનું તખલ્લુસ છે.
‘પ્રિયદર્શીની’, ‘અશક્ય’ અને ‘નામુમકીન’. જેમનાં સાહિત્ય સર્જન, લેખનકાળ વિશે જો શબ્દોમાં કહેવું હોય તો પાનાં ઓછાં પડે પણ જો પ્રીતિબહેનનો પરિચય આપવો હોય તો એક શબ્દ પૂરતો છે- ‘સ્વયંસિદ્ધા.
પ્રતિભાલેખનઃરાજુલ કૌશિક
Recent Comments