એ દિલે નાદાન -નમસ્કાર ગુજરાત (કેનેડા)માં પ્રસિદ્ધ લેખ
૧૯૭૫નો એ સમય… ૧૭ વર્ષનો એક છોકરો ૧૫ વર્ષની એક છોકરીની સામે લાલ ગુલાબ ધરીને કહેતો હતો…. “ આઇ લવ યુ.”
પંદર વર્ષની એ ગભરાયેલી છોકરીએ દોટ મુકી અને સડસડાટ પોતાનાં એપાર્ટમેન્ટનાં પગથિયાં ચઢી ગઈ. બીજા દિવસે ફરી એ જ છોકરો–
એ જ છોકરી– એ જ એક તરફી સંવાંદ પણ આજે લાલ ગુલાબના બદલે એક નાનકડો ગુલદસ્તો. ફરી ફરી અને રોજે રોજ આ ઘટનાનો ક્રમ
ચાલુ રહ્યો. પણ પેલી ગભરાયેલી છોકરી ઘરમાં કોઈને કશું જ કહી શકી નહીં.
એ ઉંમર જ એવી હતી કે શરમના માર્યા જીભ ખુલતી જ નહોતી. હવે તો એને સ્કૂલે જતાં –આવતાં પણ પેલો છોકરો રસ્તામાં આંતરતો..
આજે ફૂલ તો કાલે ચોકલેટ…આજે સ્કાર્ફ તો કાલે હાથમાં પહેરવાની લકી…છેલબટાઉ છોકરાને આનાથી વધુ શું આપી શકાય
એની ખબર નહોતી પરંતુ આ છોકરી એને ગમતી હતી એટલી તો એને ખબર હતી. ફિલ્મો જોઈ જોઈને ઇશ્કી મિજાજ પર વધુ રંગ ચઢતો હતો. અને આ સિલસિલો છ મહીના સુધી લગાતાર ચાલુ જ રહ્યો. હવે સમીરથી ત્રાસેલી નેહાએ એની ખાસ સખી હેતાને વાત તો કરી પણ,
અબુધ છોકરીઓને આનું શું કરી શકાય કે શું કરવું જોઈએ એની સમજ પડતી નહોતી. ઘરમાં કહેવું તો કેવી રીતે એની અવઢવમાં બીજા થોડા દિવસ પસાર થઈ ગયા.
છોકરાનું નામ સમીર.. ટ્રાન્સફરેબલ જોબ ધરાવતા પિતાએ સમીરનું ભણવાનું ન બગડે એટલે અમદાવાદમાં એપાર્ટમેન્ટ લઈ લીધો હતો.
સમીર અને એની મમ્મી સરોજા અહીં રહેતા. સમીરના પિતા અશોકભાઈ પંદર દિવસે બે-ચાર દિવસ અહીં આવી જતા.
પેલી પંદર વર્ષની છોકરી- નામ એનું નેહા. ચાટર્ડ એકાઉન્ટટ રાકેશભાઈ અને ભાવનાબેનની એક માત્ર દીકરી. સરસ મઝાનો સુખી પરિવાર.
પણ આ પરિવાર એક દિવસ આખે આખો ઝંઝોડાઈ ગયો.
એ દિવસે નેહા સ્કૂલેથી પાછી જ ના આવી. સામાન્ય રીતે સવા પાંચ વાગ્યા સુધીમાં તો એ ઘરમાં જ હોય. ઘરમાં આવતા પહેલાથી જ એની
ધાંધલ શરૂ થઈ જતી. એપાર્ટમેન્ટના એક સાથે બે બે પગથિયાં કુદાવતી એ સડસડાટ એના બીજા માળે આવેલા એપાર્ટમેન્ટનાં
બારણે પહોંચી જ હોય અને એક ક્ષણની પણ રાહ જોયા વગર ધનાધન ડોરબેલ ચાલુ થઈ જ ગયો હોય.
મમ્મી આવે ત્યાં સુધીમાં તો ઉપરાઉપરી ડોરબેલ વગાડીને મમ્મીને પણ પરેશાન કરી દેતી નેહા આજે પોણા છ વાગ્યા સુધી પણ ઘેર પહોંચી નહોતી.
બોર્નવિટાનું હુંફાળુ દૂધ અને સાથે કંઈક નાસ્તો કરીને એ પોતાના ક્લાસિકલ ડાન્સ ક્લાસમાં જવા નીકળી જતી એટલે ભાવનાબેને
સવા પાંચ વાગતામાં તો એનું દૂધ ગરમ કરીને એનાં ભાવતાં વડાંનો ડબ્બો પણ ડાઇનિંગ ટેબલ પર કાઢીને તૈયાર રાખ્યો હતો.
સ્કૂલેથી સીધા જ ઘેર આવવાની ટેવવાળી નેહા આજ સુધી ક્યારેય મોડી પડી જ નહોતી. તો આજે કેમ?
આમ તો એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી બહાર દેખાતા મેઇન રોડ સુધી કેટલીય વાર ભાવનાએ નજર દોડાવી હતી.
હા! ક્યારેક એવું બનતું કે જે દિવસે ડાન્સ ક્લાસ ન હોય ત્યારે થોડી વાર એપાર્ટમેન્ટના કોમન પાર્કમાં બહેનપણીઓ સાથે ઊભી રહી જતી.
એ કોમન પાર્ક પણ બાલ્કનીમાંથી દેખાતો હતો ત્યાં ય નજર માંડી જોઈ પણ, ખાલી નજર પાછી વળીને મેઇન ડોર પર લંબાઈ.
હવે ધીરજ ખુટતાં ભાવના નીચે આવી. કોમન પાર્કમાં સાંજ પડે ટહેલવા નીકળેલા થોડા વયસ્ક સિવાય કોઈ નજરે ન પડ્યું.
આશંકાથી ભાવનાનું હૈયુ ફફડી ઉઠ્યુ. ઘરમાં આવીને નેહાની સ્કૂલની બધી બહેનપણીઓના ઘેર ફોન કરી ચૂકી.
બધેથી એક જ જવાબ…” આંટી, અમે નીળ્યા તો સાથે જ પણ, પછી ખબર નથી નેહાને કેમ મોડું થયું.”
હવે ભાવનાએ એપાર્ટમેન્ટમાં રહેતી નેહાની બીજી બહેનપણીઓના ઘેર ફોન કરવા માંડ્યા. માત્ર એક હેતા પાસેથી જવાબ મળ્યો..
“ આંટી, નેહા આવી તો ગઈ જ હતી. નીચે મને મળી પણ ખરી પણ એને ક્લાસમાં જવાનું મોડું થાય એટલે બે મિનિટથી તો વધુ ઊભી
પણ રહી નહોતી. એનો અર્થ એટલો તો થયો કે નેહા ઘરની નીચે સુધી તો આવી જ હતી તો પછી ક્યાં ફંટાઈ ગઈ?
કોઈ શક્યતા ન દેખાતા ભાવનાએ રાકેશને ફોન કર્યો. ચાટર્ડ એકાઉન્ટટ થયેલા રાકેશની રિલીફ રોડ પર ઓફિસ હતી.
ઓફિસ બંધ કરીને એ ઘેર પહોંચે તો પણ સહેજે પચીસ-ત્રીસ મિનિટ તો થઈ જ જાય એમ હતી. એટલે એણે ઓફિસથી નીકળીને એણે
સૌથી પહેલાં પોલીસ સ્ટેશન દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને એના વોલૅટમાં રહેલો નેહાનો ફોટો પોલિસ ઇન્સ્પેક્ટરને આપીને ઘેર પહોંચ્યો..
ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ભાવનાનો પડી ગયેલો ચહેરો અને રડી રડીને લાલઘૂમ થયેલી આંખો કહેતી હતી કે એ નેહાને શોધવાના
તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગઈ છે. સાત, આઠ, નવ-ઘડીયાળનો કાંટો એની ગતિએ આગળ વધતો જતો હતો. પણ નેહાનો કોઈ પત્તો નહોતો. રાકેશે ફરી એક વાર પોલિસ સ્ટેશને નેહાની તપાસ માટેના રિપોર્ટ માંગ્યા. હવે પોલીસે સાબદા થવું જ પડે એમ હતું.
ઇન્સ્પેક્ટરે રાકેશને થોડા સવાલો કર્યા જેના પરથી એટલું તો તારવી શક્યા કે નેહા ઘર સુધી તો પહોંચી જ હતી.
રાકેશની પાછળ પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા બીજા બે પોલીસ સાથે મારતી જીપે સૌમ્ય એપાર્ટમેન્ટ પર પહોંચ્યા.
સૌથી પહેલા ભાવનાબેનને મળીને પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પ્રયત્ન કર્યો પણ એમની પાસેથી ઘોર નિરાશા અને અઢળક આંસુ
સિવાય કશું જ ના મળ્યું. હવે એક જ ઉપાય હતો હેતાની મુલાકાત લેવાનો, પરંતુ એપાર્ટમેન્ટમાં હેતા વિશે કોઈ ચણભણ ન થાય એવું
ઇચ્છતા રાકેશે હેતાનાં ઘેર ફોન કરીને એને જ અહીં બોલાવી લીધી. હેતાએ ભાવનાને જે કંઈ કહ્યું એનાથી વિશેષ એ કશું જ જાણતી હોય
એવી શક્યતા લાગી નહીં પરંતુ ઇન્સ્પેક્ટરની ચકોર આંખોએ હેતાના ચહેરા પર એક અવઢવ તો જોઈ જ જાણે સૌની હાજરીમાં
એ કશું છુપાવતી હોય અને તેમ છતાં આ ક્ષણે કહી દેવાની તત્પરતા દેખાઈ. એની સાથે કરડાકીથી કામ લેવાના બદલે સલૂકાઇથી જ કામ
નીકળશે એવું લાગતા ઇન્સ્પેક્ટરે હળવેથી હેતાને સમજ આપી કે એ જ એક છે જે હવે નેહાને શોધવામાં કે બચાવવામાં મદદરૂપ બની શકે
એમ છે.
હેતાએ સમીરની નેહા માટેની ઘેલછાની જે વાત કરી એનાથી તો ઘરમાં સોપો પડી ગયો. એક જ ફ્લોર પર સામસામે રહેતા આ
બે પરિવાર વચ્ચે એકબીજાના ઘેર આવવા-જવા જેટલી આત્મિયતા નહોતી પણ સામે મળે તો હેલ્લો કહેવા જેટલું સૌજન્ય તો હતું જ.
ઇન્સ્પેક્ટર હવે પછીની એક ક્ષણ વેડફવા માંગતા નહોતા. સમીરના ઘેર જઈને ઉપરાઉપરી ડોરબેલ મારવા છતાં બારણું ખુલ્યું નહીં.
ભાવનાની જાણકારી મુજબ સરોજા બે દિવસ માટે એના ભાઈનાં ઘેર ગઈ હતી. તે સમયે મોબાઇલ તો હતા નહીં કે કોઈ પણ વ્યક્તિનો
ક્યાંયથી કૉન્ટૅક્ટ કરી શકાય.
પોલીસ ડોગ….ઇન્સ્પેક્ટર પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો અને તે તાત્કાલિક અમલમાં મુકવામાં આવ્યો. એપાર્ટમેન્ટમાં જ્યાં
હેતા અને નેહા છેલ્લે મળ્યાં હતાં ત્યાં પોલીસ ડોગ લઈ આવવામાં આવ્યો. નેહાએ સવારે બદલેલાં કપડાં
અને એનાં ચંપલ સૂંઘાડવામાં આવ્યાં અને જીમીને છુટ્ટો મુકવામાં આવ્યો.
જીમી આમતેમ ગોળ ગોળ ઘૂમતો સડસડાટ એપાર્ટમેન્ટનાં પગથિયાં ચઢીને સમીરના ઘરના દરવાજા પાસે આવીને ઘૂરકવા માંડ્યો..
ફ્લેટના બારણાં પાસે આવીને જોરજોરથી જે રીતે ભસવા માંડ્યો એ જોઈને હવે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે બારણાં તોડવા સિવાય કોઈ આરો નહોતો.
બારણું તોડતા જ જીમીએ હાથની સાંકળ સાથે ખેંચાઈ જવાય એટલા જોરથી કૂદકો માર્યો અને ઘરમાં ઘૂસ્યો.
ડ્રોઇંગરૂમ તો ખાલી જ હતો. આગળ વધતા ડાઇનિંગરૂમ આવ્યો એ પણ ખાલી જ હતો પરંતુ ડાબી બાજુ કિચનના બારણા પર જીમીએ
જે રીતે તરાપ મારી એના ધક્કા માત્રથી અટકાવેલું બારણું ખુલી ગયું.
સામે જે કારમું દ્રશ્ય નજરે પડ્યું એ જોઈને તો રાકેશને પણ ચક્કર આવી ગયા. ફર્શ પર લોહી નિતરતી નેહાની કાયા પડી હતી.
સ્કૂલડ્રેસ આખો લોહીથી લથબથ અને બાજુમાં પડેલી સ્કૂલબેગ પણ .. અત્યંત જોરથી ફ્લોર પર પછડાવાથી અથવા પાછળ કિચનનાં
પ્લેટફોર્મની ધાર પેસી જવાથી માથું ફાટી ગયું હતું અને તેમાંથી લોહીની ધાર વહી રહી હતી અને હવે તો લોહી પણ સુકાવા માંડ્યુ હતું.
રાતના બાર વાગ્યાનો સુમાર થયો હતો. સૌમ્ય એપાર્ટમેન્ટની અમાસની એ રાત વધુ કાજળઘેરી બની ગઈ.
તરત જ નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. ભાવનાબેન તો નેહાને જોઈને હોશ ગુમાવી બેઠા હતા અને બાકી હતું તેમ ડૉક્ટરે તેમને ટ્રાંક્વિલાઇઝરનું ઇન્જેક્શન આપી દીધું હતું.
સવારે જ્યારે નેહાનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી પાછો આવ્યો ત્યારે સૌમ્ય એપાર્ટમેન્ટ જાણે એની સૌમ્યતા ગુમાવી બેઠું હતું.
થોડી ચણભણ અને ઘણીબધી સહાનુભૂતિથી વાતાવરણ ખળભળી ઉઠ્યું હતું. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કહેતો હતો કે નેહાનું મૃત્યુ માથાનાં
પછડાટ અને હેમરેજનાં લીધે થયું હતું . એથી વિશેષ કશું જ નહોતું.
બે દિવસે સમીરનો પત્તો ખાધો. સમીરે જે કબૂલાત કરી એનાથી કેસ વધુ સ્પષ્ટ બન્યો હતો. ઉંમરનો તકાજો, ફિલ્મોની અસર –
પહેલાં નશા, પહેલાં ખુમારની જેમ એને નેહા પ્રત્યે પ્રથમ દૃષ્ટિનો પ્રેમ હતો. નેહા કોઈ પણ હિસાબે એને મળવી જ જોઈઇએ એવી ઘેલછા
અને નેહા એને દાદ નહોતી આપતી એના લીધે વધતી જતી અધીરાઈ. તે દિવસે સાંજે એણે નેહાને દૂરથી આવતી જોઈ હતી.
ઘરમાં મમ્મી નહોતી, આ એક મોકો હતો નેહા સાથે વાત કરવાનો. રસ્તા પર કે એપાર્ટમેન્ટના કોમન પ્લોટ કે પાર્કિંગ પ્લોટમાં તો કંઈ
વાત થાય? અને આમ પણ નેહા ક્યાં એક ક્ષણ પણ ઉભી રહેતી હતી!
સમીરને તો કહેવું હતું કે એ નેહાને કેટલો પ્રેમ કરે છે. એને નેહાને કહેવું હતું કે, સમીર એનાં માટે આસમાનના તારા તોડી લાવશે.
એને નેહાને કહેવું હતું કે નેહા કેટલી નસીબદાર છે કે એને મમ્મી-પપ્પાની નજરથી જરાય દૂર જવું જ નહીં પડે.
ઘણું બધું કહેવું હતું પણ નેહા ઉભી જ ક્યાં રહેતી હતી એટલે આજે તક જોઈને નેહા પગથિયાં ચઢતી હતી ત્યારે એ ઘરના બારણાં
પાસે ઊભો રહ્યો અને જેવી નેહા આવી કે તરત જ એને ઘરમાં ખેંચી લઈને બારણું બંધ કરી દીધું.
પણ અત્યારે ય નેહા ક્યાં એની કોઈ વાત સાંભળવા તૈયાર હતી? સમીરનો હાથ છોડાવીને ભાગવાની પેરવી કરતી નેહાને એણે
વધુ જબરદસ્તીથી ખેંચીને કિચન સુધી ઢસડી. કારણ બીજું કંઈ નહીં પણ ડ્રોઇંગરૂમમાં કંઈ અવાજ થાય તો તરત બહાર સંભળાય તો
પછી એને જે કહેવું હતું એનું શું? એ તો બાકી ના રહી જાય?
કિશોરાવસ્થાની નાદાન ઉંમરે આવેલા નાદાન તરંગી વિચાર અને નાદાનિયત ભરેલા પગલાએ સમીરને દિશાશૂન્ય બનાવી દીધો હતો.
એને તો બસ એક વાર નેહા એની વાત સાંભળે એટલું જ જોઈતું હતું. હાથની ખેંચમતાણમાં બંનેના હાથમાં પકડાયેલી નેહાની
સ્કૂલબેગનો પટ્ટો તૂટી ગયો અને નેહા ફોર્સથી પાછળ કિચનના પ્લેટફોર્મ સાથે અફળાઈ.
પછીની ક્ષણોમાં તો સમીરના મન પરથી પ્રેમનો નશો ઊતરી ગયો. સામે નેહાના માથા પરથી વહી રહેલી લોહીની ધારથી એ હાકોબાકો
બની ગયો અને બીજું કંઈ વિચાર્યા વગર ઘરનું બારણું ખેંચીને બંધ કરીને ત્યાંથી ભાગી છુટ્યો. મમ્મી માસીના ઘેર રાણીપ જવાની હતી
એટલી ખબર હતી એટલે સીધો રિક્ષા કરીને ત્યાં પહોંચી ગયો.
બસ આટલી જ વાત પણ, હજુ ય મગજ પરથી ધૂન ઉતરતી નહોતી કે, નેહાએ મારી વાત તો સાંભળવી જોઈએને?
હું વાત કરતો હતો ત્યાં શાંતિથી ઊભાં તો રહેવું જોઇએ ને?
પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર રખાયેલા સમીરને શું સજા કરવી? મમ્મી કે પપ્પા તો હવે એને સ્વીકારવા તૈયાર જ નથી એ ય એક સજા નથી? સરોજા અને અશોકે આ એપાર્ટમેન્ટ જ નહીં શહેર પણ છોડી દીધું છે.
જુવેનાઇલ જસ્ટિસ ( કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ સમીરને તે વખતે તો રાજકોટ ખાતે સ્થપાયેલ સ્પેશિયલ હોમમાં
લઈ જવામાં આવ્યો. એ સમય, એ કિશોરાવસ્થા વીત્યા પછી સમીરનું શું થયું એ આજ સુધી કોઈને ખબર નથી.
ગોરો રંગ, કપાળ પળ લહેરાતા વાળના ગુચ્છા અને આંખમાં એક જાતની ઘેલછા સાથે કોઈને જુવો તો એ કદાચ સમીર હોઈ શકે
એમ સમજી લેજો.
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments