આન્યા મૃણાલ- પ્રકરણ / ૨૦
મૃણાલને આમ અડધી રાત્રે અહીં જોવાની વાત શ્રીકાંત અને ગાયત્રીને જરાય શુભકારી ન લાગી પરંતુ હાલ પરત્વે, આ પળે મૃણાલને એક પણ સવાલ કરવાનું બંને એ ટાળ્યું. સડસડાટ પોતાના રૂમમાં પહોંચી ગયેલી મૃણાલ સ્વસ્થ થાય ત્યાં સુધી ધીરજ રાખવાની સમજૂતી એ ચારે આંખોમાં ઝબકી ગઈ.
“મીરાં, તારો જીવનપથ તેં જાતે કંડારી લીધો છે. તું હંમેશા સુખી રહે એવા સાચા મનનાં અમારાં તને આશીર્વાદ છે પણ, ક્યારેય આ રસ્તે ચાલતા તને ઠોકર લાગે તો એક વાર પણ વિચારવા ન રહેતી. આ ઘર હંમેશા તારું જ છે અને આ ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે એટલો વિશ્વાસ મનમાં કાયમ રાખજે” શ્રીકાંત ક્યારેક મૃણાલને વહાલથી મીરાં કહેતા.
લગ્ન કરીને વિદાય લેતી દીકરીને શ્રીકાંતે એક પળ માટે રોકી લીધી હતી. કોણ જાણે કેમ પણ, કૈરવ પરત્વે એમનો એ વખતેય મૃણાલ જેટલો વિશ્વાસ ઊભો નહોતો થઈ શક્યો.
ગાયત્રીએ ફ્રીજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને મૃણાલના હાથમાં થમાવ્યો. એકી શ્વાસે સદીઓની તરસ બુઝાવતી હોય એમ મૃણાલ પાણી ગટગટાવી ગઈ. ગાયત્રીબેને એની બાજુમાં બેસીને એનો હાથ હાથમાં લીધો. પા પા પગલી ચાલતા શીખતી મૃણાલ જે વિશ્વાસથી માનો હાથ પકડી લેતી એટલા જ વિશ્વાસથી મૃણાલે એ હાથ થામી લીધો.
આજે પણ મૃણાલનો રૂમ એમ જ અકબંધ સચાવાયેલો હતો. ખાલી એમાં આન્યાને તેડીને ઉભેલી મૃણાલની બંને બાજુએ શ્રીકાંત અને ગાયત્રીની તસ્વીરનો ઉમેરો થયો હતો. એ જીવંત લાગતી તસ્વીર આ રૂમને વધુ જીવંત બનાવતી હતી. શ્રીકાંત અને ગાયત્રીએ મૃણાલના રૂમની એક દીવાલ પર મૃણાલનાં નાનપણથી માંડીને વિદાય સમયના કેટલાક લાક્ષણિક ફોટાઓના કૉલાજથી મૃણાલની યાદો વધુ ઉપસાવી હતી. કેટલીય આનંદની પળોમાં ગાયત્રીએ શ્રીકાંતને આ કૉલાજ સાથે વાતો કરતા જોયા હતા.
હળવેકથી શ્રીકાંતભાઈ ઊભા થઈને એમના રૂમમાં ચાલ્યા ગયા અને ગાયત્રીએ મૃણાલના હાથમાંથી આન્યાનો પોટ્રેટ લઈ બાજુમાં મૂકી મૃણાલને એના બેડ પર સુવડાવીને પોતે પણ એની બાજુમાં સુઈ ગયાં.
મા જોડે, માના આગોશમાં મૃણાલને શાતા વળી પણ આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. ક્યાંથી હોય? બળબળતી આંખોમાં ભડભડ સળગતા સંસારની રાખ લેપાઈ ગઈ હતી. અને એ રાખોડી આવરણની પેલે પાર આન્યાનો માસુમ ચહેરો, નિર્દોષ આંખોની મસ્તી, બોર્નવિટા પીધેલા મ્હોંની સુગંધ એકદમ અનુભવી શકતી હતી. મન પર બાઝેલો ડૂમો બહાર છલકાઈ જાય એ પહેલાં એણે જબરદસ્તીથી આંખો મીંચી દીધી.
એણે તો આંખો મીંચી દીધી પરંતુ બાજુમાં આડે પડખે થયેલી ગાયત્રી કે બાજુના રૂમમાં સુતેલા શ્રીકાંતની આંખોમાંની નિંદર વેરણ થઈ ગઈ હતી.
વહેલી સવારે ગાયત્રી ઊઠીને બહાર આવી, હળવેથી રૂમનું બારણું બંધ કર્યુ. શ્રીકાંતભાઈએ તો પહેલાં જ ઊઠીને ચા તૈયાર કરવા માંડી હતી. ઘણીવાર શ્રીકાંતભાઈ સવારની આદુ-ફુદીનો અને ઘરની પાછળ ઉગાડેલી લીલી ચા નાખીને ચા બનાવતા. મૃણાલને શ્રીકાંતભાઈએ બનાવેલી ચા ખૂબ ગમતી.
ચાનો કપ નાક પાસે લઈને ઉંડો શ્વાસ ભરી લેતી. “પપ્પા, આ સુગંધથી જ એકદમ તાજગી આવે છે. જાદુ છે તમારા હાથમાં”
“જાદુ નહી બેટા, તમારા માટેનો પ્રેમ છે.”
શનિ-રવિવારની સવારે આવી કડક મીઠી ચા સાથે ગાયત્રી કશોક ગરમ નાસ્તો બનાવતી અને જુદા જુદા વિષયો પર ચર્ચાઓ ચાલતી અને ત્યારે એ સૌની સવાર પણ કડક મીઠી બની જતી.
ગાયત્રીએ બોલ્યા ચાલ્યા વગર એક બાજુ સ્ટ્ફ પરાઠાની તૈયારી કરવા માંડી. મૃણાલ ઊઠી ત્યારે ચાના ટેબલ પર બધું જ તૈયાર હતું પણ માનસિક રીતે કોઈ કોઈની સાથે વાત કરવા કે મૃણાલ પાસે જે અનહોની બની ગઈ એ ઉખેળવા તૈયાર નહોતા.
મૃણાલની કોરી ધાકોર આંખોમાં શૂન્યાવકાશ છવાયેલો હતો. આ શૂન્યાવકાશના પડળ છેદાતા કેટલો સમય લાગશે? પણ જે સમય લાગે એ સમય મૃણાલને આપવો એવી સમજૂતી બંને એ કરી લીધી હતી.
મૃણાલે ઊઠીને ચૂપચાપ ટેબલ આવીને ચા પી લીધી. બીજો કોઈ સમય હોત તો એણે ચાની મીઠી સોડમ ફેફસામાં ભરી લીધી હોત પણ ના! એણે એવું કશું જ કર્યા વગર ચા પી લીધી અને સીધી શાવરમાં જતી રહી.
થોડીવારે શ્રીકાંતભાઈના સેલફોન પર અજયભાઈનો મેસેજ ઝબક્યો.
“આઇ વૉન્ટ ટુ ટોક ટુ યુ. કેન આઇ?”
શ્રીકાંતભાઈ ઊભા થઈને પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા અને એમણે જ અજયભાઈને ફોન જોડ્યો. હાથ બહાર ગયેલી પરિસ્થિતિ અંગે જે કંઈ સાંભળ્યુ એ એમની ધારણા બહારનું હતું . ઊંડો શ્વાસ લઈને એમણે અજયભાઈને કહ્યું,
“જેવા મારી દીકરીના નસીબ.”
“એ મારી પણ દીકરી છે અને રહેશે.. એની અમાનત મારી પાસે છે. આન્યાનો ઉછેર મારી જવાબદારી છે.”
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments