-રે પસ્તાવો- નમસ્કાર ગુજરાત (કેનેડા)માં પ્રસિદ્ધ વાર્તા /
“શૈલજા……………
પિક અપ ધ ફોન પ્લીઝ.”
શૈલેષ છેલ્લી ત્રીસ મિનિટમાં તેત્રીસ વાર શૈલજાને ફોન જોડી ચુક્યો હતો પણ સામેથી એકધારી નિરાશા જ પડઘાતી હતી.
“તોબા ભઈસાબ આ તારી શૈલુથી તો “ક્યારેક અકળાઈને શૈલેષ જાનકીને ફરિયાદ કરતો ત્યારે જાનકીય એકધારા એક સરખા જ
જવાબ આપતી.
“શૈલુની જ ક્યાં વાત કરે છે, આજકાલના દુનિયાભરના આ બધા નમૂનાઓ માટે મા-બાપની આ જ ફરિયાદ છે. તમે ફોન કરો અને ફુરસદ હોય તો જવાબ મળે નહીં તો સીધો મેસેજમાં જ જાય.”
“બધાની અહીં ક્યાં વાત છે, દુનિયાભરના લોકોને જે કરવું હોય એ કરે મારે તો માત્ર લેવાદેવા છે મારી શૈલુ જોડે. હું ફોન કરુ ને એણે મારી સાથે વાત કરવી જ પડે.’
“એ તારો કાયદો છે ને? એણે માન્ય રાખ્યો છે કે નહીં એ તેં એને પુછ્યુ છે?”
જ્યારે જ્યારે શૈલેષ શૈલેજાને ફોન કરતો અને એનો સામે જવાબ ન મળે ત્યારે ત્યારે આ ફરિયાદ, આ જ સવાલ અને આ જ જવાબ બંને પતિ-પત્ની વચ્ચે થયા કરતા.
મૂળ અમેરિકામાં સ્થાયી થયેલા પરીખ પરિવારની જાનકી કૌટુંબિક પ્રસંગે ભારત આવી અને બે મહિનાનાં લાંબાં વેકેશન દરમ્યાન શૈલેષ જોડે પરિચયમાં આવી.
પરિચય પ્રણયમાં અને પ્રણય પરિણયમાં પરિવર્તિત થયો. સ્વદેશ કરતા વિદેશમાં વધુ જલદી અને વધુ સારી પ્રગતિ થશે એવી જાનકીની માન્યતાને માન્ય રાખીને શૈલેશે પણ અમેરિકા પ્રસ્થાન કર્યુ અને થોડા સમયમાં તો સરસ જોબ અને સંસારનીસુખમય રફ્તારમાં બંને ગોઠવાઈ ગયાં.
“જો જાનુ, શૈલેષ જાનકીને વહાલથી જાનુ કહેતો, ”આપણે બાળકને તમામ સુખ સગવડોથી ભરેલું, હસતું રમતું બાળપણ ન આપી શકીએ ત્યાં સુધી તો બાળકનો વિચાર સુદ્ધાં નહી કરવાનો.”
એક દિવસ જાનકી એ પોતાની બાળક માટેની ઇચ્છા પ્રગટ કરી પણ શૈલેષ એ બાબતે મક્કમ હતો. બીજા બે વર્ષ આગળ વાત ગઈ. અને ખરેખર એ દિવસ આવ્યો જ્યારે શૈલેષ અને જાનકી એક એવી સ્થિરતાએ પહોંચ્યા કે એમની ઇચ્છા મુજબ એ એમના બાળકને એનું બાળપણ આપવા શક્તિમાન થયા અને એમનાં જીવનમાં આવી શૈલજા.
શૈલેષની તો દુનિયા આખી શૈલજાથી શરૂ થઈને શૈલજામાં જ સમાઈ જતી. “હથેળીના છાંયે રાખવી છે આપણી શૈલુને હોં કે !”
જાનકી હસી પડતી “ દુનિયામાં આ કંઈ પહેલું સંતાન છે, કયા મા-બાપને પોતાના સંતાનને લાડ લડાવાની હોંશ નહી થતી હોય? “
“મારા માટે તો આપણી દુનિયામાં આ પહેલું, બીજું કે ત્રીજું જે કંઈ છે એ આ જ માત્ર શૈલી છે અને રહેશે.”
ક્યારેક શૈલજા, ક્યારેક શૈલુ તો ક્યારેક શૈલી …..
એક હદ વટાવી જાય એવી ઘેલછા શૈલેષને શૈલજા માટે હતી. જાનકી ક્યારેક એની વધુ પડતી કાળજી માટે ટોકતી પણ શૈલેષ જેનું નામ, એ જાનકીની રોકટોકને એક કાનેથી બીજા કાને કાઢી નાખતો.
“જાનુ, શૈલી આવતા મહીને એક વર્ષની થશે. એક શાનદાર પાર્ટી તો હોની ચાહીએ.”
જાનકી એની આ વાત સાંભળીને ભડકી. “જો શૈલેષ, આ એક વર્ષની પાર્ટીનો મારા મતે કોઈ અર્થ નથી. એ થોડી સમજણી થાય તો એને પણ મઝા આવે. એ પાંચ વર્ષની થાય ત્યારે વાત.”
“કોણે કીધુ એ એક વર્ષની થઈ એની આ પાર્ટી કરવી છે? મારે તો એ સૌથી પહેલું ડૅડા બોલતી થઈ એનુ ગૌરવ સેલિબ્રેટ કરવુ છે. મા, મમ્મા કે મૉમ તો બધા ય બોલતા શીખે પણ કયું બાળક સૌથી પહેલો શબ્દ ડૅડા બોલ્યુ છે? પ્લીઝ આ વાતની તું ના નહી પાડતી. પછી તું કહીશ ત્યારે બીજી પાર્ટી કરીશુ પ્રોમીસ બસ!”
શૈલજાના પ્રથમ જન્મદિવસે શૈલેષે એના ડૅડા હોવાના ગૌરવની ધરાર ઉજવણી કરી.
શૈલજાના એ પ્રથમ જન્મ દિવસથી માંડીને આજ સુધીની એક એક ક્ષણની શૈલેષ પાસે યાદો હતી. જાનકી જોડે- શૈલજા જોડે એ યાદો એને વારંવાર વાગોળવી ગમતી. જાનકી તો એની એ વાતો ય સાંભળ્યા કરતી પણ હવે શૈલીની ધીરજ ખુટી જતી.
શૈલેષ ભૂતકાળ વાગોળવાનો શરૂ કરે અને બીજી જ ક્ષણે એ બોલી ઉઠતી,
“ડૅડુ , પ્લીઝ નોટ અગેઇન, મને બધુ જ ખબર છે અને મને યાદ પણ છે સૉ નાઉ ડોન્ટ રિપીટ ઑલ ધેટ અગેઇન એન્ડ અગેઇન. આઇ હેવ લોટ્સ ઓફ ધ થિંગ્સ ટુ ડુ.”
“જોયું જાનકી ? કેટલી કાલીઘેલી એકની એક વાતો એ મારી સાથે કર્યા કરતી નહોતી? તો મેં ક્યારેય કીધુ કે આઇ હેવ લોટ્સ ઓફ ધ થિંગ્સ ટુ ડુ? કંઈ કામ હોય તો ડૅડુ યાદ આવે પણ ડૅડુને દીકરીની યાદ આવે અને દીકરી સાથે વાત કરવાનુ મન થાય તો એની એપોઇન્ટમેન્ટ લેવાની?”
“શૈલીને સમજવા પ્રયત્ન કર શૈલેષ. ગીવ હર સમ સ્પેસ. તારી દુનિયા શૈલુ છે પણ હવે આપણી દુનિયાથી અલગ બીજી એક દુનિયા એનાં માટે વિસ્તરી છે જેમાં એને એની અલગ ઓળખ ઊભી કરવાની છે. હવે એ માત્ર આપણી નાનકડી શૈલજા નથી રહી. આ સમયનો તકાજો છે એ એના આવનારા સમય માટે સજ્જ થઈ રહી છે ત્યારે તું એને બાંધી રાખવાની ખોટી મથામણ ના કર.
તું જ કહેતો હતો ને કે, સાચો પરિવાર એને કહેવાય જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય..સૂચન ન હોય પણ સમજણ હોય. સંપર્ક ના હોય તો પણ સંબંધ તો હોય જ. એ અત્યારે આપણા સંપર્કથી દૂર હશે તો પણ સંબંધના બંધનથી તો દૂર નથી જ રહી શકવાની ને? બસ ખાલી એને બાંધી કે રુંધી ના રાખ.“
આ એક વાત શૈલેષ માટે સ્વીકારવી અઘરી હતી. એને તો સતત શૈલુના સંપર્કમાં રહેવું હતું શૈલુને સતત એના સંપર્કમાં રાખવી હતી નાનકડી હતી એમ.
શૈલજાને ડૅ કેરમાં મુકી એ દિવસે તો શૈલેષ જમી નહોતો શક્યો. અરે જમવાની વાત તો દૂર ઓફિસ કામે નહોતો જઈ શક્યો. ડૅ કેરની બહાર કાર પાર્ક કરીને ક્યાંય સુધી સૂનમૂન બેસી રહ્યો હતો. સતત એક અઠવાડિયાં સુધી એ ક્યાંય સુધી બહાર પાર્કિંગમાં બેસી રહેતો. એ પછી ડૅ કેરમાં પ્રવેશની પાસે ગોઠવાયેલા ટી.વી સ્ક્રીન પર શૈલજાને બીજા બાળકો સાથે રમતી જોઈ ત્યારે એના મનને શાતા વળી હતી.
શૈલજા સ્કૂલ બસમાં જતી થઈ ત્યારે પણ એની સ્કૂલ બસ લેવા આવે ત્યાં સુધી શૈલેષ સતત એની સાથે સેલ ફોન પર સંપર્કમાં રહેતો.
રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધી ડૅડુની પાસે એકની એક વાર્તાઓ અનેકવાર સાંભળતી રહેતી શૈલજામાં હવે ડૅડુ્ની વાતો ફરી સાંભળવાની ધીરજ રહી નહોતી.. એવું નહોતું કે, શૈલજા બદલાઈ હતી કે એને એના મમ્મા ડૅડુ તરફનો ઝોક ઓછો થયો હતો.
હવે ભૂતકાળ તરફ મીટ માંડીને બેસવાના બદલે એની આંખો ભવિષ્યનાં સોનેરી સપના જોતી થઈ હતી. સ્કૂલ બસમાં જતી શૈલજા જાતે ડ્રાઇવ કરીને કૉલેજ જતી થઈ હતી. જરૂર પડે મમ્મા કે ડૅડુને તાબડતોબ દોડાવતી શૈલજા જરૂર સિવાય મમ્મા કે ડૅડુ સાથે લાંબો સમય નહોતી વિતાવતી.
જાનકીએ આ વાત સ્વીકારી લીધી હતી.
“આ કેવું જાનકી? મારે શૈલુ સાથે વાત કરવી હોય તો મેસેજ કેમ મૂકવાનો? ફેસ ટુ ફેસ વાત કરવાના બદલે એ ક્યાં છે,
શું કરે છે એ સ્ટેટસ જોવા ફેસબુક પર ફાંફા મારવાના? ધીસ ઇઝ ટુ મચ.”
“તો શું થઈ ગયુ શૈલેષ દુનિયા આગળ વધી ગઈ છે અને તુ હજુ ત્યાં જ ઊભો છું. બદલાવ સ્વીકારતા શીખ શૈલેષ. શૈલુ મોટી થઈ ગઈ છે એ
સત્ય છે અને એ જ હકિકત છે એ યાદ રાખતા શીખ. હવે વાદળના ગડગડાટ કે વીજળીના ચમકારાથી ડરીને તારી છાતીમાં લપેટાઈને સુઈ
જતી શૈલજા નથી રહી. વાતેવાતે તારી પાસે આવવાના બદલે પોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતી, જાતે પોતાના રસ્તા શોધતી શૈલજાને
સમજતા શીખ.”.
“ચાલો હવે આપણે નવેસરથી એકડો ઘુંટવાનો ચાલુ કરવો પડશે પણ એક વાત કહુ જાનુ? એક દીવસ આ છોકરી પસ્તાવાની છે. મનમાં આવે એટલુ મનસ્વીપણુ સારુ નહી.”
“આમાં મનસ્વીપણુ ક્યાં આવ્યુ કામમાં હોય તો એ એની ફુરસદે પાછો ફોન તો કરે જ છે ને?
શૈલેષ મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તું હાથે કરીને ઊભી કરી રહ્યો છે. મારુ માન શૈલ, કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દૂર કરી રહ્યો છુ એ બંધ કર નહી તો ખરેખર એવી કોઈ જરૂરિયાત હશે કે, ખરેખર એવું કામ હશે ત્યારે ય એ તારા સમય પસાર કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એના કરતા તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.”
શૈલેષ સાચે જ અત્યારે ભરપેટ પસ્તાઈ રહ્યો હતો. જાનકીને અચાનક પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો હતો અને એને ઇમર્જન્સી સર્જરી માટે હોસ્પિટલ એડમિટ કરવી પડી હતી. અપેન્ડિક્સ બર્સ્ટ થયુ હતુ અને સર્જરી દરમ્યાન કોમ્પ્લિકેશન ઊભાં થયાં હતાં. જાનકીનું બ્લડપ્રેશરએકદમ વધી ગયુ હતુ જે કંટ્રોલમાં લાવવુ જરૂરી હતુ. શૈલજાની હાજરીની આવશ્યકતાથી કોઈ ફરક ન પડવાનો હોય તો પણ શૈલજાને જણાવવું, શૈલજાનું અહીં હોવું અત્યંત જરૂરી હતું એવું શૈલેષને લાગી રહ્યું હતું પણ એના લાગવાથી શું? શૈલજાને એની ખબર હોવી જોઈએ ને?
ક્લાસમાં હોય ત્યારે સાયલન્ટ મોડ પર મુકેલા સેલફોનના વાઇબ્રેશન અનુભવીને પણ એ ફોન કરી શકે એમ નહોતી. ડૅડુના હંમેશની જેમ અમસ્તા આવતા ફોનનો તાત્કાલિક જવાબ આપવો જ પડે એવુ એ જરૂરી ય નહોતું.
શૈલેષની અધીરાઈ માઝા મૂકતી હતી. એક તો જાનકીની ચિંતા અને પહોંચ બહારની શૈલજા સુધી પહોંચવાની ઉતાવળ. અત્યારે શૈલેષને એક એક ક્ષણ એક એક યુગ જેટલી લાંબી લાગતી હતી.
“બસ આ એક છેલ્લો પ્રયત્ન ….અને ફરી એ જ નિરાશા.
શૈલેષના મગજમાં જાનકીના શબ્દો હથોડાની જેમ વાગતા હતા “ શૈલેષ મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તું હાથે કરીને ઊભી કરી રહ્યો છે. મારુ માન શૈલ, કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દૂર કરી રહ્યો છુ એ બંધ કર નહી તો ખરેખર એવી કોઈ જરૂરિયાત હશે કે ખરેખર એવુ કામ હશે ત્યારે ય એ તારા સમય પસાર કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એનાં કરતાં તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.”
હતાશ શૈલેષે ફોનનો સામેની દીવાલે છુટ્ટો ઘા કર્યો…
ક્લાસમાંથી બહાર આવેલી શૈલજાએ ડૅડુના અસંખ્ય મિસ કોલ જોયા. જરા હસીને અધીરા ડૅડુની ખબર લઈ નાખવા એણે ફોન જોડ્યો.
હવે શૈલેષનો ફોન સતત રણક્યા કરતો હતો, શૈલેષ શૈલજાની જ નહી મનને શાંત પાડી શકે એવી સ્થિરતાનીય પહોંચ બહાર હતો.
હોસ્પિટલની કૉરિડૉરમાં બેઠેલો શૈલેષ આ ક્ષણે સ્ટ્રોકના લીધે ઇમર્જન્સી આઇ.સી.યુ.ના બેડ પર હતો.
https://www.facebook.com/groups/923981654792931/permalink/1453825011808590/?mibextid=cr9u03
Recent Comments