આન્યા મૃણાલ- પ્રકરણ/ ૧૯
એક વાવાઝોડું ફૂંકાઈ જાય અને આખી સૃષ્ટીને ખેદાનમેદાન કરી નાખે એ પછીની સ્મશાનવત શાંતિ ઘરમાં ફેલાયેલી હતી. એ શાંતિને ચીરતો કારની બ્રેકનો અવાજ સાંભળીને કૈરવ ઊંડા વિચારોમાંથી સફાળો જાગ્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિની જેમ એ સમયે કૈરવની બુદ્ધિ સાનભાન ગુમાવી બેઠી હતી અને ન બનવાજોગ બની ગયું હતું. હવે પછી ડૅડીને શું જવાબ આપવો એની ગડમથલમાં એ બેઠો હતો.
એને અને માધવીબેન બંનેને ખબર હતી કે અજયભાઈ તદ્દન નિષ્પક્ષ રીતે વિચારી શકતા હતા અને જે સાચું લાગે એ કરવામાં માનતા હતા. આજે જે બની ગયું હતું એ સાવ તો અણધાર્યું એ બંને માટે નહોતું પણ આ ઘર માટે, ડૅડી માટે, મૃણાલ માટે અને આન્યા માટે તો હતું જ તો. એના પ્રત્યાઘાતો કેવા આવશે એની કલ્પના કરવી અઘરી નહોતી.
આન્યાને ઊંચકીને અજયભાઈ ઘરમાં પ્રવેશ્યા અને હળવેકથી દાદરા ચઢીને ઉપર પોતાના બેડરૂમમાં જઈ આન્યાને પોતાના બેડ પર આસ્તેથી સુવડાવી.
બાથરૂમમાં જઈ શાવર લઈ નાઇટ ડ્રેસ પહેરીને આન્યા સાથે સુઈ ગયા.
ઘણી બધી વાર સુધી ડૅડી નીચે ન આવ્યા કે ન કોઈને બોલાવ્યા. હવે માધવીબેન અને કૈરવ મૂંઝવણમાં પડ્યા. ભેંકાર શાંતિનોય ખળભળાટ હોઈ શકે? મા-દીકરો એકબીજાની સામે મ્હોં વકાસીને જોઈ રહ્યાં.
અંતે માધવીબેનથી ન રહેવાયું. ડરતાં ડરતાં ધીમા ડગે એ ઊપર ચઢ્યા. રૂમનું બારણું ધકેલીને અંદર પ્રવેશ્યા. કિંગ સાઇઝના ડબલ બેડ પર આન્યા અને અજયભાઈને સૂતેલા જોઈને એ ખચકાયા. આગળ અજયભાઈ તરફ વધે એ પહેલા જ અજયભાઈ બોલ્યા. “આજથી આન્યા મારી સાથે સૂઈ જશે. તમે તમારી વ્યવસ્થા બીજા રૂમમાં કરી લેજો.”
આવો તલવારની ધાર જેવો અજયભાઈનો અવાજ ભાગ્યેજ નીકળતો પરંતુ જ્યારે અવાજમાં એ ધાર આવે ત્યારે એમના અવાજ કે નિર્ણયનું ઉલ્લંઘન કરવાની હિંમત માધવીબેન કે કૈરવ બંનેમાં નહોતી.
જેવા આવ્યાં હતાં એવાજ ધીમા પગલે એ પાછાં ફરી ગયાં.
એ રાત પછીના બીજા દિવસની સવારે પણ અજયભાઈએ ન તો માધવીબેન સાથે મૃણાલ અંગે કોઈ વાત કરી કે ન તો કૈરવને એક પણ સવાલ પૂછ્યો.
એ દિવસથી અજયભાઈએ કૈરવ સાથે વાત કરવાનું બંધ કરી દીધુ અને માધવીબેનની સામે તો જોવાનું પણ ટાળવા માંડ્યું. એ દિવસથી અજયભાઈની દિનચર્યા આન્યા માટે, આન્યાની આસપાસ ગૂંથાવા માંડી.
સવારે આન્યા ઊઠે એ પહેલાં જ રૂમમાં એના માટે હોટ બોર્નવિટા અને બ્રેડ બટર મંગાવી લીધા. રામજીકાકા ચૂપચાપ ટ્રેમાં બધું ગોઠવીને લઈ આવ્યા ત્યારે એની સાથે પલાળેલી બદામ પણ હતી.
રામજીકાકાને ખબર હતી કે મૃણાલ સવારે દૂધ સાથે બદામ પણ આપતી. એ સિવાય રામજીકાકાને એ પણ ખબર હતી કે, આન્યા નાહીને તૈયાર થાય એટલે મૃણાલ એને કોઈ પણ બે ફ્રુટ્સ આપતી. આન્યા માટે શું કરવું એની રામજીકાકાને બધી ખબર હતી. આટલા વર્ષો આ ઘરમાં રહ્યા પછી હવે રામજીકાકાને એ પણ ખબર હતી કે હવે એમનાં માથે બીજી કઈ અને કેવી જવાબદારીઓ આવવાની છે.
અજયભાઈએ સાચે જ રામજીકાકાના માથે ઘણી બધી જવાબદારી મૂકી દીધી. એમનો અને આન્યાનો વ્યહવાર રામજીકાકા થકી સરળતાથી ચાલવા માંડ્યો.
આન્યાને તૈયાર કરીને સ્કૂલે મુકીને અજયભાઈ ઑફિસ જતા અને આન્યાને સ્કૂલેથી પાછી લેવાના સમયે એ ઑફિસમાંથી નીકળી જતા. એમના દિવસો આન્યા અને માત્ર આન્યામય બનતા ચાલ્યા પણ આન્યાની ભીતરમાં એક ન સમજાય એવી ગૂંચવણો ઉભી થવા માંડી.
સવારે ઊંઘમાંથી ઊઠીને એણે સીધી બૂમ મારી “ મમ્મા…..”પણ, આજે એ મમ્માની સાથે મમ્માની રૂમમાં નહોતી. આજે તો એ દાદાજીના રૂમમાં દાદાજી સાથે હતી અને તો ય એના માટે હોટ બોર્નવિટા, બ્રેડ બટર અને બદામ તૈયાર હતા.
“મમ્મા ક્યાં છે?”
“તને તારી મમ્મા કેટલી ગમે છે?” દાદાજી એ સમજાવવાનું ચાલુ કર્યુ.
બે હાથ પહોળા કરીને આન્યાએ બતાવ્યુ “ આટલી બધી”.
“તને મમ્મા પાસે રહેવું કેટલું ગમે ?”
“આટલુ બધું” ફરી એકવાર બે હાથ પહોળા કરીને આન્યાએ જવાબ આપ્યો.
“ઓકે..હવે મને કહે કે, મમ્માને એની મમ્મા પણ કેટલી ગમે?”
“આટલી બધી.”
“મમ્માને એની મમ્મા સાથે રહેવું કેટલું ગમે?”
“આટલું બધું”.
અરે! આટલી વાતની દાદાજીને ખબર નથી ? આન્યાને દાદાજીના અજ્ઞાન માટે અચરજ થતું હતું
“તો પછી બેટા મમ્મા પણ ક્યારેક એની મમ્મા પાસે રહેવા જાય કે નહીં?”
“આન્યાને કીધા વગર? આન્યાને લીધા વગર?”
ઘરમાં બધા એને નામથી બોલાવતાં એટલે એ પોતે પણ એની વાત કરવા માટે નામનો જ ઉપયોગ કરતી થઈ હતી. આજ સુધી એવું તો ક્યારેય બન્યું નહોતું કે આન્યા ઘરમાં હોય તો મૃણાલ એને લીધા વગર નાનીના ઘેર ગઈ હોય. હા! પપ્પા તો ક્યારેય નહોતા આવતા.
“અને પપ્પા?” તરત જ બીજો સવાલ.
“પપ્પા એમના રૂમમાં તૈયાર થાય છે. પણ મમ્માએ આન્યાનું ધ્યાન રાખવાનું દાદાજીને કીધુ છે ઓકે?”
“પણ મમ્મા ક્યારે પાછી આવશે? આઇ વૉન્ટ મમ્મા.” કહીને આન્યાએ ભેંકડો તાણ્યો.
આન્યાના રડવાનો અવાજ સાંભળીને કૈરવ અને માધવીબેન દોડી આવ્યા પણ જે નજરે અજયભાઈએ એ બંનેની સામે જોયુ, એ બંને ત્યાં દરવાજા પાસે જ થીજી ગયાં.
એ ઘરમાં એ દિવસથી એક સન્નાટો થીજી ગયો.
એવો બીજો સન્નાટો શ્રીકાંત ગાયત્રીના ઘરમાં પણ થીજી ગયો હતો.
આલેખનઃરાજુલ કૌશિક
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments