‘અનોખીની અનોખી પ્રણયકથા’ રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા .
“આ મહિનાની આખર તારીખે મારો જન્મદિવસ છે. ક્યાં તો સગાઈની વીંટી લઈને આવજે નહીંતર તારા મનમાંથી આ ઘરનું સરનામું અને તારા જીવનમાંથી મારું નામ હંમેશ માટે ડીલીટ કરી નાખજે, સમજ્યો? છેલ્લાં બે વર્ષથી આપણે ડેટ કરીએ છીએ. આપણે બહાર મળીએ, તું અહીં મારા ફ્લેટ પર આવે, ક્યારેક સાંજ સુધી રોકાય. એનોય વાંધો નહીં. મને મારી જાત સાચવતાં આવડે છે પણ આજુબાજુવાળા મારા વિશે કંઈક ભળતું વિચારવાનું શરૂ કરે એનો મને વાંધો છે. કોઈને પણ જવાબ આપતા મને આવડે છે પણ એવી ફાલતુ વાતો પાછળ મારો સમય બગાડવો પડે એની સામે મને વાંધો છે” અનુએ અખિલને છેલ્લી ચીમકી આપી દીધી.
અનુ એટલે અનોખી. સાચા અર્થમાં એ સાવ અનોખી છે. કાવાસાકી બાઇક રેલીની એ મોડી સાંજથી અનોખી અને અખિલની કથા શરૂ થઈ હતી..
કાવાસાકીની એ રેલી અંગે ઘણી બધી જાહેરાત થઈ હતી એટલે પ્રેસ રિપૉર્ટર, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરની પણ નોંધપાત્ર હાજરી હતી. સાંજ રાતમાં ઓગળવાની તૈયારીમાં હતી. ગ્રાઉન્ડમાં લાઇટો ઝળહળી ઊઠી.
મુંબઈથી થાણે સુધીની બાઇકર્સ રેલીમાં જોડાનારા ૨૪૯ યુવાનો એ ઉત્તેજનાભરી ક્ષણની રાહ જોઈને ઊભા હતા. અને ત્યાં અનોખીની એન્ટ્રીથી કાવાસાકી બાઇકર્સ ગ્રુપમાં સન્નાટો છવાઈ ગયો. ૨૪૯ જેટલા યુવાન બાઇકર્સની વચ્ચે અનોખી એકલી જ યુવતી હતી.
“હાય, ધીસ ઇઝ અનોખી. અનોખી પ્રભુ.”
ગ્રુપના સૌથી સીનિયર એવા વેદાંતે આગળ આવીને સૌને અનોખીની ઓળખ કરાવી. એ અનોખીની ઓળખ કરાવતો હતો જ ને એટલામાં ૨૫૦માંથી બાકી રહેલા, છેલ્લા અને મોડા પડેલા બાઇકરે ભયાનક સ્પીડે એ સ્ટ્રીટ પર એન્ટ્રી લઈને બ્રેક મારી. પગના ટેકે એક બાજુ નમેલી બાઇક પરથી ઊતર્યા વગર જ એણે માથા પરની હેલમેટ ઉતારી. એ જ્યાં ઊભો હતો ત્યાં ગ્રાઉન્ડ પરની લાઇટનું સીધું અજવાળું એના ચહેરા પર ઊતરી આવ્યું. ગોરાચીટ્ટા ચહેરા પર ચમકતી ઘેરી કથ્થઈ આંખો જોઈને એ જ ક્ષણે અનોખીએ નક્કી કરી લીધું કે આ જ યુવક એનો જીવનસાથી હશે.
એણે તો નક્કી કરી લીધું પણ એ યુવક એટલે કે અખિલ પણ ઓછો જક્કી નહોતો.
એ દિવસ પછી તો વેદાંતની મધ્યસ્થીથી અનોખી અને અખિલ થોડાં નજીક આવ્યાં.
*******
અનોખી સરળ, સહજ અને બોલકણી હતી. અખિલ અસહજરીતે શાંત હતો. અનોખી બોલવાનું શરૂ કરે પછી એની વાતોમાં ફુલસ્ટોપ કે બંધનું બટન આવતું જ નહીં.
અનોખી નાની હતી ત્યારથી જ જાણે જુદી માટીથી ઘડાઈ હોય એવી હતી. મમ્મી-પપ્પા, દીદી અને અનોખી, એમ ચાર જણનાં પરિવારનો સ્નેહતંતુ એનાં નાની સાથે સતત જોડાયેલો હતો. રિટાયર્ડ થયાં પછી મુંબઈ છોડીને અનોખીના મમ્મી-પપ્પા લોનાવાલાનાં ફાર્મ હાઉસ રહેવાં ચાલ્યાં ગયાં હતાં. અનોખીએ એની જોબના લીધે મુંબઈનાં ફ્લેટમાં રહેવું પસંદ કર્યું હતું. આર્મીમાં ઉચ્ચ પદવીએ પહોંચેલા નાનાનાં અવસાન બાદ નાનીએ દિલ્હી છોડી લોનાવાલામાં નાનકડું ઘર લઈ લીધું હતું. અનોખી દર શનિ-રવિ લોનાવાલા આવી જતી. નાનીને અનોખી ખૂબ વહાલી હતી. નાનીનું આખાબોલાપણું અનોખીને વારસામાં મળ્યું હતું.
નાનીએ અનોખીનાં ૨૫માં વર્ષે એને બાઇક આપી. અનોખી જેવી તેજતર્રાર યુવતી માટે તો આ જ ભેટ હોય ને!
“નેના, આજે હું ૨૫ વર્ષની થઈ. મને ખબર છે હવે મારા માટે મમ્મી મુરતિયા શોધવા માંડશે. What do you say? કોણ હશે અને કેવો હશે? જો મારે પસંદ કરવાનો આવે તો…..” બર્થડેના દિવસે નાનીનાં ઘેર લંચ લેતા અનોખીએ પૂછ્યું.
“Select a boy who has shiny brown eyes. He will be your best life partner” હજુ તો અનોખી પોતાનો સવાલ પૂરો પૂછે એ પહેલાં નેનાએ જવાબ આપી દીધો.
અનોખીને વહાલ આવે ત્યારે એ એની નાનીને નેના કહેતી.
“આટલો ફર્મ ઓપિનિયન કેમ, નેના?”
“Because your grandpa had shiny brown eyes and he prooved as not only best husband but also best human too.” આર્મી ઑફિસરના પત્નીની વાતોમાં અંગ્રેજીનું પ્રભુત્વ હતું.
રેલીની એ સાંજે અનોખીને અખિલની શાઇની બ્રાઉન આંખોમાં એની નેનાના વિશ્વાસની છબી દેખાઈ અને બિનધાસ્ત અનોખીએ વેદાંતને સાઇડ પર લઈ જઈને કહી દીધું, “Vedant, mark my words and let that boy know that he will be my life partner.”
સમય જતાં અખિલની જીવનકથાનાં પાનાંઓ ખૂલતાં ગયાં. સાવ અઢાર વર્ષનો હતો અને મમ્મીનું અચાનક આવેલા સ્ટ્રોકના લીધે અવસાન થયું હતું. અખિલ અને એના ડૅડી, બંનેની પ્રકૃતિ શાંત. બે શબ્દથી કામ પતે તો ત્રીજો શબ્દ વાપરવાનાય એમને વાંધા. બંનેને જોડતી કડી એના મમ્મી હતાં. એમણે નાનકડા પરિવારને એકસૂત્રે, એકસૂરે બાંધી રાખ્યો હતો. અને મમ્મીના અચાનક અવસાનથી એ એકસૂત્રતા વીખરાઈ ગઈ. જાણે અખિલ અને ડૅડીના સૂર ખોવાઈ ગયા.
આકાશમાં ઊડતાં પંખીની ઝડપે જાણે સમયે પાંખો ફેલાવી હતી. અઢારમાંથી અઠ્ઠાવીસ વર્ષનો અખિલના જીવનનો એ દસકો કેવી રીતે પૂરો થયો એની તો માત્ર કલ્પના જ કરવી રહી. પણ અઠ્ઠાવીસમાં વર્ષે રિદ્ધિમાએ અખિલનાં જીવનમાં પગરવ માંડ્યા. પપ્પાના મિત્રની સિફારિશથી અખિલ અને રિદ્ધિમા મળ્યાં, બંનેએ એકમેકને પસંદ કર્યાં. શાંત સૂના ઘરમાં શરણાઈની સૂર રેલાયા.
રિદ્ધિમા જન્મથી જ સોનાની થાળીમાં ચાંદીની ચમચીથી ખાવા ટેવાયેલી હતી. હાઇ ફેશન, હાઇ સોસાયટીની રિદ્ધિમાએ પોતાની આગવી અદાથી અખિલને આંજી દીધો. અંજાયેલી આંખો જ્યારે વાસ્તવિકતા જોતી થઈ ત્યારે રિદ્ધિમાની રોશનીનો ઓપ ઊતરવા માંડ્યો હતો.
મમ્મીએ ઘર સંભાળ્યું હતું, અખિલ અને ડૅડીને સંભાળ્યા હતા. રિદ્ધિમા તો પોતાની જાતથી છૂટી પડીને કોઈનાય માટે જીવી શકતી જ નહોતી એવું અખિલને સમજાયું અને સાવ થોડા સમયમાં બંને છૂટાં પડ્યાં.
“એ ડિવોર્સી છે.” અનોખી અખિલ તરફ આગળ વધે એ પહેલાં જ વેદાંતે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
“હા, તો શું થયું? અત્યારે તો એ એકલો છે ને? રિદ્ધિમા એનો ભૂતકાળ હતો, હું એનું વર્તમાન અને ભવિષ્ય બનીશ.” અનોખીએ એના ફર્મ અવાજે નિર્ણય જાહેર જાહેર કરી દીધો.
*******
“નેના, તમે નાનાજીમાં એવું તે શું જોયું હતું અને નાનાજીએ તમને કેમ પસંદ કર્યા હતા? What special quality both of you did see or find in each other?” નાની જોડે અનોખી ખૂબ ખુલ્લા મનથી વાત કરતી.
“એ સમયે તો લગ્ન પહેલાં ક્યાં કોઈ ડેટ કરતું. બસ માબાપની પસંદગી અને નિર્ણય આખરી હોય. No personal choice. પણ તારા નાનાજીને મારામાં એમની મા દેખાઈ હતી. અને હું જ્યારે તારા નાનાજીને મળી ત્યારે મને એવું લાગ્યું કે જીવનની હરેક સુખની પળોમાં એ મારી સાથે હશે તો એ પળ ઉત્સવ બની જશે અને દુઃખની પળોમાં એ મારો સધિયારો બની રહેશે. દીકરી, તારા નાનાની શાઇની બ્રાઉન આંખોમાં જોઈને જ મને એમના પ્રત્યે આવી શ્રદ્ધા જાગી હતી. કદાચ તને કદાચ આ નહીં સમજાય, પણ એવું બને કે એકબીજાને ઓળખવામાં જીવન વીતી જાય અને ક્યારેક એક ક્ષણમાં જીવનભરનો વિશ્વાસ બંધાઈ જાય.”
રેલીની સાંજે અખિલની શાઇની બ્રાઉન આંખો જોઈને જ અનોખીને નાનીના એ વિશ્વાસની જાણે ઝાંખી થઈ ગઈ.
******
“Please leave me alon. અનોખી, એક વાત તું સમજ, તું કંઈ મારા જીવનની પહેલી છોકરી નથી. તારાં પહેલાં રિદ્ધિમા સાથે હું રિલેશનશિપમાં હતો. અમે એકબીજાને સમજીએ છીએ એવું અમને લાગ્યું, એ પછી અમે લગ્ન કર્યા. અત્યારે વિચારું છું કે ખરેખર અમે બંને એકબીજાને સમજ્યાં હતાં ખરાં! હવે ફરીથી મારે એ સમજ-નાસમજના ઝંઝાવાતમાં અટવાવું નથી. કદાચ તને પણ ન્યાય ન કરી શકું, કે સુખી ન રાખી શકું તો….”
હજુ તો અખિલ એની વાત પૂરી કરે એ પહેલાં જ અનોખીએ એનાં મ્હોં પર આડો હાથ દઈ દીધો.
“અખિલ, વેદાંત તમારા રિલેશનશિપના પ્લસ-માઇનસ બધું જ જાણે છે, એનો તટસ્થ ઓપિનિયન મેં લઈ લીધો છે. વાંક કોનો હતો, કોણ સંબંધ સાચવવામાં ઓછું ઉતર્યું એની મને ખબર છે. બીજી વાત, સૌ એક સરખાં નથી હોતાં. હું રિદ્ધિમા નથી. Akhil, Trust me. I know, I am not the first girl of your life, but will stay, will stand with you forever. અને એવુંય નથી કે, તું મારા જીવનનો પહેલો પુરુષ છું. મારે ઘણાં બોયફ્રેન્ડ છે પણ કોઈનાય માટે મને એવી લાગણી નથી થઈ જેવી તારા માટે થઈ છે. હું હંમેશાં માનું છું કે, મગજ ભલે હૃદયથી બેં વેંત ઊંચે હોય, પણ હૃદયથી બનતા સંબંધ બધાથી ઊંચા હોય છે. આ હું દિમાગથી નહીં દિલથી કહું છું.”
આ વાત થયાં પછી અનોખીએ અખિલને બે વર્ષનો સમય આપ્યો. બંને બાઇકર્સ ગ્રુપ સિવાય ઘર-બહાર, મુવીથી માંડીને કૉન્સર્ટમાં સાથે જ જોવા મળતાં. અનોખીએ અખિલને વિચારવાનો પૂરતો સમય આપ્યો હતો. એની સાથે નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થઈ હતી અને હવે એને અખિલનો નિર્ણય જોઈતો હતો.
“તું મને પ્રપોઝ કરે, મારી સાથે લગ્ન કરે કે ના કરે, પણ હંમેશાં મારો મિત્ર રહીશ એવી સુફિયાણી વાતોમાં હું માનતી નથી. ક્યાં તો લાઇફ ટાઇમ એચિવમેન્ટની જેમ લાઇફ લોંગ રિલેશનશિપ, નહીંતર તું તારા રસ્તે અને હું મારા. મારી આ બર્થડેના દિવસે જો તું સગાઈની રિંગ લઈને નહીં આવે તો આપણી રિલેશનશિપનો એ દિવસે ડેડ એન્ડ હશે…સમજ્યો, અખિલ?”
આજે અનોખી અને અખિલને પરણે એક વર્ષ પૂરું થયું ત્યારે અખિલે અનોખીની સૌથી ગમતી અને એના મિજાજને અનુરૂપ સ્પૉર્ટ્સ કાર ગિફટ કરી, અને તે પણ શાઇની બ્રાઉન.
અનોખી આ ક્ષણે એની એક તરફી પ્રેમકથાની વાત કરતી હતી. એકદમ ફિલ્મી લાગે એવી આ પ્રણયકથા સત્ય હકિકત છે જે અહીં માત્ર શબ્દસ્વરૂપે મૂકાઈ છે.
વાર્તાલેખનઃરાજુલ કૌશિક
Recent Comments