આન્યા મૃણાલ-પ્રકરણ ૧૮
એ રાત્રે એક હાથમાં છાતી સરસો જડેલો આન્યાનો સ્કેચ લઈને એ બહાર તો નીકળી પણ, કઈ દિશામાં જવુ એની અવઢવ સાથે એ બંગલાના ગેટની બહાર ઊભી રહી, જરા વાર અને પાછું જોયાં વગર એ આગળ વધવા માંડી. ત્યાંજ સામે તેજ લિસોટા સાથે આવતી કાર શોર્ટ બ્રેક સાથે એની પાસે ઊભી રહી. ડ્રાઇવરનો કાર અને બ્રેક પર કમાન્ડ એટલો સજ્જડ હતો નહીંતર રઘવાઈ બનેલી મૃણાલ છેક પાસે આવેલી કાર સાથે અથડાઈ હોત.
કારની હેડ લાઇટ્સમાં એની આંખો અંજાઈ ગઈ હતી અને પોતે તો સાવ જ બઘવાઈ ગઈ હતી કે બુત બનીને ઊભી રહેલી મૃણાલને કારની ડ્રાઇવર સાઇડનું બારણુ ખોલીને અજયભાઈ સામે આવ્યા ત્યાં સુધી સામે કોની કાર છે કે કારમાં કોણ છે એનોય વિચાર ન આવ્યો.
“મૃણાલ !!!!”
“મૃણાલ …..” અજયભાઈએ એને હડબડાવી મૂકી ત્યારે એ સ્તબ્ધતામાંથી જાગી હોય એમ એમની સામે તાકી રહી.
પળવારમાં અજયભાઈ પરિસ્થિતિ પામી ગયા.
“છેવટે મેં ધાર્યું હતું એ અણધાર્યુ બન્યુ ખરું. મનોમન એમનાથી નિશ્વાસ નખાઈ ગયો.
કૈરવ સાથે કેટકેટલી વાર ચર્ચા કરી હતી? કૈરવમાં ઉકળતા લાવા સામે કેટલીવાર લાલ બત્તી ધરી હતી? અંતે તો કૈરવે જીદ પર આવીને જે ધાર્યુ હતુ એ કરીને જ રહ્યો.
“મૃણાલ, ચાલ…” એનું બાવડું પકડીને મૃણાલને પેસેન્જર સાઇડ પર બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સાઇડ પર ગોઠવાયા. કાર ચાલુ કરીને ઘર તરફ હાંકે એ પહેલાજ મૃણાલે એમનું બાવડું સજ્જડ રીતે પકડી લીધુ જાણે એના જોરથી કારને બ્રેક ન લાગવાની હોય?
“ના,પપ્પાજી હવે નહીં અને હવે પછી પણ નહીં. એકવાર એ ઘરનો ઉંબરો છોડીને નીકળી છું ત્યાં મારા પગ પાછા નહીં ફરે” કહેતા મૃણાલ હિબકે ચઢી.
સારું હતું કે આઇસ્ક્રીમ ખાઈને પાછલી સીટ પર ગાઢ નિંદરમાં પોઢેલી આન્યાના કાન સુધી એનાં અસ્પષ્ટ અસ્ફૂટ રીતે બોલાયેલા શબ્દો પહોંચતા નહોતાં અને મૃણાલ પણ જાણે આન્યાનાં અસ્તિત્વથી બેખબર હોય એમ ધ્રુસકે ચઢી હતી.
ફરી એકવાર અજયભાઈથી સજ્જડ બ્રેક મરાઈ ગઈ. કાર બંગલાના ગેટથી લગભગ થોડે દૂર આવીને ઉભી રહી ગઈ.
“ઘર છે એ તારું મૃણાલ અને ઘરની લક્ષ્મી ઘરમાં જ શોભે”
“પપ્પાજી, હવે નથી એ મારું ઘર અને ઘરની લક્ષ્મી તો ક્યારેય સ્વીકારાઈ જ નહોતી નહીંતર આમ અડધી રાતે એને આમ રાતે પાણીએ રોવાનો વારો જ ન આવ્યો હોત ને? બસ પપ્પાજી, હવે મને એક શબ્દ ન કહેશો.” અને મૃણાલ બારણું ખોલીને ઊતરવા ગઈ. અજયભાઈએ ફરી એકવાર એનું બાવડું પકડીને રોકી.
“બેસી રહે મૃણાલ” અને એમણે કાર થોડી રિવર્સમાં લઈ શ્રીકાંતભાઈનાં ઘર તરફ હાંકી. વચ્ચેનો સમય અત્યંત ભાર અને ઉદ્વેગ ભર્યો પસાર થઈ ગયો. ન તો મૃણાલ એક શબ્દ બોલી કે ન તો અજયભાઈએ એને એક સવાલ કર્યો પણ કાર ચલાવતા એક હાથે અજયભાઈએ મૃણાલનો હાથ અત્યંત વહાલથી પસવાર્યા કર્યો. મૃણાલ પણ આ સ્પર્શમાં એક બાપની હતાશા, એક સંવેદનશીલ વ્યક્તિની સંવેદના અનુભવી રહી.
ઘરના ઝાંપાની બહાર દૂરથી જ બે નાનકડી આંખો તગતગતી દેખાઈ. ઘરના ગેટની એક બાજુના પિલર પર આફ્રિકન આદીવાસીનું લાકડાનું મહોરુ લગાડેલું હતુ . મ્હોં અને આંખની જગ્યાએ બાકોરા હતાં અને એ આંખનાં બાકોરામાં બે નાના બલ્બ મુકેલાં હતાં. એની ઉપર લાલ જીલેટીન લગાવ્યું હતું દૂરથી જોનારને એ બે તગતગતી આંખો જાણે વશીકરણ કરતી હોય એમ દેખાતી.
ઘરના ગેટ પાસે આવીને અજયભાઈ કાર રોકીને બારણું ખોલીને ઊતરે એ પહેલાં મૃણાલે અજયભાઈનાં હાથ પર સધિયારો આપતી હોય એમ હાથ મૂક્યો, બારણું ખોલીને ઉતરી અને બોલી,
“બસ, પપ્પાજી. તમે અહીંથી પાછા વળી જાવ. હું નથી ઇચ્છતી કે આ ક્ષણે તમારે મમ્મી-પપ્પાના કોઈ પણ સવાલોનો સામનો કરવો પડે.”
અને પાછલું બારણું ખોલીને એ ઊંઘતી આન્યાને ઊંચકવા નીચે નમી.
“બસ મૃણાલ, દીકરી અહીંથી જ અટકી જા. હું પણ નથી ઇચ્છતો કે હવે પછીને ક્ષણે તારે કે મારે કૈરવનો સામનો કરવો પડે.”
“પપ્પાજી?” આટલા આઘાતો ઓછા હોય એમ આ નવા આઘાતે તો મૃણાલને સાવ જ દિગ્મૂઢ કરી નાખી.
“જો બેટા, હું કશું જ જાણતો નથી અને મારે કશું જાણવું પણ નથી પણ શું બન્યુ હશે એ હું કલ્પી શકું છું. અત્યારે આન્યા વગર ખાલી હાથે પાછો ફરીશ તો ઘરમાં નવેસરથી પલિતો ચંપાશે અને એના છાંટા તને, આન્યાને અને આખા ઘરને ભસ્મીભૂત કરી મૂકશે. મારું આટલું માન રાખ દીકરી, થોડી ધીરજ ખમી ખા. પરિસ્થિતિ સહેજ ઠંડી પડવા દે, થાળે પડવા દે. એક બાપનું તને વચન છે એ ઘરમાં તું પાછી હોઈશ.”
“પપ્પાજી એવા કોઈ વચન ન આપો જેમાં તમારે નિરાશ થવાનું આવે. આજ સુધી આન્યા અને તમારા લીધે જ હું ત્યાં રાજી હતી પણ હવે એ ઘરમાં પાછી નહીં આવું એ મારુંય તમને વચન છે.”
“મૃણાલ……” અવાજ ફાટી ગયો અજયભાઈનો અને મૃણાલ સડસડાટ કરતી ગેટ ખોલીને અંદર જતી રહી.
રાત્રે અગિયાર વાગે ક્યારેય આ ઘરમાં બેલ વાગ્યો નહોતો. શ્રીકાંત અને ગાયત્રી બંને સફાળા જાગ્યા.
“મૃણાલ !!!!” મૃણાલ એકપણ શબ્દ બોલ્યા વગર સીધી સડસડાટ એના રૂમમાં જતી રહી અને એની પાછળ પાછળ દોડેલા શ્રીકાંત કે ગાયત્રીનું ધ્યાન પડે એ પહેલા એક કાર ધીમી ગતિએ સરકી ગઈ.
મૃણાલે અજયભાઈને આપેલું વચન એણે હંમેશા નિભાવ્યું એ ઘરમાં ક્યારેય એ પાછી ગઈ જ નહીં.
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments