પ્રતિભા પરિચયઃ નયનાબહેન પટેલ (લંડન)
“મારો પરિચય આપવાનો હોય તો મારાં જીવનને બે ભાગમાં વહેંચવું પડે. પહેલાંનું એટલે કે જન્મી ત્યારથી લગ્ન સુધીનું જીવન અને લગ્ન કરી ભારત છોડી યુ.કે આવી ત્યારનો જીવનકાળ.”
સાયસ્ટન-(યુ.કે.) સ્થિત નયનાબહેન પટેલ કહે છે એમ એમની પ્રતિભાનો પરિચય આપવાનો હોય ત્યારે વાત એમનાં બાળપણથી શરૂ કરવી પડે. આજે નયનાબહેન સિદ્ધહસ્ત લેખિકા છે. લેખિકા હોવાનું શ્રેય બાળપણના વાંચન શોખને આપે છે.
સ્વાભાવિક રીતે અને મોટાભાગે સૌની સાથે બને છે એમ નયનાબહેન લગ્ન પહેલાં કોઈ જવાબદારી વગરનું અતિ સરળ જીવન જીવ્યાં. શરૂઆતથી જ વાંચનના અમૂલ્ય વારસા સાથે નયનાબહેનનું બાળપણ પસાર થઈ ગયું. નયનાબહેનનાં બાપુજીના વાંચન શોખને લીધે ઘરની લાયબ્રેરીમાં એમનાં જન્મ પહેલાંના અખંડ આનંદ, કુમાર, સમર્પણના બાર બાર મહિનાનાં અંક સચવાયેલા હતા જે વાંચતા વાંચતાં એમનો વાંચવાનો શોખ વધતો ગયો. સ્કૂલમાં હતાં ત્યારથી જ કનૈયાલાલ મુનશી, દર્શકથી માંડીને અનેક નવલકથાકારોની સુખ્યાત નવલકથાઓ વાંચી. એ પછી નયનાબહેનનો વાંચનરસ ગુજરાતની બહાર બંગાળી લેખકો સુધી વિસ્તર્યો. બંગાળીમાંથી ગુજરાતીમાં ભાષાંતર થયેલાં પુસ્તકો પર એમનું આકર્ષણ વધતું ચાલ્યું. રવીન્દ્રનાથ ટાગોર, શરતચંદ્ર, બંકિમચંદ્રનું સાહિત્ય વાંચીને મનમાં લીલાછમ બંગાળ અને બંગાળની સંસ્કૃતિની સુરેખ છબી આકાર લેતી ગઈ. વળી ‘સોને પે સુહાગા’ની જેમ મોટાભાઈની ઘર લાયબ્રેરીમાંથી નયનાબહેનને અનેક નવલકથાઓ વાંચવા મળી.
ફુરસદની પ્રત્યેક પળ વાંચવામાં પસાર થવાની સાથે સાહિત્ય પ્રત્યેની રુચિ કેળવાતી ગઈ. વાંચનનાં લીધે અભિવ્યક્તિ ખીલી. ક્યારેય લખશે એવું વિચાર્યું નહોતું છતાં આજે નયનાબહેન ડાયસ્પોરા લેખિકા તરીકે ખ્યાતિ પામ્યા છે.
૧૯૬૮માં જયંતીભાઈ સાથે લગ્ન કરીને યુ.કે. આવ્યાં ત્યારે યુ.કે.માં કોઈ એક અંગ્રેજી અખબાર સિવાય અન્ય કોઈ સાહિત્ય ઉપલબ્ધ નહોતું એટલે ઘરઝૂરાપા કે વતનઝૂરાપા કરતાં કદાચ વાંચનઝૂરાપો વધુ સાલ્યો. ત્યારે માંડ મળેલાં એક ગઝલનું પુસ્તક જલદી પૂરું ન થઈ જાય એ માટે કંજૂસની મૂડીની જેમ સાચવી સાચવીને વાંચ્યું. વાંચન માટેનાં વલખાં કોને કહેવાય એ સમજ્યાં પછી નયનાબહેને ત્યાંની લાયબ્રેરી તરફ નજર દોડાવી. અંગ્રેજીમાંથી ભાષાંતર થયેલાં પુસ્તકોય એમનાં માટે અમૂલ્ય ખજાનો હતાં.
પોતાની એકલતા દૂર કરવાં એમણે લોકો સાથે, સમાજ સાથે ભળવા માંડ્યું. જોબ કરતાં ત્યાં સાથે કામ કરતાં લોકોની વ્યથા સમજવા પ્રયાસ કર્યો. એ વ્યથાને નયનાબહેને બાથરૂમનાં પેપર ટિસ્યૂથી માંડીને જ્યાં, જ્યારે, જે હાથવગું હોય એની પર ટપકાવાનું શરૂ કર્યું. લખ્યું તો ખરું પણ એ કોઈને વાંચવા આપવા જેટલી હિંમત એકઠી કરવી પડે એમ હતી. અંતે આ સાંભળેલી, જોઈને અનુભવેલી વ્યથાની કથા આલેખી.
‘અંત કે આરંભ” નામથી લખેલી આ કથા યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમી પરિષદમાં મોકલી. એ કથા સ્વીકારાશે કે નહીં એની અવઢવ વચ્ચે ગુજરાતી સાહિત્ય અકાદમીની મીટિંગમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું. સાનંદાશ્ચર્ય વચ્ચે નયનાબહેનને જાણ થઈ કે, આ કથાને દ્વિતીય સ્થાન મળ્યું હતું. એ નવલકથા પર નયનાબહેનનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે એવા પ્રતિભાવો મળ્યાં. અને પછી તો આરંભાઈ અંતહીન લેખનયાત્રા. જેમાં લખાતાં ગયાં નાટકો, વાર્તાઓ, નવલકથા.
નયનાબહેને એમને સૌથી વધુ સ્પર્શી ગયેલી મનુભાઈ પંચોળી-‘દર્શક’ની ‘સોક્રેટીસ’ પરથી ‘સોક્રેટીસ.’ નાટક લખ્યું- ત્યારબાદ લખાયું. ‘કૃષ્ણ આરોપીના પાંજરામાં’…
બાળપણમાં નાની-દાદી પાસે સાંભળેલી વાતોને સીધી જ સ્વીકારી લેવાનાં બદલે કારણ જાણવાની ઉત્સુકતાનાં લીધે મનમાં સવાલો ઊભા થતા. જો કે મોટા થયાં પછી એ સવાલોના જવાબ ધાર્મિક સંપ્રદાય પાસેથી મળ્યા. થોડી તર્કશક્તિ કામ લાગી અને મનની મૂંઝવણનાં ઉકેલ મળ્યા.
બાળપણમાં સાંભળેલી વાતોથી જે બીજ રોપાયું હતું એનાં અંકુર ફૂટ્યાં સાહિત્ય સ્વરૂપે. લખ્યું તો ખરું પણ ઘણા સમય સુધી એ પબ્લિશ કરવાનું વિચાર્યું નહોતું. લગભગ નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે ફરી મનમાં એક કથાનો પિંડ બંધાવા માંડ્યો. પાત્રો આકાર લેતાં ગયાં અને લખાઈ એક સુંદર નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ જે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થઈ. વાચકોનો ખૂબ સરસ આવકારથી નયનાબહેન વધુ લખવાં પ્રોત્સાહિત બન્યાં. ડાયસ્પોરા લેખક કે ડાયસ્પોરા સાહિત્ય એટલે શું એવી કોઈ જાણકારી વગર ભારતીય હોવાની લાગણી સાથે મનમાં ભારતની વાતો, ભારતીય સંસ્કૃતિનો જે સમન્વય રચાયો એને લઈને અનેક વાર્તાઓ અલગ અલગ મૅગેઝિનમાં મોકલવા માંડી. વળી યુ.કે.માં ગ્રાઉન્ડ લેવલે જે કામ કર્યું એમાં લોકોના માનસની પ્રકૃતિ કે વૃત્તિ વિશે છાપ ઊભી થતી ગઈ. કહેવાતા સભ્ય સમાજમાં પણ સ્ત્રી તરફ પુરુષોના માનસનો પરિચય થયો જેની અસર નયનાબહેનનાં લખાણમાં વર્તાવા માંડી. લખાણ વધુ પરિપક્વ બન્યું.
અન્ય ડાયસ્પોરિક વાર્તાની જેમ ‘God Bless Her’ નામથી ટૂંકી વાર્તાનો સંગ્રહ તૈયાર થયો. આગળ જતાં પરમ મિત્ર દેવિકા ધ્રુવ (હ્યુસ્ટન) સાથે ઇમેઇલ દ્વારા યુ.કે અને યુ.એસ.એ.નાં સમાજ, શિક્ષણથી માંડીને સંસ્કૃતિ વિશે ‘આથમણી કોરનો ઉજાસ’ નામે પત્રશ્રેણી તૈયાર કરી જે ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણીનું સન્માન પામી.
નયનાબહેનની અતિ મૃદુ અને સંવેદનશીલ પ્રકૃતિનાં લીધે એમનાં લખાણ વધુને વધુ સંવેદનાસભર બન્યાં.
સાહિત્યિક પ્રવૃત્તિની સાથે નયનાબહેને ટી.વી. પર સમાચાર પ્રસારણની સાથે વિવિધ ક્ષેત્રના લોકોની મુલાકાતોને લઈને ‘સ્વયંસિદ્ધ’ નામે કાર્યક્રમનું સંચાલન કર્યું. જેમાં પરદેશનાં પ્રતિકુળ વાતાવરણમાં રહીને પગભર થવા સંઘર્ષથી માંડીને સફળતા મેળવી હોય એવી પ્રતિભાઓની ઓળખ કરાવી. રેડિયો પર નયનાબહેને આ વિષયક અનેક વાતો કરી છે.
પ્રતિભા પરિચયની વાત આવે ત્યારે સામાન્ય લોકોની વાતો, વ્યથા વિશે પણ વાત થવી જોઈએ. નયનાબહેને યુથ વર્કર તરીકે જે કાર્ય સંભાળ્યું એનાથી એ સામાન્ય લોકોની મથામણોથી પરિચિત બન્યાં. એક પેઢી એવી હતી જે યુ.કે.માં જન્મી ઉછરી પણ એને ઘર અને બહારનાં અલગ વાતાવરણ અને સંસ્કૃતિ વચ્ચે રહેવાનું આવ્યું. આ ત્રિભેટે ઊભેલી પેઢીની વાતોથી નયનાબહેન વધુ વ્યથિત બન્યાં. એ વ્યથાનાં વલોણામાંથી વળી વધુ વાતો લખાતી ગઈ.
નયનાબહેન કહે છે કે, સોશિઅલ વર્કરના ખભે ઘણી જવાબદારી હોય છે. આસપાસ બનતી ઘટનાના સાક્ષી બનીને, શક્ય હોય એટલી ધીરજથી લોકોને સ્વસ્થ કરવાની સાથે એ પરિસ્થિતિ સામે ટકવાની એમને ક્ષમતા મળે એવો સધિયારો આપવાનું કાર્ય ધારીએ એટલું સરળ નથી હોતું.
આફ્રિકાથી માંડીને એશિયાથી આવીને લોકો યુ.કે.માં સ્થાયી થયાં છે, પણ એ સ્થિરતા મેળવવા કેટકેટલા લોકો માનસિક, શારીરિક અને આર્થિક રીતે વહેરાયા છે જેની ઘણી કથાઓ નયનાબહેને જાણી.
એક પરિણીત સ્ત્રીના બેરોજગાર પતિને જુગાર અને દારૂનું વ્યસન હતું. ઘરમાં મિત્રો પણ એવા જ આવતા. આવા પતિ કે મિત્રોથી એ પોતાની જાત બચાવી શકે પણ મોટી થતી દીકરીનાં કૌમાર્યની ચિંતા એ સ્ત્રીને કોરી ખાતી. એવા સંજોગોમાં પોતાનાં બાળકોનાં ભવિષ્ય માટે ભારતમાં દાદી પાસે મૂકીને આવવાનું વધુ સલામતીભર્યું હતું. હવે એ સ્ત્રીને બાળકો માટે ભારત પૈસા મોકલવાની સાથે બેરોજગાર પતિની ટેવો પોષવાય પૈસા આપવા પડતાં. એ સ્ત્રીની વાત કરતાં નયનાબહેન કહે છે કે, આટલી વસમી વાસ્તવિકતાનો સામનો કર્યાં પછી કશુંક તો એવું બન્યું અથવા અંદરથી એ એવી ભાંગી ગઈ હતી કે અંતે તો એણે આપઘાત કરી જીવવનો અંત આણ્યો.
કોઈક પોતાની જાત અને બાળકોને સલામત રાખવા મરણિયા પ્રયાસો કરે તો કોઈ સામે ચાલીને આફત વહોરી લે એવી ઘટનાય બને છે.
એ સમય હતો જ્યારે નયનાબહેન યુથ વર્કર તરીકે શાળા કે કૉલેજ જતા વિદ્યાર્થી માટે હોમવર્કના ક્લાસ ચલાવતાં હતાં. નાનાં ઘરમાં રહેતા સંયુંક્ત પરિવારનાં અસંગત વાતાવરણને લીધે ભણવામાં વિક્ષેપ થતો હોય એવા વિદ્યાર્થીઓ અહીં આવતા.
કમાવા આવેલા લોકોનાં સંતાનો જ્યારે આડા રસ્તે ચઢી જાય ત્યારે એવી કમાણીનો અર્થ શો એ સમજાવા છતાં, પૂરતાં કાઉન્સેલિંગના અભાવે અન્ય કોઈ મદદ ન કરી શકવાની લાચારી નયનાબહેને નવ વર્ષ સુધીના યુથ વર્કરના કાર્યકાળ દરમ્યાન અનુભવી છે.
અહીં આવનારા માટે ચઢાણ કપરાં અને ઉતરાણ સહેલાં છે. ક્યારે કઈ લપસણી ભૂમિ પર અજાણતાં જ પગ મૂકાય અને સીધા એવી ગર્તામાં ધકેલાય જ્યાંથી પાછાં આવવાનો કે ઉગરવાનો કોઈ આરો ન રહે એવા સંજોગો વિશે નયનાબહેને વાત કરી છે.
ખોટા મિત્રોના રવાડે ચઢીને બિનધાસ્ત ચોરીના રસ્તે ચઢી ગઈ હોય એવી છોકરી, પરણેલા મુસ્લિમ પુરુષ સાથે દોસ્તી થઈ હોય, ઘણું સમજાવા છતા આંખ મીંચીને સંબંધમાં આગળ વધ્યા પછી ત્રણ ત્રણ બાળકો થયાં પછી એ પુરુષે યુવતીને તરછોડી દીધી હોય એવી ઘટનાના સાક્ષી પણ નયનાબહેન બન્યાં છે.
એક સમય હતો જ્યારે આફ્રિકાથી અનેક લોકો યુ.કે. સ્થાયી થવા આવ્યા હતા. એમના સંજોગ વળી સાવ જુદા. આફ્રિકાથી આવીને યુ.કે.ના મુક્ત વાતાવરણમાં કે પછી ટી.વી.પરના પ્રોગ્રામ જોઈને બદલાતાં માનસના લીધે પત્ની પ્રત્યે અણગમો ઊભો થાય કે એવા કોઈ ક્ષુલ્લક કારણોના લીધે ઘરમાં કંકાસ ઊભો થતો. એવી પીડિતાઓની સમસ્યા નિવારણ માટે નયનાબહેને ભગિની સેન્ટર શરૂ કર્યું. યુથ વર્કની જેમ અહીં બહેનોને સહાયરૂપ થઈ શકાય એ માટે કાર્યરત બન્યાં.
યુ.કે.ની કર્મભૂમિ પર ત્રેપન વર્ષ સુધી સોશિઅલ સર્વિસથી માંડીને રેડિયો એનાઉન્સર તરીકે કાર્યરત રહેલાં નયનાબહેન જ્યારે પોતાના વિશે વાત કરે છે ત્યારે એમની બે વાત સ્પર્શી જાય છે. એક તો એમની સાવ સહજ વાતો અને વાતો કરતાં હોય ત્યારે એમનો રણકતો છતાં કોમળ, સંવેદનશીલ અવાજ.
નયનાબહેન બે સંસ્કૃતિ વચ્ચે રહેસાતા પરિવારોની જોયેલી, જાણેલી પીડાજનક વાતોને વાર્તાઓમાં, નવલકથાઓમાં આલેખે છે ત્યારે એમની પ્રકૃતિગત કોમળતા, સંવેદનશીલતામાં શબ્દોની વેધકતા ઉમેરાય છે. નયનાબહેને આલેખેલી વાતો વિશ્વના વાચકો સુધી પહોંચી છે, છતાં એમને એવું લાગે છે કે એમની અભિવ્યક્તિમાં એટલી તીવ્રતા નથી જેટલી એમણે અનુભવી છે.
નયનાબહેનને કહેવાનું મન થાય છે કે અનુભવ અને અભિવ્યક્તિ બે અલગ છે. અનુભવ વાસ્તવિક ઘટના કે સંજોગોને આધારિત છે જ્યારે અભિવ્યક્તિ સ્વ-પ્રકૃતિને.. જ્યાં તમારી પ્રકૃતિ જ અતિ કોમળ છે ત્યાં તમે એ તીવ્રતા ક્યાંથી આણશો?
આલેખનઃ રાજુલ કૌશિક
Recent Comments