Archive for November 21, 2022
‘પુણ્યતિથિ’- ગરવી ગુજરાત ( લંડન )માં પ્રસિદ્ધ માલતી જોશી લિખીત વાર્તા -પુણ્યતિથિ- પર આધારિત ભાવાનુવાદ
ઉર્મિ દીકરા, આજની તિથી તું બરાબર યાદ રાખજે. મારાં પછી તારે જ બધું સંભાળવાનું છે. મારા દીકરા પાસેથી કોઈ આશા રાખતી નહીં. આમ પણ ન તો કોઈ પુરુષોને આવી કોઈ વાતમાં ધ્યાન હોય છે કે ન તો રસ. આ જવાબદારી આપણી જ જાણે હોય એમ તમામ પરંપરા સંભાળવી પડે છે.
“પણ મમ્મી, તિથિ તો મારે યાદ રાખવી કેવી રીતે? મને તો કોઈ પોથી-પંચાંગ જોતાં ક્યાં આવડે છે?” મમ્મીની વાત સાંભળીને આ નવી જવાબદારીથી ઉર્મિ ગભરાઈ.
“કંઈ વાંધો નહીં. કેલેન્ડર તો જોતાં આવડે છે ને? ૧૧ જુલાઈ, આ તારીખ યાદ રાખી લે. જેવું નવા વર્ષનું કેલેન્ડર આવે કે આ તારીખ પર લાલ રંગથી માર્ક કરી લેવાનો. જુલાઈ મહિનાનું પાનું ખૂલશે કે તરત આ તારીખ નજરે પડશે.” મમ્મી પાસે ઉર્મિની સમસ્યાનો ઉકેલ હતો.
હજુ તો એમની વાત બાકી હતી અને સીડીઓ પર પગલાંનો અવાજ આવ્યો. ભુવનની ઑફિસનો સમય થવાથી એ નીચે આવી રહ્યો હતો. બારણાં સુધી પહોંચીને ત્યાં ઊભાં ઊભાં મમ્મીને કહ્યું.
“મા, હું જઉં છું.”
“અરે, પહેલાં પ્રણામ તો કરો.” ઉર્મિએ એને ટોક્યો.
“પ્રણામ? કોને ?” ભુવને ઉતાવળા સ્વરે પૂછ્યું.
“મમ્મીજી, તમે સાચું જ કહો છો. આ લોકોને કશું યાદ રહેતું જ નથી.”ઉર્મિએ મમ્મી સામે જોઈને કહ્યું અને પછી ભુવન તરફ ફરી, “આજે પાપાજીની પુણ્યતિથિ છે એ ભૂલી ગયા?”
ભુવને આગળ વધીને રસોડા તરફ નજર કરી. ઠાકોરજીની પ્રતિમાની નીચે એક બાજઠ પર એન્લાર્જ કરેલી, ફૂલોનો હાર ચઢાવેલી પપ્પાજીની તસવીર દેખાઈ. સામે સુવાસ રેલાવતી અગરબત્તી સળગતી હતી. રસોડાનો પથારો કોઈ મહાભોજની તૈયારી દર્શાવતો હતો. ભુવને તીખી નજરે મા સામે જોયું. મા નજર નીચી કરીને બટાકા છોલવા માંડી. ઉર્મિ સતત એને જોઈ રહી હતી. એ અકળાઈ ગયો.
“જૂતાં પહેર્યાં છે, બહારથી જ નમસ્કાર કરી લઈશ.” બોલીને એણે ચાલતી પકડી.
“આપણી જ ભૂલ હતી એને પહેલેથી કીધું નહીં.” માએ વાત વાળીને રસોઈઘર તરફ પ્રયાણ કર્યું. ઉર્મિની મદદથી ખીર,પૂરી,દાળ, શાક, પકોડા જેવી પસંદગીની વાનગીઓ બનાવી, બાર વાગ્યે બધો સામાન લઈને ઉર્મિ સાથે આશ્રમ તરફ પ્રયાણ કર્યું. સાધુ-સંતોને જમાડ્યા. આશ્રમના સ્વામીજીએ ઉર્મિને ખૂબ આશીર્વાદ આપ્યાં. ઘેર આવીને જમ્યાં.
“મમ્મીજી, આ સાચે જ બહુ સરસ કામ કરો છો. સાધુ-સંતોને જમાડવા એ બહુ પુણ્યનું કામ છે.”
બપોરે મમ્મી જમીને જરા આડે પડખે થયાં ને ઉર્મિ આવી.
“મમ્મીજી, એક વાત કરવી છે. ભુવન કેટલા ભૂલકણા છે એની તમને તો ખબર છે. આજે રાતના શો માટે ફિલ્મની ટિકિટ….”
“કશો વાંધો નહીં, તમે જઈ આવજો.” મમ્મીનો જવાબ સાંભળીને ઉર્મિને હાંશ થઈ. ઉર્મિ લાગણીશીલ હતી. એને મમ્મીજી પર અગાધ પ્રેમ હતો.
સાંજે ભુવન આવ્યો ત્યારે પણ એ અકળાયેલો હતો. એની નોંધ લીધા વગર મમ્મીએ ભુવનને કહ્યું,
“તું ચા પીને જરા ફ્રેશ થઈ જા પછી મારી સાથે આવવાનું છે. રાતે તમારે ફિલ્મ જોવા જવાનું છે એ પહેલાં તો પાછા આવી જઈશું.
ભુવને એક જવાબ આપ્યા વગર માએ કહ્યું એમ તૈયાર થઈને ગાડી કાઢી. માએ આશ્રમ તરફ ગાડી લેવડાવી.
“હવે શું છે પાછું? સવારે તો જઈ આવ્યાં હતાં.” ભુવન બોલ્યો.
“વાસણો પાછાં લાવવાનાં છે.”
આશ્રમ પહોંચીને સેવકોની મદદથી વાસણો ગાડીમાં મૂકાવ્યાં. ભુવને નિર્લેપતાથી જોયા કર્યું. ત્યાં સ્વામીજી બહાર આવ્યા. હવે ભુવનને ગાડીમાંથી ઉતરવું જ પડ્યું અને સ્વામીજીને પગે લાગવું પડ્યું. સવારે ઉર્મિ અને અત્યારે ભુવન, સ્વામીજી રાજી થયા.
“બહેનજી, તમારા ઘરમાં તો સાક્ષાત લક્ષ્મી-નારાયણની જોડી છે. ઘરમાં કોઈ વાતે કમી નહીં રહે.” કહીને ભુવનને આશીર્વાદ આપ્યા.
પાછાં વળતાં માએ ભુવન પાસે એક શાંત જગ્યાએ ગાડી ઊભી રખાવી.
“તું મારાથી નારાજ છું એની મને ખબર છે.”
“તો પછી કેમ નારાજ છું એની ય ખબર હશે ને? અને આજે આ અચાનક તારા મનમાં શું ભૂત સવાર થયું હતું.”
“અચાનક નથી, દર વર્ષે હું આ કરતી આવી છું. તને ગમતું નથી એટલે બસ ચૂપચાપ કરતી હતી.”
“તો પછી આજે આ ધાંધલ કેમ?”
“ઘરમાં નવી વહુ આવી છે. એને એના શ્વસુરના વજુદનો અહેસાસ હોવો જોઈએ ને? એને થશે કે કેવા લોકો છે, ઘરમાં એ દિવંગતને યાદ પણ નથી કરતાં?”
“આપણાં માટે જ્યાં એ ભારોભાર નફરતભર્યું પ્રકરણ જ પૂરું થઈ ગયું છે ત્યાં ફરી શું કામ? એમના હોવા છતાં મેં અનાથ જેવું જીવન પસાર કર્યું છે. મને એમના માટે જરા પર શ્રદ્ધા કે આદર નથી. અને તારે પણ આ બધું કરવાની જરૂર જ શી છે અને તને પણ કેટલું દુઃખ આપ્યું છે, એ ભૂલી ગઈ?” ભુવનને માનું આજનું વલણ સમજાતું નહોતું.
“ફક્ત દુઃખ જ મળ્યું છે એવું નથી. થોડું સુખ પણ મારાં ભાગે આવ્યું છે દીકરા. પછી ખબર નહીં કેમ પણ બંધ મુઠ્ઠીમાંથી સરતી રેતની માફક તિજોરી ખાલી થતી ગઈ.”
“ના મા, સાવ એવું નથી. એ સુખ તો તારા પતિદેવ બોટલમાં ભરીને પી ગયા, તને પનોતી કહીને કોસી. પોતાનું ફ્રસ્ટેશન તારી પર ઠલવતા રહ્યા એનું શું? ભલે નાનો હતો પણ આજે મને બધું યાદ છે.”
“એ બધુ સાંભળવાની તારી ઉંમર નહોતી એટલે જ તો તને મામાના ઘેર મોકલી દીધો હતો.”
“દૂર હતો છતાં તારી દશાથી અજાણ નહોતો. બી.એ.પાસ હતી છતાં તને નોકરી કરવાની છૂટ નહોતી. ખાનદાનની પ્રતિષ્ઠા આડે આવતી હતી. ઘરનો ખરચો કાઢવા તેં ટિફિન બનાવવા માંડ્યાં. વાર-તહેવારે કે પ્રસંગોપાત લાડુ, બરફી બનાવ્યાં. સ્વેટરો ગૂંથ્યા અને એટલું ઓછું હોય એમ ઉપરના રૂમો કૉલેજના છોકરાઓને ભાડે આપીને આવક ઊભી કરવા મથી. પાછો એના માટેય ડખો ઊભો થયો. એ છોકરાઓને લીધે તારા પર કેવાં લાંછન મૂકાયા! રજાઓમાં ઘેર આવતો તો એવું લાગતું કે નર્કમાં આવી ગયો છું. ત્યારે એમ થતું કે મામાના ઘરના એક નર્કમાંથી આ બીજા નર્કની યાત્રા છે. જ્યારે એ શખ્સના મોતના સમાચાર મળ્યાં ત્યારે એ દિવસ મને જીવનનો સૌથી સારો અને સુખનો દિવસ લાગ્યો હતો. મામાના ત્યાંથી જેલમાંથી છૂટેલા કેદીની જેમ ભાગી આવ્યો અને ક્યારેય પાછો ના ગયો.”
ભુવને નાનપણથી એકઠો થયેલો પોતાનો આક્રોશ ઠાલવ્યો.
“અને ઉર્મિની દયા કે કરુણાને પાત્ર બનવું ન પડે એટલે એનેય કહી દીધું કે અહીંયા દુકાનદારીનો માહોલ હતો. મામા પ્રોફેસર છે, ત્યાં ભણતરનો માહોલ છે એટલે ત્યાં રહીને ભણ્યો છું.”
“એનો અર્થ એ કે તું તારી ઇમેજ ખરાબ થાય એવું ઇચ્છતો નથી, બરાબર? તો પછી હું પણ એમ જ કરું છું એ તને સમજાઈ જવું જોઈએ. ઉર્મિ સંયુક્ત પરિવારમાંથી આવી છે. એના ઘરમાં રીત-રિવાજ, પરંપરાનું મૂલ્ય છે. સંબંધોમાં મીઠાશ છે. આવા પરિવારમાં ઉછરેલી છોકરી જે અત્યારે આપણા ઘર અને પરિવાર સાથે એકરૂપ થવા મથે છે ત્યારે ખબર પડે કે તું તારા પિતાને તિરસ્કારે છે તો એના મનમાં અજાણતાં તારા માટે અશ્રદ્ધાનો ભાવ જાગશે. અને એનું કારણ જાણશે તો તારા પિતા માટે અનાદર અને અશ્રદ્ધા ઊભી થશે અને પછી તો ઘર માટે પણ એનાં મનમાં આદર કે આસ્થાના ભાવ ક્યાંથી જાગશે? એટલા માટે જ હું શક્ય એટલા પ્રયાસે બધું ઠીક રહે એમ કરવા મથું છું. એક વાર એ સંપૂર્ણ રીતે આપણી સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય એટલે ગંગા નાહ્યાં. બનવાકાળે જ્યારે સચ્ચાઈ જાણશે તો પણ વાંધો નહીં આવે. એ સમજી શકશે, જીરવી શકશે. એક દિવસ તો સાચી વાત ખબર પડવાની જ છે. તારા મામા અને કાકા પક્ષે તો તકની રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે વહુરાણી હાથમાં આવે અને સાચી ખોટી વાતો જણાવે અને એટલા માટે જ હું તમને અત્યારે ક્યાંય મોકલવા માંગતી નથી. બધા નિમંત્રણ અત્યારે બાજુમાં મૂકી રાખ્યાં છે.”
આટલું બોલતાં બોલતાં તો મા થાકી ગઈ. આંખો બંધ કરીને ગાડીની સીટ પર માથું ટેકવી દીધું.
ગાડી ક્યારે ઘેર પહોંચી એનું ધ્યાન ન રહ્યું. ઘેર પહોંચીને જ્યારે ભુવને ગાડીનું બારણું ખોલ્યું ત્યારે તંદ્રામાંથી જાગી. ઉર્મિ બધું સમેટીને તૈયાર હતી. ભુવનનો ચહેરો જોઈને બોલી,
“બહુ થાકી ગયા લાગો છો. આજે ફિલ્મ જોવાનું રહેવા દઈએ, ફરી ક્યારેક જઈએ તો?”
“એ થાકી નથી ગયો, બસ જરા ઉદાસ છે. તમારું જવું જરૂરી છે, થોડા ફ્રેશ થઈ જશો..” ભુવન કંઈ બોલે એ પહેલાં માએ ઝડપથી જવાબ આપ્યો.
થોડી વાર પછી ઉર્મિ અને ભુવન તૈયાર થઈને ઉતર્યાં ત્યારે બંનેને સાથે જોઈને માની આંખો ભરાઈ આવી અને સ્વામીજીના શબ્દો યાદ આવ્યાં,
“બહેનજી, સાક્ષાત લક્ષ્મી-નારાયણ બિરાજમાન છે. તમને ક્યારેય કોઈ વાતની ખોટ નહીં પડે.”
માને ડર લાગ્યો કે ક્યાંક પોતાની જ નજર લાગી જશે. બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના થઈ ગઈ,
“હે પ્રભુ, રક્ષા કરજો. કંઈ કેટલાય તોફાનો પછી ઘરમાં શાંતિ પ્રાપ્ત થઈ છે.”
ઉર્મિ અને ભુવનને વિદાય કરીને બારણું બંધ કરીને મનોમન કહ્યું, “બેટા, એ વાત સાચી છે કે એ માણસે મને અનહદ દુઃખ આપ્યું છે પણ તારા જેવો હોનહાર અને સંસ્કારી દીકરો આપીને એક સૌથી મોટો ઉપકાર પણ કર્યો છે. એમનો એ ઉપકાર હું જીવનભર કેવી રીતે ભૂલી શકું? જીવનભર એમના એ ઋણની હું આભારી રહીશ. અને એટલા માટે જ તો વર્ષમાં એક વાર તો એમને યાદ કરી લઉં છું.”
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
Recent Comments