આન્યા મૃણાલ-પ્રકરણ ૧૬/ વિજય શાહ
“મૃણાલ આન્યાને હું તારા કોઈ જ શોખ કરવા દેવાનો નથી.” તેણે તો મારો બિઝનેસ સંભાળવાનો છે.. તેના માટે ચિત્ર, લેખન અને સંગીત ત્રણેયનો બાધ છે.” ઘરે પહોંચીને આન્યા અને દાદાજીને બહાર આઇસ્ક્રીમ ખાવા મોકલીને કૈરવે તોફાન શરુ કર્યુ.
“પણ કેમ?”
“એ મારી દીકરી છે માટે?”
“તો શું એ મારી દીકરી નથી.?”
“કહ્યું ને, ના એટલે ના.” પુરુષ ઇગો વકર્યો હતો…
“કૈરવ, એ માત્ર તારી કે માત્ર મારી દીકરી છે એવી વહેંચણી કેમ? એ આપણી દીકરી છે અને અત્યારથી એ શું બનશે એ નક્કી કરવાવાળા આપણે કોણ? સાવ કુમળું ફૂલ છે એના પર અત્યારથી એના ભવિષ્યનો ભાર કેમ કૈરવ? અને એનું ભવિષ્ય નક્કી કરવાવાળાં આપણે કોણ? જો મા-બાપના કહ્યા મુજબ જ બાળકોનું ભવિષ્ય બંધાતુ હોત તો મારી મમ્મીએ પણ એવુ ઇચ્છ્યું હતું કે હું પપ્પા જેવી બનુ તો હું પણ એમ જ બની હોત ને?”
“સાચી વાત છે તારી મૃણાલ એ કુમળું ફૂલ છે માટે જ અત્યારથી એને આ બધા માહોલ વચ્ચે રાખવાની ક્યાં જરૂર? એ અત્યારથી જે જુવે એ જ શીખે ને? એને જે તરફ વાળો એમ વળે. આ ચારેબાજુ રંગોની રંગોળી વેરાયેલી જોયા કરે એટલે એના બાળમાનસ પર એ છવાતું જ જવાનું.. તારી મમ્મીએ ગમે તે વિચાર્યુ હશે પણ અંતે તો એમની સાથે એમની આસપાસ રહીને તું પણ એ જ શીખી ને? એટલે મા બાપના વિચારવાથી કશું બને કે ન બને પણ સતત એ જ વાતાવરણમાં રહેવાથી તો બાળક એ જ શીખશે ને?”
“તો એમાં હું શું ખોટુ શીખી એ તો મને કહે. આ જ મૃણાલ હતી જેને તું પહેલા વાર મળ્યો હતો. આ જ મૃણાલ હતી જેને ફેશન ડિઝાઇનર તરીકે તેં હાયર કરી હતી. તેં એ વખતે કંઈક મારામાં જોયું હશે ને જેનાથી તારું ધ્યાન મારી પર કેન્દ્રિત થયું. એ વખતે મૃણાલને તો તું ઓળખતો પણ નહોતો ને? ત્યારે તું મૃણાલ તરફ નહીં પણ એની આવડત તરફ ખેંચાયો હતો ને? તો હવે કેમ આ બધું આપણી વચ્ચે આડે આવે છે? ખેર જવાદે એ બધો ભૂતકાળ કૈરવ, અત્યારે તો આપણે આન્યાની જ વાત કરીએ. અત્યારે તો આન્યાને એને એનું બાળપણ જીવી લેવા દે. બની શકે કે આજે અત્યારે એને આ અવનવી દુનિયા જાણવી માણવી ગમતી હોય પણ આવતી કાલે એ એના મિત્રવર્તુળમાં રહીને કંઈક અલગ જ વિચારવા માંડે.”
“માટે જ, એ આજે આ વિચારે તો કાલે બીજુ કંઈ વિચારે એ પહેલા જ એણે શું બનવાનુ છે એ જ વિચારવા માંડે એ હિતાવહ છે. ઇઝ ધેટ ક્લિયર?”
“કૈરવ, આવો વિતંડાવાદ શાને? હું તો બધુ ભૂલીને આન્યા સાથે જ સમય ગાળવા માંગતી હતી ને? તેં કીધુ એ દિવસથી “જસ્ટ ફોર યુ” પર જવાનું ય બંધ કરી દીધુ હતુ ને? એનાં જન્મ પછી મેં આ બધુ વિસારે પાડી દીધું હતું ને? ક્યારેક તેં તો ક્યારેક પપ્પાજીએ કોઈ આઇડિયા આપ્યો અને એમાં મેં સાથ આપ્યો અને હજુ ય તું કહીશ તો આગળ આવા બીજા કોઈ પ્રોજેક્ટ આવશે એ નહી કરીએ.”
“વાહ! મમ્મી જોયું? મેડમને કોઈ ઇચ્છા જ નહોતી આ તો મારા અને પપ્પા પર જાણે ઉપકાર કરતી હોય એવી વાત થઈ. બોલ્યા- તેં કીધુ એ દિવસથી “જસ્ટ ફોર યુ” પર જવાનુ ય બંધ કરી દીધુ હતુ ને? જન્મ પછી મેં ય આ બધુ વિસારે પાડી દીધુ હતુ ને? ક્યારેક તેં તો ક્યારેક પપ્પાજી એ કોઇ આઇડિયા આપ્યો અને એમાં મેં સાથ આપ્યો અને હજુ ય તું કહીશ તો આગળ આવા બીજા કોઇ પ્રોજેક્ટ આવશે એ નહી કરીએ.” મૃણાલની મજાક ઉડાવતો હોય એમ મૃણાલની જેમ બોલ્યો..
“બસ કર મૃણાલ. આ મન મન ભાવે અને મૂંડી હલાવે એવુ મારી પાસે નહી ચાલે.”
“કૈરવ, મને નથી ગમતું એવું કે માત્ર કોઈના કહેવાથી જ હું આ કરી રહી છું એવું હું ખોટું તો નહીં જ બોલું. ખોટો આડંબર કરતા મને આવડતું ય નથી. આન્યા મારો શ્વાસ ને પ્રાણ છે તો મારી કલા મારું વિશ્વ છે.”
“સાંભળ્યુ મમ્મી? તેં ક્યારેય એક મ્યાનમાં બે તલવાર રહેલી જોઈ છે? આન્યા એમનો શ્વાસ ને પ્રાણ છે તો કલા એમનું વિશ્વ છે. બે ઘોડા પર સવારી કરવી છે એમને. આન્યાનાં ઓઠા હેઠળ લોકોની વાહ વાહ જીતવી છે. દૂધ અને દહીં બંનેમાં પગ રાખવોય છે અને સાથે એવુંય નાટક કરવું છે એ માત્ર એમની મરજીથી નથી કરી રહ્યાં.”
કૈરવ જ્યારે જ્યારે ઉશ્કેરાતો ત્યારે સીધો તું પરથી તમે પર આવી જતો. મૃણાલને એની ખબર હતી અને સાથે એય ખબર હતી કે હવે કૈરવને શાંત પાડવો કેટલો અઘરો હતો. હવે તો કોઈ પણ જાતની દલીલ કરીને એને સમજાવવો કોઈ કાળે શક્ય બનવાનું નહોતું. માધવીબેન જે રીતે કૈરવનો ઉશ્કેરાટ નિરાંત ભાવે જોયા કરતા હતા એમાં તો એમના તરફથી પણ કૈરવને ઠંડો પાડવાની આશા રાખવી શક્ય દેખાતી નહોતી.
થાકી ગઈ હતી મૃણાલ. ક્યારેય એણે આવું જોયું તો શું જાણ્યું ય નહોતું .કૈરવ ક્યાંથી ક્યાં વાતને લઈ જતો હતો? એને શેનો વાંધો હતો એય સમજાતું નહોતું, બસ જાણે એક જીદ્દી બાળક જીદ પર આવીને અટક્યો હતો. મૃણાલની પ્રતિષ્ઠાને લઈને આ તોફાન આદર્યુ હોય એવી તો મૃણાલને કલ્પના સુદ્ધાં મનમાં આવતી નહોતી. પણ હવે એને લાગ્યુ કે આખી વાતનો, આ સમગ્ર ચર્ચાનો આન્યા પાછી આવે તે પહેલાં અંત આવે તો સારું.
“તો હું શું કરુ તો તને વિશ્વાસ આવશે કે મને મારું ઘર, તું અને મારી આન્યા જ મહત્વના છે. આ બધુ છોડી દેવામાં મને સાચે જ કોઈ અફસોસ નહી થાય કૈરવ.”
“બસ તો છોડી દે આ જ ક્ષણથી. તારી જાતે જ બધું ફેંકી દે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.”
“એટલે?”
“કેમ ના સમજણ પડી શું કહેવા માંગુ છું? સીધે સાદી ગુજરાતીમાં તો કહી રહ્યો છું. ઉઠાવ આ બધુ અને ખાલી કરી નાખ .કશું જ ના જોઈએ આજથી આ ક્ષણથી આ ઘરમાં.”
ભોંચક્કી બનેલી મૃણાલ કૈરવ સામે તાકી રહી. આ શું કહી રહ્યો હતો કૈરવ? આમાં તો આન્યાને પણ કશું લાગે વળગતું નહોતુ તેમ છતાં આન્યા માટે કશું પણ જતું કરવાની એની પૂરતી તૈયારી હતી. પણ આ કૈરવ તો સાવ છેલ્લે પાટલે બેસવાની વાત કરી રહ્યો હતો. મૃણાલને એનાં અસ્તિત્વથી છૂટી પાડી દેવાની વાત કરતો હતો. કેટલાય સમયથી આ રૂમ, આ સ્ટુડિયો હતો કે જેમાં એણે પગ પણ નહોતો મૂક્યો પણ એનું બધુ યથાવત હતું. હજુ પણ આ બધો અસબાબ એમ જ અકબંધ રાખીને ય એનાથી દૂર રહી શકાય ને? આન્યા આજે નહીં તો કાલે મોટી થઈ જશે એ પછી શરૂ કરવામાં શું વાંધો ? એમ તો માધવીબેન ક્યાં ઘર પકડીને બેસી રહેતા હતા? સામાજિક સમારંભોમાં કે પર્સનલ ગ્રુપમાં સમય આપતાં હતાં જ ને? તો પછી એ પોતે કેમ ફરી એની મનગમતી પ્રવૃત્તિ ન કરી શકે?
“જોયુ ને મમ્મી ! હાથીના દાંત બતાવવાના અને ચાવવાના જુદા છે. માત્ર બધુ છોડી દેવાની વાત કરવી છે પણ છોડવાની પહેલ નથી કરવી.”
સ્તબ્ધ મૃણાલને હજુ શું બોલવુ એની સમજણ પડે એ પહેલાં જ કૈરવે બુમ મારી.. “રામજી …..
અને રામજી આવે એ પહેલા એણે જાતે જ આગળ વધીને ઘરનાં એક રૂમમાં બનાવેલા સ્ટુડિયોમાંથી મૃણાલની ઇઝલ,કેન્વાસ,કલર્સ ઉપાડીને ફેંકવા માંડ્યું.
માધવીબેનનાં પેટમાં ટાઢકનો શેરડો રેડાયો હોય એમ રાજી થયા.. અને જોતજોતામાં રામજી આવે એ પહેલાં જ કૈરવે સ્ટુડિયોમાંની દરેક વસ્તુઓ ઉંચકીને કૈરવે ફેંકવા માંડી.
આઘાતથી સ્તબ્ધ મૃણાલ વિફરેલા કૈરવને જોઈ રહી …
આલેખનઃવિજય શાહ
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments