Archive for November 11, 2022

‘કલંક’ – ગરવી ગુજરાત ( લંડન )માં પ્રસિદ્ધ મંગલા રામચંદ્રન લિખિત વાર્તા -દાગ- પર આધારિત ભાવાનુવાદ

હમણાં જ એ પોલિસ હેડ ક્વાર્ટરથી પાછા આવીને કપડાં બદલવા અંદર ગયા.. ઑર્ડર્લી ચા બનાવીને લાવે ત્યાં સુધીમાં નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી ને એટલામાં અંદરથી તેજ, તીખો અવાજ આવ્યો.

“ આ કેરીની પેટી કોણ લાવ્યું?”

કદાચ આટલી મોંઘી કેરીઓ લેવાની અમારી ક્ષમતા નહોતી એટલે એમને નવાઈ લાગી હશે. પણ હું ખુશ હતી.

“સબ ઈન્સ્પેક્ટર વિનોદ આવ્યા હતા.”

“અરે, પણ એને તો ખબર હતી કે હું એક કેસના કામથી બહાર ગયો હતો તો અત્યારે આવવાની શી જરૂર?”

“ના, એને ખબર નહોતી. પણ આવ્યો પછી ઠાલો પાછો થોડો જાય! એ તો વળી એવું કહીને ગયો કે, સાહેબ તો એમની પાસે ફરકવા દેતા નથી. સેવા કરવાનો એક મોકો નથી આપતા. અમારા માટે તો સાહેબ કે તમારામાં કોઈ ફરક નથી. અમારા માટે તો તમે બંને માબાપ છો, તો તમારા માટે આટલું કરવાનું મન થાય ને?”  

“એણે કીધું ને તેં માની લીધું? મારી સામે તો જી સાહેબથી વધુ એક શબ્દ નથી નીકળતો અને અહીં આવીને ચાપલૂસી કરી ગયો. એ તો એક નંબરનો ચાલાક અને ધૂર્ત છે, પણ તું આટલી નાદાન ક્યાંથી બની રહી?”

“અરે, તમે રહ્યા સાવ ભોળા. કોઈ આટલા પ્રેમથી પોતાના અધિકારીને ઘેર આવીને ભેટ આપી જાય એમાં ખોટું શુ? તમે તો એવી ધાક બેસાડી દીધી છે સૌ તમારાથી ડરે છે..”

“હું ડરાવું છું? જો ખરેખર તો એમના મનમાં કોઈ ખોટ ન હોય તો મારાથી ડરવાની જરૂર નથી. અને રહી સેવાની વાત તો, ઑફિસના કામમાં ઢીલ કર્યા વગર કામ કરે એને સેવા કહેવાય. એક કેસની તપાસ કરવા મોકલ્યો હતો તો ગામના મોટા માણસ સાથે દારૂ પીવા બેસી ગયો અને અપરાધીના બદલે કોઈ રાંક જેવા માણસને પકડી લાવ્યો હતો. એણે આવીને ખોટી ખુશામત કરી અને તું માની ગઈ.”

ઑફિસમાં તમારી સાથે કેવો સંબંધ છે એની મને નથી ખબર પણ, મને તો એ સારો માણસ લાગ્યો અને દીદી દીદી કહીને મોટી બહેન કેટલું માન આપ્યું?”

“હવે એ તને બહેન બનાવે કે અમ્મા, એવો કોઈ સંબંધ મને મંજૂર નથી સમજી, અને હવે આગળ બીજી કોઈ વાત કે ચર્ચા કર્યા વગર કેરીની પેટી પાછી મોકલી દે.”

“અરે, પણ એમાંથી કેટલી કેરીઓ તો ખવાઈ ગઈ. હવે શું પાછું મોકલું?”

“તારી સાથે ચર્ચા કરવી વ્યર્થ છે. આટલા વર્ષો થયા તું મને ઓળખતી નથી કે મારા આદર્શની આબરુ ન રાખી? મારા આદર્શ કે સિદ્ધાંત જાળવવામાં તારો ટેકો હોવો જોઈએ, બસ.” કહીને એમણે વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું પણ એમના અવાજમાં નિરાશાનો ઘેરો સૂર હતો.

એ સમયેતો વાતનો અંત આવ્યો પણ મારા વિચારોએ તંત ન છોડ્યો. મને લાગ્યું કે કોઈ પ્રેમથી કંઈ આપી જાય તો એમાં ખોટું શું છે. કેટલાય લોકો તો માંગીને ઘર ભરે છે. કેટલાયની પત્નીઓ રોજના શાકભાજીથી માંડીને સૂકા મેવા અને આખા વર્ષની કંઈ કેટલીય વસ્તુઓથી ઘર ભરી લે છે.

મને એવું લાગ્યું કે એમના કરતા હું વધારે બુદ્ધિમાન છું, પણ આજે લાગે છે કે એ દિવસે એમની વાત હું સમજી શકી હોત કે માની લીધી હોત આજે આ દિવસ ન આવત.ઈન્સપેક્ટર વિનોદે મને દીદી બનાવી તો કોઈએ ભાભી, દીકરી કહીને નવા સંબંધો કેળવવા માંડ્યા. તો વળી કોઈએ દેવી કહીને પૂજવાનું જ બાકી રાખ્યું. મારી કૃપાદૃષ્ટિથી એ ભવસાગર તરી જશે એવા કેફમાં હું રાચવા માંડી.

“તમે કહેશો તો સાહેબ માની જશે. તમારી વાત સાહેબ નકારી જ ન શકે.” વગેરે વગેરે જેવા ખુશામતભર્યા શબ્દોથી હું ગર્વ અનુભવતી રહી. મારી વિચારશક્તિ જ જાણે ખતમ થઈ ગઈ. ઘર અનેકવિધ ચીજ-વસ્તુઓથી ભરાતું રહ્યું..

ક્યારેક તો એમના દોસ્તોય કહેતા કે અસલી પોલિસ અધિકારી હું જ છું, એ તો નામના જ સાહેબ છે. આવું બધું જાણીને તો હુ વધારે ને વધારે બહેકતી ચાલી અને સાચે જ મારી જાતને ખુરશીની અધિકારી માની બેઠી. આજ સુધી ઓર્ડલી કે અન્ય સેવકો સાથે અમારા બંનેનો વ્યહવાર માનભર્યો અને અતિ સંયમિત હતો. એમનો તો વ્યહવાર એવો જ રહ્યો પણ હવે હું કામ વગરના ઓર્ડરો આપતી. રોફથી એમને લડવા, ધમકાવવા જેવી હરકતો કરવા માંડી.

એક વાર શહેરમાં ભયંકર તોફાનો થયા ત્યારે કુનેહપૂર્વક કામ લેવા છતાં એ ઘવાયા. બચી ગયા. ત્યારે એક વયસ્ક હવાલદારે કહ્યું કે. “ બાઈજી, તમારા સુહાગના પ્રતાપે સાહેબ આજે બચી ગયા.” અને બસ સાહસ, સમજદારી અને ધીરજથી પાર પાડેલા કાર્યનો જશ લઈને હું વધુ અભિમાની બની. એમની તમામ ઉપલબદ્ધિ, તમામ સફળતાનો શ્રેય મારી જાતને આપતી રહી.

છોકરાઓ પણ હવે અભ્યાસ તરફ બેપરવા અને વધુ ઉદ્દંડ બનવા માંડ્યાં. એમની અણછાજતી માંગણી વધતી ગઈ. જાતને સર્વેસર્વા માનતી હું એમને સાચી સલાહ આપવાના બદલે એમની ગેરવ્યાજબી વાતોને પણ પ્રાધાન્ય આપવા માંડી.

અને હવે તો વાત ઘણી આગળ વધતી ચાલી. મારું મોઢું મોટું થતું ચાલ્યું. એટલે હદ સુધી કે એમના તાબા હેઠળના એક અધિકારીની બદલી સુદ્ધાં રોકવાનો પ્રયાસ કર્યો. એની સામે છોકરાઓની માંગ મુજબ રંગીન ટી.વી પણ આવા જ સંબંધોથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું ગોઠવાઈ ગયું.

અને બસ એમના રોષે માઝા મૂકી. આવો અને આટલો ગુસ્સો તો ક્યારેય જોયો નહોતો. એ મને રોકવા માંગતા હતા અને હું સમજવા કે સ્વીકારવા તૈયાર નહોતી.

એમનું કહેવું હતું કે મારી મનમાની કરીને સાથે છોકરાઓને પણ મેં બગાડી મૂક્યા છે. કોઈ પોતાનાં ધનનો સંચય છોકરાઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે કરે જ્યારે અહીં તો મારી બેહૂદા હરકતોથી બધુ  નષ્ટ જ થવા બેઠું છે.

કાશ, એમની વાત હું સમજી શકી હોત.  છેલ્લા દોઢ વર્ષથી જાણે એક જાતનું પાગલપન મારા પર સવાર થયું હતું. એમની કોઈ વાતોની સચ્ચાઈ મારી નજરે આવતી નહોતી. મારી હરકતોથી તો એમના સિદ્ધાંતો,આદર્શ અને આબરુના ધજાગરા થયા હતા. એ કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે, પણ અહીં તો હું એમની માટે અસફળતાની કેડી કંડારી રહી હતી. છેલ્લે તો રીતસરનો આદેશ જ આપ્યો કે હવે એ જે ખુરશીના અધિકારી છે એ ખુરશીનો દુરઉપયોગ મારે બંધ કરી દેવો.

અંતે જે થવાનું હતું એ થયું. એમની બદલી થઈ અથવા એમણે જાતે જ બદલી માંગી લીધી. સૌએ સાથે જવું એવો એમનો નિર્ણય હતો. પણ એમના રોષથી બચવા છોકરાઓની સ્કૂલ પૂરી થવાના બહાના હેઠળ રોકાઈ ગઈ.

એમના જવાની સાથે મને સમજાઈ ગયું કે, ખરેખરા તો એ જ અધિકારી હતા. મને એવો ઘમંડ હતો કે બધા મારા એક ઈશારે જાન બિછાવશે પણ, એમના ગયા પછી એક બુઢ્ઢા ઑર્ડર્લી સિવાય બીજા બધા ઑર્ડર્લી, કર્મચારીઓ નવા સાહેબની તહેનાતમાં લાગી ગયા. મારા બાળકોને પણ મા કરતા પિતાની છાયા અથવા એમના લીધે મળતી સુખ-સગવડ વધુ પસંદ હતી એ પણ મેં જોઈ લીધું.

હવે તો ફોન પણ રહ્યો નહોતો કે કોઈ ઈંસ્પેક્ટર કે સબઈંસ્પેક્ટરને બોલાવીને કામ ચીંધું. મને સમજાયું કે મને જે માન-સન્માન મળ્યું એ માત્ર એમના લીધે જ હતું.

કદાચ એક સાચા, ઈમાનદાર ઑફિસરની પત્ની બનીને રહી હોત તો સમાજમાં મારું માન જળવાયુ હોત. પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નકામો હતો. મારા લીધે એમની આબરુ ખરડાઈ હતી. સૌ એમ માનવા લાગ્યા હતા કે, સાહેબનો તો બહારથી સાફ દેખાવાનો દંભ માત્ર હતો. એ લે કે આડા હાથે મેમસાબ લે વાત તો એક જ થઈ.

કેટલાના મોં બંધ કરું? મારા લીધે વર્ષોની એમની તપસ્યા ભંગ થઈ, નામ ખરાબ થયું.

એ કહેતા કે, “અમે અપરાધીઓને પકડીએ, એમને જેલ થાય. એક વાર જેલની સજા ભોગવ્યા પછી સારા નાગરિક તરીકે જીવન જીવવાની એમને તક મળે છે. જ્યારે સરકારી ઑફિસરનું નામ એક વાર ખરડાયું એ જીવનભર એની વર્દી પર લાગેલા ‘બૅજ’ની જેમ એની સાથે જ રહે છે. અમારી એક વારની ભૂલ હંમેશ માટે અમારા નામ પર કલંક બનીને રહી જાય છે. અમારી દરેક બદલી પહેલાં એ અપકીર્તિ અમારી પહેલાં ત્યાં પહોંચી જાય છે. દુનિયા ક્યારેય એ કલંક ભૂલતી નથી.

મારી નાદાનીથી જીવનભર એક કલંક એમના ‘બૅજ’ની સાથે જોડાઈ ગયું.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

,

November 11, 2022 at 7:28 pm


Blog Stats

  • 146,700 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2022
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!