આન્યા મૃણાલ-પ્રકરણ ૧૫/ વિજય શાહ
મૃણાલે એક મહિનામાં આન્યાના એ સ્કેચ પૂરા કર્યા રંગ ભર્યા અને નિર્ધારિત તારીખે પ્રદર્શન યોજાયું. પ્રભુ આશર આ વખતે બધી રીતે સજ્જ હતા. રેર્કોડિંગ અને સાઉન્ડ ઇફેક્ટ સાથે લાઇવ વિડીયો બનવાની હતી અને લાઇવ ટેલિકાસ્ટ થવાનું હતું. આખા વિશ્વમાં કોઈ પણ માણસ ફોટો પ્રદર્શનમાં ભાગ લઈ શકે તેવા સઘળી ઓન લાઇન વ્યવસ્થા ગોઠવાઈ હતી. દરેક વખતની જેમ “દીકરી વહાલનો દરિયો”નું પ્રદર્શનનું ગ્રાઉન્ડ ભરચક હતું. લોકો વાતો કરતા હતા કે. ચિત્ર એક વખત જુઓ અને પછી મૃણાલને સાંભળો અને પછી ચિત્ર જુઓ આખો સંદર્ભ બદલાઈ જશે.
સ્ટેજ ઉપર આ વખતે ચાર ખુરશી રાખેલી હતી..ગાયત્રીબેન, માધવીબેન મૃણાલ અને આન્યાની. પ્રભુ આશરનાં હાથમાં આ વખતે માઇક હતું. માધવીબહેન અને અજયભાઈએ દીપ વિમોચન કરી મૃણાલને શુભેચ્છા પાઠવી. કૈરવ અને મૃણાલ સાથે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે પ્રભુ આશરે મંચને લલિત કલાના સુભગ સંગમ તરીકે વણી લીધો હતો અને મૃણાલ અને કૈરવને પણ પૂરતું પ્રાધાન્ય અપાયું હતું આખા વિશ્વમાં લાઇવ ટેલિકાસ્ટ હતુ તેથી માહોલ જીવંત હતો.
વિડીયો કેમેરા ઉપર હાવભાવ અને સંવેદનશીલતા યોગ્ય રીતે બહાર આવે તે માટે પાછળ ઓરકેસ્ટ્રા પણ હતી.
મૃણાલ અને કૈરવ જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે સમગ્ર સભા તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કૈરવે માઇક હાથમાં લઇ સૌનો અભાર માન્યો. કોમ્પ્યુટર ઉપર આ પ્રોગ્રામ માટે વિવિધ ઓન લાઇન સંદેશાઓ વાંચ્યા અને માઇક મૃણાલને આપ્યું. પાછળ સ્ક્રિન ઉપર દરેક ચિત્રનો નંબર અને બોલીમાં બોલાતો ભાવ દેખાતો હતો.
મૃણાલે સૌ પ્રથમ માધવીબહેનનાં ત્યાર બાદ ગાયત્રીબહેનનાં ચરણસ્પર્શ કર્યા. પછી મણાલે બહુ વહાલથી આન્યાને તેડી અને પ્રેમથી ગણગણી.. મારી દીકરી એટલે વહાલનો દરિયો પાછળ ઓર્કેસ્ટ્રામાં આ અવાજ સંગીત સાથે ગુંજતો થયો અને લોકોએ ફરીથી ઉમળકાભેર તાળીઓ પાડી.
પ્રભુ આશરે પ્રથમ ચિત્ર સ્ક્રિન ઉપર મુક્યું જેમાં આન્યા બોલતી હતી મમ્મી મને પણ તારા જેવું થવું છે..મારો સ્કેચ દોરીશ?
એ સમયે નાની મૃણાલ બ્લેક અને વ્હાઇટમાં ગાયત્રી મમ્મીને પૉઝ આપીને બોલતી હતી મમ્મી મારો સ્કેચ દોરીશ અને તે સાથે પહેલું ચિત્ર મુકાયું જેમાં મૃણાલ સ્કેચ દોરતી હતી આન્યા પૉઝ આપતી હતી અને ધીમે ધીમે તેમાં રંગ પૂરાતા જતા હતા. ત્રીસ સેકંડને અંતે પૂર્ણ ચિત્ર તૈયાર થઈને સ્ક્રિન ઉપર હતું અને બોલી બોલાતી જતી હતી લંડન ખાતેથી છેલ્લી બોલી બોલાઈ જે ૧૦૦ પાઉંડ હતી. મૃણાલે પોતાની તે ચિત્ર ઉપર સહી કરી ત્યાં સુધીમાં બીડ બદલાઈ ગઈ હતી. ૫૦૦ પાઉંડ સાથે તે ચિત્ર ઇબે ઉપર ખરીદાયું ..હૉલ આનંદની કિલકારીઓથી ગુંજી ઉઠ્યો.. આ કલાકારની કલાનું બહુમાન હતું.
બીજા ચિત્રની રજૂઆત જુદી થઈ મૃણાલ નાના ઇઝલ ઉપર ચિત્ર દોરતી હતી.. ગાયત્રીમા મોટા ઇઝલ ઉપર ચિત્ર દોરતાં હતાં…ટ્રીક સીનથી ગાયત્રીમાની જગ્યાએ મૃણાલ હતી અને નાની મૃણાલની જગ્યાએ આન્યા હતી..ચિત્ર દોરાઈ ગયું, રંગો ભરાઈ ગયા અને હાજર રહેલા મંચમાંથી બોલી ભરાતી ગઈ.. આ વખતે ઑસ્ટ્રેલિયન ડૉલરે બાજી મારી હતી…ચિત્રો વેચાતા જતા હતા. છેલ્લા દૃશ્યમાં સ્ટેજ ઉપર જ સ્કેચ દોરાયો.. રંગ ભરાયો અને સહીની જગ્યાએ મૃણાલ સાથે આન્યા પણ હતી.. પાંચ વર્ષની આન્યાનું પ્રથમ ચિત્ર…ખૂબ જ ઊંચો ભાવ આપીને અજયભાઈએ તે ચિત્ર ખરીદ્યુ ત્યારે હૉલ તાળીઓથી ગુંજી રહ્યો હતો.
મૃણાલનાં આગલા બે પુસ્તકો પણ વેચાઈ રહ્યાં હતાં અને નવા પુસ્તકની આગોતરી ખરીદી પણ ચાલુ હતી.
પ્રોગ્રામ પૂરો થયો. પ્રભુ આશરે પચાસ ચિત્રો જે વિદેશમાં વહેંચાયા અને પચાસ ચિત્રો જે ભારતમાં વેચાયા તેના આંકડા આપી સૌનો આભાર માની પ્રોગ્રામનું સમાપન કર્યું.
આખાય પ્રોગ્રામ દરમ્યાન પોતે જાણે ખૂણામાં હડસેલાઈ ગયો હોય એવી સંકુચિત ભાવના સાથે કૈરવ અકળાતો રહ્યો. અજયભાઈએ ઘણુ સમજાવ્યો હોવા છતાં એનાથી મૃણાલની સફળતા અને સિદ્ધિ સહન જ નહોતાં થતાં.
આલેખનઃ વિજય શાહ
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments