આન્યા મૃણાલ-પ્રકરણ ૧૪ /વિજય શાહ
મૃણાલ..આમ તો કલાકાર જીવ. ભલે કેમેરો, કેન્વાસ અને પીંછી આન્યાનાં બાળપણ દરમ્યાન છોડી દીધાં હતાં પણ, એની સંવેદનાઓમાં તો આન્યાની સ્મૃતિની પળે પળ કેદ હતી જે ડાયરીમાં કવનરૂપે કે પ્રસંગરૂપે નોંધેલી હતી.
આન્યાનાં જુનિયર કે.જીના દિવસોમાં જ્યારે તે સ્કૂલે હોય ત્યારે મૃણાલનો કલાકાર જીવ પિંજરમાંથી બહાર આવવા તરફડતો.. એક સાંજે આન્યા બોલી “મમ્મા મારું ચિત્ર બનાવને?” કૈરવ પણ તે સમયે હાજર હતો…પેલા બંધિયાર પંખીનું પિંજર ખુલ્યું. સ્કેચપેડ પર પેન્સિલથી આન્યાનાં સ્કેચ દોરાવા માંડ્યા. એક સ્કેચ પૂરો થાય અને આન્યા પૉઝ બદલે એટલે બીજો સ્કેચ દોરાય.
સતત ત્રણ કલાક મૃણાલના હાથની પેન્સિલના હર એક લસરકે આન્યાના જુદા જુદા પૉઝ ચિત્રાકારમાં ઢળતા રહ્યાં. થોડી વાર તો કૈરવને પણ આમાં રસ પડ્યો પણ, અંતે થાકીને એ ઊંઘી ગયો. અને પછી તો આન્યાની આંખો પણ ઘેરાવા માંડી. કૈરવની બાજુમાં આડી પડેલી ઊંઘરેટી આંખોવાળી આન્યાનો સ્કેચ પૂરો કરીને મૃણાલે પેક અપ કર્યું.
આહ! આજની ક્ષણોએ એને અપાર આનંદિત કરી દીધી.
વહેલી સવારે કૈરવે મૃણાલનાં સ્કેચ જોયા ત્યારે તે રાજી થયો કારણ કે આન્યાનાં દરેક સ્કેચનાં પશ્ચાદભૂમાં પોતે હતો.
સવારે બ્રેક્ફાસ્ટ ટેબલ ઉપર આન્યા સ્કેચબુક લઈને આવી અને દાદાને બતાવ્યા, “દાદાજી, કાલે તો મેં અને મમ્માએ બહુ મઝા કરી.”
ઊડીને આંખે વળગે એવા સ્કેચ જોઈને અજયભાઈ તો ખુશ ખુશ. પણ માધવીબહેનથી ચૂપ ન રહવાયું, “ નર્યો સમયનો બગાડ.. કેમેરા ઉપર ક્લિક ક્લિક કરી લો તો આ ત્રણ કલાકનું કામ દસ મિનિટમાં થઈ જાય.”
માધવીબહેનની આવી વાતો પહેલાં મૃણાલનાં મનને છરકો કરી દેતાં પણ હવે મૃણાલનું કેન્દ્ર બદલાયું હતું.
એ પછી તો સ્કૂલે જતી આન્યા, બ્રેક ફાસ્ટટેબલ પર આન્યા, બગીચામાં રમતી આન્યા, રિસાઈને મ્હોં ફૂલાવીને બેઠેલી આન્યા. આન્યાની કેટલીય તસવીરો એ બનાવતી રહી.
આન્યા ૪ વર્ષની થઈ. નાની હતી છતાં એટલીય નાદાન નહોતી રહી. ક્યારેક ડૅડને મોમ પર અકળાતા જોતી કે દાદીના ન સમજ પડે એવા ટોનથી સહેમી જતી. આજે પણ એ સમજી શકી કે દાદીએ એવું કશુંક કહ્યું જેમાં મોમના દોરેલા ચિત્રો એમને ગમ્યાં નહોતાં.
અજયભાઈએ વાત વાળવાનો પ્રયાસ કરતા કહ્યું, “માધવી, તમે પણ મૂળ વાત ભૂલી જાવ છો. આન્યા ત્રણ કલાક સુધી જુદા જુદા પૉઝ આપે, મૃણાલ કહે ત્યાં સુધી તે પૉઝમાં બેસી રહે તેનો એને કેટલો બધો આનંદ છે! એનાં માટે અને આપણાં માટે આ આનંદ અગત્યનો છે.”
મૃણાલ તે વખતે બ્રેકફાસ્ટ સર્વ કરતી હતી. તેને હતું કે કૈરવ હમણા જ તાડૂકશે..પણ પપ્પાની હાજરીમાં તે એટલું જ બોલ્યો.. મને તો લાગે છે કે મમ્મી સાચા છે સ્કેચબૉર્ડ અને પેન્સિલ એ જૂનવાણી રસ્તા જ છે. એમાં સમયનો બગાડ જ થાય છે.”
મૃણાલ બોલી “ આન્યા જ્યારે સમજણી થશે ત્યારે આ ચિત્રો તેની માનસિક સંપત્તિ હશે.. જેમ આજે પણ મારી માએ દોરેલા મારા બાળપણનાં સ્કેચ મારે માટે અમૂલ્ય જણસ છે.”
કૈરવ બોલ્યો.. “ મૃણાલ.. આન્યાને તો કૈરવ જેવી બિઝનેસ વુમન બનાવવાની છે તમારા જેવી નહીં હં!”
થોડાક મૌન પછી મૃણાલ શ્રીકાંતભાઈનું ગમતું વાક્ય બોલી..” દરેક બાળક વિધાતા પાસે તેમનું ભાગ્ય લખાવીને આવે છે આપણે તો તેમને મોટા કરી ભણાવી ગણાવીને તેમના હાલ ઉપર છોડવાના છે. મારાં કર્યા કે મારાં જેવા કર્યા એમ કહીએ તો ઉપરવાળો હસશે..તે કોના જેવી થશે તે તો તેનું ભાગ્ય કહેશે.”
અણગમતું વાક્ય સાંભળી કૈરવ ઉભો થયો અને ઑફિસે જવા તૈયાર થવા માંડ્યો. રાખની નીચેનો અંગારો ધધકતો હતો જ પણ પપ્પાની હાજરીમાં ચૂપ રહેવું યોગ્ય લાગ્યુ. માધવીબહેનથી ના રહેવાયું અને ગર્વથી બોલી ઉઠ્યા, “મને તો કૈરવ મારા જેવો છે કહેતા ગર્વ થાય છે. જે પૈસાની ભાષા સમજે છે અને બોલે છે પણ પૈસાની જ ભાષા.”
અજયભાઈ બોલ્યા.. “મૃણાલ, હવે આ મા દીકરાને પૈસાની ભાષા આપણે સમજાવવાની છે “દીકરી વહાલનો દરિયો” વિષય ઉપર ફોટો એક્સિબિશન કરીશું અને જેને કથીર અને પૈસનો બગાડ માને છે તેમને બતાવી આપીએ કે આન્યાનાં ચિત્રો પણ પૈસાની ખાણ છે.”
“પપ્પા પણ સમય ક્યાં છે?”
“કાલે રાત્રે જેમ સમય કાઢ્યો તેમ કાઢવાનો અને ફક્ત એક જ મહિનામાં આપણે સફળ થઈને દેખાડશું”
બહાર નીકળતા કૈરવે પપ્પાની વાત સાંભળી ત્યારે નિઃસાસો નાખ્યો.. “આ લતને હું જેમ કાઢવા મથુ છું તેમ વધુ જોર પકડે છે”
ઑફિસે જઈને ઘરે પહેલા ફોન કર્યો….પપ્પા સાથે વાત કરવા.
“હેલ્લો” પપ્પા એ ફોન ઉપાડ્યો”
“પપ્પા! તમે મૃણાલનો સ્ટુડિયો ફરી ખોલવાના પ્રયત્નો ના કરો”
“કેમ? તારા કરતા વધુ સફળ છે તે વાત સહન નથી થતી?”
“હા, પણ તમે જ કહેતા હતાને કે સ્ત્રીનું સ્થાન તો ઘરમાં અને પુરુષનું સ્થાન ગલ્લે.”
“હા. પણ તે વાત તારી મમ્મી જેવી ઘમંડી સ્ત્રીને લાગુ પડે છે કે જેને કદી ધરવ હોતો નથી. જોયું નહીં? દરેક વાતે તે તને ઊંચો દેખાડવા મથે છે પણ તેને એ સમજ નથી કે તારી અને મૃણાલની કોઈ સ્પર્ધા જ નથી. તારા ક્ષેત્રે તે પ્રતિસ્પર્ધક નથી તો, તારે શું કરવા તેના ક્ષેત્રે ઇર્ષાથી બળી જવું? તું લાખ ચાહીશ તો પણ તેના જેવા વિચારો કે વણાંકો તું દોરી શકવાનો નથી. વળી તેં જ એનું પહેલું એક્સિબિશન સફળ કર્યુ, તેં રસ્તો ચાતર્યો હવે ત્યાંથી પૈસા ઊભા થાય છે તો થવા દેને?”
“પણ તેમાં તે ખૂબ જ આગળ છે અને મને તેની સફળતાની ઇર્ષા આવે છે.”
“ના લાવ..તું તું છે અને તે તે છે. તેં કમાયેલા પૈસા તેના ઉપર વાપરે છે?”
“ના.”
“તેના માબાપનું ઘર ભરે છે?”
“ના.”
“તો એક ભાગીદાર વધ્યો છે તેમ માન ને…”
“પણ પપ્પા મારે આન્યાને તેના જેવી નથી થવા દેવી.”
“એ તો લગ્ન પહેલા વિચારવાનું હતું. હવે તો તે વિચારવું એક મૂર્ખતા છે. સંતાન મા જેવું થાય કે બાપ જેવું ક્યાં કોઈનાં હાથમાં છે?”
“પણ પપ્પા મને મમ્મી કહ્યા કરે છે કે, એ મારા માથે ચઢી જશે..”
“એક છોકરાનો બાપ થયો હવે તો તારે તારા પોતાનાં નિર્ણયો જાતે લેવાનાં. તારી મમ્મીની વાતો સ્વકેન્દ્રી છે તે હવે તો તને સમજાઈ જવું જોઈએ. મૃણાલને તેઓ કદી સ્વીકારશે નહીં કારણ કે, તેને તો ભૌતિક દૃષ્ટિએ ઇક્વલ સ્ટેટસ જોઈતું હતું, જે શ્રીકાંતભાઈ અને ગાયત્રીબેનનું હતું જ નહીં. મારી વાત સમજ શક્ય છે કે, તારી મમ્મીની વાદે રહી મૃણાલ અને આન્યાને તુ ખોઈ બેસીશ.”
“પપ્પા!”
“એક વાત સમજ, મૃણાલ અને તું બે જણા પ્રતિસ્પર્ધી નથી તેથી સ્પર્ધાનાં ભાવે દુઃખી ના થા..અને તે કંઈ માન અને સિધ્ધિ મેળવે છે તે પતિ તરીકે તને પણ મળે જ છે.”
ફોન મુકાયો ત્યારે એક નવી દિશા ખુલી હતી તેનો માંહ્યલો કહેતો હતો કે મૃણાલ સામાન્ય વ્યક્તિ નથી. મૃણાલને વહાલથી પોતાનામાં ઓળઘોળ કરવાની છે.
સાંજે આવીને જોયું તો ઘરમાં સ્ટુડિયો ખુલી ગયો હતો.. આન્યા શાંતિથી બેઠી હતી અને એના સ્કેચ દોરાતા જતા હતા. અને મમ્મી ભારેખમ હતાં.
“આ તારા પપ્પા પણ લીધેલો છાલ છોડતા નથી.”
“મમ્મી, તે પપ્પા છે અને તેમની વાતો આ ઘરમાં સૌને માટે પથ્થરની લકીર..”
“પણ કૈરવ, આ પગની જૂતીને પગમાં રખાય માથે ના મૂકાય.” માધવીબેનની સમૃદ્ધિ માત્ર અજયભાઈને આભારી હતી બાકી મન અને વિચારોથી તો એ કંગાળ જ હતા.“મમ્મી, હું આન્યાને કેળવીશ. એને આપણે એની મમ્મી જેવી નથી બનાવવી એટલે સમય આવે. આલેખન:
વિજય શાહ
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments