Archive for October 25, 2022
દાઈમા
કલ્પના તે દિવસે બહેનના દવાખાનેથી પાછી ફરી ત્યારે થોડી ઉદાસ હતી. આમ તો ભરત અને કલ્પના ડૉક્ટર બહેનનાં ગયાં પછી દવાખાનુ બંધ કરીને સાથે જ નીકળતા. ભરત બીજા કેટલાક કામ આટોપીને ઘેર આવતો જ્યારે કલ્પના સીધી જ ઘર ભેગી થતી. આજે આવતાંની સાથે ફુડરડીની માફક ફરી વળતી કલ્પના મૂંગીમંતર પાછી આવી હતી. નહીંતર સવારથી બપોર સુધીમાં દવાખાને શું બન્યું એની ય બધી વાતો તે ભુરીબા સાથે કર્યા કરતી..ઘડી ભર તો ભુરીબાને થયુ કે, ”લાવને એને પૂછુ તો ખરી કે થયુ છે શું ?” પણ એમણે ચૂપ રહેવાનું મુનાસીબ માન્યું.
૨૦ વર્ષની કલ્પના ભરતને પરણીને આવી ત્યારથી ઘર અને બહેનનાં દવાખાનાનો ભાર રમતા–રમતામાં ઉપાડી લીધો હતો. જુગતે જોડી હતી બેઉ જણાની. હતાં તો બંને એસ.એસ.સી પાસ પણ આટલાં વર્ષો બહેનની જોડે કામ કરીને માહેર બની ગયા હતાં.
ભરત ૧૪ વર્ષનો હતો ને ભણતા–ભણતા દવાખાને જવા માંડ્યો હતો. અને પછી તો ૧૮ વર્ષથી તો એ ફુલ ટાઇમ દવાખાને જવા લાગ્યો.. ૨૧ વર્ષે લગ્ન થતાં કલ્પના પણ બે છેડા ભેગા કરવા દવાખાને જવા લાગી. દવાનાં પડીકાં બાંધતા બાંધતા ક્યારે બહેન જોડે લાગણીના સંબંધો બંધાતા ગયા તેની બેમાંથી એકેને ખબર પણ ના રહી.
૫૦ વર્ષ પહેલાં જ્યારે એક લેડી ડૉક્ટરે શહેરના એ વિસ્તારમાં દવાખાનું ચાલુ કર્યુ ત્યારે લોકોને જરા નવાઈ તો લાગી હતી પણ બહેનનાં સાલસ –સહ્રદયી સ્વભાવે જાણે લોકો માટે દવા સાથે દુવાનું પણ કામ કર્યુ. જોતજોતામાં તો બહેનની ખ્યાતિ સાથે લોકોની બહેન પરની શ્રદ્ધા પણ વધતી ચાલી. અને એટલે જ તો એ ડૉક્ટરનાં બદલે સૌ માટે ‘બહેન’ જ બની રહ્યાં.
પણ આજે આ બધું કેમ યાદ આવતું હતું? એક વાર કામ ચાલુ કર્યા પછી કલ્પનાએ પાછું વળીને જોયું નહોતું. આ તરફ ભરત –કલ્પનાનો પરિવાર પણ વધતો ગયો. પહેલી દીકરીના જન્મ સુધી તો ઠીક હતું, પણ બીજી વાર જ્યારે દીકરી આવી ત્યારે ભુરીબાને જરક વસવસો તો થયો જ. પણ બહેનની ખ્યાતિ જેમ જેમ વધતી ગઈ તેમ ભુરીબાની મનની અપેક્ષા પણ વધવા લાગી. બહેન હતાં તો જનરલ પ્રેક્ટિશનર પણ એમની દવા–ટ્રીટમેન્ટથી કેટકેટલાંય સૂનાં ઘરોમાં બાળકોની કીલકારીઓ ગુંજવા માંડી હતી. હાથમાં જાણે ઉપરવાળાએ લાંબી જશની રેખા મુકી દીધી હતી. જ્યાં મોટા ડૉક્ટરોએ પણ ના પાડી હોય તેવા ઇનફર્ટિલિટીના કેસમાં પણ બહેનને સફળતા મળી હતી તો પછી અહીં તો ભરત–કલ્પનાં નસીબને ઘાટ જ આપવાનો હતો. જે પરિવારમાં બાળકની ઝંખના માટે નિ:સાસા સંભળાતા હતા એ પરિવારમાં બાળકનાં હાસ્ય ભરી દીધા હતા. અહીં તો માત્ર જરા વાટ સંકોરવાની જ જરૂર હતી. એ દિવસે ભુરીબા બહેનના દવાખાને જઈને પોતાના મનની વાત પણ ઠલવી આવ્યાં હતા. અને પછી તો બહેનની ટ્રીટમેન્ટથી કલ્પનાની કુખ પાંગરવા લાગી. નિકિતા–એકતા પછી નિલયનો જન્મ થયો એ દિવસે તો બહેને ભુરીબાને પેંડા ખવડાવ્યા.
કલ્પનાનાં મગજમાં આ બધુ સાગમટે ઊમટી આવ્યું. બેઠી હતી તો કપડાંની ગડી વાળવા પણ મન વર્ષો જૂની વાતો ઉકેલીને બેઠું હતું. એક કંપાઉન્ડરની છોકરી ડૉક્ટર બની શકે એવું સ્વપનું પણ બહેને જ બતાવ્યું હતું ને? આજ સુધી બહેન સાથે સંબંધોમાં ક્યારેય બહેને ક્યાં કોઈ અપેક્ષા રાખી હતી પણ આજે બહેને કલ્પના પાસે કંઈક માંગ્યુ હતું.
બહેને જે કંઈ કહ્યું તેમા કલ્પનાનું વિશ્વ ઉપર–તળે થઈ ગયુ હતું. છોકરાઓ માટે જે ગજા બહારના સ્વપ્નાં જોયા હતા એ સ્વપનાં સાકાર કરવા માટે ગજા બહારની ઉડાન માગી હતી. આમ તો કલ્પના અને ભરતે બહેનનો પડતો બોલ ઝીલ્યો હતો, પણ આજની વાત જ જુદી હતી. બહેનની વાત સાંભળીને શૂન્યમસ્ક કલ્પના કોઈ જવાબ આપ્યા વગર જ દવાખાનામાંથી નીકળી ગઈ હતી પણ બહેનને વિશ્વાસ હતો કે આજે નહી તો કાલે ય કલ્પના પોતાની વાતને મંજૂરીની મહોર મારીને જ આવશે. અને બન્યું પણ એમ જ.
બપોરે ભરતે જ્યારે ભુરીબાને માંડીને વાત કરી. વાત જાણે એમ હતી કે પરદેશ રહેતી પોતાની દીકરીની દીકરીને સાચવવા કલ્પનાને પરદેશ મોકલવાનો બહેનનો પ્રસ્તાવ હતો. જેમાં પોતાની દોહિત્રીની સાથે સાથે ભરત –કલ્પનાના બાળકોના ભવિષ્યની સલામતીની જોગવાઈ ઊભી થતી હતી.
રૂપિયાના બદલે રિયાલમાં કમાણી કરાવી આપવાની વાત હતી જેના લીધે નિકી–એકતા અને નિલયના ભવિષ્ય સોનેરી બને તેમ હતા. અહીં જરૂર હતી તો માત્ર કલ્પનાની હિંમતની. બાળકો માટે થઈને બાળકોથી જુદા રહેવાની તૈયારીની, ભરતથી જુદાઈ વેઠવાની.
એક રૂમ અને રસોડામાં ભૂરીબા સહિત છયે જણાનું વિશ્વ સમાઈ જતુ હતું. એ વિશ્વથી ક્યાંય દૂર તદ્દન અજાણી ભોમકામાં એણે પોતાનું વિશ્વ ઊભું કરવાનું હતું. પોતાના બાળકોને સૂનાં મૂકીને બીજાનાં બાળકને હૈયે વળગાડીને હેત કરવાનું હતું.
હવે ભુરીબાનાં મગજમાં કલ્પનાનાં મૌનની ગડ બેઠી. વર્ષોથી બેઉ જણ વચ્ચે સાસુ–વહુના બદલે મા–દીકરી જેવા હેતાળ સંબંધ હતા. કલ્પનાને સધિયારો આપતા હોય તેમ તેના બરડે હાથ પસવાર્યો અને ભુરીબા કંઈ બોલે તે પહેલાં તો કલ્પનાનાં હૃદયનાં બંધ તૂટી પડ્યા.
ભુરીબાના ખભે માથું નાખીને કલ્પના હિબકે ચઢી. ઉકેલની અપેક્ષાએ ઘડીકમાં ભુરીબા તો ઘડીકમાં ભરતની સામે ભીની આંખે તાકી રહી. “રાત્રે વાત” કહી હાલ પૂરતું તો ભુરીબાએ જવાબ આપવાનું ટાળ્યું. અને ભરત કલ્પનાને જમાડીને જરા આડે પડખે થયાં.
ભાર બનીને ઝળુંબતી એ પળ પણ રાત્રે આવી ગઈ..ઘરનાં પ્રશ્નોમાં બાળકોને સામેલ કરવાનો શિરસ્તો તો હતો જ, એમાં આજે તો વળી બાળકોને લગતી જ વાત હતી એટલે એ અનિવાર્ય પણ હતું. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પહાડ બનીને ઊભેલી સમસ્યાનું નિરાકરણ નિકીતા–એકતાએ પળવારમાં આપી દીધું. કલ્પનાને પરદેશ જઈ શકે એના માટે હિંમત બંધાવી.
કલ્પનાને આજે પોતાના ઉછેર માટે અંતરથી આનંદ થયો.
પાસપોર્ટ –વિઝા અને બીજા કાયદાકીય કામો પણ ઉકલી ગયાં. વળી જવાનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ભરત કલ્પનાનો અંદરનો ઉચાટ વધતો ગયો. માણસો જાણીતા પણ અજાણ્યા દેશમાં કલ્પનાને મોકલતા ભરતને અંદરથી રહી રહીને થોડો અજંપો થયા કરતો. અધકચરી ઉંમરની છોકરીઓ અને સાવ જ ૫–૭ વર્ષના નિલયને મા વગર કેમ કરીને સચવાશે??
અને વળી આ ઉંમરે ય ક્યાં હતી જુદા રહેવાની? બે–ચાર દિવસે ય જુદા ના રહ્યા હોય ત્યાં આ તો બે–પાંચ વર્ષની જુદાઈની વાત હતી. વચ્ચે એકાદ વાર અવાય તો અવાય નહીંતર શું?
અંતે એ દિવસ પણ આવી ગયો. છોકરાઓને ભુરીબા અને ભોળિયા ભરતને બહેનના ભરોસે મૂકીને જતી કલ્પનાએ પાછું વાળીને જોવાનુ માંડી વાળ્યુ. રખેને આંખમાં ઉમટેલા આંસુ જોઈને એકાદ જણ પણ ઢીલું પડી ગયું તો?
જો કે હૃદયનો એ ભાર જેના માટે સહીને જઈ રહી હતી તે માસુમ આશના સામે જોઈને ધીમે ધીમે હળવો થવા માંડ્યો હતો. સમય જતા એ હળવાશ હેતમાં પલટાવા પણ લાગી. પોતાનાં ત્રણ બાળકોનાં ભાગનું હેત એક સામટુ આશના પર જ ઢોળાવા લાગ્યુ. સમયની પાંખ પર ચઢીને ચાર વર્ષ પણ એમ જ વીતી ગયાં. ૧૧ વર્ષની નિકીતાનાં સ્કૂલમાં ઝળહળતા પરિણામોના સમાચાર મળતા ગયા. પાછળ પાછળ એકતા અને એથી આગળ વધીને નાનકડા નિલયના સમાચારોથી કલ્પનાનાં મનનો રહ્યો સહ્યો ભાર પણ વહી ગયો. તબલામાં પારંગતતા મેળવતા નિલયના સમાચારો લખેલા ભરતના કાગળો વાંચતા તો જાણે એ તબલાંની થાપનો રણકાર એનાં હ્રદય સુધી પહોંચતો.
જે દિવસે નિકીતા ૧૨ માં પાસ થઈ અને એંન્જિનિયરિંગમાં એડમિશન લીધું ત્યારે તો ચાર વર્ષનો એનો, ભરતનો અને ભુરીબાનો સહિયારો ત્યાગ બહેનના આશીર્વાદથી લેખે લાગ્યો . પેંડા ખવડાવવાનો આજે ભુરીબાનો વારો હતો.
જો કે એ પછી તો બીજાં સાત વર્ષનો સમય વીતી ગયો. આજે તો બહેન પણ હયાત નથી. ભુરીબા પણ નથી. પણ બંનેના આશીર્વાદ અને પોતાના સંનિષ્ઠ પ્રયાસોથી નિકીતા એંન્જિનિયરિંગ પાસ કરીને શહેરની જાણીતી ઇન્સ્ટિટ્યુટમાં એડ્મિનિસ્ટ્રેટિવ હેડ બની અને હવે તો પરદેશમાં સફળ કારકિર્દીનાં એક પછી એક સોપાન સર કરી રહી છે.
એકતા લૉનું ભણીને ઉચ્ચ પોસ્ટ પર સફળ કારકિર્દીના પગથારે છે.
નિલય પણ એન્જિનિયર થઈ પ્રોફેસરની પદવી શોભાવે છે.
દર વર્ષે ભાદરવી પૂનમ ભરતો ભરત આજે પણ એટલી જ શ્રદ્ધાથી દર મહિને બહેનનાં ઘેર જવાનો નિયમ ચૂકતો નથી. ભરત માટે તો કોઈ પણ સારું કામ કરવાનો શુભ દિવસ એટલે એના બહેનનો જન્મદિવસ. એથી આગળ વધીને કોઈ સપરમો દિવસ હોઈ ના શકે.
બહેને જ બધાને ખોબામાં આકાશ ભરાય તેટલાં સ્વપનાં સાકાર કરવા સ્વાવલંબી બનવાનો મંત્ર અને તક આપી. જો કે એ પછીનાં સાત વર્ષ કલ્પના પણ પગ વાળી બેઠી નહોતી. એને જાણે દાઈમા બનવાનુ વરદાન મળ્યુ છે.
ભણીને તૈયાર થયેલી દીકરીઓ હાથ પીળા કરવાનો સમય આવ્યો ત્યારે ફરી એક વાર લંડન ભણી ઉડાન ભરી રહેલી કલ્પનાને તો હજુ ખબર નથી કે એ જ્યારે પાછી આવશે ત્યારે વળી પાછુ એક બાળક ધરતીના બીજા છેડે આકાર પામી રહ્યુ છે..
પણ એક વાતની એને ચોક્કસ જાણ હતી કે એ તો નિમિત માત્ર છે એનાં ભાગ્યાનો ખરો ચિત્રગુપ્ત તો ભરત જ છે, કારણકે એનો સરળ-સાલસ સ્વભાવ, દરેક સાથે કોઈ અપેક્ષા વગર સંબંધ જાળવી રાખવાની તત્પરતા જ એની અપેક્ષા કે કલ્પના બહારના ફળસ્વરુપે કલ્પનાને ફળે છે.
ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી પ્રસિદ્ધ -નમસ્કાર ગુજરાતમાં પ્રકાશિત સત્ય ઘટના પર આધારિત વાર્તા
આલેખન રાજુલ કૌશિક
Recent Comments