Archive for October 15, 2022
આન્યા મૃણાલ- પ્રકરણ ૧૩/ વિજય શાહ
‘મૃણાલ’
આ નામથી એડ કેમ્પેઇન ચાલુ થવા માંડ્યું ત્યારે માધવીબહેન માનતાં હતાં તેમ મૃણાલ પ્રસિદ્ધિની સીડી સડસડાટ ચઢવા માંડી. તેનાં સ્કેચ અને ફોટાની માંગ વધવા માંડી.
એક દિવસ જ્યારે મા અને દીકરો એકલાં હતાં ત્યારે કૈરવને માધવીબહેને કહ્યું “ આ ‘અભિમાન’ ફિલ્મની કથા તમારા જીવનમાં ચાલુ થઈ ગઈ હોય તેવું મને કેમ લાગે છે?”
કૈરવ કહે “ મોમ! તમે કૈરવને ઓળખતા નથી.. જે હાથે તે ચઢાવી શકે છે તે હાથે તે ઊતારી પણ શકે છે.”
“એનાં કાના અને યશોદાનાં ચિત્રો જોયાં?”
“હા મોમ, સરસ પેન્ટિંગ છે.”
પણ જે જોવું જોઈએ તે તું નથી જોતો..”
“શું મોમ?”
“કાનો કૈરવ જેવો નથી દેખાતો.”
“મોમ ..તો યશોદા પણ ક્યાં મૃણાલ જેવી છે?”
“તને સમજ નથી બેટા, પ્રસુતા જેનાં ચિત્રો નજર સામે રાખે બાળક એનાં જેવું થાય..”
“મોમ! હવે એ વીસમી સદીની વાતો રહેવા દો… અને મને ખબર છે મૃણાલને બેબી છે.”
“આશા રાખુ તારા જેવી હોય.”
“એટલે? મને તો મારી દીકરી મૃણાલ જેવી જ જોઈએ છે.. ઘાટીલી અને મીઠડી..”
“મીઠડી .. માય ફૂટ.. તે તો મૂંગી, મૂંઝાયેલી અને મૂરઝાયેલી હોય છે. સહેજ પણ ચહલપહલ કે ચેતન વગરની.”
“હા મોમ, એને તો કૈરવ જેવી જ બનાવજો હં કે” .મૃણાલ ત્યાં આવી ને ટહુકી…
“હા.. હા..બરોબર એવી જ..કૈરવ અને મમ્મી બંને સાથે બોલ્યા.
મૃણાલે બરોબર જ સાંભળ્યુ હતું તે તો મૂંગી, મૂંઝાયેલી અને મૂરઝાયેલી છે. પણ હવે મારી દીકરી આવે છે ને મારી મૂંઝવણો દૂર કરવા..તેણે ઊંડો શ્વાસ લઈને પોતાની જાતને આશ્વાસન આપતાં વિચાર્યુ.
“કૈરવ, હવે તો પેટમાં બેનબા ગરબા ગાય છે. જો હાથ મૂક એટલે તેની લાતો અનુભવાશે.”
કૈરવને આ બચપણ ના ગમ્યું પણ મમ્મી એ ઊઠીને તેના પેટ ઉપર હાથ મૂક્યો એટલે કૈરવે મમ્મીને પુછ્યુ.. “શું થાય છે મમ્મી?”
“હા જો તો ખરી કેવી ઉછળકૂદ કરે છે!” અને બધા આનંદમાં મલકી ઉઠ્યા.
મૃણાલ હવે થોડી અધીરી થવા માંડી હતી. એને આ નવા પ્રોજેક્ટને લઈને જેટલો ઉત્સાહ હતો એનાં કરતાં અધિક ઉમળકો આવનાર બાળક માટે હતો.
“કૈરવ મારા આ કાના અને યશોદાનાં ચિત્રો મારે જલ્દી પતાવવા છે પછી તો સમય મળવાનો જ નથી.“
“એટલે “ માધવી બહેને વાતને વધુ સ્પષ્ટ કરવા પૂછ્યું, “ પછી સ્ટુડિઓ બંધ?“
“હા મોમ, પછી આ બધું બંધ.. હું અને આપણી ઢીંગલી અને આપણે બધા…મઝા જ મઝા”
“કાન હસતો યશોદાને દ્વાર”ની મૅન્યુસ્ક્રિપ્ટ અને ચિત્રોની સીડી જ્યારે પ્રભુ આશરે જોઈ ત્યારે આનંદી ઊઠયા. “મૃણાલબહેન, અત્યારથી જ કહી દઉં છું કે તમારું આ પુસ્તક પણ “કંપન” ની જેમ એકદમ સફળ થશે જ..દરેક ચિત્રની સમજણપૂર્વક છણાવટ અને કાનને લખાયેલાં હાલરડાં તો એકદમ હ્રદયસ્પર્શી છે.
પૂરા દિવસે આન્યા જન્મી..એક સાથે છ જણાને નવી પદવી મળી.. બધાનાં આશીર્વચનો લેતી અને બધાને હસાવતી આન્યાએ જ્યારે ભેંકડો તાણ્યો ત્યારે સૌ હસ્યા..
આન્યાનું બચપણ પોતાની ગતિએ જતુ હતુ અને મૃણાલનું માતૃત્વ નિખરતુ હતુ…સ્ટુડિયોમાં પીંછી અને કેન્વાસ લાંબી નિંદ્રા ખેંચી રહ્યા હતા પણ અજયભાઈનો સાડી પ્રોજેક્ટ “મૃણાલ” નિષ્ફળતા તરફ વહેતો હતો તેથી કૈરવ તણાવયુક્ત હતો..તે સમજી ગયો હતો કે જે ચાલ્યુ હતું તે મૃણાલની કલમને લીધે હતું નહીં કે કૈરવની માર્કેટિંગ ક્ષમતાને લીધે. વળી બાકી હોય તેમ “ કાન હસતો યશોદાને દ્વાર” પુસ્તકે છ જ મહિનામાં ત્રીજા પુનઃમુદ્રણનો ડંકો વગાડ્યો બે લાખ રૂપિયાનાં ચેક સાથે.
માધવીબહેનની વાત હવે કૈરવને સાચી લાગતી હતી….પુરુષ ઇગો છંછેડાતો હતો. તેની ક્યારેય નોંધ લેવાતી નહીં નોંધ તો હંમેશા મૃણાલની લેવાતી.. તેના ચિત્રોની લેવાતી અને તેની કલમની લેવાતી. આ વાહ વાહ તેને હવે પોતાની દુશ્મન લાગતી.
કોઈપણ જાહેર સમારંભમાં જાય તો ત્યાં કૈરવ કરતા મૃણાલને વધુ સન્માન મળે એ કૈરવથી સહન ન થતા એનો ઇગો કરંડીયામાં પૂરેલા નાગની જેમ છંછેડાયો હતો. એના સીધા ફૂંફાડા અને ગરમીથી બંને વચ્ચેની રહી સહી નિકટતા ઓગળતી જતી હતી.
મૃણાલે કહેલ વાક્યો હજી તેને ડંખતા હતા.. “તું પુરુષ છે. મને તારા હાસ્યમાં કે તારા વહાલમાં કોણ જાણે કેમ એક અજાણ્યો મનુષ્ય જ દેખાયા કરે છે. મને કેમ તારા ઉપર હજી ભરોસો નથી બેસતો. તારા મનમાં હું તને જોઈતી રાજકુમારી દેખાઈ ગઈ અને તેં મને હાંસલ કરી..પણ મારા મનને ગમતા રાજકુમાર અને તારા એક ચહેરા કેમ નથી થતા?”
આમ તો એ ત્રણ વર્ષ જૂની વાત હતી છતાં તેનો ઇગો આજે પણ અમળાતો હતો..એને વારંવાર થતું કે મેં ખોટી ગરજ બતાવી.. હવે જાણે તે મારા ઉપર ઉપકાર કરતી હોય તેમ વર્તે છે. આમેય જ્યારે એને જે સત્ય સામે દેખાયું કે સામેનું પાત્ર તેના કરતા ઘણું ઊંચુ છે ત્યારે તો નાની નાની વાતે એની અકળામણ છતી થવા માંડી હતી..
મૃણાલની વધતી જતી પ્રતિષ્ઠાથી કોઈપણ જાતના કારણ વગર કૈરવ હંમેશા છંછેડાયેલો રહેતો અને વિના વાંકે મૃણાલ હિજરાતી જતી હતી.
આલેખનઃવિજય શાહ
Recent Comments