કાશ

October 14, 2022 at 10:17 am

હું નિશાંત અને એ આદિત્ય

“આજે અચાનક પાંચ વર્ષ પછી અમદાવાદ એરપોર્ટ પર મુંબઈથી આવતી જેટ એર-વેઝના પેસેન્જરને રિસીવ કરવા આવેલાં સૌમિલ અને જ્હાન્વી પર મારી નજર ગઈ.

“આ પાંચ વર્ષનો ગાળો એટલો લાંબો પણ ન કહેવાય છતાં મને તો જાણે એ અંતહીન લાગ્યો છે. ક્યાંકથી શરૂ થઈને કોઈ નિશ્ચિત દિશાએ પહોંચવા નીકળેલો પ્રવાસી રસ્તાની ભુલભુલામણીમાં જ ક્યાંક અટવાઈ ગયો હોય એવી વિચિત્ર મારી મનોદશા હતી, દિશાહીન છતાં આટલા વર્ષો હું ચાલતો જ રહ્યો છું.

“મારા ડેસ્ક તરફ જવાના બદલે સૌમિલ-જ્હાનવીના મહેમાન આવે એ પહેલાં એમને મળવા હું એમની તરફ વળ્યો. એમને મળવાનો મને વધુ ઉત્સાહ હતો કે એમને મળીને આ પાંચ વર્ષોનો ગાળો ઓગાળી નાખવાની ઇચ્છા હતી એ વિચારનો જવાબ મળે એ પહેલાં હું એમની પાસે પહોંચ્યો.

“મને જોઈને જ્હાનવી ચોંકી પણ સૌમિલ તો રાજી જ થયો હશે એવું મને લાગ્યું. ઉતાવળી મુલાકાતમાં બીજી વાત તો શું થાય પણ નિરાંતે મળવા એમનાં ઘેર જવાનું નિમંત્રણ સામેથી મેં માંગી લીધું. મુંબઈથી આવનારા મહેમાન જાય પછીના અઠવાડિયે મળવાનું નક્કી કરીને છૂટાં પડ્યાં.

“ડિંગ ડોંગ… ડિંગ ડોંગ… મનમાં તો એમ હતું કે મને મળવા સૌમિલ અધીરો થઈને બારણે રાહ જોતો જ ઊભો હશે પણ, ચાર-પાંચ વાર ડોરબેલ વગાડ્યા પછી સૌમિલે બારણું ખોલ્યું.

“આવ દોસ્ત.” ઉમળકાના બદલે સાવ આવો ઔપચારિક આવકાર? હું થોડો ઝંખવાયો. સૌમિલ તો કેવો ઉત્સાહી હતો. અમારા સૌમાં સૌમિલ સૌથી તરવરિયો. બોલકો પણ એટલો કે ક્યારેક કૉલેજ આવતા એને મોડું થયું હોય તો એની બકબક વગર અમે સૂના પડી જતાં. અને આજનો આ સૌમિલ! કૉલેજના દિવસો યાદ આવતા મારાથી સહજ સરખામણી થઈ ગઈ.

“કૉલેજના એ ચાર વર્ષો દરમ્યાન પાંચ જણનાં અમારા ગ્રુપમાં હું, આદિત્ય, ઉષા, જ્હાનવી અને સૌમિલ. મૂળ જયપુરનાં મલ્ટિપલ બિઝનેસ ધરાવતા મારવાડી પરિવારનો છતાં વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર વસતો, અમદાવાદ ભણવા આવેલો આદિત્ય સૌથી ઠરેલ. એ હંમેશાં કહેતો કે પ્રેમમાં બંધ આંખોએ પડાય તો ખરું પણ, લગ્ન તો ખુલ્લી આંખે જ થાય. પ્રેમ કરતાં પહેલાં વિચાર ન આવે પણ લગ્ન કરતાં પહેલાં સો વાર વિચારવું પડે નહીં તો સિલકમાં આખી જિંદગીનો પસ્તાવો રહી જાય.

“છતાં કૉલેજમાં હતાં ત્યારે જ સૌમિલ અને જ્હાનવી બંધ આંખે પ્રેમમાં પડી ચૂક્યાં હતાં. અને આંખો ખૂલે એ પહેલાં પરણી ચૂક્યાં.  સૌમિલ અને જ્હાનવી પરણે એ પહેલાં જ કૉલેજનાં ત્રીજા વર્ષે જ આદિત્ય એના પિતાની બીમારીના કારણે  જયપુર પાછો ચાલ્યો ગયો. થોડા સમય પછી તો એ સંપર્કમાં પણ રહ્યો નહોતો.

“આજે સૌમિલ અને જ્હાનવીનું સાવ સામાન્ય ટેનામેન્ટ જોઈને આદિત્યની વાતનો અર્થ સમજાતો હતો. કૉલેજ પૂરી થઈ પણ સરખી, સ્થાયી નોકરી મળે એ પહેલાં જ બંને ઉતાવળે પરણી ગયાં અને લાગે છે કે હવે નિરાંતે પસ્તાતા હશે.

“એમનાં નસીબમાં એમ જ લખાયું હશે.. જો કે આમ જોવા જઈએ તો મારું પણ કંઈક એવું જ હતું. કૉલેજના એ વર્ષો દરમ્યાન હું અને ઉષા થોડાંથોડાં, હળવેહળવે નજીક આવતાં ગયાં.

કૉલેજના સમરકેમ્પ અને કુલુ મનાલીનાં ટ્રેકિંગ દરમ્યાન હું અને ઉષા વધુ નજીક આવ્યાં.

“ઉષા કેવું નામ? એવું નામજેનો અર્થ છે મળસકાનું અજવાળું, પરોઢનો પૂર્વ દિશામાંનો રાતી ઝાંઈનો પ્રકાશ.

“હું જ્યાં જઉં ત્યાં અજવાળું પાથરી દઉં, મળસ્કે પૂર્વ દિશામાં રેલાતા રાતી ઝાંયનો પ્રકાશ છું.” ઉષા કહેતી.

“નિશાંત મારું નામરાત્રિનો અંતભાગ, કેવો યોગાનુયોગ!.મારાં અને તારાં નામમાં! કેટલાં નજીક નજીક આપણેરાત્રિનો અંત ભાગ પૂર્ણ થવા આવે અને તું પરોઢ થઈને આવે.

“આ બધી વાતો કવિતામાં જ સારી લાગે કવિ મહાશય. જીવન ઠાલી વાતો કે કવિતાથી ન જીવાય. એના માટે તો કામધંધો જોઈએ. જઠરાગ્નિ જાગે ત્યારે એમાં કવિતાનાં કાગળિયા ન હોમાય. ભલે પકવાન ન હોય તો પણ સાદું ભોજન તો જોઈશ જ.”

“કવિ બનવાના મારા ધખારા સામે ઉષાને સખત વાંધો હતો.

“અરે ભાઈ, બધું થઈ પડશે. આ સમય છે સપનાં જોવાનો. સપનાંની દુનિયામાં જીવવાનો.”

“કેમ, સપનાની દુનિયામાં ભૂખ ન લાગે? ત્યાં પરીઓનાં પ્રદેશમાં ઝાડ પર પૈસા ઊગેલા જોયા કે કોઈ પરી તારા માટે પ્રાણ પાથરીને બેઠી છે કે કવિરાજ નિશાંતકુમાર આવશે અને એમના અછોવાના કરીશું? એ બધી વાહિયાત વાતોથી વડાં ન તળાય. નાદાન ન બન. કામધંધો શોધવા માંડ.”

“કોણ જાણે દુનિયાભરના કેટલાય કવિ કે લેખકોને એણે  ભૂખે મરતા  ના જોયા હોય એમ

ઉષા અકળાતી.

“ઉષા આવી વાત કરતી ત્યારે મને બાપુ યાદ આવતાં. એ મારો  કાન જ આમળવાનું બાકી રાખતા પણ, એમના ઠપકો ભરેલા શબ્દો અને ભાષા કાન આમળવાથી જરાય ઓછાં નહોતાં.

બાપુએ મારા માટે કેટકેટલી સિફારિશ કરી હશે! ઉષાએ પણ છાપામાં નોકરી માટે જેટલી જાહેરખબર આવતી એની કાપલી કાપીને મારા હાથમાં પકડાવતી. પણ, કોને ખબર મને આવી વાતો ક્ષુલ્લક લાગતી.

“અખબારો, મેગેઝીનમાં નામ અને તસવીર સાથે કવિ, ગઝલકાર નિશાંત મહર્ષિનાં કાવ્યો વિશે ચર્ચા થતી હોય,  સાહિત્યના ઉચ્ચ એવૉર્ડ મળે અને તાળીઓના ગડગડાટની વચ્ચે હું એ સ્વીકારતો હોઉં, ચપોચપ ફ્લેશલાઇટના ઝબકાર વચ્ચે વચ્ચે કોઈ પત્રકાર માઇક મારી પાસે ધરીને, “આપ કો કૈસા લગતા હૈ” જેવા સવાલોની ઝડી વરસાવતા હોય. ઑડિયન્સમાં બેઠેલી ઉષા મને મલકતાં ચહેરે જોતી હોય. એની બાજુમાં બેઠેલાં મા-બાપુના ચહેરા પર એમના દીકરાની ખ્યાતિનું ગૌરવ છલકાતું હોય…

“આહાહા….

“બંદાએ તો તખલ્લુસ પણ વિચારી રાખ્યું હતું. –  -મહર્ષિ-

“મનમાં આવા ખયાલી પુલાવ પકવતો હોઉં  ત્યારે બાપુ આવીને કોઈ ઇન્ટર્વ્યૂ લેટર હાથમાં પકડાવતા ત્યારે ધડામ કરતો ધરતી પર પછડાતો. એ પછડાટની માંડ કળ વળે એ પહેલાં તો એક એવી પછડાટ વાગી કે જેની કળ આજ સુધી વળી નથી.

“કૉલેજનું છેલ્લું વર્ષ પૂરું થતાં જ ઉષા કોણ જાણે ક્યાં ચાલી ગઈ. જાણે ધરતી ગળી ગઈ કે અજાણી ભોમકામાં ઉતરી ગઈ! એ પછી આસમાનમાંથી સીધો જ હું ધરતી પર પટકાયો. અને પટકાવાની સાથે સીધો દોર થઈને બાપુની સિફારિશને લીધે મળેલી એરપોર્ટ પર કસ્ટમ ઑફિસરની આ એકધારી ઘરેડની નોકરીમાં જોતરાઈ ગયો.

“આજે સૌમિલ અને જ્હાનવીનાં ઘેર આવવા પાછળ મિત્રોને મળવા ઉપરાંત ઉષા વિશે જાણવાની ઉત્સુકતા હતી પણ હતી.  સમજાયું નહીં કે ઉષા વિશે સૌમિલને સાચે જ ખબર નહોતી!  અને જ્હાનવી તો જાણે અજાણ હોવાનો ડોળ કરતી હતી એવું મને લાગ્યું.  ફરી મળાય તો ઠીક અને ન મળાય તોય ઠીક જેવા ભાવ સાથે અમે છૂટાં પડ્યાં.

“થોડા વસવસા સાથે એ રવિવારી સાંજ ખતમ થઈ. ફરી સોમવારી સવારની ઘરેડ કહો કે પરેડમાં લાગી ગયો. એ પછી દિવસોમહિનાઓ પસાર થતાં રહ્યાં. અને આજે અચાનક સમયનું પાનું જાણે ઉંધી કરવટ બદલીને સામે આવી ગયું

“કહે છે ને કે સૌના સુખનાં કે દુઃખના દિવસો એક સરખા નથી હોતા. સવારની દુબાઈની ફ્લાઇટના કસ્ટમ ક્લિયરન્સ સુધી ચાલી આવતા પેસેન્જરમાં ઉષાને આવતી જોઈ.  તે ક્ષણે તો હું મારી એ સોમવારી સવારને સુખની વ્યાખ્યામાં મૂકું કે દુઃખની એ નક્કી ના કરી શક્યો કારણકે ઉષાની સાથે આદિત્ય પણ હતો.

“સાવ સામાન્ય ઔપચારિક સ્મિત આપીને ઉષાએ મને હેલ્લો કહ્યું પણ આદિત્ય તો સાચે જ ખુશ થઈ ગયો હશે એવું લાગ્યું. કસ્ટમ ક્લિયરન્સની પ્રોસેસ પૂરી થઈ. આદિત્યે એનો સેલ નંબર આપ્યો. એક દિવસ માટે એરપોર્ટની સામે ‘ધ ઉમ્મેદ’માં એ લોકો  રહ્યાં હતાં. એક બિઝનેસ ડીલ સાઇન કરીને બીજા દિવસની સવારે જયપુર જવા નીકળવાનાં હતાં. સાંજે સાથે ડિનર કરવાનું પ્રોમિસ લઈને છૂટાં પડ્યાં.

“સાંજે ‘ધ ઉમ્મેદ’ના ડાયનિંગ રૂમમાં અમારું ટેબલ બુક હતું. ઉષા આજે પણ એવી જ તાજગીભરી લાગતી હતી. પણ હા, એનાં પહેલા જેવી ચંચળતાના બદલે થોડી ગંભીરતા આવીને ગોઠવાઈ ગઈ હતી.

“પિતાની બીમારીના લીધે આદિત્યે અમદાવાદની કૉલેજ અધવચ્ચે છોડી દીધી હતી પણ જયપુર જઈને એણે ફેમિલી બિઝનેઝમાં અને પછી બે વર્ષ અમેરિકા જઈને માસ્ટર્સ કર્યું. ફેમિલી બિઝનેસની શક્ય હતી એ તમામ ઊંચાઈઓના શિખરો એણે સર કર્યા. ખૂબ ઉત્સાહથી એ વાત કરતો હતો. એની વાતોમાં આપવડાઈ નહીં પણ ખાનદાની શાલીનતા હતી.

“વચ્ચે એક બિઝનેસ કોલ આવતાં એ , “Excuse me. Will be back soon.” કહીને એ ઊભો થયો.

“એ પછી મારી અને ઉષા વચ્ચે થોડી ક્ષણો નિરવ પસાર થઈ.

“કેમ છું તું? ઉષા?  સાવ ચૂપચાપ, કોઈ કારણ આપ્યા વગર મારી જિંદગીમાંથી ચાલી ગઈ?” માંડ આટલું હું બોલી શક્યો.

“હવે એ જૂની વાતો ન ઉખેડીએ તો જ સારું નિશાંત. ઘણું સમજાવ્યો હતો તને પણ તું તારી સપનાંની દુનિયાની બહાર એક વાસ્તવિક વિશ્વ છે એ સમજવા જ માંગતો નહોતો. મારા પછી મારી નાની બહેન પણ હતી. તું સેટલ થાય ત્યાં સુધી મારાં પપ્પા રાહ જોવા તૈયાર નહોતાં. આદિત્યને હું પસંદ હતી. એ તારાં અને મારાં વિશે બધું જાણે છે, રાધર જાણતો જ હતો એટલે એની લાગણી વ્યક્ત કર્યા વિના જ એણે ખસી જવાનું પસંદ કર્યું અને બનવાકાળ એના પપ્પાની બીમારીનું ઓઠું પણ મળ્યું. એ ચૂપચાપ ચાલી નીકળ્યો. એ ખરો પ્રેમી હતો અને મિત્ર પણ એટલો જ સાચો. સૌમિલ અને જ્હાનવી પાસેથી સતત એ આપણી ખબર રાખતો હતો. પપ્પાએ જ્યારે તને છોડી દેવાનો અંતિમ નિર્ણય આપ્યો ત્યારે જ્હાનવી પાસે હું સાવ ભાંગી પડી હતી. એ મને આશ્વાસન આપવા સિવાય એ પણ કંઈ કરી શકે એમ નહોતી. બંધ આંખનો પ્રેમ અને આંખ ખૂલે એ પહેલાંના ઉતાવળા લગ્નના પરિણામ જ્હાનવી અનુભવી રહી હતી.

“આદિત્ય જેવો આપણાં જીવનમાંથી ચૂપચાપ ચાલી ગયો હતો એવો જ એક દિવસ આવીને ઊભો રહ્યો. આગળની વાતોનો ઉલ્લેખ કર્યા વગર પપ્પા પાસે મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એ દિવસથી માંડીને આજ સુધી ક્યારેય એણે અણસાર સુદ્ધાં આવવા નથી દીધો કે એ આપણાં વિશે જાણતો હતો. અને મેં એને અણસાર નથી આવવા દીધો કે જ્હાનવીએ મને બધી વાત કરી છે. ખૂબ સ્વસ્થતાથી અમે આ સંબંધ સ્વીકારીને જીવી રહ્યાં છીએ.

“કાશ, નિશાંત તું થોડો વ્યહવારું બન્યો હોત તો! હશે, આપણાં નસીબમાં જે નિર્માણ થયું હશે એ બન્યું.”

“ડિનર કરીને છૂટાં પડ્યાં ત્યારે મને નિશાંત અને આદિત્ય વચ્ચેનો ભેદ સમજાયો. નિશાંત અને આદિત્ય વચ્ચે રાત અને દિવસના સંધિકાળ સમી ઉષા હતી.

“રાત્રીના અંત ભાગ સમા મારા જીવનનો અંધકાર મારામાં જ સમેટીને હું ઊભો થયો ત્યારે આદિત્યના આવવાથી પરોઢ પહેલાંની રાતી ઝાંઈ સમો ઉજાસ ઉષાના ચહેરા પર હું અનુભવી શક્યો.

Entry filed under: નવલિકા, વાર્તા, Rajul.

સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન- ‘અજ્ઞેયજી’ લિખિત કથા- બદલા પર આધારિત ભાવાનુવાદ- ‘બદલો’ આન્યા મૃણાલ- પ્રકરણ ૧૩/ વિજય શાહ


Blog Stats

  • 144,632 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: