‘ બંધન મુક્તિ’

October 2, 2022 at 9:53 am

સોનુ……બાજુમાં ઉંઘતી સોનુને એણે પોતાની પાસે ખેંચી લેવા હાથ લંબાવ્યો. એ હાથ કોઈપણ સ્પર્શ વિના ઠાલો જ રહ્યો.

એકદમ સફાળી ચોંકીને અમિતા પથારીમાંથી બેઠી થઈ ગઈ. પરસેવે રેબઝેબ અમિતાના હ્રદયના ધબકારા તેજ થઈ ગયા હતા. એક દુઃસ્વપ્ન એણે જોયું જેનાથી એ એક ધક્કે જાણે જમીન પર પછડાઈ.

એટલામાં બહાર આભને ચીરતો, આભને ફાડીને પૃથ્વી પર ઉતરી આવવું હોય એવો વીજળીનો કડાકો થયો.

અમિતા છળી ઊઠી. સોનુ યાદ આવી ગઈ..સોનુને કેટલો ડર લાગતો આ વીજળીના કડાકાથી …એ શું કરતી હશે? એ ઊંઘતી હશે કે ઝબકીને જાગી ગઈ હશે? એ જાગી ગઈ હશે તો કેવી થરથર કાંપતી હશે? એને માનસીએ પોતાની પાસે સૂવડાવી હશે કે અલગ રૂમમાં? મનમાં સવાલોનો વંટોળ ઊઠ્યો. હાથ લંબાવીને બાજુમાં પડેલો કોર્ડલેસ ઊઠાવીને માનસીને ફોન કરવા જતી હતી અને ઘડિયાળમાં ત્રણના ટકોરા થયા. એનો હાથ એમ જ હવામાં સ્થિર થઈ ગયો. આટલી રાત્રે માનસીને ડિસટર્બ કરવાનું યોગ્ય ન લાગ્યું. માનસીની જોડે સૂતેલા ધવલની પણ ઊંઘ બગાડવાનીને? ના, એવું નથી કરવું એમ વિચારીને, મન મક્કમ રાખીને એણે સૂવા પ્રયત્ન કર્યો પણ હવે આંખોમાં ઊંઘ ક્યાં? એ પથારીમાંથી ઊઠીને બારી પાસે ગઈ.

બહાર જાણે અટકવાનું નામ જ નહીં લે એવી રીતે અનરાધાર વરસાદ વરસતો હતો અને અંદર અમિતાની આંખો.

“શા માટે એણે આવો નિર્ણય લીધો? જીવનમાં સુખ શોધવા? સલામતી શોધવા? આ સુખ એટલે શું? એક ઘર? સલામતી એટલે શું? માથે પતિ નામનું એક છત્ર? પોતાને સમાવી લે એવો પરિવાર?

ઘર તો આજે પણ હતું, સોનુ અને અમિતા.. જો બે વ્યક્તિથી પરિવાર બનતો હોય તો એનો પણ પરિવાર હતો. નહોતું તો એક માત્ર માથે પતિ નામનું સલામત છત્ર.

આમ તો રવિશને અકસ્માત ન થયો હોત તો એ છત્ર આજે પણ એના માથે હોત.

રવિશના અકસ્માત પછી બે બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા આ ફ્લેટમાં એ અને એની સોનુનું જીવન ગોઠવાતું ગયું. સોનુને ડે કેર અને એ પછી આફ્ટર કેરમાં મૂકીને એ જોબ પર જતી. જોબ પરથી સીધી સોનુને લઈને ઘરે આવતી. એ પછીનો એનો બધો જ સમય સોનુનો હતો. એને પાપા વગર સૂનું ન લાગે એવી બધી જ તકેદારી અમિતા રાખતી તેમ છતાં ક્યારેક બે વર્ષની સોનુ એના પાપાને શોધવા આખા ફ્લેટમાં ફરી વળતી ત્યારે એની નિરાશ આંખોમાં અમિતાને રવિશની ગેરહાજરી સાલતી.

સોનુ અને અમિતાને આ સૂનકારના સમયમાં સતત સાથ રહેતો, માનસી અને ધવલનો. માનસી એની પરમમિત્ર અને ધવલ રવિશનો. શનિ-રવિ કે રજાઓના દિવસોમાં હંમેશા સાથે રહેતાં, ફરતાં આ ચારમાંથી હવે ત્રણ થઈ ગયાં હતાં.

*****

હમણાં છેલ્લા બે મહિનાથી અમિતાનાં એકલવાયા જીવનમાં આકાશ આવ્યો. અમિતા કામ કરતી હતી એ બે ફ્લોરની ઓફિસમાં દરેકને મળવાનું કે દરેકને ઓળખવાનું બહુ ઓછું બનતું પણ એ દિવસે આકાશ અને અમિતા લિફ્ટમાં સાથે થઈ ગયા. બારમા ફ્લોર પર લિફ્ટ પહોંચી ત્યાં સુધીમાં હેલ્લોથી શરૂ કરીને સામાન્ય વાત થઈ. આકાશની ડેસ્ક દસમા ફ્લોર પર અને અમિતાની અગિયારમા ફ્લોર પર હતી. એકાદ બે દિવસ તો આકાશ દસમા ફ્લોર પર ઊતરી જતો પણ હવેથી એ અમિતા સાથે અગિયારમાં ફ્લોર સુધી જતો અને પછી જ નીચે જતી લિફ્ટમાં દસમા ફ્લોર પર ઊતરતો. હવે આ અનુક્રમ જળવાતો અથવા આકાશ જાળવવા પ્રયત્નશીલ રહેતો કારણકે આકાશને અમિતા ગમવા માંડી હતી. એણે અમિતા વિશે ઘણું જાણી લીધુ હતું.

આકાશના સૌજન્યપૂર્ણ વ્યહવારથી અમિતાના આળા મનને જરાક અમસ્તુ સારું લાગવા માંડ્યુ હતું.

અમિતા પણ હવે આકાશના આવવાની રાહ જોતી થઈ હતી. એને આકાશ જોડે વાતો કરવી, સમય પસાર કરવો જરા ગમવા માંડ્યો હતો. રવિશ વગરનાં સૂનાં જીવનમાં આછા અજવાળાની જેમ ફેલાવા માંડ્યો હતો.

એ જરા ગમવામાંથી મળવા સુધીની વાત હવે લગ્ન સુધી પહોંચી. માનસી અને ધવલની સમજાવટથી અમિતાએ એ નવા સંબંધનો સ્વીકાર કર્યો.

બંને જણ હવે ઓફિસની બહાર ક્યારેક એકલા તો ક્યારેક માનસી અને ધવલ સાથે મળવા માંડ્યાં.

“અમિતા, લગ્ન પછી સોનુનું શું વિચાર્યુ છે?” એક દિવસ આકાશે પૂછી લીધું.

“કેમ સોનુ તો મારી સાથે, આપણી સાથે જ રહેશે ને” અમિતાને આ સવાલથી આંચકો લાગ્યો.

“હા, પણ મારી મા અને પિતા થોડા રિજિડ છે, તારા વિશે જાણવા છતાં એમણે મારી ખુશી માટે માંડ લગ્નની હા પાડી છે…… અમિતા તું મને ગમે છે. આ તારો હાથ હાથમાં લઈને માત્ર ચાર ફેરા જ નથી ફરવા એને આખી જિંદગી હાથમાં લઈને ચાલવું છે.” આકાશ થોડો ખચકાયો પણ છેવટે જરા મક્કમ સૂરે કહી દીધું, “મમ્મી-પપ્પા આટલે સુધી માન્યા એટલું બસ નથી? એક સોનુ માટે આખી વાત અટકી જાય એવું ના કરતી અમી… પ્લીઝ.”

અમિતા માટે આ સાવ નવી વાત હતી. એ આકાશમાં માત્ર પોતાના માથે પતિનું સલામત છત્ર જ નહોતી જોતી, એ સોનુની આંખના સૂનકારમાં પણ રવિશની જગ્યાએ આકાશને જોતી હતી.

અઢી વર્ષની સોનુ માટે આકાશ રવિશ બનશે એવું એણે માની લીધુ હતું. હવે આ આકાશ તો સાવ જુદી જ વાત કરતો હતો. ઘા ખાઈ ગયેલી અમિતા એ જ પળે મદ્રાસ કાફેના ટેબલ પરથી ઊભી થઈ ગઈ અને સડસડાટ ડોર ખોલીને બહાર નીકળી ગઈ. ટેબલ પરની કૉફીના બે કપની નીચે પચાસ રૂપિયાની નોટ દબાવીને આકાશ એની પાછળ દોડ્યો.

“પ્લીઝ અમી, જરા સમજ…. મારે તને ગુમાવી નથી. તું મને ગમે છે, સાચે બહુ ગમે છે, એનો અર્થ એ નહીં કે મારે સોનુને પણ ગમાડવી. જરા વિચાર કર, ચાલ એક સમય હું મમ્મી-પપ્પાને સમજાવુય ખરો પણ મમ્મી-પપ્પા માટે સોનુ પરાઈ છે એ વાત તને એમની નજરોમાં, એમના વર્તનમાં દેખાયા કરશે એ તું સહન કરી શકીશ? ભવિષ્યમાં આપણાં બાળકો થશે તો સોનુ તરફ એમનું ઓરમાયું વર્તન……. ”

આકાશ બોલતો રહ્યો અને અમિતાએ ટેક્સી રોકી…એકપણ અક્ષર બોલ્યા વગર એ ટેક્સીમાં ગોઠવાઈ… એને રોકવા લંબાયેલો હાથ ટેક્સી ઉપડી જતા હવામાં તોળાયેલો રહી ગયો.

જો કે માનસી અને ધવલ સોનુને અડૉપ્ટ કરશે એવી ખાતરી પછી એ માંડ તૈયાર થઈ.

દિવસો જેમ પાસે આવતા હતા એમ માનસી સોનુને વધુ પોતાની પાસે રાખતી. આ સજેશન પણ આકાશનું જ હતું. હવે માનસી સોનુને ડે કેર સેન્ટરથી લઈ આવતી. સાંજ એની સાથે ગાળતી.

એક અઠવાડિયું બાકી હતું. હવેથી રાત્રે પણ સોનુને માનસી પાસે સૂવડાવવી એવું નક્કી થયું. એ સજેશન પણ આકાશનું જ હતું.

માનસીના ઘેર સોનુનો રૂમ તૈયાર થઈ રહ્યો હતો. એને ગમતા પિંક કલરની થીમવાળો બેડરૂમ, ક્લૉઝેટ પર સોનુને ગમતી બાર્બીના સ્ટિકર લાગી ગયાં.

પણ અમિતાને ખબર હતી કે સોનુને એકલા સૂવાનું નથી ગમતું. સોનુને તો હંમેશા પોતાની અને રવિશની વચ્ચે સૂવડાવી હતી. રવિશના ગયા પછી તો ક્યારેય એણે સોનુને અલગ કરી જ નહોતી…

સોનુને આ ગમશે, સોનુને તે ગમશે, સોનું શું ખાશે એની સૂચનાઓ એણે કેટલાય સમયથી માનસીને આપવા માંડી હતી. સોનુને આઈસ્ક્રીમ બહુ ભાવે છે પણ જરાય સદતો નથી હોં એટલે ક્યારેય હું એની સામે આઈસ્ક્રીમ ખાતી નથી, સોનુને હંમેશા હુંફાળું દૂધ જ ભાવે છે… સોનુને આમ, સોનુને તેમ, આવી સૂચનાઓનું લિસ્ટ લાંબુ થતું જતું હતું. સાથે આ બધુ કરવાની સાથે એ અંદરથી રહેસાતી હતી, વહેરાતી હતી.

એને આકાશ ગમતો હતો પણ સોનુ વગર આકાશ! એ કેવી રીતે શક્ય બને? સોનુ તો એનો અંશ હતી. આકાશને એ પ્રેમ કરતી પણ સોનુ તો એનું વહાલ હતી.

માનસી સોનુને અડૉપ્ટ કરશે એ નક્કી થયું ત્યારે આકાશ કેટલો ખુશ થયો હતો! મદ્રાસ કાફૅના એ ટેબલ પર બેસતાની સાથે બોલ્યો હતો, “ હવે તો તારો પ્રોબ્લેમ સૉલ્વ થઈ ગયો ને? હવે તો સોનુની ચિંતા ગઈ ને?”

“અરે, એનો અર્થ એ કે સોનુ પ્રોબ્લેમ હતી?”

આખી રાત અમિતા જાગતી રહી. બહાર શંકરની જટા જેવો ઘેરો અંધકાર છવાયેલો હતો. ગોરંભાયેલા આકાશની જેમ એના મનમાં પણ વિચારોનો ગોરંભો ઘેરાયો હતો.

રાત્રે અનરાધાર વરસ્યા પછી સવારે ખુલ્લા, ચોખ્ખા નિરભ્ર આકાશને એ તાકતી રહી. અનરાધાર વરસ્યા પછી એ પોતે પણ વિચારોના વાદળોને ખંખેરીને નિરભ્ર આકાશ જેવી બની ગઈ.

કૉફી મશીન ઑન કરીને એણે આકાશને ફોન કર્યો. “આકાશ આજે હું લિવ લેવાની છું. લંચ ટાઈમે મળીશું. રોજની જગ્યાએ” કહીને ફોન મૂકી દીધો અને કૉફી ભરેલો મગ લઈને ટેબલ પર બેઠી.

*****

આજે પણ આકાશ અમિતાના આવ્યા પહેલા આવીને ટેબલ પર ગોઠવાઈ ગયો હતો. જરા નિસ્તેજ લાગતી અમિતા આવીને એની સામે ગોઠવાઈ.

“શું વાત છે અમી, લગ્નની તૈયારી માટે આજથી લિવ પર ઊતરી કે શું?” આકાશ ખુશ હતો. સોનુની ચિંતા હવે ટળી હતી ને!

“આકાશ, સૉરી પણ હું સોનુને છોડીને નહીં આવી શકું…સોનુ વગરના જીવનનનો મારે મન કોઈ મતલબ નથી.” અમિતાનો સપાટ આવાજ સાંભળીને આકાશ સીધો જમીન પર પછડાયો હોય એમ ચોંકી ઊઠ્યો.

“અમી, આ શું બોલે છે એનું ભાન છે તને?”

“ભાનમાં તો હું હવે આવી છું આકાશ, સોનુથી અલગ મારું સુખ કે મારો સંસાર હોઈ શકે જ નહી. એના વગરના સંસારનો કોઈ સાર નથી એવું મને સાચે જ સમજાઈ ગયું છે.”

“અરે, અને આપણો પ્રેમ?”

“પ્રેમ આજે તો છે કાલની નથી ખબર પણ સોનુ તો જીવનભર…”

“મમ્મી આજે તો તને લગ્નની સાડી લેવા બોલાવાની છે. ચોથા ફેરે માથે ઓઢાડવાની ચૂંદડી પસંદ કરવાની છે.”

“મમ્મીને કહી દેજે એ સાડીનો ભાર ઝીલવા હું સક્ષમ નથી. શરતો સાથે માથે મૂકેલી એ ચૂંદડીનો મારાથી નહી ઝીલાય.”  

“અમી,

“હા આકાશ, હું માત્ર મારા સ્વાર્થે સુખી થવા નથી માંગતી. મા મટીને પત્ની બનવા નથી માંગતી. સોનુથી અલગ થઈને હું અધૂરી જ રહી જઈશ. આજે તારી સામે અમી નહીં સોનુની મમ્મી ઊભી છે. એક મા સાથે એના સંતાનને અપનાવી શકે ત્યારે આ સંબંધને નામ આપીશ તો મને ગમશે. વિચારી જો જે.

”કહીને અમિતા ઊભી થઈ ગઈ. “અને હા, એનો જવાબ પણ ત્યારે જ આપજે જ્યારે ફરી એ અંગે કોઈ સવાલ ન ઊઠે.”

આકાશ એને જોતો રહી ગયો. અમિતા એનાથી દૂર જઈ રહી હતી અને સોનુની પાસે……

રાજુલ કૌશિક

Entry filed under: નવલિકા, વાર્તા, Rajul.

આન્યા મૃણાલ- પ્રકરણ ૧૧ /વિજય શાહ ગુજરાત દર્પણ -(ન્યૂ જર્સી .યુ એસ.એ)માં પ્રસિદ્ધ દેવિકા ધ્રુવ લિખિત કાવ્ય શતદલનો આસ્વાદ.


Blog Stats

  • 144,632 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2022
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: