Archive for October, 2022
‘પ્રિય રાગ’ -રાષ્ટ્રદર્પણ (Atlanta-USA)માં પ્રસિદ્ધ વાર્તા
પ્રિય રાગ,
પ્રિય કહેવાનો કોઈ અધિકાર તો છે નહીં છતાં પ્રિય હતી અને પ્રિય રહીશ એટલે પ્રિય સિવાય અન્ય સંબોધન પણ નથી સૂઝતું.
આજે મારો આ બીજો પત્ર તને મળશે પણ હું નહીં મળુ. કદાચ મળવાનું આપણાં નસીબમાં લખાયું જ નહીં હોય નહીંતર સાવ સામેની સોસાયટીમાં રહેતાં હોઈએ અને નદીના બે કિનારાની જેમ સમાંતર વહેતાં રહેવાના બદલે ક્યાંક, ક્યારેક તો આપણું મિલન થયું હોત. ન થયું એ આપણી નિયતી હશે. પણ હંમેશાં તારી સ્મૃતિ મનમાં કૉલેજના એ પ્રથમ દિનની જેમ યથાવત રહે એ મારો નિર્ણય છે.
આજે પણ મને કૉલેજનો એ પહેલો દિવસ બરાબર યાદ છે. કૉલેજ એન્ટ્રન્સના કૉરિડૉરમાં બંને સાઇડના નોટિસબોર્ડ પર બી.એ ફર્સ્ટ ઇયરથી માંડીને ફાઇનલ ઇયરના ક્લાસની ડિટેલ મૂકાયેલી હતી. હજુ તો હું એની પર અછડતી નજર નાખું ત્યાં તું હાંફળીફાંફળી આવી. થોડા હડબડાટમાં મારી સાથેહિરેરક
“સોરી..સોરી.” બોલતી તું જરા દૂર ખસી. બસ આટલી અમસ્તી આપણી પહેલી અણધારી મુલાકાત. પણ તે સમયનો તારો થોડોમૂંઝાયેલો અને છોભીલો ચહેરો મારી સ્મૃતિમાં અકબંધ છે.
કૉલેજની અન્ય યુવતીઓ કરતાં તું અલગ હતી. સાવ સાદા ઓલ્ડ ફેશન કહેવાય એવાં કપડાં, તેલથી ભરપૂર વાળ છતાં, કશુંક તો એવું તારા ચહેરામાં હતું જે મને આકર્ષિત કરી ગયું. કદાચ ચહેરા પરની સુરખી, ગોરા ચહેરા પર હડપચીની સહેજ જ ડાબી બાજુ પરનો મોટો તલ કે પછીબોલે કે હસે ત્યારે ગાલમાં પડતાં ખંજન કે પછી મૌસમી ચેટર્જી જેવો માસૂમ ચહેરો?
ક્લાસમાં હું હંમેશાં એવી રીતે બેસતો જેથી તારી જાણ બહાર પણ સતત તને જોઈ શકું. તું કાયમ બસમાં આવતી અને હું સાયકલ પર. એક વાર સાયકલમાં પંક્ચરના લીધે મારે બસમાં કૉલેજ જવાનું થયું. તું પણ એ જ બસમાં!
અને બસ, પછી તો મારી સાયકલનું પંક્ચર ક્યારેય રિપેર થયું જ નહીં.
ક્યારેય તને કોઈનીય સાથે ઝાઝું ભળતા જોઈ જ નહોતી તો વળી મારી સાથે બોલે એવું તો હું સપનાંમાંય વિચારી શકું એમ નહોતો. રાગિણી નામ તો ઘણા સમય પછી જાણ્યું. પણ એથી શું ફરક મને પડ્યો? બસ ઇબાદતની જેમ તને ચાહી છે.
એક દિવસ તું જરા જુદી રીતે તૈયાર થઈને કૉલેજ આવી હતી. દૂરથી તને આવતી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું. હળવા પીચ રંગમાં વ્હાઇટ કૉમ્બિનેશનનાં બુટ્ટા ભરેલું પંજાબી, કાનમાં એ બુટ્ટા જેવાં જ મોતીનાં નાજુક ઝૂમખા જેવી બુટ્ટી.
એ દિવસે બસમાં તારી બાજુની સીટ પર બેસવા રીતસર ધસી ગયો હતો.
“ખૂબ સરસ લાગે છે, તું.” તારા કાન પાસે ફુસફુસાતાં સ્વરે મારાથી કહેવાઈ ગયું.
અને બાપરે! એ સમયે શરમના શેરડાથી ગુલાબી થયેલા તારા ગાલ, જાણે ચહેરા પર ગુલાલ પથરાયું.
“આજે મારી બર્થડે છે. એટલે..” બસ આટલું જ તું બોલી અને મને એવું લાગ્યું કે મારી ઇબાદતનો સ્વીકાર થયો.
સતત એક વર્ષ આ ક્રમ ચાલ્યો. આ એક વર્ષમાં એટલો ફરક પડ્યો કે ડરતાં ડરતાંય તું બસમાં મારી બાજુમાં બેસતી થઈ. અને ત્યારે જાણ્યું કે નડીયાદ જેવા નાનાં ગામમાંથી તું અમદાવાદ ભણવા આવી હતી. નાનાં ગામની છોકરી વંઠી ન જાય એવા જવાબદારીના ભાનના લીધે નાની તને જરાય છૂટ આપવાના મતના નહોતાં. કૉલેજના નિશ્ચિત સમય સિવાય તને અમસ્તીય ક્યાંય બહાર કોઈની સાથે ભળતાં જોઈ નહોતી તો કૉલેજનાં ફંકશનમાં તો તારી હાજરીની અપેક્ષા ક્યાં રખાય?
હશે, એમ તો એમ.
સોસાયટીથી થોડે દૂરના બસસ્ટેન્ડથી કૉલેજ અને કૉલેજથી પાછા એ બસસ્ટેન્ડ સુધીની ટોટલ ચાલીસ મિનિટની મુલાકાત પૂરતી છે એમ મેં મન મનાવી લીધું. સોસાયટીના બસસ્ટેન્ડ પર પણ સાવ અજાણ્યાની જેમ જ આપણે ઊભા રહેતાં અને પાછા ફરીએ ત્યારે સાવ અજાણ્યાની જેમ બસમાંથી ઉતરી જતાં.
અને સાચું કહું તો એ ક્રમ યથાવત રહ્યો હોત તો તને હું આમ સાવ અચાનક ગુમાવી ન બેઠો હોત. એક ભૂલ થઈ ગઈ મારાથી. કૉલેજની એક્ઝામ પૂરી થવાને આડે બે દિવસ બાકી હતા. કદાચ વેકેશનમાં તારેનડીયાદ જવાનું હતું. પૂરા અઢી મહિનાનો સમય મળ્યા વગર જ જવાનો હતો. બસની રોજની એ ચાલીસ મિનિટની મુસાફરીમાં જે વ્યક્ત નહોતો કરી શક્યો એ લાગણી મેં આખી રાત જાગીને પેલી ગુલાબી ચબરખીમાં ઠલવી દીધી પણ છેલ્લા દિવસે બસમાંથી ઉતરતાં તને આપવાની રહી ગઈ. સોસાયટીની ગલીમાં તું વળી ત્યાં સુધી તને જોતો ઊભો રહી ગયો જેવી તું દેખાતી બંધ થઈ કે પેલી ચબરખી યાદ આવી. કયું ઘર તારું એનીય ક્યાં ખબર હતી પણ હું થોડો બહાવરો બનીને તને એ આપવા દોડ્યો. થોડે આગળ જઈને તને રોકવા તારા નામની બૂમ મારી. અચકાઈને તું ઊભી રહી ગઈ અને મેં દોડીને એ ચબરખી તારા હાથમાં પકડાવીને આવ્યો એનાથી બમણી ઝડપે પાછો વળી ગયો. પણ હાય રે કિસ્મત..એ સમયે ત્યાં ઝાંપા પાસે ઊભેલાં નાની આ ઘટનાના સાક્ષીબન્યા એની તો ગલીના નાકે જઈને પાછી નજર કરી ત્યારે ખબર પડી.
બસ, એ દિવસ પછી કૉલેજ તો દૂર સોસાયટીના કોઈ રસ્તા પર પણ તું નજરે આવી નથી. સાત ભવ જેવા સાત સાત વર્ષ પસાર થઈ ગયાં અને અચાનક આજે તું નજર સામે આવીને ઊભી રહી….
સામે આવીને ઊભી રહી એમ તો કેવી રીતે કહું? હું એસ્કેલેટર પરથી નીચે તરફ ગતિ કરી રહ્યો હતો અને તને ઉપર આવતાં જોઈ. ફરી હૃદય એક ધબકારો ચૂકી ગયું. તને મળવાના તલસાટથી બહાવરો બની ગયો.
આજે પણ તું એવી જ લાગતી હતી જેવી કૉલેજના પ્રથમ દિવસે. હા, ચહેરા પરની માસૂમિયતની સાથે થોડી પ્રગલ્ભતા ઉમેરાઈ હતી. ચહેરો થોડો ભરાવાના લીધે હડપચી પરનો કાળો તલ વધુ સ્પષ્ટ દેખાતો હતો. એના લીધે તારું સૌંદર્ય વધુ નિખર્યું હતું. પાસે આવે ત્યારે તને બોલાવા જઉં ત્યાં આંગળી થામીને તારી સાથે જ ઉપર સરી આવતાં ગલગોટા જેવા બાળક પર નજર ગઈ. કેટલાં વહાલથી તું એની વાત સાંભળતી હતી!
અને…..અને….હું તારી નજરે ન આવું એમ આડો ફરી ગયો. તને પામવાની ઘેલછામાં ફરી તારા જીવનમાં કોઈ અણધાર્યો ઝંઝાવાત ઊભો નથી કરવો.
સતત તને મળવાના તલસાટ સાથે જીવ્યો છું. એ જ મારી નિયતી છે. એવું નથી કે તારાં વગર મારું જીવન અધૂરું છે. બે વર્ષ પહેલાં મારાં પણ લગ્ન થયાં. મારી પત્ની અનુ, ખૂબ પ્રેમાળ છે. જીવન સુખમય છે. પણ હા, મનનાં એક ખૂણામાં તું હંમેશાં ધબકતી રહી છું.
ખબર છે તને? અરે, ક્યાંથી ખબર હોય?
ગયા વર્ષે અનુએ દીકરીને જન્મ આપ્યો. જે દિવસથી અનુની પ્રેગનન્સીના સમાચાર મળ્યા એ દિવસથી મનમાં દીકરીની ઝંખના જાગી હતી. અદ્દલ તારી પ્રતિકૃતિ જેવી દીકરી. ચહેરા પરની સુરખીથી માંડીને ગોરા ચહેરા પર હડપચીની સહેજ જ ડાબી બાજુ પરનો મોટો તલ, બોલે કે હસે ત્યારે ગાલમાં પડતાં ખંજન, મૌસમી ચેટર્જી જેવો માસૂમ ચહેરો….ના……ના …મૌસમી ચેટર્જી નહીં તારા જેવો માસૂમ ચહેરો એનો હોય એવું હું વિચાર્યા કરતો. અને નામ શું આપીશ એ પણ વિચારી લીધું હતું….રાગ.
તને પણ હું રાગિણીના બદલે રાગ જ કહેતો હતો ને? ખરા અર્થમાં તારા પ્રત્યેનો રાગ, તારા માટેની આસક્તિ જે અનુભવી છે, લગભગ એવી જ પણ જરા જુદા ભાવ, જુદી પ્રીતિ અત્યારે હું મારી દીકરી રાગ માટે અનુભવી રહ્યો છું.
આજે તને જોઈને મારું મન મારા વશમાં નથી રહ્યું. એટલે જ તો આ સાત વર્ષોનો ભાર અને ભાવ અહીં ઠલવી રહ્યો છું. હા, એક વાત નિશ્ચિત છે કે નથી આ ભાવ તારા સુધી પહોંચાડવો કે નથી મારે તારા સુધી પહોંચવું. આપણી નિયતીમાં મળવાનું લખાયુ હોત તો ત્યારે કે ક્યારેય આપણે છૂટાં પડ્યાં જ ન હોત ને?
આ ક્ષણે એક વાર તને મળવાની અદમ્ય ઇચ્છા જાગી છે, અદમ્ય તલસાટનો અનુભવ થઈ રહ્યો છે.. વિચારુ છું, મળીને શું કરીશ? તારા વિનાના આ સાત વર્ષો કેવી રીતે પસાર કર્યા એ કહીશ કે તે કેવી રીતે પસાર કર્યા એ જાણીશ?
ના…ના જવા દે… કદાચ મળ્યા પછી કદાચ આ તલસાટ શમી પણ જાય પણ મારે તો સતત આ તલસાટ, તને મળવાની અદમ્ય ઝંખનાને મારામાં ધબકતાં રાખવા છે. એમ કરીને તને મારામાં ધબકતી રાખવી છે. ખરેખર તો ત્યારે તારા વગર જીવી શકાશે કે કેમ એવું લાગવા છતાં આજે પણ જીવી રહ્યો છું ને? હજુ પણ જીવી લઈશ.
બસ, આ વિચાર સાથે તને લખેલા પત્રની ગડી કરીને એના ઝીણાં..ઝીણાં, ઝીણાં…ઝીણાં ટુકડા કરીને હવામાં વિખેરી રહ્યો છું. એ ઝીણાં..ઝીણાં, વિખેરાયેલા ટુકડાને પારિજાતનાં ફૂલોની જેમ જમીન પર પથરાયેલા જોઈ રહ્યો છું.
પાછળ રેડિયો પર ગીત વાગી રહ્યું છે,
“તેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહીં, શિકવા નહીં, શિકવા નહીં…
તેરે બિના જિંદગી ભી લેકિન, જિંદગી તો નહીં, જિંદગી નહીં, જિંદગી નહીં…..
વાર્તાલેખનઃ રાજુલ કૌશિક
https://www.facebook.com/groups/923981654792931/permalink/1425836564607435/
Recent Comments