આન્યા મૃણાલ -પ્રકરણ ૮ /રાજુલ કૌશિક
મૃણાલ ઑફિસમાં પ્રવેશી ત્યારે કાચની કેબીનમાંથી દૂરથી જ કૈરવે જોઈ. પોતાની કૅબિનની નજીક આવે તે પહેલાં કૈરવ એની રિવોલ્વિંગ ચેરમાં ટટ્ટાર થયો. ટાયની નૉટ જરા સરખી કરી. સી.જી રોડની ફર્સ્ટ ફ્લોરની આ આખી એરકંડિશન ઑફિસમાંથી અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝનું સંચાલન કૈરવ કરતો આવ્યો હતો. બાજુની ઑફિસ પરની નેમ પ્લેટ પર ચીફ એડવાઇઝર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર અજય શેઠના નામની તકતી હતી. કૈરવની કેબીનની બહાર કાળી નેમ પ્લેટ પર ગોલ્ડન અક્ષરે ચેરમેન ઓફ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝની તકતી દુરથી દેખાતી હતી તેમ છતાં મૃણાલે એન્ટર થતા જમણા હાથે બેઠેલી રિસેપ્શનિસ્ટને કૈરવ માટે પૂછ્યું. મૃણાલને આવતી જોઈને કૈરવે એને સૂચના આપી દીધી હતી એ મુજબ બ્લેક સ્કર્ટ અને બ્લ્યુ શર્ટ પર બ્લેક સિલ્કનો સ્કાર્ફ ધારણ કરેલી સ્માર્ટ હસમુખી છોકરી એ આંગળી ચીંધીને મૃણાલને કૈરવની કૅબિન બતાવી. બીજી મિનિટે મૃણાલ કૈરવની ઓફિસમાં હતી અને એની પછીની દસમી મિનિટે એ એના એપોઇન્ટમેન્ટ લેટર પર સાઇન કરી રહી હતી.
પોતાનુ ધાર્યુ બીજા પાસે કરાવવાની કૈરવમાં આવડત હતી. વાતો દલીલો અને કુનેહભરી સમજાવટથી એ સૌના દિલ જીતવામાં સફળ રહેતો અને આજે પણ એ મૃણાલને સમજાવવામાં સફળ રહ્યો હતો. મૃણાલની હા પછી કૈરવે સ્ટુડિયો ઊભો કરવા માટે જે જરૂરી તૈયારીઓ કરવાની હતી એ એણે કરવા માંડી. પ્રાઇમ લોકેશન પર બે માળનો સ્ટુડિયો કરવા માટે એણે શહેરના શ્રેષ્ઠ ઇન્ટિરીયરને હાયર કર્યા હતા. નીચેના ફ્લોર પર એન્ટર થતા ડ્રેસિસનું ડિસ્પ્લે અને ઉપરના ફ્લોર પર મૃણાલની ડિઝાઇનર ઑફિસ જેમાં બેસીને મૃણાલે એની કલ્પના મુજબ એક્સક્લ્યુઝિવ ટ્રેન્ડી વસ્ત્રો ડિઝાઇન કરવાના.ફ્લોરના બાકીના હિસ્સામાં વર્કશોપ. જોતજોતામાં પ્રાઇમ લોકેશનનો આ અદ્યતન “જસ્ટ ફોર યુ” નામનો ક્લાસિક સ્ટુડિયો ટેસ્ટ ધરાવતા ક્લાયન્ટમાં હોટ ફેવરિટ બની ગયો.
કૈરવ જાણે એના પ્રોફેશનનો એક ભાગરૂપે હોય એમ સ્ટુડિયો પર અવારનવાર મુલાકાત લેતો.. શાંત અને સ્વભાવિક લાગતી મૃણાલ જોડે એ કોઈ ઉતાવળું પગલું ભરવા માંગતો નહોતો. આજ સુધી એવું જ બન્યું હતું કે કૈરવને ઓળખતી છોકરીઓ કૈરવની દોસ્તી માટે સામેથી હાથ લંબાવતી જ્યારે મૃણાલ કૈરવ સાથે પ્રોફેશનલ એપ્રોચથી આગળ વધતી જ નહોતી. અંદરથી ખૂબ ચટપટી હોવા છતાં કૈરવને ધીરજ જ રાખવી પડતી હતી. એ પણ જાણે પ્રોફેશનલ અભિગમ સાથે જ મૃણાલને મળતો હોય એવી સ્વભાવિકતા દર્શાવતો. એ પોતાની ઇમ્પ્રેશન જરાય ખરડાય એવું પગલું લેવા માંગતો નહોતો.
બે વીક, બે મહિના…અને એક દિવસ એને જરાક આગળ વધવાનો મોકો મળી ગયો. નવેમ્બરમાં દિવાળી અને એ પછી ડિસેમ્બરમાં શરૂ થતી લગ્ન સીઝનમાં કામ પુષ્કળ વધી ગયુ એક તો ટ્રેન્ડી એથ્નિક લૂક અને શો રૂમના બદલે સ્ટુડિયો કહેવાતા આ “ જસ્ટ ફોર યુ” એ તો હંગામો મચાવી દીધો. સવારે દસ વાગ્યાથી શરૂ થતો સ્ટુડિયો સાંજે આઠ વાગે બંધ થતો પણ આ દિવસો દરમ્યાન કામ ખૂબ રહેવા માંડ્યું. એન.આર.આઇની મુલાકાતો અને માંગને પહોંચી વળવા મૃણાલે પણ વધુ ને વધુ સમય આપવાનું ચાલુ કર્યુ. એ સવારે દસના બદલે આઠ વાગે પહોંચી જતી અને એની વર્કશોપની ટીમને પણ વહેલી બોલાવી લેતી. આ નિર્ણય મૃણાલે કૈરવને જાણ કરીને લીધો હતો. કૈરવ ખુશ હતો અને એની આ ખુશી તક મળે મૃણાલ પાસે વ્યક્ત કરવામાં પાછો નહોતો પડતો. આ આખાય સમયનો યશ એ મૃણાલને ચોક્કસ આપતો. એ એકલીને મળે ત્યારે અને જાહેરમાં પણ.
“જોયું મૃણાલ હું નહોતો કહેતો કે હીરાની પરખ એક ઝવેરી જ કરી જાણે? એક ફ્રેશનરના આઇડીયા યંગસ્ટર્સને જેટલા સ્પર્શે એટલા અનુભવી ઓલ્ડ ફેશન ડિઝાઇનરના ના જ ગમે..”
મિસ મૃણાલ પરથી એ ક્યારે મૃણાલ પર આવીને અટક્યો હતો? એની નોંધ તો મૃણાલે પણ નહોતી લીધી અને કૈરવ તો આવી નાની નાની બાબતને ક્યાંય બાજુમાં મૂકીને આગળ વધતો રહેતો.
“કેમ? ટ્રેન્ડી લૂક ઓલ્ડ ફેશનને જ આભારે નથી? ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ જ અભિગમ અપનાવીને તો ડિઝાઇન કરુ છું.”
“વાત તમારી ય સાચી છે અને મારી પણ. પણ એક વાત કહેવી પડશે મારે એક નવો જ ટ્રેન્ડ ઉભો કરવાનો યશ તો તમને જ આપવો જોઈએ.” ખરેખર સીઝન પત્યા પછી સ્ટુડિયોની સફળતાના માનમાં કૈરવે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ. આ પાર્ટીમાં મૃણાલથી માંડીને મેનેજર અને વર્કર સૌને એક સરખું મહત્વ આપ્યું જે મૃણાલને સ્પર્શી ગયું.
“પપ્પાએ શરૂઆતથી કહ્યું હતું કે, બિઝનેસની સફળતા માત્ર એના ફેલાવાથી માપી ન લેવાય. એનો પાયો મજબૂત હોવો જોઈએ અને આ પાયો એટલે કે ઇન્ડસ્ટ્રિમાં કામ કરતા મેનેજરથી માંડીને નાનામાં વર્કરનો સંતોષ. મેં પણ આ સિધ્ધાંત સ્વીકાર્યો છે.પપ્પાની કહેલી દરેક વાતો સોનાની લકીર જેવી છે .આ સોનાની લકીરને કેમ ટાળી શકાય? પપ્પાના અનુભવે તો હું ઘડાયો છું ને? ”
કૈરવે એક કાંકરે બે પક્ષી પાડ્યા. એક તો એ પપ્પાને એ ખૂબ માન આપે છે એ જાહેર કરીને અને એની ઇન્ડસ્ટ્રિના નાનામાં નાના વર્કરનું મહત્વ સમજે છે, એક સરખું માન આપે છે એ દર્શાવીને મૃણાલની નજરમાં ઊંચો બની ગયો. કૈરવની આ સલુકાઈ ધીમે ધીમે મૃણાલને સ્પર્શતી ગઈ અને કૈરવ માટે મૃણાલ સુધી પહોંચવાનો સુંવાળો રસ્તો બનતો ગયો.
હવે મૃણાલ કૈરવની વાતોમાં દિલચશ્પી લેતી થઈ. કૈરવની સાથે જરા છુટથી, જરા મોકળાશથી વર્તતી થઈ. કૈરવ માટે તો સોનાનો સમય હતો. ક્યારેક સ્ટુડિયો પરથી નીકળ્યા પછી કૈરવ સાથે કોફી માટે રોકાતી થઈ. ધીમે ધીમે એને પણ કૈરવ માટે એક જાતનો લગાવ ઊભો થતો ગયો જે લગ્નના પ્રસ્તાવ સુધી પહોંચ્યો.
રાજુલ કૌશિક

Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments