આન્યા મૃણાલ- પ્રકરણ/ ૭ રાજુલ કૌશિક
મૃણાલ જ્યારે બીજા દિવસે સવારે ચાર વ્યક્તિ બેસી શકે એવા કોઝી રાઉન્ડ ટેબલ પર શ્રીકાંત અને ગાયત્રી સાથે સવારની ચા અને આગલી સાંજની વાતો માણતી હતી ત્યારે શાહીબાગના ચારેબાજુ ઘટાટોપ લીલોતરીથી છવાયેલા બંગલાના દસ વ્યક્તિ બેસી શકે એટલાં વિશાળ ટેબલ પર કૈરવ માધવીબેનને એની મૃણાલ સાથેની મુલાકાતની વાત કરી રહ્યો હતો.
ગાયત્રી શ્રીકાંતનુ ઘર સાદુ પણ અત્યંત સુરૂચીપૂર્વક સજાવેલુ હતુ. ઘરના દરેક ખૂણામાં ગાયત્રીનો કલાત્મક ટચ જણાઈ આવતો હતો. ઘરનાં પ્રવેશદ્વારની જમણી બાજુએ નાનકડા ટોડલા પર પંચધાતુની એકદંત ગણપતિની કલાત્મક મૂર્તિથી શરૂ કરીને ઘરના તમામ રાચરચીલાં પર ગાયત્રીનો આર્ટિસ્ટનો ટચ દેખાઈ આવતો હતો અને વાતોમાં આત્મિયતાનો…
જ્યારે માધવીબેનના ઘરમાં……“હાસ્તો ઘર તો મારુ જ ને?” હંમેશા માધવીબેન અજયભાઈને જરા મદથી કહેતા રહેતા. આ આટલો મોટો બંગલો એમ કંઈ સચવાય છે? હું કેટલો સમય આપું છું એમાં ? આ હુંમાં રહેલા હુંકાર પાછળ કેટલા હાથ કામ કરતા? પણ આ સવાલ જ અસ્થાને હતો એ તો દરેક સમજતા હતા. રૂપિયાનો ઢગલો કરીને બેસ્ટ કહેવાતી વસ્તુઓથી ઘર ભરાયેલું હતું.
કૈરવ પણ માધવીબેન સાથે આગલી સાંજની વાતોમાં મશગૂલ હતો. આગળ પાછળની ઘણી બધી વાતો કર્યા પછી એ સીધો જ પોઇન્ટ પર આવી ગયો.“મૃણાલ મને ગમી ગઈ છે મમ્મી.”
“આ મૃણાલ કોની દીકરી છે? ક્યાં રહે છે? એના પપ્પાનું નામ અને કંઈક કામ તો હશે ને?”
“એના પપ્પા પ્રોફસર અને લેખક છે એની મમ્મી આર્ટિસ્ટ છે.” આખી રાત જાગેલા કૈરવે ટુકડા મેળવીને માહીતી એકઠી કરી હતી એ માધવીબેન પાસે ઠલવી..”
“પ્રોફેસર? કૈરવ મગજ ઠેકાણે તો છે ને તારું, તારા માટે હું કેવા કેવા ઘરની વાત વિચારી રહી છું અને તું સાવ આમ જ?”
“મમ્મી, મારે છોકરીને પરણવુ છે નહીં કે એના પપ્પાના નામને કે કામને.”
“પણ બેટા, એક વાત તો સમજ કે ક્યાં આપણુ સ્ટેટસ અને ક્યાં એ પંતુજી? અમૃત વર્ધમાન પેઢીનું નામ સાંભળ્યુ છે ને તે? એમની સલોની, રાયચંદ ફુલચંદવાળા અશોકભાઈને જાણે છે ને ? એમની અનોખી અને આવા તો હજુ બીજા કેટલાય નામ છે મારા લિસ્ટમાં જેમની સાથે તારું નામ જોડાય તો સમાજમાં તારો –આપણો મોભો કેટલો વધી જાય એ વિચાર્યુ છે?”
“એ વિચારુ છું ને એટલે જ એ મોભાવાળા જોડે જોડાવાનુ મન નથી. હું કોની જોડે જોડાઉ એનાં કરતાં મારી જોડે કોણ જોડાયું છે એ મારા માટે વધુ અગત્યનું છે અને તું જે સલોની, અનોખીની વાત કરે છે ને એ બધાને હું જાણુ છું. ચાંદીની થાળીમાં સોનાની ચમચીથી ખાતા શીખ્યા હોય, એમના કેટલા નાઝ નખરા ઉઠાવવા પડે એનો તે વિચાર કર્યો છે? અને તું આ જે આખો દિવસ મારું ઘર જેને કહે છે ને એ ઘરમાં તારું કેટલુ ચલણ રહેશે એ તેં વિચાર્યુ છે?”
કૈરવની વાત સાંભળીને માધવીબેનના કપાળમાં સળ ઉપસ્યા. કૈરવ એમનુ નબળું પાસું બરાબર પારખી ગયો હતો અને જરૂર પડે માધવીબેન સામે એ જ નબળાં પાસાંનો પોતાની રીતે સબળ ઉપયોગ કરતો થઈ ગયો હતો.“તો હવે?”
“તો હવે કઈ નહીં. હું મારો રસ્તો મારી રીતે કરી લઈશ તું માત્ર અમને પોંખવાની તૈયારી રાખજે . લક્ષ્મી ચાંદલો કરાવવા આવે ત્યારે મોંઢુ ફેરવી ના લેતી.”
અને સાચે જ કૈરવે એ દિવસથી જ મૃણાલની નજીક જવાના તમામ રસ્તા તૈયાર કરવા માંડ્યા અને મૃણાલ રાજી થાય એટલે એ રસ્તા પર લાલ જાજમ બિછાવવાની પણ મનોમન કલ્પના કરવા માંડી.
“હેલ્લો મિસ મૃણાલ, એક સવારે મૃણાલના સેલ ફોન પર એક અજાણ્યો નંબર ફ્લેશ થયો. થોડી અવઢવ સાથે મૃણાલે ફોન ઉપાડ્યો. અવઢવ એટલા માટે કે આજ સુધી એના સેલ પર લગભગ જાણીતા નામ જ ફ્લેશ થતા એટલે અજાણ્યો નંબર જોઈને એ ખચકાઈ તેમ છતાં એણે ફોન ઉપાડ્યો કેમકે હવે એ પોતે પોતાના ભવિષ્યની રૂપરેખા નક્કી કરવાની દિશામાં હતી. એના માટે સૌથી વાસ્તવિક પગલું એ લાગ્યું કે શરૂઆતથી જ પોતાનો ડિઝાઇનર સ્ટુડિયો કરવાના બદલે કોઈ એસ્ટાબ્લિશ બૂટિક સાથે કામ કરવું. એવી માનસિક તૈયારી સાથે એણે પોતાનો સી.વી કેટલાક બૂટિકમાં આપી રાખ્યો હતો. નિફ્ટની આ વર્ષની બેસ્ટ સ્ટુડન્ટમાં કોને રસ ન હોય? અંશુ ,ફેમિના, ફેબ ઇન્ડિયા, કવિશ, આશિમા, આઇના,અનોખી, અનુશ્રી, ફેશન ઑટોગ્રાફ, સ્પાન જેવા બૂટિકમાંથી એને અત્યંત ઉમળકાભેર આવકાર પણ મળ્યો હતો. હવે એણે નક્કી કરવાનું હતું કે એ કોની સાથે જોડાશે. આ દરમ્યાન ભણવામાં વ્યસ્ત હોવાના લીધે જે જન્મજાત આવડત હતી એ થોડો સમય આઘી ઠેલાઈ ગઈ હતી એની પર ધ્યાન પોરવ્યું હતું. સ્કેચ ,ઓઇલ પેન્ટિંગ ફરી એકવાર શરૂ કર્યુ હતું.
“કૈરવ હીયર, ઓળખાણ પડી? ઝાઝી ઔપચારિકતા મૂકીને એ સીધો જ મુદ્દા પર આવી ગયો. આમ પણ વાતની શરૂઆત કરવાથી વાત પોતાના હાથમાં રહે એવું એ માનતો. એને જે કહેવુ હોય એ કહી દીધા પછી જ બીજાની વાત સાંભળવાનો સ્વભાવ થઈ ગયો હતો.
“અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન કૈરવ શેઠને ભૂલી તો નહીં જ ગયા હો એમ માની લઉ છું.”
“યસ, વેરી મચ રાઇટ. આમ તો હું એવી સાવ ભુલકણી પણ નથી. એકવાર ઓળખાણ થાય પછી થોડો સમય તો જરૂર યાદ રહે છે, મને અને આપણને મળ્યાને લાંબો ટાઇમ નથી થયો.”
“ઓહ ! સો નાઇસ ઓફ યુ! અજય ટેક્સ્ટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝ આજ સુધી એમના પોતાના બ્રાન્ડ નેમ સાથે પોતાની પ્રોડક્ટ માર્કેટમાં મૂકે જ છે પણ હવે વિચારે છે કે એક એવો સ્ટુડિયો ઉભો કરવો જે આજ સુધી કોઈએ જોયો ન હોય. નો કેઝ્યુઅલ વેર. જસ્ટ પાર્ટી વેઅર વિથ એથ્નિક લૂક ફોર યુ. ઓન્લી વીથ ટ્રેન્ડી લુક પાર્ટી વેર, ઇવનિંગ ગાઉન, બ્રાઇડલ એન્ડ વ્હોટ એવર યુ સે.”
“હું શું કહું? તમારો સ્ટુડીયો છે તમને જે આઇડીયા આવે એમાં મારે શું કહેવાનું હોય?’
“કેમ? આ સ્ટુડીયોના ફેશન ડિઝાઇનરને પૂરો હક છે કહેવાનો અને ધાર્યુ કરવાનો.”
“……ફેશન ડિઝાઇનર?”
“યસ મિસ મૃણાલ શ્રોફ, આ અદ્યતન ડિઝાઇનર સ્ટુડિયોના હેડ ડિઝાઇનર તમે હો તો તમને પૂરો હક છે કશું પણ સજેસ્ટ કરવાનો.” રોકેટ ઝડપે કૈરવ આગળ વધતો હતો અને મૃણાલ ઠંડી પડતી જતી હતી. ડિઝાઇનર સ્ટુડિયો તો મૃણાલનું સપનું હતું. ક્યાં અને કેવી રીતે આગળ વધવુ એ વિચારે એ પહેલા જ કૈરવ જાણે જાદુઈ ચિરાગ લઈને સામે ઉભો હતો. કોઈ કહે કે “માંગ માંગ માંગે એ આપુ” અને માંગનારની બોલતી જ બંધ થઈ જાય એવી સ્થિતિમાં આવીને મૃણાલ ઉભી
.“જી?”
“આ “જી” તમારી તકિયા કલમ છે? ‘અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝ’ નિફ્ટના બેસ્ટ સ્ટુડન્ટ મિસ મૃણાલને આ સ્ટુડિયોના હેડ ડિઝાઇનર તરીકે એપોઇંન્ટ કરે છે. કાલે તમને લેટર મળી જશે.”
“પણ હજુ તો મને એવો કોઈ અનુભવ નથી. મારે હજુ થોડી પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ લેવી છે અને આમ સીધા જ હેડ ડિઝાઇનર તરીકે ?”
“હીરાની પરખ ઝવેરી જ કરી જાણે છે. ‘અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝ’ પાસે આ નજર છે મેડમ. અનુભવમાંથી તો અનુભવીઓ મળે પણ એ તાજગી મારે ક્યાંથી લાવવી જે એક ફ્રેશનરમાં હોય? રેમ્પ વોક દરમ્યાન મેં તમારું કામ જોયું છે. મને પસંદ પડ્યું છે એટલે તો આટલા ટૂંકા ગાળમાં હું નિર્ણય લઈ શક્યો છું.”
“ મને વિચારવાનો તો સમય આપો.”
“હવે આમાં વિચારવા જેવુ શું છે મિસ મૃણાલ ? તમારી જગ્યાએ જો બીજુ કોઈ હોત તો આ ક્ષણે મારી ઑફિસમાં હોત.”અને સાચે જ બીજા દિવસે મૃણાલ કૈરવની ઑફિસમાં હતી.
કૈરવે એને સમય જ ક્યાં આપ્યો હતો? એ ફોન પર વાત કરતો હતો એ દરમ્યાનમાં તો મૃણાલના ઘરની વિન્ડ ચાઇમ જેવી ડોર બેલ રણકી ઊઠી અને સામે હાથમાં સરસ મઝાના કવરમાં મૃણાલનો એપોઇંન્ટમેન્ટ લેટર લઈને કૈરવની ઑફિસનો માણસ ઊભો હતો. એ સમયે તો મૃણાલે એ કવર લઈ લીધું અને પેલા માણસને રવાના કરી દીધો પણ બીજા દિવસે એ જાતે જ એપોઇંન્ટમેન્ટ લેટર લઈને કૈરવની પહોંચી. ઠાલા હાથે પાછા આવેલા માણસને જોઈને કૈરવ સહેજ ભોંઠો તો પડ્યો હતો પણ અંદરથી એ મુસ્તાક હતો કે આજે નહીં તો કાલે મૃણાલ એની સામે એની ચેમ્બરમાં જરૂર હશે.
સાંજે પપ્પા અને મમ્મી સાથે વાત કર્યા પછી મૃણાલે નિર્ણય લીધો હતો કે એ એકવાર તો કૈરવને મળશે જ. શ્રીકાંતનુ માનવુ હતુ કે જે કોઈ નિર્ણય મૃણાલ લે એ એનો પોતાનો હોવો જોઈએ. સાથે નવી તકને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ હોવો જોઇએ. એ આત્મવિશ્વાસ હોય તો દુનિયાના કોઈ પણ ખૂણે જઈને ઊભી રહેશે તો એને વાંધો નહી આવે. અનુભવ તો અનુભવે જ મળે ને? એના માટે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડે. આમ પણ મૃણાલ જે કોઈ ડિઝાઇનર સ્ટુડિયો સાથે જોડાત તો એ એની શરૂઆત જ હોત ને? ગાયત્રીએ મૌન રહીને શ્રીકાંતની વાતને સંમતિ આપી.. આમ પણ ફેશન શોના સાંજની મૃણાલની વાતમાં કૈરવનો ઉલ્લેખ તો બંને એ સાંભળ્યો જ હતો પણ આટલી જલદી આમ મૃણાલને તક મળશે એવી તો કલ્પના ત્રણમાંથી કોઈને ય નહોતો.
આગળ ભવિષ્યમાં ય આ પ્રસ્તાવ કે આ તક ક્યાં જઈને ઉભી રહેશે એની ય કલ્પનાય એ ત્રણમાંથી ક્યાં કોઈને હતી?
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments