‘પ્રિય આકાશ’
પ્રિય આકાશ,
“लिखे जो खत तुझे , वो तेरी याद में हजारो रंग के नझारे बन गये,
सवेरा जब हुआ तो फूल बन गये, जो रात आइ तो सितारे बन गये……
કેટલાય વર્ષો પહેલાંનું આ ગીત…..! આજે કેમ યાદ આવ્યું એ કહું તને?
“આજે તને આ પત્ર લખવા બેઠી ત્યારે વિચાર આવ્યો કે તને લખેલા પત્રો સાચવ્યા હોત અથવા કમ સે કમ એની સંખ્યા લખી કે નોંધી રાખી હોત તો એ આંકડો ક્યાંને ક્યાં પહોંચ્યો હોત! બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે શું ફરક પડ્યો તને કે મને?
“અને એની સાથે જ આ ગીત યાદ આવ્યું. સાચે, એમ જ બન્યું હશે. તને લખેલો એક એક પત્ર દિવસે ફૂલ બનીને મહોર્યો હશે અને રાત્રે અસંખ્ય તારાની સાથે જઈને ગોઠવાઈ ગયો હશે નહીં?
“આકાશ, સાચું કહું તો કોઈ પણ સમયે, કોઈ પણ રીતે સતત મારી સાથે ને સાથે રહેવાની તારી આ રીત મને બહુ ગમે છે. ક્યાંય, ક્યારેય, કશેય પણ તું મને એકલી પડવા ન દે એ જ તારી વાત મને બહુ વહાલી લાગે છે.
“જ્યારે તું મળે ત્યારે તારી મળવાની રીત જ કંઈક નવી અને સાવ અનોખી. હંમેશાં મારા મિજાજ, મારા મૂડને તેં બરાબર ઝીલ્યો છે એટલું જ નહીં મારા મૂડ અને મિજાજના રંગમાં રંગાવું તને ગમ્યું હોય એવી પ્રતીતિ કરાવી છે કે પછી તારા મૂડ અને મિજાજની છાયા મારા મન પર ઝીલાઈ છે? નક્કી કરવું મુશ્કેલ છે પણ અંતે તો હેમનું હેમ જ ને! હું જીવ ને તું શિવ, અંતે તો એકરૂપ જ આપણે…
“આપણે પહેલી વાર ક્યારે મળ્યાં એ વિચારું છું તો લાગે છે કે આપણે ક્યારે નથી મળ્યાં? આપણી દોસ્તી થયા પછી એકે દિવસ મળ્યા વગર ખાલી નથી ગયો. દોસ્તીના એ પહેલા દિવસથી આજ સુધી ઘણી બધી વાતો તારી સાથે કરી છે. મારી બધી જ વાતોમાં તને પૂરેપૂરો રસ અને એટલે જ આજે પણ કરવી ગમે છે.
“આજે અમારી મેરેજ ઍનિવર્સરિ છે. સાંજે વહેલા બહાર નીકળીને ડિનર બહાર કરીશું એવું સુદીપે કહ્યું તો છે, અને એટલે જ અત્યારે સાવ નિરાંત છે. નિરાંત હોય ત્યારે તારી સાથે વાતો કરવાની તક છોડાય?
“અરે હા, આ મેરેજ ઍનિવર્સરિની વાતે યાદ આવ્યું. એ દિવસ કેવી રીતે ભૂલાય, જ્યારે સુદીપ મને જોવા આવ્યા હતા? જાણે કોઈ કાયમ માટે આપણને જુદા પાડી દેવાનું હોય એમ કેવો તો તારો તોબરો ચઢી ગયો હતો? જાણે શ્યામલ શાહી ઢળી એવા દિદાર સાથે એ ક્ષણે તો તું ગુમસૂમ ….
“જો કે સુદીપને જોઈને તું રાજી રાજી. અને પછી તો જાણે તારા પર આનંદનો ગુલાલી રંગ છલકાયો.
“સાચે જ આકાશ, ઘણી વાર વિચારું તો એમ થાય છે કે કશું પામ્યા વગર, પામવાની ઇચ્છા સુદ્ધાં રાખ્યા વગર માત્ર આપ્યા કરવાની એ તારી ટેવ કેવી! હું કંઈક કહેતી હોઉં ત્યારે એક ધ્યાને કશું જ બોલ્યા વગર માત્ર મને સાંભળ્યા કરવાની તારી એ ટેવ પણ કેવી !
“જાણે અજાણે તારી અને સુદીપની સરખામણી થઈ જ જાય છે. તું મારી બધી વાત નિરાંતે સાંભળે. સુદીપ પણ સાંભળે તો છે જ પણ ક્યારેક એવું લાગે કે એ તો પોતાનામાં જ મસ્ત છે. મને ખબર પણ નથી પડતી કે સાચે જ મેં જે કહ્યું એ સાંભળ્યું તો હશે ને? હું વાત કરતી હોઉં ત્યારે સામે જોઈને સાંભળવાના બદલે નજર અને ધ્યાન હાથમાં રહેલી ફાઇલમાં ખૂંપેલું હોય. ઘણી વાર એવું બને કે મારી વાત એમના મન સુધી પહોંચી જ ન હોય. મને એવું ગમે કે હું વાત કરું ત્યારે તારી જેમ એ પણ મારી સામે જોઈને વાત સાંભળે. પણ ખેર, જવા દે.. મારી ઇચ્છાથી શું થાય?
“સુદિપ પહેલેથી જ કેટલા મહત્વકાંક્ષી, ઉત્સાહી છે એ હવે તો તું પણ જાણે છે. બિઝનેસ સેટ અપ કરવાથી માંડીને સેટ અપ બિઝનેસને કેવી રીતે, કઈ ઊંચાઈએ લઈ જવો એ એમનું ધ્યેય. અઢાર અઢાર કલાક કામ કર્યા પછી પણ થાકતા નથી. ક્યારેક એવું લાગે કે આવી વ્યક્તિને ચોવીસ કલાકના બદલે બીજા ગમે એટલા કલાક વધારે મળે તો પણ ઓછા જ પડે. એક પ્રોજેક્ટ હાથમાં લીધો હોય એ પૂર્ણતાના આરે પહોંચડાવાના એમના ઉત્સાહને તો સલામ. પણ એ પ્રોજેક્ટ સફળ થાય પછી? પછી શું વળી, પછી બીજો પ્રોજેક્ટ. પછી ત્રીજો. ચોથો, પાંચમો…… કંઈક નવું કરવાની, જ્યાં છે ત્યાંથી વધુ આગળ પહોંચવાની અવિરત ઝંખના મેં સુદીપમાં જોઈ છે. એમને અનેક લોકો સુધી પહોંચવું છે. મને એક પરિઘમાં રહેવું ગમે છે. સુદીપને પરિઘની સીમાઓ નડે છે. એ પરિઘની બહારની નવી નવી ક્ષિતિજો આંબવી છે.
“ક્યાં સુધી આમ ચાલશે? ખબર નહીં. ૨૫ વર્ષની ઉંમરે આ જોશ સ્વાભાવિક છે પણ ૫૨ વર્ષની ઉંમરે પણ આમ વણથંભી કૂચ?
“અરે ભાઈ! જે મેળવ્યું છે, જે મળ્યું છે એને માણવાનો સમય તો માણસ પાસે હોવો જોઈને ને?
“અને આ લૉક ડાઉન પછી ઘરમાં ઑફિસ બનાવી કે પછી ઘરને ઑફિસ બનાવી છે એ સમજાતું નથી. પહેલાં તો ઑફિસે જાય ત્યાં સુધીનો સમય એ ઘરમાં છે એવો અહેસાસ થતો. ઑફિસે જવા નીકળે ત્યારે ક્યાંય સુધી હું બારસાખને ટેકે ઊભી રહેતી. એક ખાતરી સાથે કે કશું ભૂલ્યાના નિમિત્તે સુદીપ હમણાં જ વળતી ટપાલે પાછા આવશે.
“હવે છે તો ઘરમાં છે એટલે કશું ભૂલ્યાનાં નિમિત્તની ક્યાં જરૂર? ઑફિસ તો જવાનું નથી એટલે જમીને ઊભા થયા નથી કે કાચી સેકંડમાં સીધા જ ફાઇલોની પવનપાવડીએ દેશાટને નીકળી ગયા હોય. મારે શોધવા ક્યાં? સમજણ નથી પડતી કે આવી અને આટલી વ્યસ્તતા કેમ? પોતાના માટે પણ સમય આપતા શીખવું જોઈએ ને!
“જ્યારે તારી અને મારી પ્રકૃતિ સાવ સરખી. જ્યાં, જ્યારે હોઈએ ત્યારે આગળ હવે શું એ વિચાર્યા વગર એ ક્ષણને થોડીક વાર માણી લેવી ગમે છે. ક્યારેક સ્મૃતિનો પટારો ખોલીને જૂની વાતો યાદ કરવી ગમે છે. ક્યારેક કશુંય ન કર્યાનો પ્રચંડ આનંદ માણવો ગમે છે.
“અને એટલે જ મને તું ગમે છે. જો ને આટલી વાત કરી પણ તું કેવી શાંતિથી સાંભળે છે!
“કેટલીય વાર મારી તારી દોસ્તીની એ પહેલી રાત યાદ કરું છું અને આનંદી ઊઠું છું.
“પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ. મુંબઈથી બેંગલોર બદલી થઈ ત્યારે હું આઠ કે દસ વર્ષની હોઈશ. ઘરથી માંડીને સ્કૂલ ફ્રેન્ડ્સ સુદ્ધાં બદલાઈ જવાના હતા. વરલી સી ફેસ પરના એ એપાર્ટમેન્ટમાં તો મિત્રોનું કેવું સરસ ગ્રુપ હતું!
“બેંગલોર આવ્યાં ત્યારે સરસ મઝાની સોસાયટીવાળું એ ઘર સારું જ હતું પણ હજુ કશું મારું ક્યાં હતું? મારું તો હું કેટલુંય પાછળ છોડીને આવી હતી. અહીં તો સાવ એકલી….હું રડી પડી હતી.
“અને મમ્મી હાથ પકડીને મને બહાર લઈ આવી. તેં કેટલાય મિત્રોની સાથે ગોઠડી માંડી હતી એ તરફ મમ્મીએ આંગળી ચીંધીને તારી ઓળખાણ કરાવી. અને તેં, તારા આખા મિત્રમંડળ સાથે ઓળખ કરાવી દીધી.
“બસ એ દિવસથી તેં મને ક્યારેય એકલી પડવા નથી દીધી. સુદીપ સાથે લગ્ન કરીને અમેરિકાની વાટ પકડી ત્યારે પણ થયું કે, હવે ફરી તારા વગર હું એકલી? પણ ના, તેં તો હંમેશા મારો સાથ સાચવી જાણ્યો. રન વે પરથી ફ્લાઇટ ટેક ઑફ થઈ. મને હંમેશાં ફ્લાઇટની વિન્ડો સીટ જ ગમે. ટેક ઑફ થતી ફ્લાઇટમાંથી બેંગલોર પાછળ છૂટી રહ્યું હતું. સુદીપને તો ફ્લાઇટમાં સરસ મઝાની ઊંઘ આવે એટલે સૌ જરાતરા ગોઠવાયા અને એ તો મસ્ત મઝાના નિંદ્રાદેવીના આગોશમાં…
“સુદીપને ઊંઘતા જોઈને મુંબઈથી બેંગલોર આવી ત્યારે એકલતાનો જે ભય મનમાં હતો એ છૂપો ભય મને ફરી ઘેરી વળ્યો. આંખમાં ઝળઝળિયાં આવ્યાં. ક્ષણાર્ધ માટે આંખ બંધ કરીને પાછળ છૂટતાં જતાં શહેરને મન ભરીને જોવા આંખો ખોલી તો સામે તું…..
“તારાં આખે આખા મિત્રવૃંદની સાથે.
“મમ્મીએ પરિચય કરાવ્યો ત્યારે પણ તું તારા એ સપ્તર્ષિ, ચમકતું સ્મિત રેલાવતા ધ્રુવનો તારો, રિસાઈને દૂર નાસી જતા દોસ્ત જેવો પેલો ખરતો તારો, બીજનો ચંદ્ર તારી હથેળીમાં લઈને મને આવકારતો હતો, બસ એમ જ એ રાત્રે પણ ફ્લાઇટની વિન્ડો સીટની બહાર તારા એ સમસ્ત નભોમંડળના વિસ્તારને લઈને મારી આંખની સામે…
“આહ! હાંશ થઈ હતી મને. હું વળી એકલી છું જ ક્યાં?
“નાની હતી ત્યારે તો નહોતું સમજાયું પણ આજે સમજાય છે કે પેલી નાનકડી મીરાંને કૃષ્ણની મૂર્તિમાં આજીવન સખા મળી ગયા હતા એમ મને પણ મમ્મીએ તારા સ્વરૂપે મને આજીવન સખાની ઓળખ કરાવી.
“થેન્ક યુ મમ્મી..
અને ચાલ હવે હું અહીંથી જ વિરમું…. કાલે ફરી મળીશ જ તો…
લિ.
રાજુલ કૌશિક

Recent Comments