Archive for September, 2022
સન્નાટાને પેલે પાર’
“હજુ પણ નીરજ તારે મમ્મીને પૂછીને જ પાણી પીવું પડે અને એ કહે એ ખાવું જ પડે ? ક્યાં સુધી? ગ્રો અપ મેન ગ્રો અપ….અને મમ્મી તમારે પણ નીરજને સલાહ આપવી જ પડે? એ હવે સાત વર્ષનો નાનો કીકો નથી રહ્યો આવતા મહીને એ સત્યાવીશ પણ પૂરા કરશે.” અને ધડામ કરતી ડાઇનિંગ ચેર ધકેલીને નિરાલી ઊભી થઈને એના બેડરૂમમાં ચાલી ગઈ.
કાપો તો લોહીના નીકળે એવી દશામાં સ્તબ્ધ અનુબેન અને ક્રોધમાં રાતોપીળો નીરજ થોડી ક્ષણો તો એમ જ ડાઇનિંગ ચેર પર બેસી રહ્યા. ખાવાની ઇચ્છા તો સૌની મરી પરવારી હતી. નીરજ અનુબેન સામે હવે પળવાર પણ બેસી શકે એમ નહોતો કે નહોતી રહી બેડરૂમમાં જવાની ઇચ્છા. એણે જઈને ડ્રોઇંગરૂમના સોફા પર પડતું નાખ્યું. થોડીવાર એમ જ સ્તબ્ધ અવસ્થામાં બેસી રહેલા અનુબેનને કળ વળી એટલે ઉભા થઈને ડાઇનિંગ ટેબલ પરથી બધું સમેટીને એ પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
ઘરનાં નિરવ-નિસ્તબ્ધ વાતાવરણમાં ઘડિયાળની ટીક ટીક સિવાય બીજો કોઈ અવાજ નહોતો. અનુબેનના મનમાં ઊમટેલા વિચારોનાં વાવાઝોડા કે હ્રદયમાં ઉઠેલી આક્રોશની આંધીને આંખમાંથી વહેતા અનરાધાર આંસુ પણ શમાવી શકે તેમ નહોતા.
વાત જાણે એમ હતી કે નીરજ હમણાં થોડા સમયની માંદગીમાંથી ઉભો થયો હતો પરંતુ પૂરેપૂરો સ્વસ્થ થયો નહોતો. એની શરદી અને ખાંસી જરાય ઓછી થઈ નહોતી. આ પ્રોબ્લેમ તો એ નાનો હતો ત્યારથી જ રહેતો. ક્યારેક માંદો પડે તો એ પછી એની શરદી ખાંસી જલદી મટવાનું નામ લેતા નહોતા. ત્યારે પણ અનુબેન એને દૂધમાં હળદર સાથે સહેજ અમસ્તુ ઘી નાખીને કઢો બનાવી આપતા. નીરજને એ ભાવતો પણ ખરો અને એનાથી એને રાહત પણ રહેતી. આજે નિરાલીએ બિરયાની અને દાલ ફ્રાય બનાવી હતી. બની હતી ખૂબ ટેસ્ટી પણ નીરજનું ગળું છોલાતું હતુ એટલે એ ખાઈ શકતો નહોતો. હંમેશની જેમ આજે પણ અનુબેને હળદરવાળા દૂધનો કઢો પીવા માટે પૂછ્યું અને નીરજે હા
પાડી. બસ નીરજની આ હા સાથે જ નિરાલીનો ગુસ્સો ગયો અને ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું.
આનંદ, અનુરાધાનો સરસ મઝાનો સુખી પરિવાર હતો. એમાં નીરજનાં આગમનથી આ નાનકડા પરિવારમાં સુખનો ઉમેરો થયો. ભારે લાડકોડથી આનંદ અને અનુરાધાએ નીરજને ઉછેર્યો. આનંદ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો અને અનુરાધા હાયર સ્કૂલની ટીચર પરંતુ નીરજનું બાળપણ ના રોળાય એના માટે અનુરાધાએ વર્ષો જૂની પોતાની જોબ પર થોડા સમય માટે અલ્પવિરામ મૂકી દીધું. નીરજ પ્લે ગૃપમાં જતો થયો ત્યારે એનાં સ્કૂલના સમય દરમ્યાન અનુરાધાએ ઘેર પ્રાઇવેટ ટ્યુશન શરૂ કર્યા. અનુરાધાએ સ્કૂલમાં જે શાખ જમાવી હતી એવી જ શાખ એને ટ્યુશનમાં જમાવતા જરાય વાર ના લાગી.
નીરજ માત્ર સાત વર્ષનો હતો અને સાવ જ ટૂંકી માંદગીમાં આનંદ આ પરિવારને અધૂરો મુકીને ચાલી નીકળ્યો.
અનુરાધા માટે કપરો સમય હતો. એને એની પોતાની જાત સંભાળવાની હતી અને એના કરતાંય નીરજને પપ્પાની ખોટ ન સાલે એવી તકેદારી લેવાની હતી.
ક્યારેક કોઈ અનુરાધાને પુછતું કે આ જવાબદારીનો ભાર કેવી રીતે નિભાવી શકીશ. હજુ ઉંમર છે કોઈનો પણ સાથ મળી રહેશે અને નીરજને પિતાની છત્રછાયા મળી રહેશે. અનુરાધા હસીને વાત ટાળી દેતી. એ કહેતી કે આ તો મારા બાળ ઠાકોર છે, મારો લાડકવાયો લાલો છે. લાલજીની સેવાનો ક્યારેય ભાર હોય?
નીરજ મોટો થતો ગયો એમ મા-દીકરા વચ્ચેના સંબંધનો સેતુ સમજ અને સ્નેહથી વધુ સબળ બન્યો. નીરજે પોતાની માની મમતા જ નહીં એકલતા પણ જોઈ હતી. એ નાનો હતો ત્યારે ક્યારેય એની મમ્મી એને એકલો મૂકીને ક્યાંય ગઈ જ નહોતી. અનુરાધા અને
આનંદનું મિત્ર વર્તુળ સરસ હતું પણ જ્યાં નીરજ માટે એના જેવી કોઈ કંપની ના હોય ત્યાં અનુરાધા જવાનું ટાળતી. જેમ જેમ નીરજ મોટો થતો ગયો, અનુરાધાના મનમાં એક આશા ઉગતી ગઈ. નીરજને વરાવવાની, એમના મનમાં આઘરમાં કંકુના પગલા પાડનારીને પોંખવાની આતુરતા વધતી ગઈ પરંતુ નીરજના મનમાં એક વાત તો નિશ્ચિત હતી કે એ એવી યુવતી જોડે જ પરણશે કે જે આ નાનકડા પરિવારનો હિસ્સો બનીને રહે. નીરજ અને મમ્મી વચ્ચેના સ્નેહની કડી બની રહે.
******
એમ તો નીરજને પણ મન્વિતા ગમી જ ગઈ હતી ને? કૉલેજમાં અન્યના પ્રમાણમાં થોડો અલગ પડતો નીરજ એની શાંત પ્રકૃતિ અને કુશાગ્ર બુદ્ધિનાં લીધે સૌનું ધ્યાન ખેંચતો પણ એનું ધ્યાન ખેંચાયુ મન્વિતા તરફ. કૉલેજની કલ્ચરલ ઍક્ટિવિટીમાં આગળ પડતો ભાગ ધરાવતી મન્વિતા હંમેશા વક્તૃત્વ સ્પર્ધામાં એના સ્પષ્ટ વિચારો અને ધારદાર વાણીના લીધે પ્રથમ ઈનામ લઈ આવતી. નીરજને મન્વિતા ગમવા માંડી હતી. પોતાની લાગણીનો એકરાર કરવાનો વિચાર કેટલીય વાર આવી ગયો હશે. પરંતુ મન્વિતાનો પ્રતિસાદ કેવો હશે એની અવઢવમાં એ પાછો પડતો.
આ વર્ષે પણ કૉલેજની વક્તૃત્વ સ્પર્ધામાં મન્વિતા પ્રથમ આવી હતી. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબને સાંકળતી આ સ્પર્ધામાં મન્વિતાએ વિભક્ત કુટુંબની તરફેણમાં અત્યંત સચોટ રીતે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. વર્તમાન સમાજને અનુલક્ષીને કરવામાં આવેલી દલીલોના લીધે મન્વિતાએ આ સ્પર્ધા જીતી લીધી હતી. નામ જાહેર થતા મન્વિતા જે મગરૂર ચાલે સ્ટેજ તરફ ડગ માંડતી હતી એ ક્ષણે જ નિરજે એના મનની મહેલાતો કડડભૂસ થતી જોઈ. મન્વિતાનું એક એક કદમ નીરજને એનાથી દૂર ધકેલતું જતું હતું. જે વ્યક્તિ પોતાના વિચારોમાં આટલી સ્પષ્ટ હોય એ નીરજ અને અનુબેનના નાનકડા પરિવારને પણ કેવી રીતે સ્વીકારી શકવાની હતી? અને હાથમાં ટ્રોફી સાથે વિજયી સ્મિત આપતી મન્વિતાના નામનું પાનુ નિરજે ક્ષણવારમાં સંકેલી લીધું.
“દિપકભાઇની નાની દીકરી નિરાલી કેવી?” એક દિવસ સવારે ચા પીતા અનુરાધાએ સવાલ કર્યો?
દિપકભાઈ અને આનંદ બંને એક જ પ્રોફેશનમાં એટલે વર્ષો જૂની ઓળખાણ હતી જ. જો કે આનંદના અવસાન પછી એમને મળવાનું ભાગ્યેજ થયું હશે. નીરજ માટે આ દિપકભાઈની નિરાલીનું માંગુ આવ્યું હતું. અનુરાધાએ પોતાની રીતે બધી તપાસ કરી લીધી હતી. પરિવાર માટે તો કશું જ કહેવાપણું હતું નહી. મોટી દીકરી નિતી સંયુક્ત પરિવારમાં પરણાવી હતી. નાનકડા કુટુંબની એ નિતી એ ભર્યા ઘરમાં દૂધમાં સાકર ભળે એવી સરસ રીતે સમાઈ ગઈ હતી. સૌને પોતાના કરીને રહી હતી. આજે નિતીનું એના પરિવારમાં માનભર્યુ સ્થાન હતું. માતા-પિતાના સંસ્કાર દિપાવ્યા હતા. અનુરાધાને આ જ જોઈતું હતું. મોટી બહેનનું જોઈને નાની પણ એવું જ શીખશે ને? નિતીની જેમ નિરાલી પણ આ ઘરને, આ પરિવારને પોતાને કરીને રહેશે. અને નીતિની જેમ નિરાલીને ક્યાં સાત-પાંચ જણને સાચવવાના છે? ઘરમાં નિરાલી આવશે તો દીકરીની ખોટ પણ પૂરી થશે.
પણ આજે અનુરાધાને લાગ્યું કે ઘરડા કહીને ગયા છે ને કે પાંચે આંગળીઓ ક્યાં સરખી હોય છે ?
આ ઘરની આટલા વર્ષોની શાંતિ હણાઈ ગઈ છે. ઘરમાં સતત સન્નાટો છવાયેલો રહે છે. જતનથી સાચવેલા કાચ પર એક ન દેખાય એવી પણ નાનકડી શી તિરાડ પડી ગઈ છે એની કરચ વાગી ના જાય એવી સાવચેતી નીરજ અને અનુરાધા બંને રાખીને જીવી રહ્યા છે. નિરાલી સાથે અનુબેન પહેલા જેવા સ્વભાવિક બનીને વાત કરે છે પરંતુ એમના અંદરની અને અંતરની ઉષ્મા થીજી ગઈ છે. અજાણતા પણ નિરાલી અને નીરજ વચ્ચે ક્લેશનું કારણ પોતે ના બને એવી સતત તકેદારીથી ઘરની જવાબદારીઓ નિભાવે જાય છે. એમણે પોતાની જાતને એક એવા કોચલામાં સંકોરી લીધી છે જેને તોડવાની નીરજની કોઈ કારી કામ લાગી નથી. એ દિવસ પછી અનુરાધાએ “ઉંમર થઈ, હવે મોડા જમીએ તો પચતું નથી” એવું કહીને સાંજે વહેલા જમી લેવાનો નિયમ બનાવી લીધો છે. જમીને પોતાના રૂમમાં મન ગમતું વાંચવામાં કે ટી.વી જોવામાં સમય પસાર કરવાનો એ નિયમ આજ સુધી બદલાયો નથી.
અને તેમ છતાં સન્નાટાને પેલે પાર નિરાલીને તો હજુ અનુબેનની વેદના પહોંચી નથી.
Recent Comments