‘એ ખોફનાક ઘટના’
August 29, 2022 at 5:13 pm 1 comment
“વાર્તા સત્ય ઘટના પર આધારીત છે અને પાત્રો તથા સ્થળના નામઠામ ગોપનીયતા જાળવવા બદલી નાખ્યા છે.
ઘણાં બધાનાં જીવનમાં એવી અનેક ઘટનાઓ બનતી હોય જે ક્યારેય વિસરાય નહીં…આજે હું ભૂતકાળના એક એવા સમય પર જઈ રહી છું જ્યાંથી અમારી અમેરિકાના જીવનની શરૂઆત થઈ હતી.
આ હું એટલે પૂનમ.. આ વાર્તાની નાયિકા.. મારી સાથે છે કેટલાક ગણ્યા ગાંઠ્યા પાત્રો જે મારી આસપાસ તો હતા પણ દરેક સમયે સાથે નહોતા.
હાં તો એમાના એક એટલે /મારા પતિ-સંદિપ.
મારી દીકરી- નિરાલી /મારા જમાઈ-માનસ અને એમના બે સંતાન અમન અને આશ્કા
વાર્તાની શરૂઆત થાય છે એ સમય છે ૨૦૧૦નો..
મારી દીકરી એટલે કે નિરાલી અમેરિકન સિટિઝન બની. મારું અને મારાં પતિનું ગ્રીન કાર્ડ ફાઇલ કર્યું. અમે અમેરિકા સેટલ થવાની તૈયારી સાથે આવી ગયાં.
ફાઇલ કર્યા પછી એમ તો કાંઈ તરત આપણા હાથમાં ગ્રીનકાર્ડ આવે નહીં. પહેલાં ફિંગર પ્રિન્ટ અને એ પછી એક સામાન્ય ઇન્ટર્વ્યુની કાર્યવાહી પતે ત્યાં સુધીનો સમય પસાર કરવાનો હતો. મારા પતિ એટલે કે સંદિપને તો તરત જ એક જાણીતાની શોપમાં જોબ મળી ગઈ એટલે એ તો મઝાથી કામે લાગી ગયા.
નિરાલી અને માનસ પણ કામે તો જવાના જ…અમન અને આશ્કા સ્કૂલે..એટલે સવારે ૮થી સાંજે પાંચ સુધી આખા ઘરમાં હું સાવ એકલી. નવેમ્બરનો સમય એટલે અમેરિકામાં કડકડતી ઠંડી. સવાર મોડી ઊગે અને સાંજ તો બપોરે જ જાણે ઢળી જાય. હવે ભારતથી આવ્યા હોય ત્યારે આટલું અંધારું ય પચાવવું અઘરું પડતું.
આ કેવા દિવસો જોવાના આવ્યા છે એવા ઊના ઊના , ફળફળતા નિસાસા એ સમયની કારમી ઠંડીમાં ય નીકળી જતા. ભારતાના ભર્યાભાદર્યા સંયુંકત કુટુંબ અને સતત અવરજવરથી ભર્યા રહેતાં ઘરમાં રહેલી, એટલે સવારે આઠથી સાંજે પાંચ સુધીનો સન્નાટો ય જીરવવો કપરો પડતો..
કેવું છે માનવીનું મન નહીં ? જ્યારે ભરેલાં ઘરમાં સગા સબંધીઓની સતત અવરજવરના લીધે ભાગ્યેજ Me Time મળતો. કંઈક પોતાને ગમતું કરવું હોય એવો સમય મળી જાય તો જાણે ભયો ભયો એવું લાગતું ત્યાં અહીં આવીને જાણે સીધી જ ૧૮૦ ડીગ્રીએ જઈને ઊભી રહી એવું લાગ્યું.
એકદંડિયા મહેલમાં સોનબાઈ એકલા….
અરે ! કોઈ તો આવો…કોઈ તો આવીને મારી સાથે વાત કરો એવી બૂમો મારવાનું મન થતું પણ એ બૂમો ય જાણે ગાઢા ચોસલા જેવી ઠંડીને ભેદીને બહાર ક્યાં કોઈના સુધી પહોંચવાની હતી? સૌ પોતપોતાના કામેથી પાછા આવીને ઘરની ગફોલીમાં ઘૂસી જતાં.
એમ એમ, જેમ તેમ કરતાં દિવસો પસાર તો થવા માંડ્યા. સાંજે સૌ ઘરે આવે ત્યારે એટલું તો સારું લાગતું કે જાણે જીવમાં જીવ આવ્યો.
એવામાં આવ્યા થેન્ક્સ ગિવિંગના દિવસો… જરા સારું લાગ્યું. અમેરિકાના આ તહેવારમાં લોકોનો ક્રેઝ પણ જોઈ લીધો. આપણા રક્ષાબંધનના દિવસોમાં લાગેલા સાડીઓના સેલમાં બહેનોના ટોળે ટોળાં જે રીતે વળતાં એનાથી ય વધીને ટોળાં અહીં જોયાં. આપણાં ત્યાં દિવસ શરૂ થાય અને સાડીઓના શો રૂમ પર જે લાઈનો લાગે અને ધસારો થાય એવો અહીં આટલી ઠંડીમાં સાંજથી શરૂ કરીને મોડી રાત સુધીમાં જોયો…બાપરે!
જાડાં જાડાં જેકેટ ચઢાવીને ખુરશીઓ પર બિરાજમાન લોકોને જોઈને હસવું કે એમની દયા ખાવી એ સમજાતું નહોતું અને પછી તો સ્ટોર ખૂલે એટલે વહેલાં તે પહેલાંના ધોરણે મેળવી લેવા જેવી ચીજો માટે હુડુડુ કરતાં અંદર ધસી જતા લોકોને જોઈને લાગ્યું કે કાળા માથાના માનવી તો બધે જ સરખા ભલે ને પછી એ હોય રંગે ગોરા… જીવ્યા કરતાં જોયું ને જાણ્યું ભલું એમ કરીને દૂર પાર્ક કરેલી ગાડીમાં બેસીને આ ખેલ પણ જોઈ લીધો.
એ પછી આવી ક્રિસમસ. એ ય ચારેકોર ચકાચોંધ રોશની… એ ય જોઈ લીધી. ભારતમાં આપણે જોયેલા ક્રિસમસના દિવસો કરતાં સાવ જુદા જ હોં.
આપણા ત્યાં તો ક્રિસમસ એટલે કે ૨૫મી ડિસેમ્બરથી શરૂ થઈને ૩૧મી ડિસેમ્બર સુધી તા તા થૈયા થૈયા તા થૈ… અને ઝૂમ બરાબર ઝૂમની રાત્રીઓ પણ અહીં એ દિવસોના તાસીરા કરતાં માહોલ તો સાવ જુદો જ નિકળ્યો..
હશે, જેની જેવી રીત. આપણે દેશીઓ તો એટલા મોકળા મનના કે બધું ય વિદેશી અપનાવવા એકદમ તૈયાર.. એટલે આપણે તો ક્રિસમસને પણ અપનાવી લીધી અને સાન્ટા ક્લૉઝને પણ આવકાર્યા.
હવે એટલું મને કોઈ કહેશે કે કોઈ ધોળિયાને દિવાળીમાં દર્શને જતાં જોયા? આપણે એમના પીણાં તો મઝાથી પીવા માંડ્યા પણ કોઈ ધોળિયાઓને છાશ કે શેરડીનો રસ પીતા જોયા?
હશે જેવી જેમની ખેલદિલી. આપણે તો બધું એમનું ય એકદમ ખેલદિલીપૂર્વક અપનાવી લીધું
મૂળ વાર્તાની શરૂઆત તો થઈ પણ હવેની વાર્તા આગળ જરા વળાંક લઈ રહી છે.
હવે અહીં માંડ માંડ હું ગોઠવાતી જતી હતી ત્યાં એક બ્રેક આવ્યો. ક્રિસ્મસના દિવસોમાં મારી દીકરી નિરાલી, માનસ અને એના પરિવારને માનસના મિત્રના ભાઈના લગ્નમાં ડેટ્રોઈટ જવાનું હતું. અહીં લગ્ન માટે ખરું શુભ ચોઘડિયું કોણ જુવે છે? એના બદલે ક્યારે અને કેટલી રજાઓ મળશે એ પ્રમાણે જ ચોઘડિયાંને શુભ માનીને કુર્યાત સદા મંગલમ કરી લેવાનું.
આ બ્રેક આવ્યો ત્યાં સુધી ય વાંધો નહોતો પણ એ સમયે અહીં પરિસ્થિતિ થોડી વણસી હતી. ગેસ સ્ટેશને સેલ્ફ ગેસ લેવાની નવી સીસ્ટમના લીધે ગેસ સ્ટેશને કામ કરનારાઓને કામ પરથી નવરા કરી દીધા હતા. કેટલાક સ્ટોર પણ બંધ થવાના લીધે ઘણાં બધાને પાણીચું આપી દેવામાં આવ્યું હશે કે એવા અન્ય કોઈપણ કારણસર એમને ય જીવનનિર્વાહના ફાંફા પડવા માંડ્યા હશે એટલે એ બિચારાં કરે શું? એ સમયે ઊભી થયેલી મંદીના કારણે જોબમાંથી છૂટા થયેલા નવરા લોકો કરે શું? એમને ય ઘર તો ચલાવવાનું હોય કે નહીં?
આપણે ખાલી આપણું જ વિચારવાનું?
એમાંથી શરૂ થઈ એમની ઈત્તર પ્રવૃતિઓ..પહેલાં એક જૈન દેરાસર તો તોડ્યું. હવે બીજું લાવવું ક્યાંથી ? એટલે પછી એ એરિઆના ભારતીયોના ઘર પર કેટલાક ઘરફાડુઓની નજર ઠરી.
એમને એટલી ખબર ક્યાંકથી મળી હશે કે ભારતીયોના ઘરમાં સોનુ-ચાંદી કે મૂલ્યવાન ચીજો હાથવગી મળી જશે એટલે મોટાભાગે ભારતીયોના ઘરને એ લોકો ટાર્ગેટ કરતાં.
આપણે ભારતીયોને અમેરિકામાં રહીને ય ભારતીયપણું ટકાવી રાખવાના કે દેખાડવાના અભરખા ઘણાં એટલે મોટાભાગના ભારતીયો એમના ઘરના દરવાજાની બહાર સરસ મઝાના ડેકૉરેટિવ તોરણો લટકાવતાં.
ચાલો, ઘરફાડુઓ માટે તો ઘર શોધવાના એકદમ સરળ બની ગયા પણ આવા એક-બે ઘર તૂટ્યા એટલે પાછા આપણે ય સાવચેત તો થઈ જ ગયા હોઈએ ને? બધાએ પોતાના ઘરની બહાર લટકતાં તોરણો ઉતારી તો લીધા પણ ફડક ઊતરી નહીં.
આમ તો હું બહાદુર ખરી પણ હવે આવા સમયે ઘરમાં હું એકલી જ હોઉં એટલે મારા મનમાં ય ફડક તો બેસી જ ગયેલી.
નિરાલી અને માનસે એવું કહ્યું હતું કે, પપ્પા એટલે કે સંદિપ ઘરમાં ન હોય અને ઘરમાં બીજું કઈ કામ ન હોય તો મારે ઉપર મારા બેડરૂમમાં જ સમય પસાર કરવો. સાંજ પડે ત્યારે જો ડર લાગતો હોય તો બેડરૂમ પણ લૉક કરીને જ બેસવું. જો કોઈપણ ઘરમાં ઘુસ્યું હોય તો જરા પણ વાર કર્યા વગર ૯૧૧ કૉલ કરી દેવાનો. પણ એમને આવતા વાર લાગે તો ઘરફાડુ જે માંગે એ ખચકાયા વગર, જરાય આનાકાની વગર આપી દેવાનું સાથે એવું પણ કહ્યું હતું કે, “અમારા માટે તમારાથી વધીને બીજું કશુ જ મૂલ્યવાન નથી એટલે તમારી જાત સાચવી લેવાની બાકી બીજું જે લઈ જાય એ લઈ જવા દેવાનું.”
(સાચું કહેજો હોં હવે આવું સાંભળીએ તો આપણને જરા સારું તો લાગે કે નહીં? લાગે….સ્તો વળી.)
ઓકે..ચાલો તો પછી એમ જ રાખીએ. આપણી જાત સાચવીને બેસી રહીએ એવું નક્કી કરીને હું તો ઉપર મારા બેડરૂમમાં જ સમય પસાર કરતી. વળી એટલું સારું હતું કે મારા બેડરૂમની બારી કમ્યૂનિટિના રસ્તા તરફ હતી એટલે કદાચ કોઈ આ રસ્તા પરથી ડ્રાઈવવૅ પર આવે તો ય તરત જ દેખાય.
હવે એ દિવસે સાંજમાં પરિવર્તિત થવાની તૈયારીવાળી બપોર હતી. ઘરનું વાતાવરણ તો શાંત જ હતું પણ બહારનું ય વાતાવરણે ય સન્નાટાનું જ હતું. આવી શાંતિમાં તો મને મારા ય શ્વાસ સંભળાતા હતા. એવામાં નીચેથી અવાજ આવ્યો.
ખડડ..ખણ…
દિલ એક ધબકારો ચૂકી ગયું ને શ્વાસ ગળામાં આવીને અટકી ગયો.
ફરી એકવાર
ખડડ..ખણ…
હવે તો શ્વાસ જાણે થીજી ગયો પણ ધબકારા તો ધબધબ કરતાં બેવડી ઝડપે ચાલવા માંડ્યા. આજે વિચારું છું તો એમ થાય છે કે જો શ્વાસ થીજી ગયો હોય તો ધબકારા ય અટકી ના જાય, તો પછી બેવડી ગતિએ એ કેવી રીતે ચાલવા માંડ્યા હશે ?
વળી પાછો સન્નાટો …કોઈ પગલાં નહીં, કોઈ અવાજ નહીં. શું હશે? કોણ હશે? મનમાં એક સામટા નવકાર, ગાયત્રી, હનુમાન ચાલીસાનું રટણ ચાલવા માંડ્યું.
એટલામાં ફરી ખડડ..ખણ…
આજે યાદ આવે છે ને તો ય બીકના માર્યા ગાત્રો ગળી જાય છે તો એ વખતે શી હાલત હશે જરા વિચારી તો જુવો…..
એકવાર તો વિચાર આવ્યો કે રૂમ ખોલીને જોઈ લઉં કે શું ચાલી રહ્યું છે ? વળી યાદ આવ્યું કે મારે તો મારો રૂમ ખોલવાનો જ નથી કારણકે એ સમયે ઘરમાં સૌથી મૂલ્યવાન તો હું જ હતી ને મને કોઈ નુકશાન ન થવુ જોઈએ એવું માનસ અને નિરાલી કહીને ગયા હતા ને?
વળી પાછું ખડડ..ખણ…
અરે ! પણ રસ્તા પરથી કોઈને ડ્રાઈવવૅ તરફ આવતા જોયા નથી તો પછી બેકયાર્ડમાંથી કોઈ ઘૂસ્યું હશે?
યાદ આવ્યું, હજુ તો ગઈકાલે જ મારી મિત્ર સ્મિતાએ જ કહ્યું હતું કે એ લોકો મેઇન દરવાજેથી નહીં પણ બેકયાર્ડમાંથી ઘૂસીને બારીનો કાચ કાપીને અંદર આવે છે એટલે અહીં પણ એ લોકોએ એવું જ કર્યું હશે એટલે આ કિચનની બારી તોડવાનો અવાજ હશે?
હે ભગવાન, હું વળી ક્યાં અમેરિકા આવી? હું વળી ક્યાં મારું ભર્યુ ભર્યુ ઘર, ઘરના ટોળાબંધ માણસોમાંથી છૂટી પડીને આ ગ્રીન પતાકડું લેવા લોભાણી? ગ્રીનકાર્ડનાં લીલા પતકડાંના બદલે એમાંથી મને કોઈની લાલ લાલ આંખોના ડોળા દેખાવા માંડ્યા.
ઘર ફરી એકવાર શાંત થઈ ગયું.. મનમાં એ વ્યક્તિનું ચિત્ર ઉપસવા માંડ્યુ. એ એક હશે કે એકથી વધારે? એ કેટલો હટ્ટોકટ્ટો હશે? એ એટલો ઊંચો હશે કે મારી સામે આવીને ઊભો રહેશે તો એને નીચી નજરે જ મારી સાથે વાત કરવી પડશે ને ? એની પાસે કોઈ હથિયાર હશે અને હશે તો એ કયું હશે? એણે ઘરની રેકી કરી હશે તો એને ખબર હશે કે કોઈ ઘરમાં હોવું જોઈએ, તો તો એ હમણાં ઉપર આવવો જ જોઈએ. કદાચ ઉપર આવે તો એને આપી દેવા મેં પણ મારું લેપટોપ, મારા દાગીના, અમેરિકામાં ભાઈ-બહેનને આપવા માટે લાવેલા ચાંદીના મુખવાસના ડબ્બા કાઢીને તૈયાર રાખ્યા.
આ મુખવાસના ડબ્બામાં એને શું સમજણ પડે પણ પીળું એટલું સોનુ અને ધોળી એટલી ચાંદી એમ સમજીને રાજી તો રહેશે ને?
સાથે મનથી એને પ્રાર્થના કરી કે “ઓ ભાઈ, નીચેથી જે મળે એમાંથી જે જોઈએ તે લઈ જા, નીચે છે એ બધા રૂમના ટી.વી , નીચે ઑફિસમાં છે એ બધા લેપટોપ લઈ જા. તું ય રાજી અને તારા છોકરાઓ ય રાજી….અને બાકી હોય તો આ મારું ગ્રીનકાર્ડ પણ તું લઈ લે પણ હવે ઘરમાંથી બહાર જા.”
જો કે આવું તો હું મનમાં જ બોલી હોઈશ કારણકે બાટલીમાં બૂચ માર્યો હોય એમ અવાજ તો ગળામાં ડચૂરો બનીને બાઝી ગયો હતો.
ભલે હું ગમે એટલું કહું પણ ઘરમાં કોઈ ઘૂસ્યું હોય તે એમ કંઈ જાય?
પછી થોડી શાંતિની ક્ષણો પસાર થઈ ગઈ. હાંશ, કોઈએ મારા મનની વાત સાંભળી લીધી લાગે છે. જે હાથમાં આવ્યું એ લઈને ચાલતી પકડી લાગે છે. શાંતિની આ થોડી મિનિટો પસાર થઈ ત્યાં યાદ આવ્યું કે મારે તો ૯૧૧ પર કૉલ કરી દેવાનો હતો એ હું કેમ ભૂલી ગઈ? છોકરાઓ મારી ચિંતા કરે એમ મારે ય એમના ઘરની ચિંતા તો કરવી જ જોઈએ ને? શું ક્હો છો હેં? તત્ક્ષણ મારામાં ઝાંસીની રાણી પ્રવેશ્યાં અને હું જરા હલી..
પણ હાય હાય, ફોન તો નીચે જ રહી ગયો હતો હવે શું?
ત્યાં તો ખડડ..ખણ…
બાપરે! એ સમયે ભયાનક દહેશતથી જે રીતે હું થથરી ગઈ હતી ને, એવી તો એ કારમી ઠંડીમાં બહાર નીકળી હોત તો ય ના થથરી હોત. તત્ક્ષણ આવ્યાં હતાં એવાં ઝાંસીની રાણીએ મારામાંથી વિદાય લઈ લીધી.
એમને ય બીજાં કોઈ કામ હોય કે નહીં?
હવે તો બત્રીસ કરોડ દેવ-દેવીઓના નામનું રટણ પણ ચાલુ થઈ ગયું. હું પોતે-જાતે તાજ્જુબ પણ થઈ ગઈ કે મને આટલા બધા દેવ-દેવીઓના નામ આવડતાં હતાં?
પાંચ-દસ મિનિટ એમ જ વહી ગઈ અને પાછી આખા ઘરમાં શાંતિ પ્રસરી ગઈ.
સમય વહેતો ગયો અને આંખમાંથી પાણી પણ દડ…દડ..દડ…
અને એટલામાં “અજી સુનતી હો” જેવો સાંભળેલો સાદ આવ્યો…
“પૂનમ, ઓ પૂનમ, શું કરે છે? હું આવી ગયો છું. ભૂખ લાગી છે, જમવું છે.”
અરે આ તો સંદિપ, સંદિપનો અવાજ…..જાણે ઘેરી ભૂતાવળમાંથી કોઈએ બહાર ખેંચી હોય એમ હું ખેંચાઈ આવી અને એકદમ બારણું ખોલીને બહાર ….
એટલામાં તો ફરી ખડડ..ખણ…
ઓ ભગવાન, આ શું થઈ રહ્યુ છે? એ લોકો હજુ હશે? હવે શું લેવા રોકાયા હશે ? સંદિપને તો કઈ ખબર જ નહીં હોય ને? ચોક્કસ કોઈ નહીં જ હોય તો જ સંદિપના અવાજમાં આવી સ્વાભાવિકતા હશે ને? જે હોય એ પણ હવે સંદિપ આવી ગયા હતા એટલે થોડી હામ આવી, થોડો શ્વાસ નીચો બેઠો અને ડરતાં ડરતાં પણ હું ય નીચે આવી.
અને ખબર છે એ કોણ હતું? શેનો અવાજ હતો?
કોઈ કાચની બારી તુટી નહોતી, કોઈ ઘરફાડુ ઘરમાં પેઠો નહોતો પણ…….
ખડડ..ખણ…
ફ્રીઝમાં જમા થયેલો બરફ ખડડ..ખણ…કરતો પડતો હતો અને ઊપર બેઠાં એ અવાજથી મારા મોતિયા મરતાં હતાં.
હવે તમે જ બોલો આવી વાત, આવો એ ભયાનક ખોફથી ભરેલો, માંડ માંડ પસાર થયેલો એ દિવસ મને કેમ વિસરે રે? મને તો શું મારી જગ્યાએ તમે હો તો તમને પણ ના જ વિસરે…શું કહો છો?
1.
Vimala Gohil | August 30, 2022 at 12:05 pm
ના જ વિસરે…..પણ અંતે તો 🤣🤣🤣🤣🤣
LikeLike