આન્યા મૃણાલ-પ્રકરણ ૬/ રાજુલ કૌશિક
મૃણાલ અને કૈરવની એ પ્રથમ મુલાકાત હતી. કૈરવમાં પોતાની વાતથી સામેની વ્યક્તિને આંજી દેવાની આવડત હતી.કૈરવ નરસી મોનજીમાંથી માસ્ટર્સ ઓફ ફેમિલી બિઝનેસમાં ગ્રેજ્યુએટ થયા પછી એ પાછો આવીને અજયભાઈના બિઝનેસમાં જોડાઈ ગયો હતો. અજયભાઈએ પણ એને લગભગ પાયાથી શરૂ કરીને બિઝનેસની તમામ બારીકી સમજાવી હતી સરળ સ્વભાવના અજયભાઈ માનતા કે બિઝનેસની સફળતા માત્ર એના ફેલાવાથી માપી ન લેવાય. એનો પાયો મજબૂત હોવો જોઈએ અને આ પાયો એટલે કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મેનેજરથી માંડીને નાનામાં વર્કરનો સંતોષ. ક્યાંક પણ જો એમાં ઓછપ આવે તો એ આખી ઇમારતને ઉધઈની માફક કોરી ખાય. આ સમજ એમણે કૈરવ બિઝનેસમાં જોડાયો એ દિવસથી આપી હતી. જ્યાં સુધી બિઝનેસની વાત આવતી ત્યાં સુધી એ અજયભાઈની તમામ વાતોને ગણીને ગાંઠે બાંધતો એટલે એક બિઝનેસમેન તરીકે એ જામતો જતો હતો. પાયાથી માંડીને ફેલાવા સુધી એની નજર રહેતી. જે રીતે એણે બિઝનેસને સંભાળવા માંડ્યો હતો એનાથી અજયભાઈને એનામાં વિશ્વાસ ઉભો થવા માંડ્યો હતો. એટલે ધીમે ધીમે એમણે પોતાના હોદ્દાને એડવાઇઝરી કમિટી પૂરતો સીમિત કરવા માંડ્યો હતો. જરૂર પડે કૈરવ અજયભાઈની સલાહ ચોક્કસ લેતો અને એને એક્શનમાં મૂકતો પણ ખરો.
પણ જ્યાં એ એને ઑફિસમાંથી એક વાર બહાર નીકળ્યો એટલે એ સદંતર બદલાઈ જતો. મૂળે એના સ્વભાવમાં એની મમ્મી માધવીબેનની છાયા હતી. અનેક બાધા આખડીઓ પછી એમનો ખોળો ભરાયો હતો.
“હે ભગવાન ! આ આખા વારસાને સંભાળનાર આપજે.” પહેલેથી જ એમને મન દીકરાનું જ મહત્વ હતું. ભગવાને એમનું સાંભળ્યું અને પહેલે ખોળે જ અજયભાઈના વારસાને સંભાળનાર આપી દીધો હતો. કૈરવના આવ્યા પછી જે રીતે અજયભાઈનો બિઝનેસ ફાલ્યો હતો એ જોઈને માધવીબેને કૈરવને બત્રીસ લક્ષણો જાહેર કર્યો હતો.
“રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડિલો કોડામણો” એવા કૈરવ માટે પાણી માંગે ત્યાં દૂધ હાજર થવું જોઈએ એવું એમનું ફરમાન હતું. ક્યારેક આટલા બધા લાડકોડ ભારે પડશે એવુ અજયભાઈને લાગતું પણ માધવીબેન અજયભાઈનું કશું જ કાને ધરતા નહીં. અજયભાઈ પણ એ વર્ષોમાં બિઝનેસને જમાવવામાં એટલા રચ્યા પચ્યા રહેતા કે જેટલો સમય એ ઘરમાં હોય ત્યારે બને ત્યાં સુધી એ માધવીબેન સાથે દલીલમાં ઉતરવાના બદલે કૈરવને પોતાની રીતે કેળવવા મથતા.
આમ કૈરવ અજયભાઈની આવડત અને માધવીબેનના અહંકારનુ પરફેક્ટ કોમ્બિનેશન હતો. આજે અત્યારે પણ નિફ્ટના આ ઇવેન્ટને એણે સ્પોન્સર કરી હતી એટલે સૌ કોઈ એને જાણતું જ હશે એવું માની લીધુ હતું અને માની લે તો એમાં ખોટુ પણ નહોતુ કારણકે ઇવેન્ટ શરૂ થયા પહેલા અને અંતમાં પણ અજય ટેક્સટાઇલ અને ગુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝના નામ સાથે એ ગ્રુપના ચેરમેન તરીકે કૈરવનુ નામ એનાઉન્સ થયું જ હતું.
મૃણાલની અસભાનતા માટે સહેજ.. બસ સહેજ અમસ્તો જ એના અહંમ પર છરકો તો થયો હતો. જ્યાં એની સાથે હસ્તધૂનન કરવા માટે ,એની સાથે વાત કરવા માટે પડાપડી થતી હોય ત્યાં કોઈએ એને આમ ધ્યાન પર લીધો નહોતો એ વાત જરા ચણચણી રહી હતી પણ હાલમાં મૃણાલનું વ્યક્તિત્વ અને એની ચારેબાજુ છવાયેલી વાહ વાહથી એ થોડો અંજાયેલો હતો એટલે એણે એણે મનથી પરથી એ વાત ખંખેરીને મૃણાલ તરફ ધ્યાન પોરવ્યું.
સાદી ઓળખથી શરૂ થયેલી વાતચીત ફોર્મલ ડિનર સુધી લંબાતી ગઈ. કૈરવની વાતો અને વ્યક્તિત્વથી બિલકુલ અંજાયા વગર મૃણાલ એની સાથે સહજ વાતો કરતી રહી. વચ્ચે વચ્ચે કૈરવને મળવા તો મૃણાલને અભિનંદન આપવા તો કોઈ મૃણાલને જોબ ઓફર લઈને કે પોતાના બુટિકમાં પાર્ટનરશિપ માટે મળવા અનેક લોકો આવતા રહ્યા. હવે મૃણાલને કૈરવ એક જાહેર હસ્તી છે એનો ખ્યાલ આવતો ગયો. તો કૈરવને મૃણાલ ભવિષ્યની જાહેર હસ્તી બનવાની છે એનો અણસાર આવતો ગયો.
મોડી રાત્રે બંને છૂટાં પડ્યાં ત્યારે કૈરવ એના મનમાં એક નિશ્ચય લઈને નીકળ્યો જેનાથી એ આખી રાત ઉંઘી ના શક્યો અને એના એ નિશ્ચયથી અજાણ મૃણાલ આખી રાત નિરાંતે ઉંઘતી રહી.
Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments