-કૃષ્ણજન્મના પાવનદિને-
શ્રાવણ મહિનો એટલે જાણે ધાર્મિક, સામાજિક તહેવારોની મોસમ. આપણે તો સૌ ઉત્સવપ્રિય. દેશ હોય કે પરદેશ, રામ,કૃષ્ણ, ગજાનન હોય કે શિવ શંભો, સૌ દેવાધિદેવોને પૂજનારા.
અત્યારે પણ શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારથી મંદિરોમાં જાણે ચારેકોર ઉત્સવનો માહોલ જામ્યો છે. નિત નવા વાઘા અને શણગારથી દેવ-દેવીઓની મૂર્તિઓની આભા અને શોભા વધી છે. ફૂલ, ફળથી માંડીને શક્ય હોય એટલાં નિત નવા શણગારવાળા હિંડોળાનાં દર્શનથી મન પ્રસન્ન થઈ જાય છે.
જન્માષ્ટમી જેમ જેમ નજીક આવતી જાય છે એમ મંદિરોમાં ધામધૂમથી ઓચ્છવની તૈયારી આરંભાયેલી જોવા મળે છે. આનંદ તો મનેય એનો એટલો જ છે છતાં કોઈ ક્ષણે વર્ષો પહેલાંની એ જન્માષ્ટમીની રાત યાદ આવે છે. મન આ જરા બધી ધામધૂમમાંથી થોડું ઉદાસીન બનીને ભૂતકાળ તરફ મીટ માંડે છે.
એ જન્માષ્ટમીની રાત પણ આવી જ ઉત્સાહથી ઉજવાઈ રહી હતી.
હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી….
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી.
આખાય વાતાવરણને ભરી દે એવો નાદ ગૂંજ્યો અને ચારેકોર ઉલ્લાસનું મોજું સૌને ઘેરી વળ્યું….આ તો વિશ્વભરના લાડીલા કૃષ્ણના જન્મનો સમય..સૌને પોતાના ઘરમાં પારણું બંધાયું હોય એટલો ઉમંગ હતો. નાના-મોટા સૌ સ્નેહથી સજીને આવ્યા હતા..મોરપીચ્છમાં હોય એટલા રંગોથી જાણે આખાય મંદિરનું પરિસર પણ રંગીન બની ગયું હતું. આ કૃષ્ણ એક એવા લાડીલા ભગવાન છે જેમના તમામ સ્વરૂપો પૂજાય છે અને એમાંય આ તો બાલસ્વરૂપ, એને તો અદકેરા લાડ જ હોય ને? ફૂલોના પારણામાં બિરાજેલા લાલજીનું પારણું ઝૂલાવવા તો સૌ અધીરા બન્યા હતા
કોણ પારણું ઝૂલાવવાનો લહાવો પહેલા લે એવી જાણે હોડ લાગી પણ આ આખાય સમુહમાં એક એવી વ્યક્તિ જોઈ જે એકદમ અલગ તરી આવતી હતી. સાદા પણ સુરૂચિપૂર્ણ વસ્ત્રોમાં એ મહિલાને આ આખા માહોલથી કોઈ જ લેવાદેવા ન હોય એમ એક બાજુ હાથમાં માળા લઈને બેઠી હતી. એમને ન તો આ ઉલ્લાસના ઉછાળામાં ભળવાની ઉત્સુકતા હતી કે ન તો પારણું ઝૂલાવવાની ઉતાવળ હતી…
એમના ચહેરા પરની સૌમ્યતા, શાંતિએ મારું ધ્યાન એમની તરફ ખેંચ્યુ અને ક્યાંય સુધી એમની પર ટકી રહ્યું. આવા ઉમંગભર્યા માહોલમાં આટલી હદે કોઈ અલિપ્ત રહી શકે ખરું? નજરમાં હતી તો માત્ર કૄષ્ણ તરફની તન્મયતા. લાલજીને લાડ લડાવવાના બદલે હાથમાં ફરતી માળાના એક એક મણકાની સાથે બાળ ગોપાળ સાથે મમત્વ સંધાતુ હોય એવો ભાવ હતો.
કૃષ્ણ તો સદીઓથી પૂજાતા આવ્યા છે. એમના દરેક સ્વરૂપ– વાસુદેવનો વંશ, યશોદાનો લાલો, રાધા અને ગોપીઓ સંગની રાસલીલા, સુદામા સાથેની મૈત્રી, એક રાજકારણી તરીકેનો અહોભાવ આજ સુધી ઓસર્યો નથી. કૃષ્ણ વિશે આજ સુધી ઘણું બધુ કહેવાયું છે, કહેવાતું રહેશે. આજ સુધી ઘણું સાંભળ્યું છે અને તેમ છતાં આ ક્ષણે પણ એમના વિશેની વાતો સાંભળવા, વાંચવા- જાણવા અને સમજવાની આતુરતા અકબંધ રહી છે.
પણ તે ક્ષણે કોણ જાણે પેલા બહેનને જોઈને મનમાં કંઈક જુદો જ વિચાર આવ્યો હતો.. આજ સુધી મોટાભાગે કૃષ્ણને- કૃષ્ણ વાસુદેવ, નંદલાલ, જશોદાના જાયા તરીકે જાણ્યા છે પણ જેણે નવ નવ મહિના કોખમાં ગર્ભ ધારણ કર્યો, પ્રસુતિની વેદના ય ભોગવી હશે અને એ પછી ય એક ક્ષણ માતૃત્વને માણવાનો મોકો ન મળ્યો એવા દેવકી, દેવકીના માતૃત્વના ત્યાગનો મહિમા કેમ આજ સુધી અજાણ્યો રહ્યો?
રામની સાથે સીતાએ વનવાસ વેઠ્યાની વાતો ઘણી થઈ પણ મહેલમાં રહીને પણ વિયોગની વેદના સહી એવી ઉર્મિલાની વ્યથાનું શું?
કૃષ્ણનો જન્મ અને જીવન જેને આભારી છે એવી દેવકીની તો વળી સાત સાત સંતાનનો બલિ આપ્યા પછી ય ગોદ તો ખાલી જ ને? કૃષ્ણના જન્મ પહેલાં જ કંસ માટે ભાવિ નિશ્ચિત થઈ ગયું હતું કે દેવકીનું આઠમું સંતાન કંસના મૃત્યુનું નિમિત્ત બનશે. દેવકી અને કંસ તો ભાઈ-બહેન. બહેન માટે તો કેવું ય અદકેરું વ્હાલ ભાઈના મનમાં હોય પણ મોતની ભીતિએ ભાન ભૂલેલા કંસે તો બહેનને સાવ સંતાનવિહોણી કરી દીધી. કારાવાસનો સંસાર અને સંતાનોની હત્યાએ દેવકી પર કેવી ય વીતી હશે?
કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી જશોદાની મમતા તો સૌએ જાણી. યશોદામૈયાએ અદભૂત લાડ લડાવ્યા. પાલક માતા તરીકે જો ક્યારેય કોઈની સરખામણી કરવાની આવે તો સૌથી પ્રથમ યશોદાનું નામ લેવાય. એમના લાલનપાલનની ય ઘણી ગાથાઓ ગવાઈ ત્યારે ય દેવકીની વ્યથા તો સાવ વિસરાઈ જ ગઈ ને? જે કનૈયાના નટખટ બાળપણની વાતો અઢળક કહેવાઈ અને ભવિષ્યમાં પણ કહેવાતી રહેશે એ બાળપણ દેવકીના નસીબમાં ક્યાં? જન્મ આપીને ય જતન કરવાની તક ન રહી એવી દેવકીની કૃષ્ણને જોવાની ઝંખના કેવી હશે? માતા માટે સૌથી અમૂલ્ય સમય હોય પોતાના સંતાનના બાળપણનો. એને પા પા પગલી માંડતા જોવાનો. એ સમય પણ દેવકીના નસીબમાંથી છીનવાઈ ગયો હોય ત્યારે એની વ્યથા ચરમસીમાએ પહોંચી નહીં હોય? યશોદાએ જે બાળ ગોપાળના મુખમાં બ્રહ્માંડના દર્શન કીધા એ બાળકનું મુખ જોવા દેવકી કેવાં તરસ્યાં હશે ? જગતભરની માતા ઇચ્છે કે પોતાનું બાળક કૃષ્ણ જેવું બને એવા કૃષ્ણની માતા- જન્મદાત્રીને તો એના પુત્રને જોવા-મળવા સુધીની ક્ષણો તો યુગ જેટલી લાંબી લાગી હશે ને?
કોણ જાણે પેલી સાવ અજાણી મહિલાનું એક ટકે લાલાની સામે જોયા કરવું અને મને દેવકીનું યાદ આવવું એક સાથે બન્યું અને મારા મનમાં થોડા સમય પહેલાં વાંચેલી કવયિત્રી દેવિકા ધ્રુવની એક કાવ્ય રચના યાદ આવી ગઈ હતી.
શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?
કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.
લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ.
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ.
આઠમની રાતે જીવે ચૂંથારો થાય,
કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
સંતાનના જન્મ સમયે જગતભરની જનની પ્રસવવેદનાથી ક્યાં બાકાત હોય છે. પણ એ વેદનાભરી ક્ષણો પછી એક જીવ એના હાથમાં મૂકાય છે ત્યારે જે માતૃત્વની ધન્ય ક્ષણો અનુભવે એ ધન્ય ક્ષણો દેવકીના નસીબમાં તો નહીં જ ને! આજે કૃષ્ણજન્મના સમયે એ દેવકીને યાદ કરીને આંખ ભીની તો થાય છે જ.
આલેખનઃરાજુલ કૌશિક
Recent Comments