આન્યા મૃણાલ-પ્રકરણ ૫/ રાજુલ કૌશિક
મૃણાલનાં એ ચારે વર્ષ પલકારામાં વીતી ગયાં અને આવીને ઊભી રહી કૉન્વકેશનની સાંજ. એ વર્ષે કૉન્વકેશનમાં લગભગ પોણા બસ્સો સ્ટુડન્ટને ડિગ્રી એનાયત કરવામાં આવી .ચીફ ગેસ્ટ હતા શહેરના પ્રખ્યાત બુટિક બંધેજના મિસ શાહ અને નિફ્ટના બોર્ડ મેમ્બર મિસ ચૌધરી. ચારે બાજુ તાળીઓના ગડગડાટ વચ્ચે “સ્ટુડન્ટ ઓફ ધ યર”ના એવોર્ડ માટે મૃણાલ શ્રોફનું નામ એનાઉન્સ કરવામાં આવ્યુ. શ્રીકાંત અને ગાયત્રીએ ભીની આંખે મૃણાલ માટે જોયેલું સપનું સાકાર થતું જોયું.
બીજા દિવસે આ વર્ષના સ્ટુડન્ટ્સ દ્વારા બનાવેલા ડિઝાઇન વેરના પ્રોફેશનલ ફેશન શોનુ આયોજન કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવ્યુ. આ પ્રસંગે નિફ્ટના વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સના ભાગરૂપે બનાવેલા ડિઝાઇનર કોસ્ચ્યુમનું પ્રદર્શન રેમ્પ વોક કરીને કર્યું હતું. કેઝ્યુઅલ ,પાર્ટીવેર તેમજ ટ્રેડિશનલ ક્લોથ્સની યુનિક ડિઝાઇનો રજૂ થઈ.
જીવનભરના સંભારણા સમો આ દિવસ મૃણાલ માટે એકદમ મહત્વનો બની રહ્યો..એક તો એના ડિઝાઇન કરેલા વસ્ત્રો માટે મળેલા અભિનંદન માટે અને કૈરવની પ્રથમ મુલાકાત માટે.
ફેશન શોમાં ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા બાયર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફેશન શો પત્યા પછી ક્લબમાં એક ફોર્મલ ડિનર રાખવામાં આવ્યું હતું જેમાં નિફ્ટ ફેકલ્ટી, નિફ્ટના સ્નાતકો અને આમંત્રિત બાયર્સ જોડાયા હતા.
“હેલ્લો મિસ મૃણાલ, કોન્ગ્રેચ્યુલેશન્સ. અતિ ઉમળકાભર્યો સાદ અને એથીય ઉમળકાભર્યો હાથ મૃણાલ તરફ લંબાયો. યુ હેવ ડન વન્ડરફુલ જોબ.”
“થેન્ક્સ,” કહીને મૃણાલ આગળ વધવા જતી હતી કે એ ઉષ્માભર્યા સાદે એને રોકી લીધી. આજ સુધી મૃણાલનાં જીવનમાં શ્રીકાંત શ્રોફ સિવાય બીજા પુરુષનું એવું આગમન થયું નહોતું કે જેની સાથે નજીકથી મૃણાલને વાત કરવાનો અવસર આવ્યો હોય.
“બસ ! ખાલી થેન્કસ? બે મિનિટ ઉભા નહીં રહો? એ હાથ હજુ મૃણાલ તરફ લંબાયેલો જ હતો. ના છૂટકે મૃણાલે મૃદુતાથી અને જરા ખચકાટથી પોતાનો હાથ લંબાવ્યો. આમ પણ જે રીતે એ યુવક ઊભો હતો એને ચાતરીને મૃણાલથી આગળ વધી શકાય એવુ નહોતું.
“કૈરવ.. માય સેલ્ફ કૈરવ શેઠ. જાણે જીવનભર છોડવાનો જ ના હોય એમ મૃણાલના લંબાવેલા હાથને એણે થામી લીધો. એનાં પરફ્યુમની સુગંધ સીધી જ મૃણાલના શ્વાસમાં ભળી જાય એટલો નજીક હતો એ. પાંચ ફૂટ અગિયાર ઇંચની ઊંચાઈ ધરાવતા એ યુવકે પહેરેલા ડિઝાઇનર ગ્લાસ પાછળ ચમકતી જરા કથ્થઈ આંખો મૃણાલની આંખોને સીધી જ તાકતી હતી. એને અવગણવો અઘરો જ નહી અશક્ય લાગતા મૃણાલ ત્યાં જ ઊભી રહી ગઈ.
આગળ શું બોલવુ એની અવઢવમાં પડેલી મૃણાલનો હાથ પકડીને જ એ જરા બાજુએ ખસ્યો. મૃણાલને પણ હવે એની પાછળ ખેંચાવુ પડ્યું.
“લાગે છે કે આજ સુધી તમે ક્યારેય આવી રીતે કોઈને મળ્યા નથી.”
“જી?”
“જી.. ક્યાં તમે તમારામાં જ મસ્ત છો અથવા તો અજાણ્યા હોવાનો ડોળ કરો છો નહીંતર કૈરવ શેઠ સાંભળીને પણ તમારા ચહેરા પર કે અવાજમાં કોઈ ઓળખાણની ઝલક જોવા કે સાંભળવા મળી નહીં.”
“જી?”
“અરે ભાઈ, આ જીથી જરા આગળ તો વધો. આ આજની ઇવેન્ટના સ્પોન્સરર અને “અજય ટેક્સ્ટાઇલ”ના નામથી સાવ જ અજાણ હો એવુ તો ના બનવું જોઈએ ને!
ચમકી પડી મૃણાલ. હવે સાચે જ એને લાગ્યુ કે એ એનામાં જ મસ્ત હતી નહીંતર ઇવેન્ટ શરૂ થતા પહેલા અને અંતમાં પણ અજય ટેક્સ્ટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન કૈરવ શેઠનું નામ ધ્યાન બહાર ના રહ્યુ હોત. જરા ભોંઠપનો ભાવ ચહેરા પર આવી ગયો.
“ જો પાછા સોરી ના કહેતા..”
સાચે જ મૃણાલ સોરી કહેવા જતી હતી એ પકડી પાડ્યુ હોય એમ એ બોલી ઉઠ્યો.
“બની શકે ભાઈ, આજની સાંજ તો આમે તમારા નામે હતી ને? સૌનું ધ્યાન તમારા તરફ હતુ પછી તમારું ધ્યાન મારા પડે એવી અપેક્ષા રાખવી ય ખોટીને? પણ આજ સુધી મને સાચી કે ખોટી અપેક્ષા કોને કહેવાય એનો ભેદ જ ખબર નથી પડ્યો લાગતો. બસ મનમાં જે આવે એ જીવનમાં બનવું જોઈએ કે મળવુ જોઈએ એવી અપેક્ષા રાખવાની ટેવ પડી ગઈ છે. એટલે બીજાની જેમ તમે પણ મને ઓળખી લેશો એવુ ધારી લીધુ હતું.”
“જો પાછા સોરી ના કહેતા..” કૈરવને પોતાના વિશે સતત બોલવાની ટેવ હતી. કૈરવ જે માનતો કે જે કહેતો એમાં કશું જ ખોટુ હોઈ શકે નહી એવી ગ્રંથી નાનપણથી જ બંધાઈ હતી.
કૈરવના પિતા અજયભાઈ શેઠે ઘણા વર્ષોની મહેનતના ફળ સ્વરૂપે કૈરવને વારસામાં અજય ટેક્સ્ટાઇલ સોંપી હતી જેમાંથી કૈરવે અજયભાઈની શાખ અને એના નસીબના સાથથી ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રિઝનુ એક્સપાન્શન કર્યુ હતું. એક મદ, એક ખુમાર આવતો જતો હતો એના સ્વભાવમાં. આજ સુધી તો એવું જ બન્યું હતું કે એણે જે વિચાર્યું એ મેળવ્યું હતું.

Entry filed under: આન્યા મૃણાલ, Rajul.
Recent Comments