આન્યા મૃણાલ- પ્રકરણ ૪/ રાજુલ કૌશિક
મૃણાલ અને મમ્મીને પપ્પા તો કેવી રીતે સાચવતા હતા ! એ અજાણ્યા ચહેરાએ પણ મૃણાલને એવી જ રીતે સાચવવી પડશે. મૃણાલને એના અસ્તિત્વનો એક ભાગ બનાવી લેવી પડશે. મમ્મીએ દોરેલા પેલા અર્ધ નારીશ્વરમાં એ પપ્પા અને મમ્મીને એકાકાર થયેલા જોતી એવી જ રીતે મૃણાલ અને એ અજાણ્યો ચહેરો એકાકાર થયેલો જોતી.
પોતાની આસપાસ ફરતા કેમેરામેન અને પત્રકારો ,ટેલિવિઝન માટે લેવાતા ઇન્ટર્વ્યૂમાં મૃણાલ પણ મમ્મીની જેમ એની સફળતાનુ શ્રેય પેલા અજાણ્યા ચહેરાને આપશે એવો મનોમન એક વાયદો પણ એણે એની જાત સાથે કરી લીધો હતો અને કેમ ન કરે? ગાયત્રીને એની સફળતાનો શ્રેય હંમેશાં શ્રીકાંતને જ આપતી જોઈ હતી. ગાયત્રીની સફળતાના રહસ્ય અંગે પૂછવામાં આવતા સવાલોમાં જે નજાકત અને માર્દવતાથી એ શ્રીકાંત તરફ નજર માંડતી ! ઉફ્ફ, આજ સુધી કોઈ સ્ત્રીને કોઈએ આટલા સ્નેહથી પતિ સામે નજર માંડતા કોઈએ જોઈ નહોતી. ગાયત્રીની એ લાક્ષણિક તસ્વીર તો એના ઇન્ટર્વ્યૂ સાથે અખબારમાં મૂકાતી કે ટેલિવિઝન પર રજૂ થતી ત્યારે મૃણાલ ધન્ય બની જતી. આ ધન્યતા પોતે પણ ભવિષ્યમાં ચોક્કસ અનુભવવાની જ છે એવી મનોમન એ ખાતરી એ કરી લેતી. એની સામે પેલો અજાણ્યો ચહેરો પણ શ્રીકાંતની જેમ જ મીઠુ મંદમંદ સ્મિત આપીને એને વધાવી લેશે એવું વિચારી લેતી.
ગાયત્રીનો ચહેરો ફોટોજનિક હતો. પોતાની સફળતાનુ શ્રેય આપતી ગાયત્રી જે અદાથી શ્રીકાંત તરફ નજર માંડતી એ અદાને ઝીલી લેવા જેટલી તત્પરતા શ્રીકાંતને રહેતી એટલી જ તત્પરતા શ્રીકાંતની નજરને ઝીલી લેવા ફોટોગ્રાફરની ય રહેતી.
મૃણાલને યાદ નથી કે ક્યારેય એણે પપ્પા કે મમ્મીને ઊંચા સાદે વાત કરતા જોયા હોય. મીઠો ઝઘડો તો કોની વચ્ચે ન હોય ? મમ્મી અને પપ્પા વચ્ચે પણ થતો. મૃણાલ મોટી થઈને કોના જેવી બનશે કે કેવી બનશે એ અંગે ગાયત્રી અને શ્રીકાંત વચ્ચે હુંસાતુસી ઊભી થતી. ગાયત્રી હંમેશાં કહેતી કે એનાં પેન્ટિંગ્સ તો આજે જે આર્ટ ગેલેરીઓ શોભાવે છે એ કદાચ કાળક્રમે ભૂંસાતાં જશે પણ શ્રીકાંતે લખેલા પુસ્તકો વર્ષો સુધી વંચાતા રહેશે. શ્રીકાંત વર્ષો સુધી એની પાસે ભણી ગયેલા સ્ટુડન્ટના દિલો-દિમાગમાં રહેશે. એટલે એ ઇચ્છતી કે મૃણાલ શ્રીકાંત જેવી શાંત અને સદાબહાર બની રહે.
ગાયત્રીનું અસ્તિત્વ શ્રીકાંત થકી હતું. શ્રીકાંતના સાથ વગર ગાયત્રી આજે જે ઊંચાઈએ છે એની કલ્પના કરવી મૃણાલ માટે મુશ્કેલ હતી. ગાયત્રીની આભા શ્રીકાંતના તેજોવર્તુળને આભારી હતી. જ્યારે શ્રીકાંતનો પોતાનો એક અજવાસ હતો. ગાયત્રી પોતાની જાતને બીજનો ચાંદ કહેતી જે નજરે પડ્યો તો નસીબ. મહિનામાં એક દિવસ અલપઝલપ દેખા દેતો બીજનો ચાંદ તો ઘડીક ચમકીને આકાશમાં આથમી જાય જ્યારે પૂનમની ચાંદનીતો આખી રાત…….
ગાયત્રીની ઉપમા સાંભળીને શ્રીકાંત હસી પડતા.
“તને નથી લાગતુ કે તું કંઈક વધુ પડતું જ મને મહત્વ આપી રહી છો? તારી કલા કે તારી આવડત તો આજે તું શ્રીકાંત સાથે છું એટલે નથી. એ કદાચ બીજા કોઇ અખિલ કે નિખિલ સાથે હોત તો પણ એ તો એમ જ વહેતી હોત.”
“શ્રીકાંત કદાચ તમારી વાત સાચી હોઈ શકે પણ નક્કર હકિકત તો એ છે કે તમારી હાજરીમાં અથવા તો તમારા સાથથી હું વધારે ખીલી શકુ છું. એક નિતાંત શાંતિનો અનુભવ તમારી સાથે મને હંમેશાં રહ્યો જ છે અને એ શાંતિ જ મને સ્થિરતા અને મારા ચિત્રોને સુંદરતા આપે છે. કદાચ બીજા કોઈ અખિલ કે નિખિલ સાથે રહીને મારામાં રહેલી કલા આટલી આવિષ્કાર ન પણ પામી હોત. કોને ખબર સમાજમાં પત્નીને થોડુંઘણું મહત્વ મળે એ દરેક પતિ કે સમાજ ન પણ સ્વીકારી શકે. એવુ બને કે પત્નીએ એની આવડતને ઘર અને વરને સાચવવા પૂરતી મર્યાદિત માની લઈને રાજી રહેવુ પડે? સાચુ કહું છું શ્રીકાંત તમે જ મને હાથ ઝાલીને ઊભી કરી છે એટલું જ નહીં આગળ વધવા માટે મશાલ ધરીને રસ્તો કર્યો છે. સપનામાં જોયેલી એક કેડી કંડારવામાં મારા રસ્તામાં આવતાં ઝાંખરા તમે દૂર કરીને મારા માટે સુંવાળો પથ ઊભો કર્યો છે. તમારા સમ બસ!”
ફરી એકવાર શ્રીકાંત હસી પડતા. “ આ તારી સમ ખાવાની અદાનો તો હું કાયમ કાયલ રહ્યો છું અને ઘાયલ પણ.”
ગાયત્રી પાસે જ્યારે અને એનાં મનની સચ્ચાઈ દર્શાવતા શબ્દો ખૂટી પડતા ત્યારે એ બસ આમ જ તમારા સમ કહીને ઊભી રહી જતી અને એવું નહોતુ કે એ ખાલી કહેવા ખાતર કે શ્રીકાંતને સારું લગાડવા કહેતી. હ્રદયના ઊંડાણથી એ માનતી..
“મારી પાસે મારા મનની વાત કહેવા માટે તમારા જેટલો શબ્દભંડોળ નથી કે નથી લેખનશક્તિ એટલે શું કરું? તમને વિશ્વાસ અપાવવા મારી પાસે આ જ એક આયુધ છે. આ આયુધ પણ આજે જ તમારો મનની શક્તિ પરનો આર્ટિકલ વાંચ્યો એમાંથી જ મને આવડ્યો છે. તમે જ લખ્યુ છે ને કે આયુધ એટલે કોઈ શસ્ત્ર નહીં પણ માનવજીવનમાં કોઈ અકલ્પ્ય પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બચાવે એ આયુધ અને આ આયુધ એટલે મનની શક્તિ , બરાબર ને?”
“અરે બાપરે ! ભારે ભારેખમ શબ્દો તું વાપરતી થઈ ગઈ ને?”
“તો શું કરુ? સંગ એવો રંગ. તમે આટલું બધું સરસ લખો તો એ વાંચીને મારી ભાષા થોડી તો સમૃદ્ધ બને ને? જો જો વળી પાછું એવુ ના કહેતા કે આ સમૃદ્ધિ શબ્દ ક્યાંથી શોધ્યો? એ પણ તમારા આર્ટિકલમાંથી જ જડ્યો છે મને હોં કે.”
આ ‘હોં કે’ બોલવાની ગાયત્રીની લઢણ પણ શ્રીકાંતને ખૂબ ગમતી. આર્ટ ગેલેરીમાં જેટલી સોફિસ્ટીકેટ લાગતી એટલી જ ઘરમાં એ સરળ લાગતી. જીવનની લગભગ અડધી સદી વટાવી ચૂકેલી ગાયત્રી શ્રીકાંત પાસે નવા નિશાળિયા જેવી શીખાઉ બની રહેતી.
ક્યારેક શ્રીકાંતના સ્ટુડન્ટ આર્ટ ગેલેરીમાં મળી જતા ત્યારે એમનો શ્રીકાંત તરફનો અહોભાવ જોતી ત્યારે ગાયત્રીને એક ઉમદા વ્યક્તિની પત્ની હોવાનું ગૌરવ થઈ આવતું અને એ ગૌરવ જ એની સાચી સમૃદ્ધિ છે એમ માનવામાં એને જરાય વાંધો નહોતો.
મમ્મી અને પપ્પા વચ્ચે મૃણાલે આવી તો અનેક મીઠી રકઝક જોઈ હતી, સાંભળી હતી. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ આ મીઠી રકઝક ક્યારેક પોતાના જીવનનો એક હિસ્સો હશે એવુ માની લીધું હતું. પપ્પાના સ્વભાવમાં જોયેલી સમજ અને સ્થિરતા,ચહેરા પરની નિતાંત શાંતિ મૃણાલ પેલા અજાણ્યા ચહેરામાં કલ્પી લેતી.
ખળખળ વહેતી મમ્મીને સંભાળતા પપ્પા તો એને પેલા જટાધારી શિવશંકર જેવા લાગતા. નાની હતી ત્યારે ગંગા અવતરણ વિષે વાંચ્યું હતું. ગંગાજીના પ્રચંડ પ્રવાહને ઝીલી લેવા તૈયાર શિવજી અને પપ્પામાં એને સામ્ય લાગતું.
આવી જ રીતે વહેતી મૃણાલના જીવનને સંભાળવા એવી સ્થિર અને સમજદાર એક વ્યક્તિ આપોઆપ એના મન સાથે જોડાઈ જતી.
ગાયત્રીની નજાકત લઈને જન્મેલી મૃણાલનો વાન શ્રીકાંત જેવો જરા ઉઘડતો હતો. ધીમે ધીમે એનામાં ગાયત્રીનું સ્વરૂપ ઉઘડતું જતું હતું અને ગાયત્રીની કલા પણ. એ તો વાત થઈ મૃણાલ મોટી થયા પછીની પણ એ સ્કૂલમાં હતી ત્યારથી એના ડ્રોઇંગની હંમેશા પ્રશંસા થતી..
એકવાર તો એલિમેન્ટરી સ્કૂલમાં ઇલેક્શનનો માહોલ હતો ત્યારે મૃણાલને એના માટેના હોર્ડિગ્સ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઇલેક્શન માટેના વોટિંગ પૉલ પણ એણે જ તૈયાર કરવાના હતા. નાનકડી મૃણાલનો તો એ દિવસે ઢસ્સો ભારે હતો. જવાબદારીભર્યુ કામ એને સોંપાયુ હતુ. એ દિવસથી જ એ ગાયત્રીના રૂપમાં ઢાળવા માંડી હતી.
બીજા વર્ષે – ‘ફ્યુચર સિટિ ઓફ યોર ડ્રીમ’ -ભાવિ શહેરની કલ્પના ભરેલા મૃણાલના ડ્રોઇંગને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને એનું એ ડ્રોઇંગ તો ‘ચિલ્ડ્રન હેલ્થ કેર હોસ્પિટલ’માં આખા વર્ષ માટે મૂકાયું ત્યારે શ્રીકાંત અને ગાયત્રી માટે કોઈ આર્ટ ગેલેરીના એક્ઝિબિશન કરતાં ય એનુ મહત્વ અનેક ઘણું વધી ગયું હતું. મૃણાલના હાથમાં કસબ હતો. એની નાનકડી આંગળીઓ જે રીતે ડ્રોઇંગ પેપર પર ફરતી અને જે સિફતથી એ એમાં રંગો ભરતી એ જોયા પછી બીજા જ દિવસે શ્રીકાંત એના માટે નાનકડી ઇઝલ અને કેન્વાસ લઈ આવ્યા. ઘરમાં પણ મૃણાલ કોઈ ખૂણામાં બેઠી બેઠી આર્ટવર્કના પેપર પર કંઈને કંઈ દોર્યા જ કરતી હોય. બધું જ એની કલ્પનાનું. એની કલ્પનાના પણ કોઈ સીમાડા નહોતા.
પછી તો મૃણાલ એક પછી એક સીડીઓ ચઢતી જ ગઈ. કશાય આયાસ વગર, કશાય પ્રયત્ન વગર કે પછી એવી ખાસ કોઈ ટ્રેઇનિંગ વગર પણ મૃણાલ ઊભરતી ગઈ.
અને સાથે સાથે એના મનમાં ગાયત્રી જેવી આર્ટિસ્ટ બનવાનું સપનું પણ ઉછેરતી ગઈ. સમય જતા પપ્પાની છાયા જેવો પેલો અજાણ્યો ચહેરો પણ એના સપનાની દુનિયામાં સચવાતો રહ્યો.
પણ એ ચહેરો જ્યારે કૈરવ બનીને એની સામે આવ્યો ત્યારે ?
Entry filed under: આન્યા મૃણાલ, લઘુ નવલકથા, Rajul.
Recent Comments