બોબ જેસન – (ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ વાર્તા)
બોબ જેસન એનું નામ.
બોબ .. એટલે ડોગવુડ ફોરેસ્ટ સીનિઅર સિટીઝન હોમની એક જીવંત લાશ.
સૌ કોઈના મનમાં વૃદ્ધાશ્રમનું હંમેશા થોડું વરવું ચિત્ર અંકિત થયેલું હોય છે. પણ ઍટલાન્ટાના ડનવુડી એરીઆના આ ડોગવુડ ફોરેસ્ટ સીનિઅર હોમની મુલાકાતે આજ સુધી અંકિત થયેલાં એ વરવા ચિત્રના બદલે જરા જુદી વાસ્તવિકતા નજરે આવે. એકદમ સ્વચ્છ, સ્વસ્થ અને સુઘડ લાગે એવું અહીંનુ વાતાવરણ હતું.
અહીં આવીને પોતાના જીવનનો ઉત્તરાર્ધ પસાર કરી રહેલાં અનેક વયોવૃદ્ધમાંના એક એટલે આ બોબ જેસન.
મેઈન રોડ પરથી શરૂ થઈને એ ઈમારતના મેઈન ગેટ સુધી પહોંચવાના ડ્રાઈવ વેની બંને બાજુએ છવાયેલી લીલોતરી આંખને ઠંડક આપે એવી હતી. અને ત્યારે વિચાર આવે કે બહાર છવાયેલી આ લીલાશ, આ ભીનાશ અંદર રહેતાં લોકોને શાતા આપતી હશે ખરી?
બસ, આવા જ કુતૂહલને વશ થઈને એક દિવસ આ સીનિઅર હોમની મુલાકાત લીધી.
અજબ વાતાવરણ હોય છે આ સીનિઅર સિટીઝન ઘરની માયા છોડીને આ દુનિયામાં પોતાના મનનું સમાધાન શોધી લેતાં હોય છે. સમવયસ્કની સાથે સમમનસ્ક લોકો અહીં એક્બીજા સાથે ભળી જઈ એકમેકના સધિયારે જીવન સંધ્યાનો સમય વ્યતિત કરી લેતાં હોય છે.
પણ સીનિઅર સિટીઝનના માળામાં ભૂલા પડેલા પંખી જેવા આ બોબ જેસનને મન અહીં કોઈ પોતાનું નહોતું. ખરેખર તો હવે એના માટે સ્વજન શબ્દ જ ખોખલો બની ગયો હતો. એની પોતાની વસાવેલી દુનિયાથીજ દૂર, ઘણે દૂર એ ધકેલાઈ ગયો હતો.
આમ જોઈએ તો અહીં વસતાં તમામ સીનિઅર સિટીઝનનો અહીં કાયમી માળો હતો. સૌએ રાજીપાથી રહેતાં શીખી લીધું હોય તેમ લાગતું હતું, સિવાય કે બોબ. દિવસનો ઘણોખરો સમય ડોગવુડ ફોરેસ્ટના બહારના પેસેજમાં જ બેસી રહી અલિપ્તતાથી બહારની અવર-જવર સાથે ઓતપ્રોત રહેતા બોબને ભાગ્યેજ કોઈએ કોઈની સાથે મળતા કે ભળતા જોયા હશે.
લગભગ મારી રોજની મુલાકાતોથી બોબ સિવાય અનેકની સાથે વાતચીત કરવા જેવી સહજતા કેળવાતી હતી.
પણ બોબ સાથે શરૂઆતમાં આત્મિયતાતો દૂર વાત કરવા જેટલી ઔપચારિકતા પણ કેળવવી અઘરી હતી. છતાં મનથી નક્કી કર્યું હતું કે ક્યારેક મનની કોઈ બારી ખુલ્લી હશે તો તેમાં ડોકિયું કરવા મળશે. થોડી ધીરજની જરૂર હતી.એક વસ્તુ તો ચોક્ક્કસ અહીં પણ અનુભવી શકી કે બધાયને થોડી હૂંફની -થોડી મમતાની જરૂર તો હતી જ.
વેલેન્ટીન એટલે ડોગવુડ ફોરેસ્ટની મેનેજર. અહીં રહેતા સીનિઅર સિટીઝનની તમામ જરૂરિયાતોથી માંડીને એમની સવલતોનું, શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખનાર એ શામળી છોકરી અતિ મૃદુ અને મળતાવડી હતી. જે આત્મિયતાથી સૌની સાથે વાત કરતી એ મને સ્પર્શી જતું, અહીં આવીને રહેલાં લોકોના મનનો ખાલીપો ભરવા એ સતત પ્રયત્નશીલ રહેતી.
એક સમય તો ‘લગે રહો મુન્નાભાઇની’ જ્હાનવી યાદ આવી ગઈ. સાતેક વયસ્ક લોકોને પોતાના બાળકની જેમ મમતાથી રાખતી જ્હાન્વી હોય કે ડોગવુડ ફોરેસ્ટની વેલેન્ટીન, બંનેને જોઈને એવું લાગતું કે જ્યાં પોતાના માતાપિતાને સહન કરવા તૈયાર ન હોય તેવા સમયે પારકાને પોતાના ગણવા જેવી સહિષ્ણુતા કેળવવી એ જ ઘણી ઊંચી વાત હતી.
“હેલ્લો, ગુડ મૉર્નિંગ” જેવા ઔપચારિક શબ્દોથી બોબ સાથે શરૂ થયેલા વાતચીતના વ્યહવારમાં એટલું સમજાયું કે સમજવામાં કઠીન લાગતો બોબ કઠોર તો નહોતો જ. ધીમે ધીમે એના મનના કોચલામાં ભરી રાખેલી કેટલીક વાતો બહાર આવવા માંડી.
સાવ ૩૫ વર્ષની ઉંમરે સિવિલ વૉરમાં અગ્રીમ સ્થાને રહીને લડનાર બોબ પરિવારમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. કારણ? સિવિલ વૉર દરમ્યાન બોબના પગે ગોળી વાગી અને તત્કાલિક સારવાર ન મળતા એ ઘા પગમાં ગૅંગ્રીન થઈને વ્યાપી ગયો. જીવન બચાવવા એક અંગ કાઢીને ફેંકી દેવુ પડે એની કેટલી કપરી કિંમત ચૂકવવી પડશે એની તો બોબને કલ્પના પણ ક્યાંથી હોય?
આર્મી હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે ગયેલા બોબને એ દિવસે થયુ કે એનો એક પગ કાપીને જિંદગી બચાવવાના બદલે ડૉક્ટરોએ એને મોતના હવાલે કરી દીધો હોત તો એ શારીરિક જ નહી પણ માનસિક યાતનામાંથી પણ બચી જાત. વૉરમાંથી એક પગ ગુમાવીને આવેલો, વ્હીલચેર સ્થિત બોબ એની પત્ની અને પરિપક્વ થયેલા બાળકોને ખપતો નહોતો. બોબ માટે શારીરિક ઘા કરતાં આ ઘા ઘણો કારમો હતો. અને એ અહીં ડોગવુડ સીનિઅર હોમમાં આવીને વસ્યો.
જિંદગીની શરૂઆતની આર્મીની કમાણી અને પાછળથી ગવર્મેન્ટ્ની મહેરબાની પર નભતા ૮૫ વર્ષના બોબને હવે બહારની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. એ ભલા, એમની વ્હીલચેર ભલી અને અભેદ મૌનનું પેલુ કવચ ભલુ. મધર્સ ડે-ફાધર્સ ડે કે થેન્ક્સ ગિવીંગ ડે પર મળવા આવતાં સંતાનો સાથે બહાર જતા બાકીના કોઈ સીનિઅયર સિટીઝને ક્યારેય બોબને મળવાં આવતાં કોઈને જોયા નથી કે નથી જોયા બોબને આ દુનિયામાંથી બહાર નીકળતા. ઘર કહો કે સંસાર એમના રૂમથી શરૂ થઈને આ પરિસર સુધીની વ્હીલચેર સુધીની સફરમાં આ બધુ સમાઈ જતુ હતું.
ડોગવુડ સીનિઅર હોમના ઉષ્માભર્યા વાતાવરણમાં ક્યારેક તો આ બોબ જેવી હિમશીલા ઓગળશે એવી પ્રાર્થના સિવાય એના માટે બીજું કશું જ ક્યાં સૂઝે એમ હતું?
Recent Comments