એષા- ખુલ્લી કિતાબ સમાપના સમયે થોડી વાત..
એષા-ખુલ્લી કિતાબ નવલકથાથી વિશેષ જીવનકથા છે જેમાં એષા અને એષાના જીવનમાં બનેલી સત્ય ઘટનાઓનું સાતત્ય જળવાય એવી રીતે આપ સૌની સમક્ષ મૂકી.
એષાને, એના જીવનચક્રને, એષાના સંબંધોને એક ખુલ્લી કિતાબની જેમ આપ સૌની સમક્ષ મૂક્યાં ત્યારે આપ સૌએ એષાને એક પાત્ર તરીકે નહીં પણ અંતરંગ વ્યક્તિની જેમ આવકારી.
એષાની કથા અને વ્યથાને લઈને આપ સૌએ જે વ્યથા અનુભવી એ આપ સૌ એષા-ખુલ્લી કિતાબના પ્રત્યેક પ્રકરણના અંતે વ્યકત કરી.
એષાની જીવનકથા એવી છે કે જેમાં ‘કભી ખુશી કભી ગમ’ નહીં પણ, એને એક જ સાથે, એક સમયે જ ખુશીની સાથે વેદનાની પળો જીરવવાની આવી છે. એષા જીરવીને ટકી ગઈ.
હું જે એષાને ઓળખું છું એ એષાની વાતને જ્યારે તમારી સમક્ષ મૂકી ત્યારે કોઈ વાચકને પોતાનો કૉલેજકાળ યાદ આવ્યો. એષાની વાત એટલી વાસ્તવિકતાની નજીક હતી કે ઘણાંને એ સમયનાં મોટાભાગનાં ઘરનું વાતાવરણ યાદ આવ્યું. ૭૦ના દાયકા સમયે દીકરા-દીકરીઓએ માતા-પિતાના નિર્ણયો સ્વીકારી જ લેવા પડતાં એ યાદ આવ્યું. શક્ય છે કોઈ વાચકને પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા પડ્યાં હશે એમને એષામાં પોતાની છબી દેખાઈ હશે.
સૌને એષા ગમી. ‘જ્યારે જે મળ્યું છે એને સ્વીકારી લેવાની એષાની માનસિકતા ગમી. હા, સાથે સાથે માત્ર એક યુવતીએ કે એક સ્ત્રીએ જ કેમ પોતાના જીવનમાં બાંધછોડ કરવી પડે એ અંગે પ્રશ્નો પણ થયા. કોઈએ વળી ઘર-પરિવારમાં શત ધર્મયુક્તા, ગુણયુક્ત પત્નીના અભિપ્રાયોનો સ્વીકાર થવો જ જોઈએ એવો મત પ્રગટ કર્યો. વાત તો સાચી જ છે ને? ઘરમાં પતિ અને પત્નીનું વલણ અને ચલણ એક સમાન હોવું તો જોઈએ જ ને!
ડૉક્ટર રોહિતનાં વ્યક્તિત્વનાં બે ભિન્ન પાસાં ઉજાગર થયાં ત્યારે પણ એનાં વિવિધ પ્રત્યાઘાતો જોવા મળ્યાં. મધ્યાંતરે પહોંચેલી કથાનો અંત કેવો હશે એની પણ સૌને ઉત્સુકતા રહી. એના લીધે એવું સમજી શકી કે સહૃદયી વાચક કથા સાથે મન અને ભાવથી જોડાય તો છે જ.
રોહિતના મલ્ટીપલ માયલોમાનાં સમાચારે રોહિત અને એષા માટે સૌને સહાનુભૂતિ ઊભી થતી ગઈ. ડૉક્ટર સંદિપની ક્લિનિકથી શરૂ થઈને રોહિતના સારાં રિપોર્ટથી સૌને આશા બંધાતી હતી તો માઠાં રિપોર્ટથી આશાનો એ પુલ કડડભૂસ થતો લાગ્યો ત્યારે એષાની તૂટતી હિંમત અને રોહિતનો તરફડાટ સૌ સુધી પહોંચ્યાં. સાચે જ એવું લાગ્યું કે વાચકો એષાના સુખે સુખી થયા અને દુઃખે દુઃખી પણ…
કોઈએ આ તમામ ઘટનાઓ એમની આંખ સામે થતી અનુભવી. હસતી રમતી એષાના જીવનના પડાવ કેવા હશે એ વિશે ચિંતિત થયાં.
વહેતી વાર્તાની સાથે સંવેદનશીલ વાચકો વહ્યા. કથાનાં વહેણ સાથે વહેતા રહીને સૌએ મને સહકાર આપ્યો એ માટે ‘એષા -ખુલ્લી કિતાબ’ કથાના સમાપન સમયે આપ સૌ વાચકોનો આભાર.
ફરી મળીશું કોઈ નવી વાત લઈને.
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments