એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૪
રિવાના પ્રશ્નનો જવાબ આપતા એષા બોલી. “હા રશિયન રસી આવી તો ગઈ છે. કાર્તિક, આશિત અને રોહિત તેની અસર, આડ-અસર અંગે સમજવા મથે છે. રોહિત તો સ્થિતપ્રજ્ઞતાથી વર્તે છે. આશિતનું માનવું છે કે, આ રસી હજી ટ્રાયલ લેવલ પર છે અને તેને જોઈએ તેટલી સફળતા મળી નથી. તું હંમેશાં કહે છે ને કે, દરિયામાં ઊઠતું પ્રત્યેક મોજું પાછું વળે ત્યારે આપણાં પગ નીચેની થોડી રેતી એની સાથે સરકાવતું જાય છે. અને બસ હું મક્કમતાથી મારા પગ જડાવીને બેઠી છું.”
”બરોબર, આવી જ રીતે તારી શ્રદ્ધાને ટકાવી રાખજે.”
”રિવા વિજ્ઞાન ભણી છું ને તેથી એક વાત બહુ સ્પષ્ટતાથી માનુ છું કે જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી મને ઝઝૂમવાની તક છે. અને બીજી વાત પેલા તૂટેલી તલવારથી જંગ જીતેલા રાજકુમારની વાર્તા આજે પણ મને યાદ છે.”
રિવાએ એષાનાં દ્રઢ મનોબળને સંકોરતા કહ્યું “એષા, તારી વાત સાચી છે વાર્તાઓ જિંદગીની નિશાળમાંથીજ જન્મી હોય છે. અને એવા અનેક યુદ્ધ છે જે પહેલાં તો મનમાં, જાત સાથે જ લઢી લેવાના હોય છે અને જીતવાના પણ હોય છે.”
એષા કહે “સાંભળ હું જે વિચારી રહી છું તેવો એક સુંદર દાખલો આજે ઓન્કોલોજીની જરનલમાં કાર્તિકે વાંચ્યો અને મારા માટે તેણે મોકલ્યો. અમેરિકાની પ્રસિદ્ધ કેન્સર હોસ્પિટલનાં નિયામકે અને આખી હોસ્પિટલનાં સ્ટાફે કેરનનું એક વીરને છાજે તેવુ બહુમાન કર્યુ અને તેનાં કેન્સર પરના વિજયને ધામધુમથી વધાવ્યો. તેઓ કહેતા કે અમે મહદ અંશે નિષ્ફળ એટલા માટે પણ જતા હતા કે જે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે બહુ ઓછી હકારાત્મક ઊર્જા લઈને આવતા, પરંતુ કેરન અને કેરનની મમ્મી- સીસીલીયા બંને એ કદી અમારા ઉપરનો તેમનો વિશ્વાસ છોડ્યો જ નહોંતો . તેઓ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમિતતાથી ટ્રીટમેન્ટ કરાવતા હતા. તેની નર્સ તો માની જ શકી નહોંતી કે કેરનને દવા અને દુઆ બંનેથી વિજય મળ્યો છે.”
રિવાએ સરસ સમાચાર છે કહીને ફોન મુક્યો અને નિત્યકર્મમાં લાગી.
આચાર્ય શિવાનંદજી હોસ્પિટલ ઉપર આશીર્વચન માટે આવવાના છે તે સમાચાર ઋચાએ આપ્યા અને તેથી એષા હોસ્પિટલ ઉપર પહોંચી. આશિત અને કાર્તિકે રોહિત સાથે ચર્ચા કરી લીધી હતી. આશિત રોહિતને રસી આપ્યા પછીની સંભવિત આડ-અસર અને તકલીફો વિશે સમજાવી ચૂક્યો હતો અને તેને ધ્યાનમાં લઈ તે ચિંતિત પણ હતો. સફળતાની કોઈ જ ગેરંટી પણ ક્યાં હતી અને જે સ્ટેજમાં તેનું દર્દ પહોંચી ગયું હતું તે સ્ટેજ ઉપર આ રશિયન રસીનાં પરિણામો વિવાદાસ્પદ હતા.
કાર્તિક એષાને કહેતો, “મમ્મી, તમે સમજી શકો છો કે આ પ્રયોગ છે, એક અખતરો છે. એક તરફ આગ છે તો બીજી તરફ દરિયો. ટ્રીટમેન્ટ કરાવીએ અથવા ન કરાવીએ, ભય બંને તરફ એક સરખો છે.”
આ વાતો ચાલતી હતીને શિવાનંદજી પધાર્યા. રોહિતે વંદન કર્યા અને તેમણે રોહિતનાં કપાળ ઉપર હાથ ફેરવ્યો. બધા વંદન કરીને શિવાનંદજીનાં આશીર્વચનો સાંભળવા બેઠા. એમણે પણ એ રાજકુમારની વાત કહી. એષા તે સાંભળીને મલકી. શિવાનંદજી શાંત અને ધીર અવાજે કહી રહ્યા હતા, “એક યુધ્ધમાં એક સૈનિક પોતાને ભાંગેલી તલવારથી યુધ્ધ નહીં જીતાય એવો વિચાર કરી તલવાર રણભૂમિ ઉપર નાખીને જતો રહ્યો. હવે તે રાજ્યનો રાજકુમાર લઢતો લઢતો પાછળ પડતો હતો અને દુશ્મનનાં વારથી તેની તલવાર તેના હાથમાંથી છૂટી ગઈ. સહેજ પોતાની જાતને સંભાળીને તેણે આજુબાજુ નજર કરી અને પેલા હતપ્રભ સિપાઇએ ફેંકી દીધેલી તૂટેલી તલવાર તેને મળી ગઈ અને ફરીથી વેગે તે લઢ્યો અને તે યુધ્ધ જીત્યો. બીજે દિવસે તેણે એ સિપાઈને બોલાવી બહુમાન કર્યુ. સિપાઈને તો એમ કે તેને ઠપકો મળશે પણ શિરપાવ મળ્યો. કારણ? કારણ કે એ તૂટેલી તલવાર ત્યાં નાખીને જતો રહ્યો અને એ જ તૂટેલી તલવારથી યુદ્ધમાં વિજય થયો. યુદ્ધ માત્ર તલવારથી જ નથી લડાતા કે વિજય માત્ર તલવારથી જ નથી મળતો. વિજય તો એ તલવારથી લડી શકવાની હામ અને જાત પરનો વિશ્વાસ અપાવે છે.”
આટલું બોલીને શિવાનંદજી અટક્યા. સહેજ ઊંડો શ્વાસ લઈને ફરી વાતનો તાર સાધી લીધો.
મૃદુ અવાજે રોહિત તરફ ફરીને કહ્યું, “તમે બહુ જ નસીબદાર છો. ઘણા રોગીઓનાં રોગ તમે દૂર કર્યા છે અને હજી માનવ સેવાનાં ઘણા યજ્ઞો તમારે કરવાના બાકી છે. મનમાંથી અજંપો કાઢી નાખો. એષાબેન સાથે હજી ત્રીજી પેઢી તમે જોવાનાં છો.”
તેમણે એક ચબરખી લીધી અને તેમાં લખ્યું
“બુદ્ધિ કેરા સીમાડા જ્યાં અટકી ગયા,
સંતો તેને પારનાં સીમાડાને શ્રદ્ધા કહી ગયા.”
આશિત અને કાર્તિક તો છક્ક જ થઇ ગયા. હકારાત્મક ઊર્જાનો જાણે સૂરજ ઝળહળી ગયો.
એષાને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા, “બેન! મનથી મજબૂત રહેજે.”
એષા અને રોહિતને હવે રશીયન રસીની ટ્રીટમેન્ટ શરૂ થાય એની રાહ જોવાની હતી.
આલેખનઃવિજય શાહ
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments