એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧૩
બીજે દિવસે સવારે ચા નાસ્તાનાં ટેબલ ઉપર મીરાંએ વાત કરી ” ધ્રુમિલ માટે એક સારી વાત આવી છે. છોકરી અને ફેમિલી મારા જાણીતા છે. એષા તારી જો મરજી હોય તો હું ધ્રુમિલને વાત કરી જોઉં અને એની તૈયારી હોય તો બંનેની મુલાકાત પણ ગોઠવી શકાય એટલો મારો હક એ છોકરી પર પણ છે.”
”ધરમનાં કામમાં વળી ઢીલ શી અને તું વચ્ચે છું એટલે મારે કોઈ લાંબી તપાસ કરવાની પણ ક્યાં જરુર છે? જો ધ્રુમિલને પસંદ પડે તો અમને કોઈ વાંધો નથી.
અને મીરાંએ મિડીયેટરનું કામ બરાબર સંભાળી લીધું. ધ્રુમિલ અને સ્નેહાને મેળવી આપ્યા. એષા–રોહિત સાથે મુલાકાત પણ કરાવી દીધી.આમ તો દુનિયા ખૂબ નાની છે અને શોધવા બેસીએ તો ઓળખાણના છેડા ક્યાંક તો જોડાતા જ હોય. એવી રીતે ક્યાંકને ક્યાંક તો આ બંને પરિવારોને જોડતી કડી મળી ગઈ. લાંબી તપાસ કે વધુ રાહ જોવાની જરુર નહોતી. બધુંજ ખૂબ સરળતાથી ગોઠવાઈ ગયું.
વળી ફરી એક વાર એષા અને રોહિતનાં દિવસો થોડા વ્યસ્તતામાં પસાર થવાં લાગ્યાં ઋચાનાં લગ્ન પતે ઝાઝો સમય થયો નહતો એટલે ખાસ નવેસરથી કશું કરવાનું હતું જ નહીં. કંકોતરી માટેનું લિસ્ટ તો તૈયાર જ હતું, બસ થોડીઘણી ખરીદી અને જાન જોડીને વડોદરા જવાનું હતું એટલે મન પણ કોઈ ભાર નહોતો.
સરસ રીતે પ્રસંગ ઉકલી ગયો. હવે એશાને ધ્રુમિલની રહી સહી ચિંતા પણ રહી નહિ. સ્નેહાકી સૌમ્ય અને મળતાવડી હતી. બંનેના વિવાહનું નક્કી કર્યું ત્યારથી લગભગ દર રવિવારે ધ્રુમિલ સાથે આણંદ પણ આવતી હતી. અને એષાને તો વળી સૌ પોતાના લાગતા, ત્યાં સ્નેહાને સ્વીકારવામાં ક્યાંવાર લાગવાની હતી!
લગ્ન પછી પણ એ બંનેનો દર રવિવારે આણંદ આવવાનો અનુક્રમ ચાલુ જ રહ્યો. જ્યારે બંને એષા અને રોહિત પાસે આવીને રહેતા ત્યારે મન અને ઘરનું વાતાવરણ ખૂબ પ્રસન્ન લાગતું. આટલા લાંબા સમય પછી એષાને મોટાઇ અને મોટીબેનની સંયુક્ત પરિવારની ભાવના. સમજાતી હતી. ઘરમાં સૌ મંગળ લાગતું હતું.
બે એક અઠવાડિયા પછી રિવા સાથે ફોન ઉપર વાત કરતા એષા બોલી “ઈશ્વર એક હાથે આપે છે તો સામે બીજા હાથે પાછું કેમ માંગી લે છે?”
ઋચા– ધ્રુમિલનું વિચાર્યુ હતું એના કરતા પણ સરસ રીતે ગોઠવાઈ ગયું. એ બંનેની હવે મને કોઈ ચિંતા નથી તો હવે રોહિત માટેની ચિંતા કોરી ખાય છે.”
ધ્રુમિલનાં લગ્ન પછી વળી પાછી રોહિતની તબિયત નરમગરમ રહેવા લાગી હતી એટલે સ્વાભાવિક એષાનાં મનના તળમાં થતી ચિંતા, વિચારોની ઊથલપાથલ હવે એની વાતોમાં વ્યક્ત થવા લાગી હતી. ધ્રુમિલ અને સ્નેહા સાથે ફોન પર વાત કરતી ત્યારે સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતી એષા રિવા પાસે સ્વસ્થ રહી શકતી નહતી.
“બહારથી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરુ છું પણ કોઈક વાર તો એમાં પણ નિષ્ફળ જતી હોઉં એમ મને લાગે છે. જાણે ધ્રુમિલ અને રુચાની લગ્નની જવાબદારી પૂરી કરવાનું નક્કી કર્યું હોય એમ અહીં સુધી તો રોહિતની તબિયતે સાથ આપ્યો પણ હવે તબિયત કથળતી જાય છે, શરીર લથડતું જાય છે.”
રિવા એષાની વેદના સમજી શકતી હતી. નજર સામેજ આપણે આપણી વ્યક્તિને જીવનમાંથી વિદાય લેતી જોવી એ કેટલું કપરું છે એ વિચારી શકતી હતી. એ ઠાલું આશ્વાસન પણ એષાને આપી શકે તેમ નહોતી. નોન મેડિકલ પર્સન હોય તો બરાબર છે પણ અહીં તો રોજબરોજના રિપોર્ટ એષાની હાજરીમાં જ થતા. કોઈ વસ્તુ એષાની નજરની કે જાણ બહાર નહોતી.
ઊધઈએ કોતરી કાઢેલા લાકડાની ફ્રેમ અંદરથી કેટલી પોલી થવા માંડી છે એની એષાને બરાબર જાણ હતી. વારંવાર થતાં બ્લડ ટેસ્ટ, બાયોપ્સીનું રિઝલ્ટ એષાના જ હાથમાં આવતું હતું. મેડિકલ ફીલ્ડમાં કામ કરતા હતાં એટલે બંને જણ પરિસ્થિતિની ગંભીરતા સમજી શકતાં હતાં. ચિંતા વધતી જતી હતી. વાસ્તવિકતાની દુનિયામાં ડહાપણ કે સમજદારીની વાતો કેટલી પોકળ છે એ રિવા પણ જાણતી હતી એટલે બીજું તો કશુંજ એને કહેવાનું, બોલવાનું હતું નહીં અને છતાંય મૂક સધિયારો આપતી હોય એમ એ એષાની સામે જોઈને એની બધી વાતો સાંભળતી હતી.
“તને યાદ છે એષા? કાયમ તું કહેતી હોય છે કે દરિયા કિનારે ઊભા હોઈએ ત્યારે એક મોજું આવે એ તમારા પગ ભીના કરીને પાછું વળી જાય છે. એનું એ મોજુ ફરી પાછુ આવતું નથી. તારે પણ તારા પગ મજબૂત રાખીને ઊભા રહેવાનું છે. મોજું આવીને તારા પગ ભીના કરી જાય તેનો વાંધો નહીં પણ એ મોજું તને ખેંચી ના જાય એટલી મક્કમતા તો તારે જ કેળવવી પડશે ને અને મને વિશ્વાસ છે કે આવતાં મોજાઓ વચ્ચે પણ તું તારી જાતને સ્થિર રાખી જ શકીશ.”
“રિવા, જાણું છું કે, મારે મારી સ્વસ્થતા જાળવ્યા વગર છૂટકો નથી. પ્રયત્ન કરું છું છતાં નજર સામે કાચની શીશીમાંથી સરી જતી સુંવાળી રેતની જેમ સરી જતો સમય અને સ્વાસ્થ્ય જોઈને પેલાં પગ ભીના કરીને પાછાં વળી જતાં મોજાંઓની જેમ પાણી જ સ્વસ્થતા ઓસરી જાય છે.”
રિવાએ એષાના વિચારોની ગતિ રોકવાનો પ્રયત્ન કરતા પૂછ્યું,
“તું કહેતી હતી એ નવી રશિયન રસી આવી કે નહીં?”
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments