-સર્વતોમુખી પ્રતિભાવાન -નિશા બુટાણી
June 17, 2022 at 5:02 pm Leave a comment
નિશા બુટાણી
નિશા એટલે રાત્રી. સૌના જીવનમાં દરેક ઘેરી રાત્રી પછી બીજા દિવસનું પ્રભાત દિવસભરનો ઉજાસ લઈને આવે. પણ આપણે વાત કરવી છે એવી નિશાની જે કોઈનાં જીવનનાં ઘેરાયેલા નિરાશાના અંધકારમાં ઉજાસનું કિરણ લઈ આવે છે.
વાત છે જૂનાગઢ જીલ્લાના નાનકડા શાપુર ગામમાં જન્મેલાં અને હાલ સ્વિટ્ઝરલેન્ડના વતની પણ ગ્લોબલી સૌ સુધી પહોંચેલાં નિશા બુટાણીની. પિતાના ઘરમાં સાદગી અને તે સમયના નિતી નિયમોને આધિન એવા સંયમિત વાતાવરણમાં ઉછરેલાં નિશાબહેન આજે પણ એવા સાદગીભર્યા જીવનના આગ્રહી છે.
‘Simple living high thinking’ માત્ર વાતોમાં જ નહીં વર્તનમાં પણ અપનાવ્યું છે.
માત્ર ૨૧ વર્ષની ઉંમરે નિશાબહેનનાં લગ્ન મૂળ ભારતીય પણ થાઇલેન્ડમાં સ્થાયી થયેલા કિશોરભાઈ બુટાણી સાથે થયાં. પિતાના ઘરનાં ચુસ્ત વાતાવરણમાંથી સીધા જ અતિ મુક્ત અને સંપૂર્ણ અલગ એવા માહોલમાં નિશાબહેનના માથે ઘરથી માંડીને બહારનું સંભાળવાની જવાબદારી આવી. સાવ શરમાળ એવા નિશાબહેન અલગ જ વ્યક્તિત્વ સાથે નિખર્યા.
થાઇલેન્ડ પહોંચીને બીજા જ દિવસે જ્યાં થાઇ સિવાય કોઈ ભાષાનું ચલણ ન હોય ત્યાં બહારનું કામ સંભાળવાનું શરૂ થયું એટલે થાઇ શીખ્યા. અહીંથી શરૂ થયું એમનું ટ્રાન્સ્ફોર્મેશન. ટ્રાન્સ્ફોર્મેશન એટલે કે સર્વાંગી પરિવર્તન. આ ટ્રાન્સ્ફોર્મેશનથી પોતે જે શીખ્યા, જે અનુભવ્યું એના પરથી અન્યમાં સર્વાંગી પરિવર્તન લાવવા એ સતત કાર્યરત રહ્યાં.
સમય જતાં થાઇલેન્ડથી સિંગાપોર અને અંતે સ્વિત્ઝર્લેન્ડ સ્થાયી થયાં પછી નિશાબહેને ૨૦ થી વધુ દેશો અને વિવિધ સંસ્કૃતિના લોકો સાથ કામ કર્યું. હા, સાથે પત્ની, માતા અને ગૃહિણી તરીકેની જબાવદારી પણ સફળતાથી નિભાવી છે.
મિનિસ્ટરી ઑફ સિંગાપોરની કમ્યૂનિટિ ક્લબની લીડરશિપથી શરૂ કરીને સ્વિટ્ઝર્લેન્ડની મલ્ટિનેશનલ કંપનીમાં હ્યુમન રિસોર્સિસ, કસ્ટમર રીલેશન ડાયરેક્ટર અને બે વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પદવી તેમણે સંભાળી.
વર્તમાન સમયમાં ઇન્ડિયન ટ્રેઇનર અસોસિએશનના સર્ટીફાઇડ ટ્રેઇનર, ઇન્ટરનેશનલ ટ્રાસ્ફોર્મેશનલ કોચ એવા નિશાબહેન પાવર ઇન યુ, ગોલ સેટિંગ, કમ્યૂનિકેશન સ્કિલ, ટાઇમ મેનેજમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્વૉટ ઍનાલિસિસ, માઇન્ડ મેપિંગ, ટીમ વર્ક, કૉલેજ ટુ કૉર્પોરેટ, કસ્ટમર્સ ડીલાઇટ, લાઇફ ચેજિંગ હેબિટ્સ જેવા વિષયોથી માનસિક સજ્જતા કેવી રીતે કેળવી શકાય એ ટ્રેઇનિંગ આપી રહ્યાં છે.
આ છે નિશાબહેનના કૌશલ્યની વાત. કૌશલ્ય પછી વાત કરવી છે નિશાબહેનના કમિટમેન્ટ્સની. આ એવા કમિટમેન્ટ્સ છે જે એમણે સમાજ માટે સ્વેચ્છાએ નિશ્ચિત કર્યા છે.
નિશાબહેન કહે છે કે B (Birth) અને D (Death) વચ્ચે રહેલો છે C એટલેકે ( Choice.)
એટલે કે જન્મ અને મરણ વચ્ચેનું જીવન તમારી ચૉઇસ મુજબ, તમારી પસંદગી મુજબ જીવી શકાય.
નિશાબહેનની પસંદગી હતી સમાજ માટે કંઈક કરવાની, સમાજને કંઈક પાછું વાળવાની. પરંતુ આ સઘળું સાવ સહેલું નહોતું. થાઇલેન્ડથી સિંગાપોર સ્થાયી થયાં પછી નિશાબહેને ૨૦૦૧ ઇન્ડો / સિંગાપોરમાં પાર્લામેન્ટમાં જોડાયાં અહીંના રૂલ રેગુલેશનથી માંડીને ઘણું શીખવા મળ્યું જેનાથી એ વધુ વિકસ્યાં.વળી પાછાં એમનાં પતિ શ્રી કિશોરભાઈને બિઝનેસ માટે ઇન્ડિયા જવાની ઑફર મળી જે સાચે જ ખૂબ વિચાર માંગી લે એવી હતી. તે સમયે પતિના વયસ્ક માતાપિતાનો વિચાર કરીને સિંગાપોરથી સઘળું સમેટીને, સિંગાપોરનો પી આર. પાછો આપવાનો નિર્ણય લઈને ભારત પાછાં આવીને ૨૦૦૬માં રોબૉટેક કંપની શરૂ કરી.
વળી પાછાં સ્વીટ્ઝર્લેન્ડની કંપનીએ કિશોરભાઈને બોલાવ્યા. પહેલાં કિશોરભાઈ અને ત્યારબાદ ૨૦૧૫માં છોકરાઓ સાથે નિશાબહેન પાછા આવ્યાં.
આ સમસ્ત પરિવર્તન સાથે એક વિચાર જે બીજ બનીને રોપાયો હતો એ હવે દ્રઢ બનીને એમના મનમાં વિકસવા માંડ્યો હતો. શ્રી કિશોરભાઈનો પણ એમાં સાથ હતો કે હવે જે કામ થાય એ કમાણી માટે નહીં પણ ખરેખર અન્યને સહાયરૂપ થવાય એવું કામ કરવું. અહીં નિશાબહેનનું કૌશલ્ય કામે લાગ્યું.
નિશાબહેનનો ઘણાં વર્ષોનો અનુભવ હતો. નાના ગામમાંથી વિશાળ દુનિયામાં પગ મૂક્યા પછી જ્યાં જે કામ કર્યું એ અનુભવના આધારે એમણે વિચાર્યું કે સમય અને સંજોગોને લઈને હું બદલાઈ શકતી હોઉં તો અન્યને પણ બદલી શકાય. એ વિચારને લઈને એમણે કંપનીના અમ્પ્લૉઇ, વિદ્યાર્થીઓ, વ્યહવારથી માંડીને વ્યવસાય સંભાળતી વનિતાઓ જેવા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ માટે અનેકવિધ વિષયોને સાંકળીને વર્કશૉપના આયોજન કર્યાં. આ તમામ વર્કશૉપના આયોજનમાંથી મળેલાં ધનને એમણે સમાજના જરૂરિયાતમંદ લોકોને સહાય થતી સંસ્થાઓને આપવા માંડ્યાં.
સૌથી મઝાની વાત તો એ હતી કે સમાજને સહાયરૂપ થવાના કાર્યના શ્રીગણેશ સ્વિટ્ઝર્લેન્ડની પોતાની ઑફિસથી કર્યા. એક ગરવી ગુજરાતણને જ આવે એવો એ વિચાર હતો. ઑફિસના ૫૦ જેટલા લોકો માટે ભજીયાપાર્ટી કરી. પોતે ભજીયા બનાવ્યાં અને પતિ તેમજ સંતાનોએ સૌને સર્વ કર્યા. આ પાર્ટી થકી એકત્રિત થયેલા આશરે ૭૦,૦૦૦/થી વધુ રૂપિયા મેંદરડાની એજ એન.જી.ઓ માટે આપ્યાં. આ પ્રાથમિક શરૂઆત પછી નિશાબહેને આજ સુધીમાં પાછું વળીને જોયું નથી. સતત અને અવિરત એ આગળ વધતાં રહ્યાં છે.
નિશાબહેન લગભગ ૨૦૧૧થી અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાઈને મંદબુદ્ધિના બાળકોથી માંડીને મહામારીમાં પીડાતી વ્યક્તિ હોય કે પરિવારની સહાય માટે એ સક્રિયપણે આયોજન કરે છે.
સ્વિટ્ઝર્લેન્ડની મલ્ટીનેશનલ કંપનીમાં હ્યુમન રિસોર્સિસ, કસ્ટમર રીલેશન ડાયરેક્ટર અને બે વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પદવી સંભાળ્યા પછી એમણે એચ આર ડાયરેક્ટર તરીકે રિઝાઇન કર્યુ – લગભગ ૧૧ વર્ષના કાર્યકાળ દરમ્યાન નિશાબહેનને જે બહોળો અનુભવ મળ્યો એમાં એમણે જોયું કે યુવાવર્ગ પાસે શક્તિ છે પણ કોઈ નિશ્ચિત ગોલ નથી ત્યાં એમનો સમય અને શક્તિ બંને વેડફાય છે. સમય તો સૌને એક સરખો જ મળે છે પણ આ સમયનો સદઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એની જાણ નથી. આ વાતને અગ્રીમતા આપીને એ અંગની વર્કશૉપ શરૂ કરી.
અભ્યાસકાળ સંપૂર્ણ થાય પછી આવે કારકિર્દીનો તબક્કો. એચ.આર.તરીકે કાર્ય કરવાથી નિશાબહેનનાં મનમાં એક સ્પષ્ટ ખ્યાલ હતો કે જ્યારે કોઈ વ્યક્તિ નોકરી માટે અરજી કરે ત્યારે એજ્યૂકેશનની સાથે ઍટિટ્યૂડ, ડીગ્રીની સાથે ડિપ્લોમસી પણ કેટલી જરૂરી છે. આ સંદર્ભે રેઝુમી બનાવવાથી માંડીને શું પહેરવું કે કેવી રીતે બોલવું એ અંગે વર્કશૉપ કરી. સ્ટિરિયો ટાઇપ ઇન્ટર્વ્યૂ હોય તો પણ વ્યક્તિનાં પ્રેઝન્ટેશનથી એની પ્રતિભા છતી થાય એ શીખવાડ્યું. ભણતરની સાથે ગણતર કેટલું જરૂરી છે એની વર્કશૉપ લીધી.
આ તમામ વર્કશૉપમાં નિશાબહેને પુસ્તકિયાં જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ નૉલેજ, વાંચનની સાથે વ્યહવારિક જ્ઞાન કેટલું મહત્વનું છે એ શીખવાડ્યું.
જેમ નિશાબહેન નાના કે સંકુચિત સમાજમાંથી વિશાળ વિશ્વમાં પ્રવેશ્યાં અને સફળ થયાં એમ અન્ય યુવતીઓ કે મહિલાઓને સરળતાથી સ્વમાંથી સર્વ સુધી કેવી રીતે વિસ્તરી શકાય એની વર્કશૉપના આયોજન કર્યાં. સામાન્ય પરિવારમાંથી આવતી યુવતિઓ અને મહિલાઓને નિશાબહેન સાથે પોતિકાપણું અનુભવાય એના માટે નિશાબહેન હંમેશા સાડીમાં સજ્જ થતાં. ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતી અને રાજકોટ, જૂનાગઢ કે સૌરાષ્ટ્રના ગામમાં હોય ત્યારે તળપદી ભાષામાં વાત કરીએ તો સૌ સહેલાઈથી એમની સાથે સંકળાઈ જાય છે એવું એ ચોક્કસપણે માને છે.
તો સાથે જ્યાં જે જરૂરી છે એવી અદબ કે શિષ્ટાચારને પણ એટલું જ મહત્વ આપતાં નિશાબહેન ઇસરો જેવી ઇન્સ્ટિટ્યૂટમાં જાય ત્યારે ઉચ્ચ પદવીધારી વ્યક્તિઓ સાથે સહજ બની શકાય એમ અંગ્રેજીમાં સેમિનાર લેવાની ઔપચારિકતા જાળવે છે.
નિશાબહેનના આ તમામ કાર્યની સાથે એમની સૌથી મહત્વની સિદ્ધિની વાત હવે આવે છે.
૨૦૨૦થી શરૂ થયેલા કોવિડના કપરા કાળમાં એમણે જે આર્થિક, સામાજિક સહાય તો કરી જ પણ એનાથી વિશેષ મહત્વની વાત છે માંદગીમાં માનસિકસ્થિરતાની.
ભલભલાં હારીથાકી જાય એવા આ સમયમાં નિશાબહેને વર્ચ્યૂલી, વિ્ડીયો કૉન્ફરસ કે ઝૂમ મીટિંગ કરીને અનેક વ્યક્તિઓને હતાશામાં, આત્મઘાતી વિચારોમાંથી ઉગારી છે.
કોવિડનો ભય ઓછો થતાં નિશાબહેને હાલમાં ભારતની મુલાકાત લીધી ત્યારે સાવ ટૂંકા સમયમાં પણ ૧૫ વર્કશૉપ કરી જેમાં એવી અનેક વ્યક્તિઓને માનસિક ટેકો આપીને સ્થિરતા આપવામાં સફળ રહ્યાં છે.
માણસ માત્ર પરથી જેનો ભરોસો ઊઠી ગયો હોય અને પશુઓના ડૉક્ટર થવા સુધીનો નિર્ણય કરી ચૂકેલી, સાવ નાનપણમાં શારીરિક શોષણથી પીડાતી અને આત્મહત્યા કરવા તૈયાર થયેલી યુવતિને આત્મઘાતી વિચાર અને વલણમાંથી માત્ર એક જ વારની મુલાકાત દરમ્યાન બહાર આણી છે. આ તો માત્ર એક જ વાત છે, નિશાબહેનની આવી અનેક વાતો છે જેના વિશે વાત કરવી હોય તો શબ્દો અને પાનાં ઓછાં પડે.
અંગ્રેજીમાં એક શબ્દ છે વર્સેટાઇલ… જેના અનેક અર્થ છે.
એક વિષય કે વ્યવસાયમાંથી બીજા તરફ સહેલાઈથી જનાર, વિવિધ વિષયોમાં પ્રવિણતા ધરાવનાર, અનેક વિષયોમાં ગતિમાન, અનેકવિધ આવડતવાળું, સર્વતોમુખી પ્રતિભાવાન. દક્ષ-બાહોશ.
નિશાબહેનનું વ્યક્તિત્વ એટલે આ તમામ અર્થનો સરવાળો.
આલેખનઃ રાજુલ કૌશિક
******
Trackback this post | Subscribe to the comments via RSS Feed