એષા ખુલ્લી કિતાબ-૧૨
તે દિવસે રોહિતે આજવા નિમેટા જવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને સારુ લાગતુ હતુ. એષા થોડીક ખચકાઈ પણ પછી ધ્રુમિલને જણાવી દીધું કે તેઓ એમ્બ્યુલન્સ લઇને સાંજે આવશે અને મીરાંમાસીને ત્યાં જમશે. રોહિત તેના વિચારોમાં બહુ જ સ્વસ્થ અને સચોટ હતો અને તે માનતો થયો હતો કે એષાની માનવસેવાની વાતોને યોગ્ય રૂપ આપવા બધી પળોજણોથી દૂર થઈને ખુલ્લા મને વાત કરવી જરુરી હતી. આણંદથી નીકળી એમ્બ્યુલન્સ વડોદરા પહોંચી અને આજ્વા નીમેટાનાં રસ્તે આગળ વધતી હતી ત્યારે એષાને કહ્યુ,
“એષા! મેં તને ખુબ દુભવી છે નહીં?”
“રોહિત! આ શું કહો છો?”
”એષા જો આજે હું બોલીશ અને તુ સાંભળીશ. મને કોઈ પણ વાતે નહીં રોકે કે નહીં ટોકે. ઓકે?”
“રોહિત!…”
“એષા, આજ સુધી હું ઝાઝું બોલ્યો નથી. એ જ મારી પ્રકૃતિ હશે પણ આજે જો હું મારા મનની વાત નહીં કરું તો મને લાગે છે કે મારા મનમાં કાયમનો અફસોસ લઈને જઈશ. આજવાના કિનારે ઢળતી સાંજે આજે મને સાંભળવાની તને સજા ફરમાવું છું.” એષાને બોલતી અટકાવીને રોહિતે પોતાના અવાજમાં જાણે જીદ ઉમેરી.
રોહિતે આ પ્રકારની લાગણી ક્યારેક જ બતાવી હશે. એષાને મનમાં આશંકા સાથે તો થઈ પણ રોહિતની ઇચ્છા મુજબ તેમની પ્રિય જગ્યાએ ઝાડનાં ટેકે ડ્રાઇવર પાસે પથારી પથરાવી અને ડ્રાઇવરને કહ્યુ નજીકમાં રહેજે સૂર્યાસ્ત પછી નીકળીશુ.
ડ્રાઇવરના ગયા પછી વાતાવરણને હળવું બનાવવા રોહિત બોલ્યો. ” હવે મારા બોલવાની અને તને મૌન રહેવાની સજાનો આરંભ થાય છે. હસવું કે રડવું એની તને છૂટ છે.”
“રડવાની કોઈ વાત મારે સાંભળવી નથી રોહિત અને સજા તમે મને આપશો? ”
“વાત તો સાચી છે એષા, સજા તો મને ઉપરવાળાએ ફરમાવી દીધી છે. હવે તો હું અંડર ટ્રાયલ કેદી પણ નથી રહ્યો. માત્ર સજાનો અમલ થવાની નિશ્ચિત તારીખ નથી આપી, બસ એટલું જ..ખેર…મેં એક કવિતા હમણા વાંચી તે તને પહેલા કહુ અને પછી મારી વાત.”
એષા તો રોહિતનાં શબ્દોને સાંભળીને વિચારમાં પડી ગઈ. એણે રોહિતે ધરેલી ચબરખી ખોલી અને વાંચવાં માંડ્યું.
જુઓ,મૃત્યુ આવ્યું, લઈ ગયું દુઃખ સર્વ તનનાં
અને આ આત્માને લઈ ગયું શ્રી હરિના શરણમાં.
જીવન નદી જયારે, ભળે પુનિત બ્રહ્મ જળમાં.
તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!
ગિરીશ દેસાઈના મુક્તકે મને બહુજ શક્તિ આપી છે. મને જે દિવસે પહેલો રિપોર્ટ મળ્યો ત્યારથી ખબર હતી કે હવે મારી પાસે ગણ્યાં ગાંઠ્યા દિવસો છે. મારે માથે જેમનું જેમનું દેવુ છે તે પાછુ વાળવા માટે પૂરતા દિવસો નથી. છતાં શક્ય હોય તેટલા પ્રયત્નો હું કરુ છું. એષા સૌથી મોટું મારા ઉપર તારુ દેવુ છે. તેં મારા સંસારને આપણો ગણ્યો. મેં એ આપણાપણાને મારા અહંને કારણે તારું અને મારું એમ વાડા કર્યા. મારા એ અહંને કારણે મેં તને ખૂબ જ દુઃખ આપ્યુ છે પણ હવે જ્યારે મૃત્યુની ઘડી નજદીક આવી છે ત્યારે પણ એ મારા અહંને નહીં ગાળુ તો આટલો મોટો ભાર લઈને હું સુખથી કેવી રીતે મરીશ?”
એષા નિઃશબ્દ થઈને સાંભળતી રહી . તેને સમજાતુ નહોંતુ કે રોહિતને આજે શું થઈ ગયું છે? ઢળતા સૂરજને જોઈ તેણે ફરીથી બોલવાનું શરુ કર્યુ.
“હવે જેટલા સૂર્યાસ્ત મારે જોવાનાં છે તેના કરતા ઘણા વધુ સૂર્યોદય તને પ્રભુએ આપેલા છે તેથી મારી પાછળ શોક ન કરીશ, લોકલાજે પણ નહીં. છોકરાંઓને સુદ્ધાંને શોક કરવા દઈશ નહીં કારણ કે મને ભગવાને તેમને ત્યાં બોલાવતા પહેલા આ દેહનાં દંડ અહીં દઈને શુદ્ધતા બક્ષી છે. જે સ્વરૂપ જન્મ સમયે હતુ તે સ્વરૂપે મને બોલાવે છે.આમ વિચારવાથી મારા દેહનાં દંડો હળવા થાય છે. લાખો કેન્સર કોષો ધીમે ધીમે મને ખાય છે અને તમે સૌ મને તે રીતે ખવાતો જોવા નથી માંગતા તેથી મારા જીવન માટેનો અદભુત જંગ ખેલો છો. હા કદાચ તેનાથી મને થોડુંક આયુષ્ય મળશે પણ હવે તેની મને બહુ ખેવના નથી. કારણ કે મત્યુનાં હાથમાંથી છીનવીને જિંદગીએ જેટલા શ્વાસો મને આપ્યા હતા તે ઘટવા માંડ્યા છે.
જેમ જન્મ સમયે મારી મા મારી સાથે હતી તેમ મૃત્યુ સમયે મારી પ્રિય સખી એષા હશે.”
રોહિતની આંખો આંસુઓ સારતી હતી. એષા પણ ભીંજાતી હતી..એષાએ ક્યારેય જેનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો એવી વાત આજે રોહિતે કરી હતી..
રોહિત થોડો શાંત થઈને બોલ્યો,
“એષા તારે તો રડવાનું જ નથી. કારણ કે તેં તો મને તારું સર્વે સર્વા આપ્યું છે અને હજી આપે છે. મુરખતો હું હતો કે જે ખાલી લેવાનું જ સમજ્યો હતો.. આપવાનું તો જાણે જાણતો જ નહોંતો અને તેની તો આટલી ભયાનક સજા પ્રભુએ કરી છે.”
એષા અત્યારે રોહિતને રડવા દેવાનાં મતમાં નહોંતી પણ તેની વાતોમાં જે ઊંડુ દુઃખ હતું તે નીકળી જાય તે માટે તે મૌન રહી.
રોહિત આગળ બોલ્યો “ઋચા અને ધ્રુમિલ તેમની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે અને તારે હજી એકલુ જીવવાનું છે. તેમના સહારાને તારો આધાર બનાવવા કરતાં તારી રીતે રહેજે.”
એષા હવે બોલી, “રોહિત! પોચકા ના મૂકો અને એમ કેમ માનો છો કે તમને હું કેન્સર સામેની આ લડતમાં હારવા દઈશ?”
રોહિતને પાણી આપતા તે ફરી બોલી.” કેન્સર ઉપર વિજ્ઞાન સતત એક ય બીજા પ્રકારે વિજયી બન્યું છે બસ તેમ જ હું પણ તેને ખાળીશ.”
રોહિતને એશાની સ્વસ્થતા અને નિડરતા ગમી.
“એષા! હું માનું છું કે મારુ આયુષ્ય ખુટ્યુ હશે તો આપણો સાથ ખંડીત થશે. પરંતુ તારી માફી માંગીને હું ભારમુક્ત થયો હોય એવું અનુભવી રહ્યો છું, “
“ના તેમ કરી મનથી તમે યમરાજાને કહી દીધું કે હું તૈયાર છું તુ મને ગમે ત્યારે લઇ જઇ શકે છે.” એષા અકળાઈને બોલી ઊઠી.
રોહિત ડૂબતા સૂરજને જોઈ રહ્યો…એષા મનોમન રડતી રહી. આજે માફી માંગીને રોહિતે તેના ઉપર ગુસ્સે થવાનો હક્ક છીનવી લીધો….
એ દિવસ નજીક આવી રહ્યો છે તે વાતનો અણસાર પણ તેને રોહિત પાસેથી જોઈતો નહોંતો. તે શક્ય હોય એટલા ધમપછાડા કરીને, દવાથી માંડીને દુવાના સહારે રોહિતને મત્યુનાં મુખમાંથી પાછી લાવવા કટીબધ્ધ હતી. તેથી તેણે કહ્યું, “રોહિત તમને કશુ થશે કે નહીં તેની વાતો જવાદો ટાઈફોઈડનો દર્દી જેમ ઊભો થઇ જાય તેમ તમે ઊભા થઇ જશો. મારી સાથે માનવમંદીરનાં યજ્ઞમાં તમારે મને સાથ આપવાનો છે તે તમને ખબર છેને?
રોહિતે એક નિઃસાસો નાખતા કહ્યું મલ્ટીપલ માયલોમા એ ટાઈફોઈડ નથી એષા..
આલેખનઃ વિજય શાહ
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments