એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૯- વિજય શાહ.
ડૉક્ટર સંદિપ શાહની ક્લિનિકના વેઇટિંગ રૂમમાં એષાએ રોહિતની બીમારીનો જે ચિતાર રજૂ કર્યો એ સાંભળીને રિવા ડઘાઈ ગઈ. કેવી રીતે અને કયા શબ્દોમાં એ એષાને સાંત્વન આપે! છતાં જે જરૂરી હતું એ રિવાએ કર્યું. ચહેરા પરથી આઘાત અને વિચારોમાંથી કુશંકાની કાંચળી ઉતારીને એષાની સામે મક્કમતાથી જોયું.
“એષા, એટલો વિશ્વાસ રાખજે કે આ જંગમાં તું એકલી નથી. ઈશ્વર પર શ્રદ્ધા રાખજે. ડૉક્ટર સંદિપ શાહના હાથની જશરેખા ખાસ્સી લાંબી છે. સહુ સારા વાના થશે.”
એષા મૌન સંમતિ આપતી હોય એમ ડોકું હલાવ્યું. પણ બંને ક્યાં જાણતાં હતાં કે આ સાંત્વન સાવ ઉપરછલ્લું કે પોકળ ઠરશે?
વેઇટિંગ રૂમના બીજા છેડે એક રૂમમાં બેડ પર સૂતેલા રોહિતના સાવ ફિક્કા પડી ગયેલા ચહેરાથી કરણને એના શરીરની નબળાઈનો અણસાર આવતો હતો. માંડ બોલી શકતા રોહિતને જોઈને વાત કરવાની કરણની હિંમત પણ થતી નહોતી.
રોહિત અને કરણની ગણીને રોકડી એકાદ બે મુલાકાતના લીધે એટલી આત્મીયતા ઊભી થઈ નહોતી. આ સમયે હાથ થામીને મૂક આશ્વાસન આપવા સિવાય કરણ બીજું કંઈ કરી શકે એમ પણ નહોતો. રોહિતની આંખોમાં તરવરતી ચિંતા કરણને ડરાવી રહી હતી.
રોહિત ડૉક્ટર હતો એટલે એની બીમારીની ગંભીરતા એણે સમજી લીધી હતી અને કદાચ મનથી સ્વીકારી લીધી હતી. જાણતો હતો કે ગમે એટલી ઊંચાઈએ ઊડતી સમડી સપાટામાં નીચે ઊતરીને પોતાનો ભક્ષ્ય એના તીક્ષ્ણ ચાંચમાં જકડી લે એવી રીતે મૃત્યુ ગમે ત્યારે આવીને એના જીવનને કોઈ પણ ક્ષણે જકડી લેશે. એ જાણતો હતો કે કેન્સર એટલે કેન્સલ છતાં જીવાદોરી થોડી લંબાવવી જરૂરી હતી અને એટલે જ કોઈ પણ ટ્રીટમેન્ટ માટે એ તૈયાર હતો.
ડૉક્ટરની ક્લિનિક પર આવતાં પહેલાં રિવાએ આશિત સાથે વાત કરી હતી. આશિત પણ આવી ગયો હતો. આ ક્ષણે એ ડૉક્ટર સંદિપ શાહની ઑફિસમાં હતો. બંને રોહિતના રિપોર્ટ સ્ટડી કરી રહયા હતા. કેસ પેપરમાંથી નજર ઊઠાવતા જ બંનેની આંખોમાં દેખાતી શૂન્યતા નકારાત્મક પરિણામ તરફ ઈશારો કરી રહી હતી.
“આશિત, હું સમજુ છું ત્યાં સુધી રોહિતને આ રિપોર્ટ પરથી ભવિષ્યનો અણસાર તો આવી જ ગયો હશે. હવે એષા, રિવા કે કરણને કેવી રીતે એની જાણ કરવી એ તારી પર છે.” સંદિપ શાહના અવાજમાં ડૉક્ટરની ફરજ કરતાં મૈત્રીભાવ વધુ લાગ્યો.
અલ્પ સમયમાં આ આટલું ઝડપથી કેમ અને કેવી રીતે બની ગયું હશે! આશિતના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.
રિપોર્ટ લઈને તે વેઇટિંગ રૂમમાં એષા અને રિવા પાસે આવ્યો. કપરી કટોકટી ભરેલી ક્ષણ હતી. કદાચ એષા રિપોર્ટની ભાષા સમજી શકતી હતી તેથી એને ખોટું આશ્વાસન આપવાનોય કોઈ અર્થ નહોતો. આશિતે રિવાને કહ્યું, “હું રોહિત પાસે જઉ છું જરા સ્વસ્થ થઈને તેના રુમમાં આવો.”
એષા ફક્ત એકજ વાત કહેતી હતી રોહિતને આ રોગ કેમ? રિવા તેની વેદના સમજતી હતી.
“એષા, આજે મેડિકલ સાયન્સ ક્યાંથી ક્યાં પહોંચ્યું છે એની તો મારાં કરતાં તને વધારે ખબર છે. ફાઇન સર્જરીથી માંડીને ટ્રીટમેન્ટ એટલી એડવાન્સ થઈ છે એ મારે તને કહેવાની જરૂર નથી, રાઇટ ? સાથે પેશન્ટના પૉઝિટિવ વલણથી ટ્રીટમેન્ટ પર કેવી સરસ અસર થાય છે એ પણ તું જાણે છે. બસ, આગળપાછળ શું, કેમ એવા સવાલો કરવાના બદલે હવે શું કરવું છે એ દિશાનો વિચાર કર.”
એષાનો હાથ પકડીને રિવા રોહિતના રૂમ તરફ એને દોરી ગઈ. પણ આજ સુધીની એષા અને આજની એષામાં એ આભ જમીનનું અંતર જોઈ શકી. સાવ બેફિકરાઈથી દરેક સંજોગોને પહોંચી વળવાની જોશવાળી એષાનું જોશ જાણે સાવ ઓસરી ગયું હતું.
રોહિતના રૂમમાં ચારેય જણ બેઠા હતા. બહારથી સ્વસ્થ દેખાવાનો ડોળ કરતાં એ સૌ અંદરથી કેટલા ખળભળી ઊઠ્યા હતા એનો અણસાર રોહિતને આવતો હતો. એણે પણ સ્વસ્થ રહેવાનો દેખાવ તો કર્યો જ.
થોડી વારે ડૉક્ટર સંદિપ આવ્યા. રિવા અને કરણ રૂમની બહાર જવા ઊઠ્યાં. એષાએ રિવાનો હાથ મજબૂતીથી પકડીને એને રોકી લીધી. રિવાએ નજરથી કરણને રોકી લીધો.
એડવાન્સ સ્ટેજ પર પહોંચેલા મલ્ટીપલ માયલોમાની ટ્રીટમેન્ટમાં કેમો-થેરાપી શરૂ કરાવાનો નિર્ણય લેવાયો. ડૉક્ટર સંદિપ સિવાય સૌ ચૂપ હતાં. એક ઊંડી આશાના તંતુને પકડીને એમને સાંભળી રહ્યાં.
રિવા અને કરણને મલ્ટીપલ માયલોમા વિશે એટલી જાણકારી નહોતી. પણ એષા જાણતી હતી કે, મલ્ટીપલ માયલોમા એટલે કેન્સર. અને એટલે જ આ વાત કેટલી ઘાતક છે એ સમજતી હતી.
દવા કે કેમો-થેરેપીથી કદાચ…..કદાચ, છ આઠ મહિનાનું આયુષ્ય લંબાઈ શકે. પણ એમ તો એમ, એટલું તો એટલું લંબાશે તો ખરું ને!
મૃત્યુ સામે જંગ મંડાયો, જીવન ક્યાં સુધી ટકશે એની નિશ્ચિતતા નહોતી.
એષાની સામે રિવા ઢીલી પડવા માંગતી નહોતી. રોહિત, એષા બંનેના ભાવિ જીવનની કલ્પના માત્રથી રિવા ધ્રુજી જતી હતી.
ડૉક્ટર સંદિપની વાતો પરથી હવે એને એટલું સમજાયું હતું કે, મલ્ટીપલ માયલોમામાં શરીરની પ્રતિકાર શક્તિ કરતા સફેદ કણો અને શરીરને જરુરી પોષણ આપતા રક્તકણોને શરીરમાં પેદા થતા કેન્સરનાં કણો ખાઈ જાય તેને કારણે રોગ સામે લઢવાની પ્રતિકાર શક્તિ ઘટતી જાય. નવા કણો બનવાની ગતિ કરતા આ ખવાવાની ગતિ વધી જાય એટલે ધીમું પણ મોત નક્કી અને નક્કી જ.
રિવા એષાની પીડા હવે સંપૂર્ણ રીતે સમજી શકી. મૃત્યુ ઝેરી નાગનાં ફૂંફાડાની જેમ સામે દેખાઈ રહ્યું છે ને બચાવવાનાં રસ્તા અપૂરતા છે. એક તો આવો રોગ લાખ દર્દીમાં ભાગ્યેજ બે કે ચાર જણાને થાય છે. નવાઈની વાત હતી કે રોહિતને તે ક્યાંથી થયો. તેના હાડકાં બરડ થઈને બટકી જવાની શક્યતા ઊભી થવાની, કારણ કે કેલ્શિયમ હાડકા દ્વારા શોષાવાને બદલે કેન્સરનાં કોષોમાં શોષાય. હાડકાં પોલાં કે ગળતાં જવાની દર્ક પ્રક્રિયામાં ફક્ત દુઃખ અને દુઃખ જ રહેવાનું. જો કે આ દુઃખને હોર્મોનથી દબાવી શકાય પણ તે હોર્મોન પણ અમુક સમય પછી પેલા કેન્સરનાં કોષોને લીધે સમય જતા અસરહીન થવાના.
રોહિતના જીવનમાંથી હવે એક એક દિવસની બાદબાકી થતી જવાની હતી. જે છ કે આઠ મહિનાનો સમય શેષ હતો એમાં ઋતાને એના નવજીવનમાં પગ માંડતી જોવાની હતી. એ પછી કે એની સાથે જ જો શક્ય હોય તો ઋતાની વિદાય પછીનાં ઘરનો સૂનકાર પુત્રવધૂના પગલાંની આહટથી ભરાતો જોવો હતો.
અરે, હજુ તો એષાની સાથે નિવૃત્તિની પળો માણવી હતી……
ઘણાં સંઘર્ષ પછી માંડ સમથળ ભૂમિ પર એષા અને રોહિત આવીને ઊભા હતાં. હવે હાથમાં હાથ અને જીવનભરનો સાથ માણવાનાં નિરાંતવા દિવસો શરૂ થયા હતા. ઝાકળભીનાં લીલાછમ ઘાસમાં નિશ્ચિંત મને હળવાશભર્યા ખુલ્લા પગે ચાલવાની મોજ માણી શકાય એવી સવારો શરૂ થઈ હતી. અને એ સમથળ ઝાકળભીની ભૂમિમાં અચાનક આ મલ્ટીપલ માયલોમા નામના થોરના કાંટા……… ??
આલેખન
વિજય શાહ
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments