Archive for May 20, 2022
‘ચાર્લી’
“એ દિવસે કેટલાં વર્ષે ચાર્લી મને મળ્યો! આમ તો એ મારો પેશન્ટ. વાર્ષિક ચેક અપ માટે આવવાના નિયમ મુજબ વર્ષ પૂરું થાય એટલે મારી ઑફિસે આવી જતો. ફિઝિકલ ચેક અપ જેમકે હાઇટ, વેઇટ, બ્લડ પ્રેશર વગેરે તો મારી આસિસ્ટંટ લઈને ચાર્ટમાં નોંધ કરી લે. ત્યારબાદ મારી સાથે એની મુલાકાત થાય. સાઠ વર્ષની ઉંમરે પહોંચેલા ચાર્લીની હંમેશા પ્રસન્ન રહેવાની પ્રકૃતિ મને ખૂબ ગમતી. વિટામિન કે કેલ્સિયમ સિવાય કોઈ બીજી દવાઓની એને જરૂર પડી નહોતી. એ પોતાની શારીરિક સ્વસ્થતા બાબતે ખૂબ ચીવટવાળો હતો. નિયમિત કસરત અને હેલ્ધી ફૂડ હેબિટ, એ એનો પ્લસ પોઇન્ટ હતો. દરેક પ્રકારના વ્યસનથી એ દૂર રહેતો.”
વેટરન ડૅ ની રજાના દિવસે બે-ચાર મિત્રો ડૉક્ટર નિખિલના ઘેર એકઠા થયા હતા. સાંજનો સમય હતો. હાથમાં વાઇનનો ગ્લાસ રમાડતા ડૉક્ટર નિખિલે વાત શરૂ કરી. વાઇનનો એક ઘૂંટડો લઈને સામે પ્લેટમાં મૂકેલા સમોસામાંથી એક સમોસું ઊઠાવ્યું.
ડૉક્ટર નિખિલની આદત હતી. વાતની શરૂઆત કરે, અને વચ્ચે જરા પૉઝ લે. સાંભળનારને પોતાની વાત સાંભળવાની કેટલી ઉત્સુકતા છે, એ જોઈને પછી આગળ વાત વધારે.
અત્યારે પણ સમોસાને ન્યાય આપતા આપતા સામે બેઠેલા મિત્રો સામે એક નજર નાખી. લાગ્યું કે સૌને આગળ સાંભળવાની ઉત્કંઠા છે, એટલે આગળ વાતની ફરી શરૂઆત કરી.
ડૉક્ટર નિખિલ જનરલ ફિઝિશન. સરળ અને હસમુખા સ્વભાવના લીધે એમના પેશન્ટ પણ નિરાંતે અને મોકળા મનથી એમની સાથે વાતચીત કરી શકતા. છેલ્લાં દસ વર્ષથી ચાર્લી એમની પાસે ફિઝિકલ ચેકઅપ માટે આવતો ત્યારે ડૉક્ટર સાથે નિરાંતે વાતો કરતો.
બંને વચ્ચે વાતનો સૌથી મોટો સેતુ બંધાવાનું કારણ બંનેની દીકરીઓ. ચાર્લી જ્યારથી ડૉક્ટર નિખિલ પાસે આવતો થયો, ત્યારે ડૉક્ટરની દીકરી અને ચાર્લીની દીકરી બંને પાંચ વર્ષની ઉંમરે પહોંચેલાં. એટલે દીકરીઓનાં અભ્યાસ, પ્રગતિ, ગમા-અણગમાથી માંડીને બીજી ઘણી બધી વાતો થતી. ડૉક્ટર નિખિલને એક જ દીકરી પણ ચાર્લીના ત્યાં દીકરી પછી દીકરાનો જન્મ થયો, ત્યારથી દીકરી સ્ટેલાની સાથે જ્હોનની વાતો પણ એમાં ઉમેરાઈ.
આ સિલસિલો લગભગ બીજા પંદર વર્ષ, ડૉક્ટરની આશ્કા, ચાર્લીની સ્ટેલા વીસ વર્ષનાં અને જ્હોન પંદર વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યો.
સ્ટેલા અને જ્હોન અન્ય શહેરમાં ભણવાં ચાલ્યાં ગયાં, અને ચાર્લી ફ્લોરિડા મૂવ થઈ ગયો.
ડૉક્ટર નિખિલના પેશન્ટ લિસ્ટમાંથી ચાર્લીનું નામ નીકળી ગયું.
“યાદ છે? હમણાં સપ્ટેમ્બરમાં ડૉક્ટર્સ કૉન્ફરન્સમાં હું ફ્લોરિડા ગયો હતો?.” ડૉક્ટર નિખિલે સૌને પોતાની વાત સાથે સાંકળ્યા.
“હા, બરાબર યાદ છે. કોવિડનું જોર થોડું ઓછું થયું હતું અને તારે જવાનું થયું હતું.” સૌ વતી ડૉક્ટર અતુલે જવાબ આપ્યો.
“રાઇટ, એ વખતે ગયા વગર છૂટકો નહોતો. અને ત્યારે કૉવિડનું જોર ઘણું ઓછું થયું હતું. બુસ્ટર ડૉઝ પણ લેવાઈ ગયો હતો. તેમ છતાં પૂરેપૂરા પ્રિકૉશન સાથે એ ચાર દિવસની કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો.”
ચાર્લીથી શરૂ કરીને ફ્લોરિડા અને કોવિડ સુધી પહોંચેલા ડૉક્ટર નિખિલ હવે ક્યાંથી ક્યાં વાત લઈ જશે એની અવઢવમાં સૌ એમની સામે તાકીને જોઈ રહ્યા.
“આમ તો કૉન્ફરન્સ માટે મિયામી બીચની આખેઆખી ફાઉન્ટેનબ્લુ હોટેલ બુક હતી. સવારથી શરૂ કરીને સેમિનાર, પ્રેઝન્ટેશનથી માંડીને ઈવનિંગ પાર્ટીમાં જ દિવસ પૂરો થઈ જતો. હોટેલની બહાર પણ નીકળવાનું બનતું નહીં. પણ યાદ છે તમને, આપણાં સિનિઅર ડૉક્ટર રોબર્ટ? રિટાયર્ડ થઈને એ ફ્લોરિડા સેટલ થઈ ગયા છે. એમને મળવાની મારી ઇચ્છા હતી અને પ્લાન પણ. એટલે ત્રીજા દિવસે સાંજની પાર્ટીમાં જોડાવાના બદલે હું એમને મળવા નીકળ્યો. ફ્લોરિડા જતા પહેલાં જ એમને મળવાનો સમય માંગી લીધો હતો.
“એમની કમ્યૂનિટિ પર પહોંચવા બુક કરાવેલી કૅબ આવી. કોવિડના લીધે માસ્ક મૅન્ડટરી હતા. મારી જેમ કૅબ ડ્રાઇવરે પણ માસ્ક પહેરેલો હતો. પહેલાં તો બહુ ધ્યાન ન ગયું પણ, જરા વાત કરતા એનો અવાજ જાણીતો લાગ્યો. હવે ડ્રાઇવરની સામેના રિઅર વ્યુ મિરરમાં નજર પડી તો માસ્કની ઉપર દેખાતી આંખો અને ચહેરો થોડા ઓળખાયા.”
“Is’nt you Charly? “ મારાથી એ કૅબ ડ્રાઇવરને પૂછાઈ ગયું.
“Yes Doc. You are very much right. I am same Charly, your patient . એ મને હંમેશા ડૉક કહેતો.
“એને જોઈને આશ્ચર્ય જ નહીં આઘાત લાગ્યો મને. ક્યાં પહેલાનો પરફેક્ટ કસાયેલા બૉડીવાળો ચાર્લી અને ક્યાં આ ખખડી ગયેલો ચાર્લી! પણ એકદમ એને પૂછવાનું ટાળ્યું.
“How is your daughter Aash? ચાર્લીની આશ્કા બોલતા ફાવતું નહીં એ હંમેશા એશ કહેતો. ચાર્લીએ વાતની શરૂઆત કરી. એનો અર્થ એ કે તનદુરસ્તીમાં ફરક પડ્યો હતો. મનદુરસ્તીમાં ફરક નહોતો પડ્યો. પહેલાં જેવી આત્મીયતાથી એણે પૂછ્યું.
“She is fine, just got married.
“Great , congratulation
“And what about your daughter, Stella?
“લગભગ પાંચ વર્ષ પછી મળેલા ચાર્લીના ચહેરા જ નહીં અવાજમાં પહેલાં જેવું જોમ ના વર્તાયું.”
ડૉક્ટર નિખિલ જરા શ્વાસ લેવા અટક્યા અને સૌ સામે એક નજર માંડી. ચારે ડૉક્ટર મિત્રોના ચહેરા પર આગળ ચાર્લીનું શું છે એ જાણવાની આતુરતા જોઈ વાતનો તંતુ સાધી લીધો.
“ચાર્લી એશના સમાચાર સાંભળીને ખુશ તો થયો પણ તરત જ એની ખુશી ઉદાસીમાં પલટાઈ ગઈ. એ મને પૂછતો હતો કે તો તો હવે હું ગ્રાન્ડફાધર પણ બનવાનો ને?
“ક્યારે એ તો ખબર નહીં પણ, એ નસીબ મને મળશે તો ખરું. મેં જવાબ આપીને સ્ટેલા વિશે પૂછ્યું.
“યસ, ડૉક, સ્ટેલાના લગ્ન થઈ ગયાં હતાં.
“હતાં, અર્થાત?
“લગ્ન થઈ ગયાં, બાળક આવવાનું હતું પણ, એક દિવસ ડ્રાઇવિંગ કરતાં, ટેક્સ મેસેજ કરવા ગઈ. ધ્યાન ચૂકી ગઈ અને બહુ ખરાબ અકસ્માત થયો. સ્ટેલા બચી તો ગઈ પણ બાળક ઇન્ટરનલ ઇન્જરીનાં લીધે ન બચ્યું. એ અક્સ્માતે માત્ર એક બાળક જ નહીં, હંમેશ માટે માતા બનવાની શક્યતાય ગુમાવી બેઠી. અને પતિનો સાથ પણ.
“ચાર્લીના જવાબ સાંભળીને મને મૂઢ માર વાગ્યો હોય એવી વેદના થઈ. આશ્વાસનના બે શબ્દો કહેવા જેવો વિવેક હું ચૂકી ગયો. થોડી નહીં, ઘણી વાર સુધી અમે બંને ચૂપ રહયા.
“અને જ્હોન? એના શું સમાચાર ? માંડ હું પૂછી શક્યો.
“He committed suicide.
“આ વળી બીજો આંચકો.
“કેમ, કેવી રીતે? અચકાઈને મેં પૂછ્યું.
“મઝાનો સુખી સંસાર હતો જ્હોન અને કેથીનો. બંને વચ્ચે શું થયું એની ખબર ના પડી, પણ એક દિવસ એ ઘરે પાછો આવ્યો ત્યારે ફ્રીજ પર કેથીની ચિઠ્ઠી હતી કે, હંમેશ માટે એ ઘર અને જ્હોનને છોડીને જઈ રહી છે. જ્હોનનો મારી પર ફોન આવ્યો. અને આ સમાચાર આપીને, વધું કશું પૂછું એ પહેલાં એણે ફોન મૂકી દીધો.
“પંદર મિનિટ પછી સમાચાર આવ્યા કે એણે ડ્રાઈવ વે માં પાર્ક કરેલી ગાડીમાં બેસીને પોતાના લમણાંમાં ગોળી મારીને સ્યૂસાઈડ કરી લીધો છે. હવે કેમ સ્યૂસાઈડ કર્યો એનું કારણ ના પૂછતા ડૉક. કેમકે હવે એનો જવાબ આપનાર નથી રહ્યો અને જેણે કારણ આપ્યું એ ક્યાં છે એની મને ખબર નથી.
“ચાર્લીની વાત પૂરી કરીને ડૉક્ટર નિખિલ અટક્યા. વાત શરૂ કરી હતી ત્યારે સૌના ગ્લાસમાં જેટલો વાઇન હતો, વાત પૂરી થઈ ત્યારે પણ સૌના ગ્લાસમાં વાઇન એટલો જ હતો.
એ સાંજે વચ્ચે મૂકેલી સમોસાની પ્લેટના સમોસા પણ એમ જ અકબંધ રહ્યાં.
રાજુલ કૌશિક
Recent Comments